Wednesday, September 30, 2015

હવે તો જાગો... આ એકવીસમી સદી જ છે...

ડેણકી... આ શબ્દ જીવનમાં મેં હમણાં પહેલી જ વખતે સાંભળ્યો; અને એ પણ મધ્ય પ્રદેશનાં ઇટારસી જેવાં નાનકડા કસ્બામાં! સત્ય શોધક સભાનાં ઉપક્રમે સુરતની કડીવાલા સ્કૂલનાં આચાર્ય શ્રીમાન સિદ્ધાર્થ દેગામી અને શ્રીમાન ખીમજી કચ્છી દ્વારા ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશનાં નાના નાના શહેર-ગામડાઓમાં અંધવિશ્વાસ પ્રત્યે જનજાગૃતિ માટે યોજવામાં આવેલી એક યાત્રામાં મારે તેમાં આમંત્રિત સદસ્ય તરીકે સહયાત્રી બનવાનું બન્યું. સુરતની સત્ય શોધક સભા અંધવિશ્વાસ અને અંધશ્રદ્ધા પ્રત્યે લોકો જાગૃત થઈને વૈજ્ઞાનિક અભિગમ કેળવે તેનાં માટે એક નાનકડો પણ ખૂબ જ સુંદર 'ક્રિયેટીવ' કાર્યક્રમ દેશનાં નાના-મોટા ગામડાઓ, કસબાઓ અને શહેરોમાં ઘૂમી ઘૂમીને કરે છે. અમારી આ યાત્રામાં ઉત્તર પ્રદેશનાં ઝાંસીનાં બુંદેલખંડીય પછાત ગામડાઓથી લઈને છેલ્લે મધ્ય પ્રદેશનાં ઇટારસીમાં વર્ષો પહેલાંથી કચ્છમાંથી ધંધાર્થે સ્થળાંતરીત થઈને પેલાં બુંદેલખંડનાં ગરીબો કરતાં ઘણા બધાં વિકસિત એવા આશરે અઢીસો પરિવારોનાં કચ્છી સમાજ સમક્ષ આ કાર્યક્રમ રજૂ કરવાનું બન્યું. પ્રત્યેક જગ્યાએ આ કાર્યક્રમનાં એક નિશ્ચિત ક્રમ પ્રમાણે અંધશ્રદ્ધા પરનું એક નાટક, પછી તેનો પર્દાફાશ અને છેલ્લે પ્રશ્નોત્તરી હોય.

ઇટારસીમાં આવી જ એક પ્રશ્નોત્તરીમાં ત્યાંના કચ્છી સમાજનાં મહિલા પાંખનાં પ્રમુખ એક બહેન સાથે થયેલી રસપ્રદ પ્રશ્નોત્તરી દરમિયાન દેશભરમાં જુદાં-જુદાં રાજ્યોમાં વ્યવસાય અર્થે ફેલાયેલા માત્રને માત્ર આ કચ્છી પરિવારોને જ અંદરોઅંદર પરેશાન કરતી 'ડેણકી' નામની એક ચીકણી સમસ્યા માટે વપરાતો શબ્દ મે સાંભળ્યો! કાર્યક્રમનાં બીજા જ દિવસે ડેણકી-હાઉથી પીડિત સમાજનાં મહિલા પાંખનાં વડાએ અમને તેમનાં ઘરે આ ડેણકી-સમસ્યા પર ચર્ચા માટે બોલાવ્યા અને એ ચર્ચા દરમિયાન ઉજાગર થયેલાં અમુક ચોંકાવનારા તથ્યોએ અંધવિશ્વાસ એ અશિક્ષા-ગરીબી સાથે જોડાયેલી સમસ્યા છે તેવી એક સ્વાભાવિક માન્યતાનો મૂળથી છેદ ઉડાવી દીધો! અમે આ શહેરમાં આવ્યા તે પહેલાં અમુક પછાત-ગરીબ લોકો જ્યાં બહુમતીમાં વસે છે તે બુંદેલખંડનાં ગામડાઓ ઘૂમેલાં અને તે ગરીબો પણ તેમનાંમાં વ્યાપ્ત બેફામ અંધવિશ્વાસ માટે પોતાની અશિક્ષા-ગરીબીને જ જવાબદાર માનતા હતાં. પરંતુ તેમનાં કરતાં સામાજિક, આર્થિક અને શૈક્ષણિક ક્ષેત્રે ચડીયાતા સમાજને જ્યારે અમે આવી બિનજરૂરી સામૂહિક મનોરુગ્ણ અંધવિશ્વાસની બીમારીઓથી પીડાતો જોઈને મને એવું લાગ્યું કે આ પ્રશ્નને આપણે વિશાળ સામાજિક ફલક પર ચર્ચવો જોઈએ.

તો ચાલો આપણે સમજીએ કે આ ડેણકી કઈ બલાનું નામ છે. કચ્છની દુકાળિયો વિસ્તારમાં મુખ્યત્વે ખેતીનો વ્યવસાય કરતાં હતાં તે છોડીને પછી દેશનાં લગભગ દરેક રાજ્યોનાં નાના-મોટા શહેરોમાં લાકડા અને હાર્ડવેરનાં વ્યવસાયમાં સમૃદ્ધ બનેલા આ કચ્છી પરિવારમાં ક્યારેક કોઈ શારીરિક, આર્થિક કે પછી કોઈ સામાજિક સમસ્યાઓ આવી પડે ત્યારે તેઓ આ સમસ્યા માટે ડેણકીને જવાબદાર હોવાના વહેમથી ઘેરાવા લાગે! તો સવાલ એ થાય કે આ ડેણકી હોય કોણ? કચ્છથી સાથે લાવેલાં અમુક (અ)સામાજિક સંસ્કારનાં કારણે જે જે શહેરોમાં તેઓ વસે છે તે તે દરેક શહેરોમાં માત્ર આ પરિવારોની બે-ત્રણ મહિલાઓને તો તેઓ ડેણકી માની જ બેઠાં હોય! ડેણકી શબ્દનો ભગવદ્ગોમંડળ પ્રમાણે અર્થ જોઈએ તો એક એવી સ્ત્રી કે જેની નજર ભારે હોય, બીજાને વળગાડ રૂપે વળગતી હોય તેવી એક ડાકણ! 

