Saturday, February 1, 2014

કંચનને કથીર કરવાનો કસબ

મારે આપણાં પડોશી રાજ્ય મધ્યપ્રદેશમાં નિયમિત જવાનું થાય, અહીંનું ઉજ્જૈન શહેર એટલે પૌરાણિક સ્થાપત્યોનો ભવ્ય વારસો ધરાવતું અને આપણાં દેશના ધાર્મિક પ્રવાસન ક્ષેત્રે મહત્વનાં 'ડેસ્ટીનેશન' જેવું અનોખું અનેક મંદિરોનું નગર. એક વખતના ઉજ્જૈન પ્રવાસ દરમિયાન મારા કાયમી કેબ ડ્રાઇવરને તેનાં શહેરમાં ધાર્મિક નહીં પણ કોઈ ઐતિહાસિક સ્થાપત્યકલાનું મહત્વ ધરાવતાં સ્થળની મુલાકાત કરાવવા કહ્યું. આવી અણધારી માગણીથી મૂંઝવણમાં પડી ગયેલો તે ડ્રાઇવર મને ઉજ્જૈનના પાદરેથી વહેતી  ક્ષિપ્રા નદીના કિનારે આવેલા પર્શિયન સ્થાપત્યના સ્મારક જેવા કાલીયાદેહ પેલેસ અને પૌરાણિક 'સ્વિમિંગ પૂલ' જેવા બાવન કુંડના બદહાલ અવશેષો ધરાવતાં એક સ્થળે લઈ ગયો.
     
ક્ષિપ્રા નદીના છૂટા પડેલા બે પ્રવાહની વચ્ચે નાનકડાં એવા કુદરતી બેટ ઉપર પર્શિયન સ્થાપત્ય કલાથી નિર્મિત જર્જરિત અવસ્થામાં ઊભેલો ખંઢેર મહેલ તેની પૌરાણિક ભવ્યતાની સાક્ષી પૂરી રહ્યો હતો! તેના ભગ્ન ગુંબજોમાં કંડારાયેલું અક્બર અને જહાંગીર જેવા મોગલ સમ્રાટોએ આ ઐતિહાસિક સ્થળની લીધેલી મુલાકાતનું તવારીખી સંસ્મરણ અને તેની ઐતિહાસિક અગત્યતા બતાવી રહ્યું હતું. મહેલની બિલકુલ સામે વાસ્તુકલાની બેનમૂન કારીગરીના અવશેષ જેવા બાવન કુંડનાં બદહાલ જોઈને પણ તેના ઘડતર પાછળ વપરાયેલી અદ્ભુત કલ્પના શક્તિ અને સ્થાપત્યકલા ઉપર આફરીન થઈ જવાયું. ક્ષિપ્રામાં વહેતી જળરાશીનો અમુક પ્રવાહ વિવિધ આકાર ધરાવતાં અલગ અલગ બાવન જેટલાં કુંડો અને નાલીઓમાંથી વહેવડાવીને વળી તેનાં મુખ્ય પ્રવાહમાં ભેળવી દેવાની વ્યવસ્થા આ સ્થાપત્યમાં હશે. આવા સુંદર સ્થાપત્ય બનાવવાનો હેતુ વહેતા પાણીનું શુદ્ધીકરણ કરીને તે મહેલમાં વસતા મહારાજાનો વૈભવી 'સ્વિમિંગ પૂલ' બનાવવાનો હશે તેવું મને લાગ્યું. અંગ્રેજ શાસનકાળમાં પીંઢારીઓએ અહીંયાં લૂંટ ચલાવીને બેફામ તોડફોડથી આ સ્થળને ઉજ્જડ બનાવી દીધેલું તે ઓગણીસો વીસના વર્ષ દરમિયાન સિંધિયા રાજ્યે આનું નવસંસ્કરણ કરીને ત્યાં સૂર્ય મંદિર સ્થાપિત કર્યું.
     
વૈશ્વિકરણ તેમજ ઉદારીકરણના આ સમયમાં હવે દુનિયા સામાન્ય લોકો માટે પણ રોજ રોજ નાની થઈ રહી છે અને દરેકને આ નાનકડી લાગવા લાગેલી દુનિયા ઘૂમી વળવાનો ચસકો લાગી રહ્યો છે!  પરિવર્તનની આ લહેરને પારખીને અમુક દેશોએ તો પોતાના અર્થતંત્રનું મુખ્ય લક્ષ પ્રવાસન ઉદ્યોગને બનાવ્યું છે. જે દેશોની પાસે કોઈ ઐતિહાસિક-પૌરાણિક સ્થાપત્યોનો વારસો નથી તેમણે પોતાના નવા બની રહેલા નગરોનું આયોજન પ્રવાસન ઉદ્યોગને લક્ષમાં રાખીને જ કર્યું; જેથી કરીને પોતાના નાગરિકોને ભવિષ્યમાં રોજગારી માટેનું એક નવું ક્ષેત્ર મળે. અમુક દેશોએ તો પર્વતો,  નદીઓ અને પૌરાણિક સ્થળોનું આક્રમક 'માર્કેટીંગ' કરીને દુનિયાભરના સંખ્યાબંધ પ્રવાસીઓને આકર્ષી પોતાના અર્થતંત્રને ધમધમતું રાખ્યું છે. આપણાં દેશને યોગાનુયોગે મળેલી આવી ઐતિહાસિક-સાંસ્કૃતિક-પૌરાણિક સ્થાપત્યોની ભવ્ય ધરોહરને ફક્ત આપણાં અને આપણી સરકારોના લબાડ અભિગમના કારણે તેમાંથી કંઈક રોકડી રળવાનું તો દૂર પણ આવી ધરખમ ધરોહરોને ધૂળમાં જ મેળવી રહ્યાં છીએ એવું મને આ સ્થળને જોઈને લાગ્યું.
     
નાનપણમાં એવી એક પરિીકથા સાંભળેલી જેમાં કોઈ પરી તેની પાસે આવેલા બે બાળકોને પોતાની પાસે રહેલી બે અલગ અલગ અનોખી સિદ્ધિઓ પસંદ કરવાનું કહે છે. તમને ખબર છે કે આ બન્ને બાળકોએ પસંદ કરેલી બે સિદ્ધિઓ શું હતી? પહેલાં બાળકે પેલી પરી પાસેથી તે કથીર જેવી કોઈપણ ચીજને સ્પર્શ કરે તો તે કંચન થઈ જાય તેવી સિદ્ધિ પસંદ કરી તો બીજાએ તે કોઈપણ કંચન જેવી ચીજને સ્પર્શ કરે તો તે કથીર થઈ જાય તેવી સિદ્ધિ પસંદ કરેલી! આપણા પૌરાણિક વારસો ધરાવતા પ્રવાસન સ્થળોની દુર્દશા જોઈને તમને એવું નથી લાગતું કે આપણે બધાં જરૂર પેલી પરી પાસેથી 'કંચનમાંથી કથીર' બનાવવાની બીજી સિદ્ધિ પસંદ કરનારા બાળકનાં જ વંશજો હોઈશું? 

1 comment:

  1. પોસ્ટની સાથે સાથે ઈમેજ પણ હોય તો સરસ!

    ReplyDelete