Thursday, January 30, 2014

ભારતમાં હરિતક્રાંતિ: લાઇસન્સ વગરનું બેફામ ડ્રાઇવિંગ

એક વખત જુલાઈનાં અંતભાગમાં સૌરાષ્ટ્રના પ્રવાસ દરમિયાન રસ્તાની લગોલગ આવેલાં ખેતરમાં વયસ્ક લાગતાં એક ખેડૂત બાપાને ખરા બપોરના સમયે ધોમધખતા તાપમાં કપાસના લીલાછમ પાકમાં યુરિયા ખાતરનો છંટકાવ કરતાં મેં જોયા. હરિતક્રાંતિના સર્જક અમેરિકન ડૉ. નોરમન બોર્લોગ અને ભારતના મહાન વનસ્પતિશાસ્ત્રી પ્રોફેસર એમ. એસ. સ્વામીનાથનને માથા પટકવાનું મન થઈ જાય તેવું આ દૃશ્ય જોઈને તે વયસ્ક ખેડૂત સાથે થોડી કૃષિ વિષયક ચર્ચા કરવાની ઇચ્છા સાથે ત્યાં હું થોડી વાર રોકાઈ ગયો.
         
વયસ્ક ખેડૂતે પોતાના ખેતરે કોઈ અજાણ્યો અતિથિ આવેલો જોઇને સૌરાષ્ટ્રનાં અનોખા આતિથ્યભાવ સાથે પોતાનું ચાલુ કામ પડતું મૂકીને ઠંડું મજાનું પાણી પીવડાવી એથીયે મીઠો સત્કાર કર્યો. થોડાં પરિચયના આદાન-પ્રદાન પછી મેં મૂળ હેતુસરની ચર્ચાના ભાગરૂપે તે ખેડૂતને અમુક સવાલો કર્યા. યુરિયા જેવા ઉડ્ડયનશીલ રાસાયણિક ખાતરનો ભરબપોરે ખુલ્લા તાપમાં છંટકાવ કરવા બાબતે મેં પૂછ્યું કે આ વર્ષે ખાતરનાં ભાવો કેટલા રહ્યા છે? જવાબમાં આ ખેડૂત તો ઉકળી ઊઠ્યા કે આ સરકારે ખાતરને બહુ મોંઘું બનાવી દીધું છે! હવે તો આ ખેતી કેમ કરીને પોસાશે એ જ નથી સમજાતું! ત્યારે મેં કહ્યું કે તમે જો આવા યુરિયા જેવા ખાતરનો છંટકાવ વહેલી સવારે કે પછી સાંજના સમયે કરો તો જેટલો અત્યારે છંટકાવ કરો તેના ચોથાભાગના વપરાશથી પણ એટલો જ લાભ પહોંચાડે અને તેનાથી તમારા કુલ ખેતી ખર્ચમાં ઘણો બધો કાપ આવી શકે. મેં તેમને યુરિયા જેવા રાસાયણિક ખાતરનાં તમામ ગુણધર્મો અને તેને વાપરવાની યોગ્ય રીત સમજાવી ત્યારે તેમણે કહ્યું કે ભાઈ આવું બધું અમને અહીંયાં કોણ સમજાવે? મેં વળી પૂછ્યું કે તમે જે જંતુનાશકોનો છંટકાવ કરો છો તો તેના વપરાશનું યોગ્ય માર્ગદર્શન કોણ આપે? તો કહે કે એ તો અમે આજુબાજુના ખેડૂતોનું જોઈને અને જે તે જંતુનાશકોના વેપારીને પૂછીને જાણી લઈએ.
         
દેશમાં હરિયાળી ક્રાંતિ આવી એનાં ચાલીસ ચાલીસ વર્ષ પછી પણ આપણાં ખેડૂતોની આવી પાંગળી જ્ઞાન સજ્જતા જોઈને હું તો દંગ રહી ગયો! જે કંઈ થોડો સમય હતો તેમાં શક્ય એટલું રાસાયણિક ખાતરો, જંતુનાશકો, અને ઉન્નત બીજોના કાર્યક્ષમ વપરાશ અંગે માર્ગદર્શન આપીને હું ચાલતો થયો.
         