પેલાં ઇટારસીમાં મળેલી જાણકારી પ્રમાણે બેંગ્લોરમાં રહેતી કોઈ ડેણકી હૈદરાબાદમાં પણ નડે અને ચેન્નાઇમાં રહેતી ડેણકી ગોવા શહેરમાં પણ તરખાટ મચાવતી હોય! પણ આ ડેણકીની એક વિશેષતા એ કે હજારો કિલોમીટર દૂરથી કૂદાકૂદ કરીને એ નુકસાન તો પોતાના પારિવારિક વર્તુળો પુરતુ જ કરી શકે પણ બાજુમાં રહેતા બીજા કોઈ અન્ય પડોશીને તો અડકે પણ નહીં! બીજી વળી એક ઓર વિશેષતા કે આ ડેણકીને થતાં સંતાનોમાં દીકરીને પણ ડેણકીપણું વારસામાં મળે અને દીકરો આવા અહોભાગ્યથી વંચિત રહે! ઇટારસીમાં કચ્છી સમાજ સાથે થયેલી ચર્ચામાં જાણવા મળ્યું કે આ શહેરમાં કુલ ત્રણ ડેણકી(જાહેર કરી) છે! પોતાના પર આવી ડેણકીએ કંઈક નજર બગાડી છે એવી ભ્રમણાથી મુક્ત થવા રોજને રોજ કોઈને કોઈ એક ડેણકીનાં ઘરે તેને ગમતી વસ્તુઓનો ઉતાર રાતનાં અંધકારમાં ફેંકી આવે અને બન્ને બાજુએ જીવનને વધુંને વધું અંધવિશ્વાસમાં અંધકારમય બનાવે! પોતાના આંગણું આવા 'ઉતાર'નો ઉકરડો બનતું જોઈને સામાજિક બહિષ્કારનાં ભયના કારણે એક પરિવારે ઇટારસીથી બેંગ્લોર સ્થળાંતર કરવું પડ્યું તો બીજા એક પરિવારે પોતાની વયોવૃદ્ધ માં જેને આ લોકોએ ડેણકી જાહેર કરી છે તેમને ઘરમાં જ નજરબંદ કરી દીધી જેથી આ પરિવાર સામાજિક રીતે બહિષ્કૃત થવાના ભયથી મુક્ત રહી શકે! મારા સહયાત્રી ખીમજી કચ્છીએ મને કહ્યું કે સારું છે આજે અમારા સમાજમાં દીકરીઓની અત્યારે અછત છે નહીં તો પચાસ વર્ષ પહેલાં કચ્છમાં એવી હાલત હતી કે ડેણકી જાહેર થયેલી મહિલાની ગમે તેવી સુશીલ, સંસ્કારી અને સ્વરૂપવાન દીકરીને કોઈ પરણવા રાજી નહોતું!

આ સમાજનાં પ્રમુખને મળીને અમે કહ્યું કે આવી કોઈ ડેણકી-ફેણકી હોતી નથી, જેને પણ આવા વળગાડ હોય છે તે માત્રને માત્ર માનસિક બીમારીઓ જ હોય છે અને તેનો આધુનિક મનોવૈજ્ઞાનિક ઇલાજ કરવો એ જ એક માત્ર યોગ્ય ઉપાય છે નહીં કે પોતાની પાગલ મનોવૃત્તિ માટે કોઈ નિર્દોષ મહિલાને ડાકણ જાહેર કરવી. શામળાજી વિસ્તારમાં વસવાટ કરતા અમુક આદિવાસીઓ તેમણે જાહેર કરેલી આવી ડાકણ મહિલાઓને શુદ્ધ કરવા માટે શિયાળાની કડકડતી ઠંડીમાં, જાહેર મેળામાં એક ખુલ્લા વિશાળ કુંડમાં નિર્વસ્ત્ર કરીને અમુક સમય સુધી ફરજિયાત પણે નવડાવવાની વાત મેં સાંભળી છે! 

આ ગરીબ આદિવાસીઓનાં મુકાબલે બધી જ રીતે ચડીયાતાં કચ્છી સમાજને એક જ વિનંતી કે હવે તો જાગો... ખરેખર એકવીસમી સદીનો સૂર્યોદય થઈ ચૂક્યો છે, સમાજનાં બહુમતી પાગલોને પોતાની સ્વાભાવિક પીડા-સમસ્યા માટે કોઈ નિર્દોષને ડેણકી જાહેર કરીને જવાબદાર ઠેરવવાની માનસિકતા શું આપણને પેલાં આદિવાસીઓ કે કરતાં પછાત જાહેર નથી કરતી?

Sunday, January 4, 2015

ક્રિયેટિવ પેનિક...

છેલ્લાં ઘણાં દિવસોથી આપણાં હિરા બજારમાં 'સિન્થેટીક ડાયમંડ્સ' થી એક ઝબરું 'પેનિક' ઊભું થયું છે. નાનાં-મોટા દરેક ખરીદદારો(Buyers)એ પોતાની ઓફીસનાં દરવાજાઓ ઉપર તૈયાર હીરાઓ વેચવાં માટે આવતાં દલાલો-વેપારીઓને સ્પષ્ટ દેખાય તેવી સૂચનાઓ લગાડી છે કે અમને કોઈપણ વેપારી-દલાલનાં વેચેલાં કુદરતી હિરાઓનાં પેકેટ્સમાંથી આગળ ક્યાંય પણ જો સિન્થેટીક હીરાઓની ભેળસેળ ઝડપાશે તો જે તે ભેળસેળીયા માલનાં પેકેટ્સને રોકડા પેમેન્ટથી પરત લઇ લેવાની શરતે જ અમને વેચવાં. 

દુનિયામાં સૌથી વધારે કિંમતી પદાર્થોનાં કારોબારમાં જેની ગણના થાય છે તેવાં આ હિરા કારોબારની આવી પરિસ્થિતિ માટે જવાબદાર ખરું પરિબળ કયું?  સુરત ડાયમંડ એસોસિયેશનનાં પ્રમુખ દિનેશભાઈ નાવડીયા અને જીજેઇપીસીનાં ચેરમેન વિપુલ શાહે આપેલાં તારીખ ૩ જાન્યુઆરી ૨૦૧૫ નાં  અખબારી નિવેદન પ્રમાણે મોટા ખેરખાંઓની સિન્થેટીક ડાયમંડ્સની ભેળસેળીયા કારોબારની 'કોરી' અફવાઓ કે પછી હિરા બજારમાં કોઇપણ નાનાંમાં નાનાં ઉત્પાદકે પોતાની ઓફીસ ઉપર કોઈ દલાલે વેચવાં માટે (સિન્થેટીક ડાયમંડ્સ છે તેવી સ્પષ્ટતા સાથે જ) લાવેલા આવાં હીરાઓને પોતાની સગી આંખે જોયેલાં(અખતરાં માટે હીરાને તૈયાર કરવાની બધી જ પ્રક્રિયામાં પસાર કરાતાં) આવાં ચમકતા ઉજળાં સ્ફટિક જેવાં મોનોક્રિસ્ટલાઈન સિન્થેટીક ડાયમંડ્સનાં પેકેટ્સ?

