Sunday, February 2, 2014

દિલેર પીડા પંજાબની

જ્યારે પણ આપણે કોઈ અજાણ્યા પ્રાંત-લોકો વચ્ચે પહેલી વખત જવાનું હોય અને આવો પ્રવાસ જ્યારે વ્યાવસાયિક સંશોધન માટેનો હોય ત્યારે આ પ્રવાસ કર્યા પહેલાં અનેકવિધ આશંકાઓથી ઘેરાઈ જતાં હોઈએ છીએ. જો કે અત્યાર સુધી કરેલાં આવા કોઈપણ પ્રવાસ વખતે મને જીવનભર યાદ રહે તેવાં નિ:સ્વાર્થ માર્ગદર્શક મિત્રો મળી જ ગયા છે. ચાર વર્ષ પહેલાનાં મારા પહેલાં પંજાબ પ્રવાસ વખતે મારી પાસે ત્યાંની સ્થાનિક ઓળખાણમાં ઓટો કંપોનંટ્સ બનાવતાં જસબીરસિંહ ચઢ્ઢાનો એક સેલ નંબર માત્ર હતો. પંજાબ સરકારમાં તત્કાલીન વાણિજ્ય પ્રધાન મહેશઇંદરસિંઘ ગરેવાલનાં પડોશમાં જ લુધિયાણાનાં મોડેલ ટાઉનમાં રહેતા ચઢ્ઢાજીની બે દિવસની મહેમાનગતિએ મારા પંજાબ, પંજાબની લોહિયાળ અલગતાવાદી ચળવળ અને પંજાબીઓ વિશેના સમાચાર માધ્યમો દ્વારા ઘડાયેલા ખયાલોનો ભૂક્કો કરી નાખ્યો.
     
પ્રવાસનાં છેલ્લા દિવસની સાંજે યજમાન ચઢ્ઢાજીની સાથે પંજાબનાં વર્તમાન રાજકારણ, ખાલીસ્તાની ચળવળ, ભારત-પાકિસ્તાનના ભાગલા વખતે વિખૂટાં પડી ગયેલા અનેક કમનસીબ પરિવારોની પીડા બાબતે ચર્ચા થઈ. મેં યજમાન મિત્ર ચઢ્ઢાજીને પૂછ્યું કે તમે જ્યારે કોઈ અજાણ્યા હિંદુ મિત્રને આટલી બધી લાગણી સાથે ઉતારો આપ્યો છે તે જ જો ઇંદિરા ગાંધીની તેમનાં જ શીખ અંગરક્ષકોએ કરેલી હત્યાના પ્રત્યાઘાતમાં દેશભરમાં થયેલાં અસંખ્ય શીખબંધુઓનાં નરસંહાર અંગે તમને પૂછે તો તમારો પ્રતિભાવ શું હોય?  અજાણતાં પારાવાર દુ:ખ પહોંચડાનારા મારા પ્રશ્નનાં જવાબમાં તેમણે તેમનાં જીવનમાં ઘટેલી બે સત્ય ઘટનાઓ કહી.
     
આઝાદી પહેલાં હાલનાં પાકિસ્તાનનાં ટોબાટેંક જિલ્લામાં આવેલા કમાલિયા ગામે ચાર ભાઈઓનો એક મધ્યમવર્ગીય જાટ પરિવાર રહેતો હતો. સાયકલનાં છૂટક પાર્ટ્સ બનાવવાનાં કામની ખૂબ જ નાનાં પાયે શરૂઆત કરનાર આ પરિવારે પોતાની સખત મહેનત અને સૂજથી બહુ થોડાં સમયમાં આ ક્ષેત્રે સારું એવું કાઠું કાઢ્યું. ભારત પાકિસ્તાનનાં દુઃખદ વિભાજન કાળમાં આ પરિવારે પોતાની  સખત મહેનતે ઊભા કરેલાં નાનકડાં વ્યાવસાયિક સામ્રાજ્યને રેઢું મૂકીને માત્ર પહેરેલા કપડા સાથે જ ભારત ભાગી આવવું પડ્યું. શૂન્યથી શરૂઆત કરીને ખડા કરેલા સામ્રાજ્યને કાળની ગોજારી એક જ થપાટે રઝળતું મૂકીને રસ્તા ઉપર રખડતું થઈ જવું પડે તેવાં કોઈપણ પરિવારની પીડાને કલમથી વર્ણવવાનું બિલકુલ અશક્ય હોય છે. ભારત આવીને આ પરિવારના સભ્યો પંજાબના લુધિયાણા શહેરમાં છૂટક મજૂરી કરીને બચાવેલી થોડીક મૂડીથી ફૂટપાથ ઉપર સાયકલ રીપેરીંગનું કામ ચાલું કરે છે. તે વખતની ઇમ્પીરીયલ બેંકની લુધિયાણા શાખાનાં મુખ્ય મેનેજર કે જેઓ વિભાજન પહેલાં પાકિસ્તાનનાં લાહોર શહેરમાં રહેતા અને આ પરિવારની ધગશ તેમજ પ્રમાણિકતાથી પરિચિત હતા. જીવનનાં આ કઠોર કસોટીકાળમાં પરિચિત બેંક મેૅનેજર આ પરિવારે ફૂટપાથ ઉપર ચાલું કરેલી સાયકલ રીપેરીંગની દુકાન જોઈ ગયા. તે સમયમાં બેંકની જે તે શાખા સંભાળતો મેનેજર પોતાની જવાબદારી ઉપર લોકોને ધિરાણ આપી શકતો. મહેનતથી સફળ થયેલા આ પરિવારની અસહાય અવસ્થા આ મેનેજરથી નહીં સહેવાતા આ પરિવારનાં સૌથી મોટાભાઈને બીજા જ દિવસે પોતાની ઓફિસ ઉપર બોલાવીને પોતાની અંગત જવાબદારી સાથે વ્યવસાય ચાલુ કરવા માટે મોટા ધિરાણનાં પ્રસ્તાવ સાથે હિંમત આપી. ઇમ્પીરીયલ બેંકના દિલેર મેનેજરે દાખવેલી ઉદારતાનો બદલો વાળવા આ પરિવાર ફરી એકવાર નવી જ બુલંદ વ્યાવસાયિક ઇમારત ચણવાં લાગી પડ્યું. ગમે તેટલા પડકાર અને અન્યાય સામે પણ જો તમે હકારાત્મકતાનું વલણ અકબંધ રાખી શકો તો કોઈપણ વિષમ અને વિપરીત પરિસ્થિતિઓને પાર કરીને તમારા જીવનમાં ખુશીઓનો સૂરજ જરૂર ઉગાડી શકો તેનું ઉત્તમ ઉદાહરણ આ પરિવાર છે.
     