ચાલો દુનિયા અને ભારતનાં લોકોની ભૂખને ભાંગવામાં નિમિત્ત બનેલી પણ તેના મહત્વનાં અંગ એવા આપણા ખેડૂતોની હાલત સુધારવામાં નિષ્ફળ રહેલી હરિતક્રાંતિના મૂળિયાં ક્યાં-કેવી રીતે નંખાયા તેમજ તેમાં આપણો દેશ બીજા અન્ય દેશોની સરખામણીએ શા માટે સર્વાંગી સફળતા ન મેળવી શક્યો તેનાં કારણોનું વિશ્લેષણ કરીએ તે પહેલાં તેનાં 'ફ્લેશબેક' પર એક નજર કરી લઈએ.
         
બીજા વિશ્વયુદ્ધ પછી વિજયી અમેરિકન સેનામાં સામેલ એક વૈજ્ઞાનિકને જાપાનની ધરતી ઉપરથી 'નૌરીન' નામની ઘઉંના મોટા દાણા વાળી જાત મળી અને તેણે આ બીજને અમેરિકા સ્થિત કૃષિક્ષેત્રે સંશોધનમાં કાર્યરત ડૉ. નોરમન બોર્લોગને મોકલી આપ્યા. સતત તેર વર્ષના એકધારા સંશોધન પછી મેક્સિકોના સ્થાનિક ઘઉંના બીજ સાથે તેનું સંકરણ કરાવીને 'ગેન્સ' નામની એક ઉત્કૃષ્ટ ગુણવત્તા વાળી અત્યાધિક ઉત્પાદન આપતી ઘઉંની ક્રાંતિકારી જાત વિકસાવવામાં સફળતા મેળવી. ઘઉંની આ ઉત્કૃષ્ટ જાતે મેક્સિકોને અન્ન સ્વાવલંબી બનાવી દીધું.
         
ઓગણીસો ત્રેસઠનાં વર્ષમાં ભારત તેની બેશુમાર ઝડપે વધતી વસ્તી અને દુષ્કાળથી બેહાલ બનેલાં કૃષિક્ષેત્રનાં કારણે ભૂખમરાની કગાર પર આવીને ઊભું રહી ગયેલું. તત્કાલીન કૃષિમંત્રી સી. સુબ્રહ્મણ્યમને તેની નીચે કામ કરતાં એક બાહોશ વનસ્પતિશાસ્ત્રી પ્રોફેસર એમ. એસ. સ્વામીનાથને ડૉ બોર્લોગે મેક્સિકોમાં અન્ન ઉત્પાદન ક્ષેત્રે કરેલા ચમત્કારની વાત કરી એટલે ડૉ. બોર્લોગને ભારત આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું.
         
દેશમાં શરૂ કરવામાં આવતાં દરેક સુધારાઓનો શરૂઆતમાં સમજ્યા વગર જ વિરોધ કરવાની પરંપરા આ ઘટનાથી જ ચાલુ થઈ હશે એવું મારું માનવું છે. મેક્સિકો અને અમેરિકામાં કૃષિક્ષેત્રે આ વૈજ્ઞાનિકે કરેલા ચમત્કારના પરિણામો આપણી સમક્ષ હતાં અને દેશની પ્રજા ભૂખથી બેહાલ થઈ રહી હતી છતાં પણ ડૉ. બોર્લોગે આપણા કૃષિક્ષેત્રે જે જે સુધારાઓ સૂચવ્યા તેનો બહુ જોરદાર વિરોધ થયો!
         