દુનિયામાં ઘણી બધી કંપનીઓને આ સિન્થેટીક ડાયમંડ્સનાં ઉત્પાદનનાં શોધકાર્યમાં સફળતા મળી અને તેઓ આજે પણ બિલકુલ પારદર્શિતા સાથે પોતાનાં હીરાઓ અને તેમાંથી બનેલી જ્વેલરીને લેબગ્રોન ડાયમંડ્સનાં નામે જ વેચીને કારોબાર કરે છે. જીજેઈપીસીનાં ચેરમેને ગઈકાલે કહ્યું તેમ આ લેબગ્રોન ડાયમંડ્સનો પુરવઠો નેચરલ ડાયમંડ્સનાં માર્કેટની તુલનાએ ખૂબ જ અલ્પ છે અને તે આધિકારિક આંકડાઓ પ્રમાણે બિલકુલ સત્ય પણ છે જ. પરંતુ ભવિષ્યમાં આવાં અકુદરતી હીરાઓનું ઉત્પાદન અવશ્ય વધવાનું  છે અને આ વધેલા ઉત્પાદનથી ભેળસેળનાં કિસ્સાઓ વધવાનાં એક આગોતરાં ભયથી જ હિરા બજારમાં વધું પેનિક ઊભું થયું હોય તેવું અત્યારે તો જણાય છે.

દુનિયામાં વિકસતાં કોઈપણ કારોબાર એ પછી ખેતી હોય કે હિરા કે પછી સાયબર ટેકનોલોજીનો સાગર કેમ ન હોય ત્યાં ચોર-ઉચક્કાઓ, બદલુંઓ કે હેકર્સનાં એક વિશિષ્ટ કસબી વર્ગનું સહઅસ્તિત્વ તો રહેવાનું જ. પારદર્શિતા અને એડવાન્સ ટેકનોલોજીનાં 'ક્રિયેટિવ' ઉપયોગથી  આવી ઘાલસાજી પ્રવૃતિને કાબુમાં અવશ્ય રાખી શકાય છે. સિન્થેટીક ડાયમંડ્સનું એક ખૂબ જ હકારાત્મક પાસુ એ છે કે આ હીરાઓ ભલે ધરતીનાં પેટાળમાં લાખો-કરોડો વર્ષની ભૂસ્તરીય પ્રક્રિયાથી નથી બન્યાં પણ છે તો તે અદ્દલ કુદરતી હીરાઓ જેવાં જ અને અમુક વાતે તો તેનાંથી પણ ચડિયાતાં છે. આ તથ્ય ભવિષ્યમાં કુદરતી-અકુદરતી હિરા ઉદ્યોગ માટે લાભકારી બનશે કે અભિશાપરૂપ તેનો બધો જ આધાર ભવિષ્યમાં આવાં હિરાઓનું ઉત્પાદન કેટલાં મોટા પ્રમાણમાં-કેટલું સસ્તું થાય છે અને પ્રમાણમાં આવાં હીરાઓનો ઉપભોક્તા વર્ગ કેટલો વિસ્તરીત થાય તેનાં ઉપર જ નિર્ભર છે. 

ચોર-બદલુંમારો BPL થી લઈને Billionaire પણ હોઈ શકે; તેનાંથી સહેજ પણ ડર્યા વગર એડવાન્સ ટેકનોલોજીનાં ભરોસે હિરા બજાર જો હકારાત્મકતાથી વિચારે તો એવી સંભાવનાઓ વધું દેખાય છે કે વર્તમાન સમયે અનુભવાતું આ પેનિક ક્રિયેટિવ બનીને આ ક્ષેત્રમાં કંઈક નવી જ ક્ષિતિજો ખોલી આપે..

Wednesday, December 31, 2014

ભામાશાઓનું 'સિન્થેટીક મેકઓવર'

એવું કહેવાય છે કે આ સૃષ્ટિમાં સૌથી વધું સખત(Hard) પદાર્થ જો કોઈ હોય તો તે હિરો છે અને દુનિયામાં ચાલતા હિરાનાં કારોબારમાં ડી બીયર્સ-ડીટીસી જેવી હિરા જેટલી જ સખત 'મોનોપોલી' ધરાવતી કંપનીઓની દીર્ઘકાલિન વ્યાપારિક રણનીતિનાં કારણે જ 'Hardness 10' જેટલો સખતાઈ આંક ધરાવતાં આ પદાર્થે 'हिरा है सदा के लिए'  જેવી એક અદ્ભુત-અમર્ત્ય શાખ ઊભી કરી.

યુરોપનાં નેધરલેન્ડ-બેલ્જીયમમાં પા પા પગલી કરતાં વિકસેલા આ પ્રતિષ્ઠિત કારોબાર ઉપર  યહુદી વેપારીઓ અને કારીગરોની એક વખતે હથોટી હતી; તેની ઉપર સંયોગે અત્યારે આપણા સુરત તેમજ સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતનાં કારીગર-કરોબારીઓની કાબેલિયતનું રાજ છે અને એટલે જ આજે આખી દુનિયામાં બનતાં દરેક દસ હિરામાંથી નવ જેટલાં હિરા આપણા ગુજરાતનાં સુરત શહેરમાં જ તો બને છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનાં એક વખતનાં નપાણીયા પ્રદેશમાંથી જીવનને બે પાંદડે કરવાનાં આશયથી હિજરત કરીને હિરા તરાશવાની મજૂરી કરવાં માટે જે લોકો વર્ષો પહેલાં સુરત શહેરમાં આવેલાં તેઓમાંથી આજે પોતાનાં અદમ્ય સાહસ, કોઠાસૂજ અને મહેનત થકી અમુક લોકોએ તો ડીટીસી જેવી વિખ્યાત હિરા કારોબારી કંપનીનાં 'સાઈટ હોલ્ડર' બનીને આખી દુનિયામાં નામ કાઢ્યું.