આ બધી વિપત્તિઓની વચ્ચે પોતાની અદમ્ય સાહસિકતાથી અભૂતપૂર્વ સફળતા મેળવનાર વ્યક્તિ એટલે પદ્મવિભૂષણથી સન્માનિત, દુનિયાના ધનાઢ્ય પરિવારોની નોંધ રાખતાં 'ફોર્બ્સ' ની પ્રતિષ્ઠિત યાદીમાં સ્થાન બનાવનાર, દુનિયામાં સૌથી વધું સાયકલનું  ઉત્પાદન કરવાનો વૈશ્વિક કિર્તિમાન જેમનાં નામે બોલે છે તે આપણા દેશના પ્રતિષ્ઠિત ઉદ્યોગૃહ હીરો ગૃપનાં વડા ડૉ. બૃજમોહનલાલ મુંજાલ.
     
મારા યજમાન ચઢ્ઢાજી પછી તરત જ એક બીજી ઘટના કહે છે. ઓગણીસો ચોર્યાસીમાં તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા પછી ભારતનાં ઘણાંબધાં શહેરોની જેમ જ ઉત્તરપ્રદેશના કાનપુરમાં એક અજાણ્યાં શીખ વેપારીને બેરહેમ નરરાક્ષસોનું ટોળું મરણતોલ માર મારે છે અને તેને મરેલો સમજીને રઝળતો મેલી જતું રહે છે. કાનપુરની શેરીમાં બેભાન પડેલાં આ શખ્સને કોઈ હોસ્પિટલમાં સારવાર માટે લાવે છે ત્યારે તે આઠ કલાક પછી ભાનમાં આવે છે. '84 દંગાઓનો મરણતોલ ભોગ બનનાર આ શખ્સ એટલે મુંજાલ પરિવારના કપરાં સમયે અમૂલ્ય મદદ કરનાર પેલાં ઇમ્પીરીયલ બેંકની લુધિયાણા શાખનાં મેનેજરનાં પુત્ર અને મારા યજમાન શ્રીમાન ચઢ્ઢા. દેશભરમાં થયેલાં શીખોનાં નરસંહાર અંગે પૂછાયેલાં મારા સવાલનાં જવાબમાં ઉપર કહેલી બે ઘટનાઓ સાથે ચઢ્ઢાજીએ મને કહ્યું કે કાનપુરમાં મને મારનાર ટોળું હિંદુઓનું હતું કે નહીં એ તો મને ખબર નથી પણ તે પછી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જનાર વ્યક્તિ તો હિંદુ જ હતો અને તે વ્યક્તિને હું ક્યારેય નહીં ભૂલું. ભૂલવાં જેવું બધું ભૂલવું જ પડે અને જો તેને નહીં ભૂલીએ તો આપણે ભૂંસાઈ જઈશું.
       
મહાભયાનક વિપત્તિઓમાં પણ આશાનું એક અણમોલ કિરણ તેમજ નફરતનું ઝેરીલું બીજ છૂપાયેલું હોય છે, કિરણને પકડશો તો જરૂર એક વટવૃક્ષ થઈને વિકસશો પરંતુ જો ઝેરને જ ઘૂંટ્યા કરશો તો ચોક્કસ ભૂંસાઈ જશો.
         

2 comments:

  1. માનવી ને માનવ બનાવે એવી વાત

    ReplyDelete
  2. Respected Himmatrayji..
    Wonderful article... No words for feedback..
    Prathmik shalana Pathyapustakma Samavvo pade avo jordar lekh...
    Congratulations... Pls aapni aa. Lekhan yatra ne Avirat Rakhjo... Halni aa Feku Bhaway na samaye lokoni aakho kholnarni samajne khub j jarur che..

    ReplyDelete