દેશની આવી કંગાળ હાલતમાં તત્કાલીન કૃષિમંત્રી અને પ્રોફેસર સ્વામીનાથનની મક્કમતાએ આ પશ્ચિમી કૃષિ વૈજ્ઞાનિકે બતાવેલા સુધારાઓને પૂરી પ્રતિબદ્ધતાથી અમલમાં મૂક્યા.તમામ પ્રાથમિકતાઓને ભૂલીને પહેલાં તો મેક્સિકોથી અઢાર હજાર ટન જેટલું ઘઉંનું બીજ મંગાવીને પછી અહીંયાં તેનું આપણા સ્થાનિક બીજ સાથે સંકરણ કરાવવામાં આવ્યું. ખેડૂતોને સિંચાઈ, રાસાયણિક ખાતરો અને જંતુનાશકો વાપરવાની રીતો બતાવીને આધુનિક ખેતીના રાહ પર ડગ માંડવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા. સંકરિત બીજને અપનાવતા અવઢવ અનુભવતા ખેડૂતો પાસેથી નિશ્ચિત ભાવથી તેણે ઉત્પન્ન કરેલા માલને ખરીદવાની ખાતરી આપવામાં આવી.
         
નિષ્ઠાપૂર્વકનો વૈજ્ઞાનિક પ્રયાસ એવો તો રંગ લાવ્યો કે ઓગણીસો પાંસઠના વર્ષમાં જે દેશ ભૂખમરો ભોગવતો તેણે માત્ર પાંચ જ વર્ષમાં પોતાનું અન્ન ઉત્પાદન બમણું કરી નાખ્યું. આ મબલખ ઉત્પાદનને સંઘરવા દેશમાં અમુક સ્થળોએ ગોડાઉનના અભાવે શાળાઓના મકાનનો ઉપયોગ કરવાની ફરજ પડી. ખેતરોમાં કામ કરવા માટે મજૂરો અને કૃષિ ઉત્પાદનોના પરિવહન માટે બળદગાડાઓ પણ ખૂટી પડ્યાં! અનાજને સંઘરવા માટે જગ્યા અને ભરવા માટેની બોરીઓની અછત ઊભી થઈ ગઈ!
         
આ હરિતક્રાંતિના લીધે આપણા દેશમાં ઓગણીસો એકાવનમાં ખાદ્યાન્નનું જે પાંચ કરોડ ટન જેટલું ઉત્પાદન થતું તે અત્યારે ચોવીસ કરોડ ટન જેટલું એટલે કે લગભગ પાંચગણા ઉત્પાદને પહોંચ્યું. કપાસમાં પાંચ મિલિયન ગાંસડીથી લઈને હાલની સત્યાવીસ મિલિયન ગાંસડી એટલે કે સાડા પાંચગણું અને તેલીબિયાં ક્ષેત્રે સાત મિલિયન ટનથી લઈને હાલના અઠ્યાવીસ મિલિયન ટન એટલે કે ચારગણું ઉત્પાદન થયું.
         
પહેલી નજરે ચક્કાચૌંધ કરી એવી દેખાતી સફળતા વાસ્તવમાં ખેડૂતોની હાલત સુધારવામાં નિષ્ફળ રહી તેના કારણને સ્પષ્ટ રીતે સમજવું હોય તો એવું કહી શકાય કે કોઈ પિતા પોતાના કિશોરવયના પુત્રને વગર લાઈસન્સે આધુનિક હાઈસ્પીડ બાઇક લઈ આપીને ડ્રાઇવિંગ કરવાની પૂરી છૂટ આપ્યા પછી જે પરિણામ ભોગવે બસ કંઈક આવો જ ઘાટ આપણા ખેડૂતનો થયો છે.
         
જમીન અને પાકનાં પ્રકારને અનુસાર રાસાયણિક ખાતરો તેમજ જંતુનાશકોના સમતોલ વપરાશનું અજ્ઞાન ઉત્પાદન વધવા છતાં પણ ઉપજ સામે ખર્ચ વધારવામાં નિમિત્ત બન્યું અને દેશનાં હજારો ખેડૂતોની આત્મહત્યા માટે જવાબદાર બન્યું.
         