આખી દુનિયામાં આફ્રિકા, કેનેડા, રશિયા અને ઓસ્ટ્રેલીયા જેવાં અનેક દેશોમાંથી હિરાનું ખનન કરીને તેને મેળવાય છે. દેશ અને તેની ભૂસ્તરીય તાસિર પ્રમાણે અલગ અલગ રંગ, ચમક અને શુદ્ધતાનાં લક્ષણો વાળા હિરાઓ પ્રાપ્ત થાય છે. અમેરિકાની જનરલ એસેમ્બલીએ ૨૦૦૩ માં એક એવો સુધારો અમલમાં મુક્યો કે જેનાંથી દુનિયામાં કોઈપણ જગ્યાએથી નીકળેલા હિરાનાં કારોબારથી ઉત્પન્ન થયેલાં નાણા ઉગ્રવાદી સંગઠનો પાસે કે તેમનાં દ્વારા થતી અથડામણો માટે ઉપયોગમાં ન આવે. આ પ્રસ્થાપિત થયેલી પ્રક્રિયાને હિરાની દુનિયામાં કિમ્બર્લી પ્રોસેસ સર્ટીફીકેશન સિસ્ટમ (KPCS) કહેવાય છે અને આવી સિસ્ટમને અનુસરવાની પરંપરા ડીટીસી જેવી એકહત્થું મોનોપોલી ધરાવતી કંપનીઓએ પણ જાળવી અને એટલે જ આ ચમકીલો કારોબાર આફ્રિકાનાં અમુક દેશોમાં ચાલતા કાતિલ સંઘર્ષનાં લોહીયાળ દાગથી મહદઅંશે મુક્ત રહી શક્યો. આ કિમ્બર્લી પ્રોસેસ સર્ટીફીકેશન વૈશ્વિક હિરા કારોબારને 'બ્લડ-ડાયમંડ્સ' થી બચાવી રાખે છે.

જે હિરા કરોડો વર્ષની ભૂસ્તરીય પ્રક્રિયા વડે ધરતીનાં પેટાળમાં બને છે તેને કૃત્રિમ રીતે તેવાં જ નિયંત્રિત પરિબળોને પ્રયોગશાળામાં નિર્મિત કરીને સિન્થેટીક ડાયમંડ્સ તરીકે ઉત્પન્ન કરવાનાં સંશોધનો રશિયા, સ્વિડન તેમજ અમેરિકામાં થયાં અને તેમાં રશિયાની કોઈ એક કંપની તેમજ અમેરિકાની જનરલ ઇલેક્ટ્રિક કંપનીએ ૧૯૪૦ દરમિયાન સફળતા મેળવી. આ રીતે ઉત્પન્ન થયેલો હિરો એ લેબ-ગ્રોન ડાયમંડ, કલ્ચર્ડ ડાયમંડ કે સિન્થેટીક ડાયમંડ તરીકે અને  સંશોધિત થયેલી તકનીક દુનિયામાં HPHT-CVD ટેકનોલોજી તરીકે ઓળખ પામ્યાં. હિરા કારોબાર ઉપર પોતાની મોનોપોલી કાયમ જાળવવાનાં હેતુથી એવું કહેવાય છે કે રશિયા તેમજ અમેરિકામાં થયેલાં આવા તમામ સંશોધનોને તેની પેટન્ટ સાથે ડીટીસીની સબસીડીયરી કંપની ડી-બીયર્સે ખરીદી લીધાં. કુદરતી અને કૃત્રિમ હિરાને અલગ તારવવા માટે આ ડીટીસી કંપનીએ Spectroscopic Device પણ વિકસાવ્યું.

આટલાં બધાં હાર્ડકોર એથીક્સ સાથે કારોબાર કરતી આ ડીટીસી કંપનીનાં ભારતમાં હિરાને ચમકાવવાનો કારોબાર કરતી અમુક સાઈટ હોલ્ડર્સ કંપનીએ પોલીશ્ડ કરેલાં હિરા અને જ્વેલરીમાં સિન્થેટીક હિરાની મોટા પાયે ભેળસેળ ઝડપાઈ અને આ વાત ડીટીસી કંપનીનાં કાને પડી અને નેચરલ અને સિન્થેટીક ડાયમંડ્સને અલગ તારવવા માટે Spectroscopic ટેકનોલોજી ઉપલબ્ધ હોવાં છતાં હિરાની ગુણવત્તાનું સર્ટીફીકેશન કરતી જેમોલોજિકલ ઇન્સ્ટીટ્યુટ ઓફ અમેરિકા(GIA)ને પણ આવા ઘાલસાજોએ થાપ આપી એવું સ્થાનિક બઝારોમાં ચર્ચાય છે. થોડાં દિવસો પહેલાં જ વૈશ્વિક ધોરણે આબરૂદાર એવી સુરતની જ એક કંપની દ્વારા GIA પ્રમાણિત હિરાઓની 'ગર્ડલ' ઉપર લેઝર માર્ક સર્ટીફીકેશન સાથે છેડછાડ કરી પોતાનાં હલકાં હિરાઓને વધું કિંમતી હિરા દેખાડીને છેતરપીંડી કરાતી હોવાનાં સમાચાર હિરા કારોબારીઓને પોતાનાં પોલીશ્ડ હિરાઓ વેચવાં માટે ઓનલાઈન પ્લેટફોર્મ પૂરું પાડતી 'રેપનેટ'  સાઈટ ઉપર ફરતાં જોયેલાં.

કાગળની નાની એક ચબરખીનાં ભરોસે વિકસેલો આ કારોબાર આજે પ્રત્યેક હિરાની સાથે ચોક્કસ કંપનીનાં પ્રમાણપત્ર સાથે થાય છે. આવાં ચુસ્ત 'મીકેનીઝમ'નાં છીંડાઓને ઓળખીને અમુક કરોબારીઓએ કુદરતી હિરાઓની સાથે કૃત્રિમ હિરાઓનું પોતે જ ઉત્પાદન કરીને મોટાપાયે ભેળસેળ કરી અને પોતાની સાથે સાથે ડીટીસી જેવી કંપનીએ  'हिरा है सदा के लिए' જેવી મેળવેલી 'સખત' શાખને ગણતરીનાં દિવસોમાં 'સિન્થેટીક' કરી દીધી એવો ગણગણાટ સંભળાય છે. આજે લોકોમાં દબાતાં અવાજે ચર્ચા થાય કે લાખો-કરોડો રૂપિયાનાં દાનથી ભામાશા જેવી ઉપસાવેલી પોતાની ચમકીલી તસવીરો ખરેખર સાચકલી છે કે તે પણ વૈશ્વિક ઘાલસાજીથી રળેલા ધનથી કરેલું 'સિન્થેટીક-મેકઓવર' માત્ર છે તે તો તેઓએ અને તેઓની માતૃ કંપની ડીટીસી એ જ પહેલ કરીને લોકોને બતાવવું પડશે અને નહીં તો આવી છેતરપીંડીથી દેશ અને લાખો કારીગરોને રળતર આપતાં આ ધંધાને ગળે ટુંપો આપવાનાં પાપીઓ તેઓ પોતે જ કહેવાશે.

Sunday, March 30, 2014

નર્મદા યોજના: નાડી વાંકે પડતર પડેલો ચોરણો

આજે રવિવારની સવાર સવારમાં જ ગુણવંત શાહે ગૂંથેલા વિચારોનાં વૃંદાવનમાં અનાયાસે અટવાઈ જવાનું બન્યું. કારણ કે તેમની આજની આ કટારનો વિષય હતો ગુજરાતની જીવાદોરી કહેવાતી નર્મદા યોજના અને તેમણે પોતાની આગવી ચ્યુઇંગમી ચીકણી શૈલીમાં તેનું શિર્ષક આપેલું 'ગંગા, યમુના, નર્મદા અને નાઇલનો ધર્મ છે: માતૃત્વ'. આપણે ગુજરાતમાં કે ગુજરાત બહાર રહેતાં ગુજરાતી હોઈએ અને વાત નર્મદા યોજનાની આવે એટલે મેધા પાટકરની વાત આવે જ અને આ નામ સાંભળીને આપણાંગુજરાતીનાં) મનમાં તેમનાં વિશેનું ચિત્ર રણમાં ભટકી ગયેલાં કોઈ તરસ્યા વટેમાર્ગુનાં મોઢેથી પાણીની મશક છીનવી લેતી કોઈ 'ડાકણ' જેવું જ ઉપસે.

પર્યાવરણ તેમજ પુનર્વસનને મુદ્દો બનાવીને સાંઠીકડા જેવી દેખાતી આ એક બાઈએ ગુજરાત સરકારને સારી એવી કસરત કરાવેલી અને એવું પણ કહી શકાય કે જે યોજનાનો ખર્ચ શરૂઆતમાં માત્ર છસ્સો કરોડ અંદાજવામાં આવેલો તે આવી મજબૂત ચળવળકારોએ ઉપાડેલી ઝુંબેશનો તોડ ગોતવામાં જ એટલી બધી લાંબી ખેંચાણી કે આજનાં દિવસે તેનાં ઉપર સાંઇઠ હજાર કરોડ જેટલાં રૂપિયા વપરાય ચૂક્યા છે છતાં આપણાં સૌરાષ્ટ્રનાં ખેતરો પેલા સગર રાજાનાં સાંઇઠ હજાર અતૃપ્ત પૂત્રોની જેમ તરસ્યા ટળવળે છે.   

મારે અહીંયાં વાત કરવી છે નર્મદા યોજનાનાં સંભવિત લાભો અને મેધા પાટકરનાં વિરોધ અંગે પોતાની કટાર 'વિચારોનાં વૃંદાવનમાં' આજે લેખક ગુણવંત શાહે ઉઠાવેલાં વર્તમાન સમયે બિલકુલ અપ્રસ્તુત કહેવાય તેવાં મુદ્દાઓ વિશે. પ્રસ્તુત લેખમાં લેખકે તરસ અને તેને છિપાવનાર પાણીનો મહિમા લખ્યો, તેની કિંમત અને વેડફાટ વૃતિ ઉપર પણ અત્યંત માર્મિક ટકોર કરી. દુનિયામાં બનતી મોટી મોટી જળ-પરિયોજનાઓની મુદ્દાસર વકીલાત કરી અને આ મુદ્દે હું વૈચારિક રીતે બિલકુલ સહમત પણ છું. જે તે સમયે રાજકીય પક્ષાપક્ષીનાં ભેદથી ઉપર ઊઠીને ગુજરાતનાં દરેક વિચારશીલ-કર્મશીલ નાગરિકોએ મેધા પાટકર જેવાં નર્મદા બંધ વિરોધી ચળવળકારોનો એક જ મંચ ઉપર એકઠા થઈને જોરદાર જવાબ આપ્યો છે. આવા કર્મશીલ બૌદ્ધિકોમાં ગુણવંત શાહનું નામ પણ હંમેશા યાદ કરવું જ પડે.

આજનો આ લેખ વાંચીને મને એવું થયું કે આજે શું હું નેવુંના દાયકાનું અખબાર આજે વાંચી રહ્યો છું? કારણ કે શ્રીમાન શાહે ગુજરાતની આ જીવાદોરી સમાન નર્મદા યોજનાનાં મેધા પાટકરે કરેલાં ભૂતકાળનાં વિરોધ મુદ્દાઓ વિશે અત્યારનાં સમય પ્રમાણે બિલકુલ બિનજરૂરી સવાલો કર્યા છે. ગુણવંત શાહ એક વાત આજની તેમની આ કટારમાં ખૂબ જ ઇરાદાપૂર્વક ભૂલી ગયા કે આજે

-નર્મદા યોજના પૂર્ણ થઈ ગઈ અને છેલ્લા દસ વર્ષ દરમિયાન આ યોજનાનાં લાભો તેનાં ખરા લાભાર્થીઓ સુધી પહોંચાડવા જરૂરી નહેરોનું માળખું બનવું જોઈએ તેનાં ત્રીજા ભાગનું પણ નથી બન્યું! તો આ ગોકળગતિએ ચાલતાં કામોને ઝડપી બનાવવાની દાનત આડે શું આ મેધા પાટકર આવે છે?

-નર્મદા ઉપર તૈયાર થઈ ગયેલાં આ ડેમમાંથી ચોમાસામાં વહી જતાં પાણીથી સૌરાષ્ટ્રની નદીઓને
સજીવન કરવાની 'સૌની' યોજનાને છેલ્લાં દસ વર્ષમાં વારાફરતી ચાર ચાર વખત છેતરામણું ઉદ્ઘાટન કરવાનું શું આ મેધા પાટકરે કહ્યું હશે?