કોઈપણ ઉચ્ચતમ તક્નીકને અપનાવતા અને તેનાં શ્રેષ્ઠ પરિણામો હાંસલ કરવા માટે પહેલાં તો તેને અપનાવનારે તેનાંથી બરાબર વાકેફ થવું જરૂરી હોય છે. કમનસીબે જે દેશમાં પોણાભાગની જનસંખ્યા કૃષિક્ષેત્ર ઉપર નિર્ભર હોય તેના પ્રમાણમાં આયોજિત થતાં કૃષિમેળાઓ, કૃષિ તાલીમ શિબિરો અને તેમાં ભાગ લેતાં લોકોની હાજરીની તુલના ધાર્મિક મેળાવડાઓ અને ઉત્સવોમાં ભાગ લેતા લોકોની સંખ્યા સાથે કરશો કે તરત જ આપણાં દેશમાં હરિયાળી ક્રાંતિને સર્વાંગીણ સફળતા નહીં મળવાનું કારણ તમને સમજાઇ જશે. 

'સમ્યક' સમૃદ્ધિ

ભગવાન બુદ્ધે એક વખત તેમનાં સંઘના પુરવઠા વ્યવસ્થાપક ભિક્ષુકનો 'ક્લાસ' લેવાનું નક્કી કર્યું! તેમનો પહેલો પ્રશ્ન હતો કે સંઘમાં સામેલ તમામ ભિક્ષુકોને વસ્ત્રોનું કઈ રીતે વિતરણ કરો છો?  ભિક્ષુકનો જવાબ હતો કે નાના મોટાનાં કોઈપણ જાતનો ભેદ રાખ્યા વગર દરેકની શારીરિક જરૂરિયાતને અનુલક્ષીને એક સમાન ગુણવત્તા વાળા વસ્ત્રો આપીએ છીએ. બુદ્ધનો બીજો પ્રશ્ન હતો કે ભિક્ષુકો દ્વારા ઊતરેલા-ફાટેલા વસ્ત્રોનું તમે શું કરો?  તો જવાબ મળ્યો કે તે ઊતરેલા વસ્ત્રોને જરૂરિયાત મુજબ કાપકૂપ કરી પછી સાંઘીને તેને સભાખંડમાં વપરાતાં પાથરણા તરીકે ઉપયોગમાં લઈએ છીએ. તથાગતનો ત્રીજો પ્રશ્ન હતો કે આ પાથરણા ઘસાઈ ગયા પછી તમે તેનું શું કરો? ત્રીજા પ્રશ્નનો જવાબ હતો કે આ ઘસાઈ ગયેલા પાથરણામાંથી તેના નાના નાના ટૂકડા કરીને સફાઈ માટેના પોછા બનાવીએ છીએ. સફાઈ કરીને જ્યારે આ પોછાઓ ઘસાઈ જાય પછી તેનું શું કરો એવા તથાગતના આખરી પ્રશ્નના જવાબમાં ભિક્ષુકે કહ્યું કે અમે તેના ફાટેલા અવશેષોને પાણીથી સારી રીતે સાફ કરીને રાત્રે પ્રકાશ માટે પ્રગટાવામાં આવતા દીવડાઓની વાટ બનાવીએ છીએ.
       