-ડેમ તો તૈયાર છે તો દરવાજા શુંકામ નથી લગાડાતાં? આનાં માટે સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશમાં જે લોકોની જમીન-ઘર ડૂબમાં જાય છે તેનું યોગ્ય રીતે પુનર્વસન ન થાય ત્યાં સુધી રોક લગાવી છે છતાં રાજ્યનાં મુખ્યમંત્રી જાહેરમાં કેન્દ્ર સરકારને દોષી ઠરાવે! તો આવું બધું કરવાનું આ મેધા પાટકર શીખવતાં હશે?

મને બરાબર યાદ છે કે જામનગરમાં આ નર્મદા યોજનાનાં લાભાલાભ વિશેની એક ખુલ્લી ચર્ચામાં મુઠ્ઠી હાડકાં વાળી આ ભડવીર બાઈએ સૌરાષ્ટ્રનાં પાણીની સમસ્યાનો ઉકેલ નર્મદા યોજના જેવી મોટી મોટી પરિયોજનાઓને બદલે નાનાં નાનાં આડબંધોથી જ હલ કરી શકાશે એવો મત આજથી લગભગ પચ્ચીસ વર્ષ પહેલાં આપેલો, અને મેધા પાટકરની વિચારધારાનાં કટ્ટર વિરોધી હોવા છતાં પણ આજે એ વાત કોઈપણને સ્વીકારવી પડશે કે ગુજરાત તેમજ ખાસ કરીને સૌરાષ્ટ્રની ખેતીની આબાદી મેધા પાટકરે બતાવેલાં નાનાં નાનાં આડબંધોથી રોકેલા વરસાદી પાણીનાં પ્રયોગને જ આભારી છે. ભૂતકાળમાં મેધા પાટકરે કરેલાં નર્મદા વિરોધને ચવાઈ ગયેલી ચ્યુઇંગમી શૈલીમાં અકારણ ચગાવવાને બદલે આજે આપણે આ યોજનાંની નહેરો સમયસર કેમ નથી બનાવી શક્યા તેનાં યોગ્ય જગ્યાએ સવાલો ઉઠાવવાની હિંમત કરીએ એમાં જ આપણી પ્રબુદ્ધતા, હિંમત અને દાનતની યથાર્થતા છે.  

નર્મદા યોજનાની વર્તમાન સ્થિતિ: ચોરણો તૈયાર છે અને નાડી-નેફાનાં કોઈ ઠેકાણા નથી...

Monday, March 24, 2014

મૂળ ઉખડવાની પીડા

જયારે પહેલાં વહેલાં દક્ષિણમાં તમિળનાડુનાં ચેન્નાઇ જવાનું થયું ત્યારે મને બહુ મૂંઝવણ થયેલી કે ભાષા-સંસ્કૃતિ તેમજ ભૌગોલિક રીતે આપણાંથી જોજનો દૂર એવા આ તમિળ રાજ્યમાં આવેલા તેનાં પાટનગર ચેન્નાઇમાં નથી તો મારું કોઈ સ્નેહી-સ્વજન કે નથી કોઈ બીજા સ્થાનિક વ્યક્તિનો પરિચય. તો હું કેવી રીતે ત્યાં જઈશ અને કેમ કરીને ત્યાં મારું ધારેલું કામ પાર પાડીશ? આવી મૂંઝવણમાં જ મને મારા મિત્ર ખીમજીભાઈ કચ્છી મળી ગયા. મારી મૂંઝવણ જાણીને તરત જ તેમણે ચેન્નાઇમાં વસવાટ કરતાં તેમનાં વેવાઈ કરશનભાઇ પટેલ અને તેમનાં નાના ભાઇ ગોવિંદ પટેલને મારાં નામ અને મોબાઈલ નંબર સાથેનો મારી ચેન્નાઇ યાત્રાનાં પૂરાં વિવરણનો એક માત્ર મેસેજ કરી દીધો.

મુંબઈનાં દાદરથી ચેન્નાઇ સુધી ચોવીસ કલાકનાં ચેન્નાઇ એક્સપ્રેસ અને ચેન્નાઇનાં પાર્ક સ્ટેશનથી ક્રોમપેટ સ્ટેશન સુધી ચેન્નાઇ લોકલમાં કરેલાં એક કલાકનાં પ્રવાસે જીવનમાં આપણાં મૂળથી વિખૂટાં પડવાની પીડા કેવી અને કેટલી તીવ્ર હોય તેનો મને અહેસાસ કરાવી દીધો. ગુજરાતનાં કચ્છ અને રાજસ્થાનનાં મારવાડની મરુભૂમિની પાણીદાર પ્રજા ધંધા રોજગાર માટે દેશ અને દુનિયામાં વર્ષોથી ફેલાઈ ગઈ છે. ઉત્તરમાં પંજાબનાં પઠાણકોટથી ચાલું કરીને છેક દક્ષિણમાં ચેન્નાઇનાં ક્રોમપેટ કે તાંબરમમાં જેવાં સબઅર્બમાં લટાર મારતાં હો ત્યારે કોઈપણ બાબતે તમે અટવાઈ જાઓ તો ગભરાઈ જવાને બદલે તમારે સૌ પ્રથમ આસપાસમાં આવેલી લાકડાં વહેરવાની સો-મિલ કે પછી કોઈ મોટો ટિમ્બર વેપારી ગોતી લેવાનો. નક્કી પચાસ-સાંઈઠ વર્ષ પહેલાં એ કચ્છનાં કોઈ અંતરિયાળ ગામડામાંથી આવેલો ખેડૂત કે વેપારીનો દીકરો જ હશે. ઉત્તર-દક્ષિણ અને પૂર્વ-પશ્ચિમ દિશામાં દેશનાં ચારેય ખૂણે રખડતાં રખડતાં મને આવો અનુભવ તો થયો જ છે. પાણીથી અછતગ્રસ્ત વિસ્તારની પાણીદાર મનોબળ ધરાવતી આ પ્રજાએ પોતાનાં વતનથી હજારો કિલોમીટર દૂર વ્યાવસાયિક સામ્રાજ્યનાં મૂળ તો ખૂબ જ મજબૂતીથી નાંખ્યાં છે છતાં આમાંથી કોઈને તમે મળો ત્યારે તેમનાં ચહેરા ઉપર પોતાનાં મૂળથી વિખૂટાં પડવાની પીડા રજૂ કરવાનું આપણાં જેવા વતનથી ગયેલાં અજાણ્યા અતિથિ સામે પણ રોકી નથી શકતા.

પાણી અને રોજગારની ભયંકર અછત વાળા કચ્છ પ્રદેશનાં એક અંતરિયાળ ગામેથી સિત્તેરનાં દાયકામાં ચાર ભાઈઓનો ખેતમજૂરી કરતો એક ગરીબ કચ્છી પરિવાર તેનાં સૌથી નાનાં સભ્ય ગોવિંદ પટેલને થયેલી Muscular Dystrophy Myopathy ની સારવાર માટે ચેન્નાઇ આવે છે અને પછી કોઈ ધંધા રોજગારની આશાએ આ શહેરમાં જ રોકાઈ જાય છે. મહેનત અને લગનથી કરેલા અથાગ પરિશ્રમનાં લીધે આ પરિવારે ચેન્નાઇનાં સબઅર્બ કહેવાતાં તાંબરમ અને ક્રોમપેટમાં ટિમ્બર, હાર્ડવેર અને ઑટોમોબાઇલ્સ કમ્પોનંટ્સનાં વેપારમાં સારી એવી પેઠ જમાવી. પરિવારનાં સૌથી નાનાં ભાઈ ગોવિંદ પટેલને Muscular Distrophy Myopathy નામની સ્નાયુની અસાધારણ અસાધ્ય બિમારીથી પીડાતા હોય તેમની છપ્પન વર્ષની ઊમરે પાંસઠ ટકા જેટલું શરીર નિશ્ચેત થઈ ગયું હોવાં છતાં પણ તેઓ ઇલેક્ટ્રિક વ્હિલચેરનો ઉપયોગ કરીને આજે પણ પોતાના વ્યવસાય તેમજ વિવિધ સામાજિક પ્રવૃત્તિઓમાં સક્રિય રહે છે.

મારા ચેન્નાઇ આવવાનો મેસેજ તેમનાં વેવાઈ અને મારા મિત્ર ખીમજીભાઈ કચ્છી તરફથી મળ્યો એટલે તેઓ ખૂબ જ આનંદમાં છે. મોટાભાઈ કરશન પટેલનાં નેપાળી ડ્રાઇવરને આગલી સાંજે જ મને વહેલી સવારે સ્ટેશન ઉપર લેવા આવવાની અને ઉતારાની વ્યવસ્થા કરાવી આપવાની સુચના આપી દીધી હોવાથી મને દક્ષિણમાં આવેલાં બધી જ રીતે અજાણ્યા દૂરસુદૂરનાં આ ચેન્નાઇ શહેરમાં વહેલી સવારે પણ કોઈ જાતની મુશ્કેલી પડતી નથી. હું મારા વ્યાવસાયિક હેતુથી આવ્યો છું અને ભવિષ્યમાં મારે આ શહેરમાં વારંવાર આવવાનું  બનશે એ જાણતાં હોવાથી આ કચ્છી ભાઈઓએ મને ઉતાર્યો તો મારા વ્યાવસાયિક હેતુનાં સ્થળ પાર્ક સ્ટેશન પાસે પણ ત્યાંથી મારે તેમને મળવા તાંબરમ અને ક્રોમપેટ જવાનું થયું ત્યારે મારે ત્યાંની લોકલ ટ્રેનમાં એકલાં જ મુસાફરી કરવી પડે તેવી 'ટ્યુટોરિયલ ટેક્નિક' વાપરી જેનાથી મને ભવિષ્યમાં આ શહેરની મુલાકાત વખતે ક્યારેય કોઈ તકલીફ ન પડે.

ભાષા-સંસ્કૃતિ અને ભૌગોલિક રીતે દૂરસુદૂર આ શહેરમાં પિસ્તાલીસ વર્ષ પહેલાં કચ્છનાં લખપત તાલુકાનાં અંતરિયાળ ગામ માતાનાં મઢથી ખેતમજૂરી કરતાં કરતાં આ પરિવારે પોતાની મહેનતે એક નાનકડું વ્યાવસાયિક સામ્રાજ્ય જમાવ્યું, પૈસા સાથે પ્રસિદ્ધિ પણ સારી એવી કમાયા. જ્યારે હું તેમને મળ્યો ત્યારે ત્યાંની તમિળ સંસ્કૃતિ, રાજકીય પરિસ્થિતિ અને વ્યાવસાયિક પ્રગતિની સંભાવનાઓ વિષે મને ખૂબ જ અનુભવી ચિતાર આપ્યો. સંપત્તિ-સમૃદ્ધિ પુષ્કળ મળી પણ એ અમારી સંસ્કૃતિનાં મૂળ ઉખડવાનાં સાહસનાં બદલામાં મળી; આ મૂળથી વિખૂટાં પડવાની પીડાનો અહેસાસ અમારા બાળકોને નથી કારણ કે તેમનો જન્મ અહીંયાં થયો છે, તમારાં જેવાં વતનથી આવેલા લોકો જ મારાં જેવાંની આ પીડા સમજી શકે એટલેજ હું કાયમ તમારાં જેવા વતનથી આવતાં મહેમાનોની રાહ જોતો હોઉં છું એવું કહેતાં આ ગોવિંદ પટેલ જ્યારે પોતાની ઇલેક્ટ્રિક વ્હિલચેરમાં બેસીને આંખોમાં પરાણે રોકી રાખેલા આંસુઓ સાથે છેક દરવાજા સુધી વળાવવા આવ્યા ત્યારે આ કચ્છ-મારવાડ જેવાં પ્રદેશોમાંથી 'માઇગ્રંટ' થયેલાં સેંકડો લોકોને તેમનાં મૂળથી ઉખડવાની પીડા કેટલી અસહ્ય રીતે સતાવતી હશે તેનો પહેલ વહેલો મને અહીંયાં અહેસાસ થયો.

Friday, March 21, 2014

મંદિરે કમાણી

ખીમજીભાઈ કચ્છી મારાં એક વાસ્તવદર્શી કવિ મિત્ર છે. સ્વામી સચ્ચિદાનંદ, મોરારીબાપુ જેવાં આસ્તિકો અને રમણ પાઠક જેવાં નાસ્તિક વિદ્વાનો જોડે તેમને એક સરખો જ નેહ છે. તેમની કવિતાઓમાં છંદ, લય કે પ્રાસને મહત્વ આપવા કરતાં લોકોને જે સંદેશ તે આપવા માગે છે તેનાં ઉપર જ તેમનું જોર હોય છે અને આવા અભિગમનાં લીધે જ તેમની કવિતાઓમાં આભાસી આડંબરી લાવણ્યતાની જગ્યાએ લોકો ચચરાવતી તીક્ષ્ણ બરડતા અનુભવે છે. કદાચ એટલે જ તેમનાં મિત્રો તેમને 'ઉઝરડા' જેવાં ઉપનામથી ઓળખતા હશે. મારા અનુભવે શરૂઆતમાં તીવ્ર બળતરા કરાવતો આ 'ઉઝરડો' આપણને જીવનનાં ઘણાંબધાં કટુસત્યોનું ભાન કરાવી દે છે. 'ઉઝરડા'નાં આ ચટપટા અનુભવને વહેંચવા માટે તેમની કવિતાઓ નિયમિત રીતે મુકવાનો અહીંયાં મેં નિર્ણય કર્યો છે...