દેશના નાગરિકોના જીવનને પ્રગતિશીલ અને સુખી બનાવવા માટે ભારતીય અર્થતંત્રના નીતિનિર્ધારકોએ અત્યાર સુધી આપણા અર્થતંત્ર ઉપર મુખ્યત્વે બે દર્શનોના પ્રભાવનો અનુભવ કર્યો. પહેલો મહાત્મા ગાંધીનો સાદગીવાદ જે લોકોને પોતાની જરૂરિયાતોને સમજણપૂર્વક અંકુશિત કરાવીને સંતોષરૂપી મંત્ર વડે જીવનને સુખી બનાવવા પ્રેરે છે. જ્યારે તેના ઉભયપક્ષે ઉપભોક્તાવાદનું દર્શન છે
જેમાં લોકોની જરૂરિયાત યોજનાપૂર્વક પ્રોત્સાહિત કરવામાં આવે છે અને તેના પરિણામ સ્વરૂપ લોકોને વધુમાં વધુ કમાવા અને વિકસવાની હોડમાં જોતરાવું પડે છે, આવી હોડથી જ અર્થતંત્રને ગતિ મળે છે. ઉપભોક્તાવાદથી ઉત્તેજિત થયેલા વિકાસની સાથે સાથે લોકોમાં આર્થિક અસમાનતાનો દર પણ ખૂબ ઝડપથી વધે છે તે આ આર્થિક દર્શનનું વરવું પાસું છે. આ વરવી હકીકતના લીધે જ સમાજનો એક મોટો અસક્ષમ વર્ગ વિકાસની આંધળી હોડમાં બેરહેમપણે કચડાઈ જતો હોય છે. પહેલી નજરે દેખાતી ગરીબી હટાવવા માટેની જાદુઈ છડી જેવી લાગતી આવી વ્યવસ્થા ખરેખર જે લોકો દુર્બળ અને અસક્ષમ છે તેઓને તો પાશવી જ લાગવાની. આવી વ્યવસ્થા ગરીબી તો હટાવે છે પણ જરૂરી નથી કે તે ગરીબો ઉપર રહેમ રાખીને હટાવે. જો ગરીબ તે હોડમાં સામેલ નથી થઈ શકતો તો તે ગરીબને ગળી જઈને જ ગરીબી હટાવશે! જ્યારે સાદગીવાદ જેવા દર્શનોથી પ્રેરિત અર્થવ્યવસ્થામાં લાંબા ગાળે સ્પર્ધાનું તત્વ જ ગાયબ થઈ જતાં વિકાસની ઝડપ ધીમી ગતિએ ડૂલ થતી જાય છે અને આવો અનુભવ આપણા દેશે નેવુંના દાયકા સુધી કર્યો જ છે. આવી વ્યવસ્થા થકી આપણે આર્થિક અસમાનતાના ઊંચા દરને તો કાબુમાં રાખી શકીએ પણ વિકાસની ઝડપને ગૂંગળાવીને જ તો.
       
લોકોને તેમની જરૂરિયાતોનો યોજનાપૂર્વક નિગ્રહ કરાવવો કે પછી પછી બહેકાવવી તે બન્ને દર્શનોમાં કંઈક 'અતિ' તો છૂપાયેલી છે અને તેના પ્રતિકુળ પરિણામો સ્પષ્ટ રીતે અનુભવી શકાય છે. એક 'અતિ'માં જરૂરિયાતોને ખૂબીપૂર્વક ઘટાડીને લોકોની વિકાસભૂખને મારવાનું જ કામ થાય છે ત્યારે બીજી 'અતિ'માં લોકોની જરૂરિયાતોને ઉકસાવીને તેને પૂરી કરવા માટે સૃષ્ટિના ઊર્જા ભંડારોનું બેફામ દોહન અને વ્યય કરવામાં આવે છે. તથાગત બુદ્ધ અને ભિક્ષુકના સંવાદ વાળા ઉદાહરણમાં જીવનમાં ઉપલબ્ધ સંસાધનો અને તેના મૂળ સ્ત્રોતોનો ઉત્તમ અને કાર્યક્ષમ ઉપયોગનો સંદેશ છૂુપાયેલો છે, બુદ્ધનો આ સંદેશ જીવન વિકાસને કોઈપણ 'અતિ'નાં અતિરેકથી બચાવીને એક સંતુલિત ઝડપ આપી શકે છે.
       