મંદિરે કમાણી

ભગવાન તારા મંદિરીયે પ્રજા લૂંટાણી,
પૂજારીઓએ એની કેવી કરી છે કમાણી?
           'સત્ય એ જ પરમેશ્વર' વદે એવી વાણી,
         અસત્ય આચરી એ કરે મબલખ કમાણી!
રજવાડી ઠાઠથી આચાર્યો જીવતાં,
ભિખારીની વેદના ક્યાંય ના દેખાણી?
          લાલચે ને લોભે પત્થરની મૂર્તિ પધરાવતાં,
          જીવતાંની તે દરકાર કેમ ન જાણી?
સોના-ચાંદીનાં તને દાગીના ચડાવી,
પૈસા પ્રજાનાં ને પૂજારીને લહાણી.
          છપ્પનભોગ ધરી કરી કેવી કમાણી,
          દીન-દુખીયારા પર દયા જરા ન દેખાણી?
મદદ માટે લોકોએ મંદિરે મીટ માંડી,
પૂજારીનાં હાથે લાજ એની લૂંટાણી.
           હાર કોની ને જીત કોની? વાત ન સમજાણી,
           દેવતાની મૂર્તિ આજે મંદિરમાં શરમાણી...
                      
                                        -ખીમજીભાઈ કચ્છી 'ઉઝરડો'

Monday, March 17, 2014

હરીફોનો 'ખો' કાઢવાની ખો-ખો...

નરેન્દ્ર મોદીને પક્ષનાં વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોષીને હટાવીને ઉત્તર પ્રદેશનાં બનારસથી ચૂંટણી લડાવવાનાં મુદ્દે રાજકીય વિવેચકો તેમજ પ્રતિસ્પર્ધીઓએ તારવેલાં અલગ અલગ મતમતાંતરો આપણને સાંભળવા મળે છે. અખબારો, ટેલિવિઝન ન્યૂઝ ચેનલ્સ અને સોશ્યલ મિડિયામાં થોડાક મનોરંજન ભાવે લિપ્ત થઈ ગયા તો સમજો આપણને એવો જ અનુભવ થવા લાગે કે લોકો અત્યારે જેની 'લહેર' ચાલી રહી હોવાની એકમાત્ર ચર્ચા કરી રહ્યા છીએ તે તો ખરેખર એક વાવાઝોડું છે! વાસ્તવમાં ખરેખર આવું જો વાવાઝોડું જ હોય તો કોઈને પણ એક સવાલ જરૂર થાય કે તો આ ભારતીય જનતા પક્ષનાં લોકો તેમનાં પ્રાઇમ મિનિસ્ટર મટીરિયલને લડાવવા માટે શા માટે બેવડી સલામતી બેઠક વ્યવસ્થા ગોઠવવાની આટલી બધી લમણાઝીક કરે?

ઘણાં રાજકીય વિવેચકો આ વ્યૂહરચના પાછળ બિહાર-ઉત્તર પ્રદેશમાંથી મહત્તમ બેઠકો મેળવવાનો હેતુ માને છે. તો પણ એક પ્રશ્ન તો થાય જ કે પક્ષનાં વરિષ્ઠ નેતાઓને જ હટાવીને શું કામ?  ઉત્તર પ્રદેશમાં બીજી ઘણીબધી લોકસભા બેઠકો એવી છે જ ત્યાંથી જો નરેન્દ્ર મોદી લડે તો પણ આ વ્યૂહરચના પાછળ દેખાડવામાં આવતાં તર્ક પ્રમાણે તેઓ સફળ રહે જ. બીજો પ્રશ્ન એ થાય કે બનારસથી મોદીજીને લડાવવાથી ભારતીય જનતા પક્ષને બિહાર-ઉત્તર પ્રદેશમાં ઘણી-ખરી બેઠકો ઉપર ફાયદો થાય તે માની લઈએ તો પક્ષ પ્રમુખ રાજનાથસિંહ પોતાની પરંપરાગત ગાઝીયાબાદ બેઠક છોડીને પ્રદેશનાં વરિષ્ઠ નેતા લાલજી ટંડન પાસેથી લખનૌ બેઠક ઝૂંટવી લે તો વળી શું કોઈ વધું બેઠકો મળવાનો ફાયદો થઈ જવાનો? દેશમાં ખરેખર મોદી લહેર ચાલી રહી છે તો તેમનાં જ રાષ્ટ્રીય અધ્યક્ષને દિલ્હીનાં પાદરમાં આવેલાં ગાઝીયાબાદને છોડીને શા માટે લખનૌ લાંબું થવું પડે?

અનુભવી અને થોડા જાણકાર રાજકીય મિત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ ભારતીય જનતા પક્ષનાં નવા કબજેદારની આ એક ખૂબ જ ગુપ્ત અને ખંધી વ્યૂહરચનાનો એક ભાગ છે જેનાથી તેઓ ચૂંટણી પહેલાં જ પોતાનાં ધારેલાં લક્ષ આડે અવરોધ બનનારા મોટાભાગનાં સંભવિત અવરોધકોને નશ્યત કરશે. લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોષી, લાલજી ટંડન અને હરિન પાઠક જેવાં ઘણાંબધાં નડેલાં કે પછી ભવિષ્યમાં નડવાની તૈયારી વાળા રાજકીય હરીફોનો કૂટનીતિક ઇલાજ આ ખંધા ખો-ખો દાવથી કરી દેવામાં આવશે એ નિશ્ચિત છે.

હિંદુ દર્શન પ્રમાણે વર્તમાન કાળ અગિયારમાં રુદ્ર 'હર'નો છે, રુદ્ર એ વિનાશનો દેવ છે અને કદાચ એટલે જ નરેન્દ્ર મોદીનાં ચાહકોએ આ 'હર' નામનાં રુદ્રનાં નગર બનારસથી તેમને લડાવવાની સાથે સાથે "હર હર મોદી" નું સૂત્ર અપનાવ્યું હશે?