નિરંકુશ રીતે વધી રહેલી જનસંખ્યાના કારણે દેશમાં જળ, જમીન અને જંગલ જેવા કુદરતી સંસાધનો ઉપર વધી રહેલા ભારણના કારણે મોંઘવારી તો વધવાની જ છે. આપણી પાસેના ઉપલબ્ધ કુદરતી સંસાધનોનું સંતુલિત, નિષ્પક્ષ અને કાર્યક્ષમ દોહન થાય છે કે નહીં તેની ભગવાન બુદ્ધે લીધેલા 'ક્લાસ' જેવી વ્યવસ્થા આપણા દેશમાં હજી ઊભી થઈ શકી જ નથી, એટલે જ દેશમાં ક્યાંક સંપતિના અભાવથી તો ક્યાંક અતિરેકથી કોઈને કોઈ સમસ્યાઓ સર્જાતી રહે છે. દુનિયામાં શ્રેષ્ઠ ઋતુ વૈવિધ્ય અને પુષ્કળ કુદરતી સંસાધનો મેળવનાર ભાગ્યશાળી એવો આપણો દેશ તેના વપરાશના કાર્યક્ષમ વ્યવસ્થાપનની બાબતે એટલો જ કમનસીબ છે.
       
કૃષિક્ષેત્રે મફત વીજળીની સસ્તી લોકપ્રિયતા મેળવવા માટેની લોભામણી યોજનાઓથી જળભંડારોનું બેફામ દોહન, ઉદ્યોગ અને ભ્રષ્ટતંત્ર દ્વારા થઈ રહેલી  ખનીજ સંસાધનોની બેરોકટોક લૂંટથી દેખાતા આભાસી વિકાસનું ચિત્ર જોઈને આપણે હરખાઇએ છીએ. શ્રેષ્ઠ ઋતુ વૈવિધ્ય, જળ-જંગલ-જમીનનો વિશાળ ભંડાર અને દુનિયામાં સૌથી વિશાળ પશુધન ધરાવતો હોવા છતાં આપણા દેશની ઊર્જા જરૂરિયાતો આ બધા આપણા પોતાના ઉપલબ્ધ સ્ત્રોતના કાર્યક્ષમ દોહન ઉપર આધાર રાખવાને બદલે આયાતી તેલ ઉપર નિર્ભર છે. પરિણામે આપણા વિકાસને અવરોધતો વિદેશી હૂંડિયામણનો ગંજાવર બોજ આપણી અર્થવ્યવસ્થા ઉપર હંમેશા રહેતો હોય છે.
       
જાહેર સ્વચ્છતા જાળવણી અને આપણી ઊર્જા જરૂરિયાતો એ આપણા દેશની વર્તમાન સળગતી સમસ્યા છે. જે દેશની પંચોતેર ટકા જનસંખ્યા ગ્રામ્ય વિસ્તારોમાં અને કૃષિ-પશુપાલન ઉપર નિર્ભર હોય તેવામાં ગ્રામ્યક્ષેત્રની જાહેર સ્વચ્છતા અને ઊર્જાની સળગતી સમસ્યાનું ચોટડૂક સમાધાન એવા બાયોગેસને હજી પણ અપનાવી શક્યા નથી. કેરળમાં રહેતા નિવૃત્ત બેંક કર્મચારીએ પોતાના શહેરમાં
પોતાના ઘરમાંથી નીકળતા કચરા વડે સફળતાપૂર્વક બાયોગેસ ચલાવીને તે શહેરના લોકોને આવો પ્લાન્ટ નાખવા પ્રેર્યા અને કોઈપણ સરકારી મદદ વગર જાહેર સ્વચ્છતા અને સસ્તી પ્રદૂષણ મુક્ત ઊર્જાની સમસ્યાનો સચોટ ઉકેલ દેશના ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોને ચીંધ્યો. ગામડાઓથી બનેલા આ દેશમાં ફક્ત ઊર્જાના ક્ષેત્રે જ કેરળના ચંગનસેરીમાં રહેતા આ મેથ્યૂઝ મહાશયે કરેલા સફળ અને સરળ પ્રયોગને લાગું પાડીએ તો આપણા વિકાસને નડતા કેટલાય અવરોધકોનું ઉદ્દીપકમાં રૂપાંતર થઈ જાય!  મને લાગે છે કે ભગવાન બુદ્ધ જેવી પ્રતિભાને જન્મ આપનાર ભૂમિના લોકો જ જો તેણે બતાવેલા અદ્ભુત 'સમ્યક' માર્ગને યથાર્થ રીતે સમજીને અપનાવે તો અશક્ય જરાય નથી....


         

Tuesday, January 28, 2014

'હા... ક થૂ...' આપણી રાષ્ટ્રીય કૂટેવ

આયુર્વેદના બે મહાન આચાર્યો ચરક-સુશ્રુત પૈકીના એક અને વાઢકાપ વિદ્યાના આદ્યપિતા કહી શકાય એવા સુશ્રુત ઋષિએ રચેલો ગ્રંથ 'સુશ્રુત આયુર્વેદ' ઘણાં વર્ષો પહેલાં મેં વાંચેલો. આયુર્વેદના આ અજોડ ગ્રંથના એક પ્રકરણમાં નાગરવેલના પાનને સુગંધિત અને પાચક દ્રવ્યો સાથે મેળવીને ચાવવાથી આપણા પાચનતંત્રની રુચિપૂર્ણ ઉત્તેજના સાથે મસ્ત મજાની મુખશુદ્ધી થાય તેવી એક શ્રેષ્ઠ રીત બતાવેલી છે. મુખશુદ્ધીના આ વૈજ્ઞાનિક ઉપાયમાં પહેલી બે પિચકારી ઝેરી હોવાથી સુશ્રુતે તેને બહાર થૂંકવાની ભલામણ કરેલી છે.
           
ગામડું, કસબો, નગર, મહાનગર કે પછી છેવાડાનું કોઈપણ પર્યટન સ્થળ હોય ત્યાં તમને કોઈપણ પ્રાંત, સંસ્કૃતિ કે ધર્મના ભેદથી ઉપર ઊઠીને જાહેરમાં થૂંકવાની રાષ્ટ્રીય કૂટેવ અવશ્ય જોવા મળશે. માની લઈએ કે સુશ્રુતે જે કાળમાં પાન ચાવીને મુખશુદ્ધી કરતાં કરતાં પહેલી બે પિચકારી બહાર થૂંકવાની ભલામણ કરી હશે ત્યારનું વસ્તીભારણ અને ગીચતા હાલના પ્રમાણમાં નહીંવત હશે જેથી તે વખતે લોકોને લાગતી આ 'સુટેવ' જાહેર સફાઈને 'ડિસ્ટર્બ' નહીં કરતી હોય. આયુર્વેદિક વૈજ્ઞાનિક મહત્વ ધરાવતા આવા પાનબીડાંઓનું સ્થાન કાળક્રમે તંબાકુ, પાન-મસાલા  અને ગુટકાએ લઈ લીધું. સુશ્રુતે બતાવેલી માત્ર ભોજન પછી પાન ચાવીને મુખશુદ્ધી કરવાની ભલામણને ભૂલીને દિવસમાં દસથી પંદર પાન-મસાલા કે ગુટકા ચાવવાની કૂટેવના માર્ગે દેશના યુવાધને બે-લગામ વિકાસ સાધ્યો અને આવી જ રીતે આયુર્વેદમાં સુશ્રુતે બતાવેલો એક સદાચાર આપણા જાહેર આરોગ્ય તેમજ સફાઈનો કટ્ટર શત્રુ જેવો રાષ્ટ્રીય દુરાચાર બની ગયો.
             
દુનિયામાં આપણા દેશની આગવી ઓળખ બની ગયેલા આ ઉપદ્રવના મૂળમાં પાનમસાલા તેમજ ગુટકાનું મહત્તમ યોગદાન હશે. સાથે સાથે જાહેર સ્વચ્છતા જાળવણીના મૂલ્યો નિર્મિત કરવાની આપણી સામાજિક ઉદાસીનતા પણ એટલી જ જવાબદાર કહી શકાય. જાહેર સ્થળોએ બેફામ થૂંકવાની પ્રવૃત્તિમાં આપણે કેટલા બાહોશ અને નિર્લજ્જ છીએ તેનું પ્રતિબિંબ આપણી ટ્રેનો, રાજ્ય પરિવહનની બસો, શોપિંગ મોલ્સ, સરકારી દફતરોના દાદર અને તેના શૌચાલયોમાં સ્પષ્ટ વર્તાય છે. ભારતની સડકો પર બાઇક ચલાવવા માટે જરૂરી હેલ્મેટ અકસ્માત સમયે તમને ગંભીર ઈજાઓથી બચાવતા પહેલાં તમારી આગળ ચાલતા બાઇક સવાર થૂંકેશ્વરોની લાલચોળ પિચકારીથી તમારા ચહેરાને તો અવશ્ય બચાવે જ છે. ભારતમાં વધી રહેલી જનસંખ્યા અને તેની ગીચતા તેમજ જાહેર સ્વચ્છતા અંગેની લોકજાગૃતિના અભાવે જે ગતિએ ટીબી જેવી બિમારીઓ ફેલાઈ રહી છે તેના કારણમાં આપણી આ જાહેરમાં બેફામ થૂંકવાની રાજટેવનનું જબરજસ્ત યોગદાન છે. ખૂલ્લામાં કચરાના વિશાળ ઢગલાઓ અને ઉકરડાઓ પછી બિમારીજન્ય જીવાણુઓનું બેરોકટોક 'ટ્રાન્સપોર્ટેશન' કરતી માખીઓને પનપવાનો મોટામાં મોટા કોઈ સ્ત્રોત હોય તો તે આપણે લોકોએ જાહેરમાં થૂંકેલા ટનબંધ અવશેષો છે. દુનિયામાં દક્ષિણ એશિયાના રહેવાસીઓ અને ખાસ કરીને ભારતીયો પાન, સોપારી, ચૂનો, અને તંબાકુને વિવિધ રીતે મેળવીને પ્રયોગમાં લેવાના શોખીન ગણાય છે. એક અંદાજ પ્રમાણે આવા શોખીન ભારતીયો પૈકી દસ ટકા લોકો ગુટકાના રૂપમાં, તેત્રીસ ટકા લોકો પાન સાથે તો છપ્પન ટકા લોકો ખાલી ચૂનાની સાથે તંબાકુનો પ્રયોગ કરે છે અને આ તમામ મળીને વર્ષે દહાડે તેમનું અમૂલ્ય પાચક દ્રવ્ય 'ટાઇલીન' ધરાવતી લાળનો દસ લાખ ટન જેટલો જથ્થો પિચકારી રૂપે જાહેર આરોગ્ય તેમજ સ્વચ્છતાને ખરાબ કરવા થૂંકી નાખે છે.
               
જંગલી પ્રાણીઓને પોતાની 'ટેરિટરી'ને સુનિશ્ચિત કરવા પત્થરો અને વૃક્ષોને પોતાના બિનજરૂરી ઉત્સર્જનોથી 'માર્ક' કરવાની જરૂર પડે એ તો સમજાય પણ માણસને એવી કોઈ મજબૂરી ન હોવા છતા પણ નાનું, મોટું, સરકારી કે બિનસરકારી સ્થાપત્ય જોયું નથી કે પિચકારી મારવાનું શરૂ! સુશ્રુતને આવી આપણી ખબર હોત તો પાનની પહેલી બે પિચકારી બહાર થૂંકવાની ભલામણ સાથે સાથે તેને ખાસ કચરાપેટીમાં જ થૂંકવાની વિશેષ ભલામણ ન લખતા જાત!
               
દેશમાં આજકાલ આપણું રાષ્ટ્રીય પીણું શું હોવું જોઈએ તેની જોરશોરથી ચર્ચા થાય છે; આપણી રાષ્ટ્રીય કૂટેવ શું  છે તેની ચર્ચા કરવી અત્યારે વધું જરૂરી છે એવુ તમને નથી લાગતું?...