Saturday, February 22, 2014

સ્વર્ગનાં મોહે આપણે સર્જ્યું નરક

એક વખત હું અમૃતસરમાં આવેલાં શીખોનાં તીર્થસ્થળ સુવર્ણમંદિરમાં ડીસેમ્બર મહિનાની કડકડતી ઠંડીમાં ગયેલો. મેં ઘણા બધા તીર્થસ્થળો કે મંદિરો જોયેલા એમાંથી આ સુવર્ણ મંદિરનું વ્યવસ્થાપન કંઇક વિશિષ્ટ પ્રકારનું લાગ્યું. આ સંકુલમાં હરમંદિર સાહેબની ફરતે આવેલું સ્વચ્છ જળરાશી ધરાવતું વિશાળ સરોવર જોઈને રોજનાં હજારો દેશી-વિદેશી યાત્રાળુઓના ઘસારા છતાં પણ આ સુવર્ણમંદિરનાં આવા અનોખા વ્યવસ્થાપનનાં કારણે તમે તે સંકુલની સ્વચ્છતાને ‘પવિત્રતા’નાં રૂપમાં અનુભવી શકો. ડીસેમ્બરનાં માઈનસ બે થી ત્રણ ડીગ્રી તાપમાનમાં પણ મુખ્ય પ્રવેશદ્વારેથી પ્રવેશતાં જ બે મીટર પહોળી અને પાંચથી છ સેન્ટીમીટર જેટલી ઊંડી નાલીમાંથી પસાર થઈ રહેલું ગરમ પાણી દરેક યાત્રાળુના પગને હુંફાળી ‘સરપ્રાઈઝ’ સાથે સંપૂર્ણપણે સ્વચ્છ કરી આપે. દર કલાકે અત્યાધુનિક સ્વીપરો વડે સંકુલની તમામ ફર્શ સાફ થતી રહે અને લાખો માણસો માટે ચાલતા ચોવીસ કલાકના લંગરની સ્વચ્છતાને જોઈને નાસ્તિકોને પણ આવી અદ્ભુત વ્યવસ્થા જાળવનારને એક વખત તો અવશ્ય નમન કરવાનું મન થાય. દુનિયામાં કોઈ પણ ધર્મ કે વાદના શ્રદ્ધા-સ્થળોએ ઉત્તરોતર માનવ ઘસારો તો વધવાનો જ છે અને તે જોતાં આવા સ્થળોએ આવતા શ્રદ્ધાળુઓનાં આરોગ્ય-સલામતીને પ્રાથમિકતા આપવી એ જે તે ધાર્મિક સ્થળોના વ્યવસ્થાપકોની પહેલી ફરજ બનવી જોઈએ.
     
ધર્મનો હેતુ માનવજીવનને ઉત્તરોતર ઉન્નત બનાવવાનો હોવો જોઈએ અને જો સમય જતાં અમુક ધાર્મિક માન્યતાઓને લીધે લોકોના જીવન અને પર્યાવરણને ગંભીર હાની પહોંચતી હોય તો તેવી માન્યતાઓને ધરમૂળથી બદલવાની આ ક્ષેત્રોમાં પડેલા લોકોએ જ પહેલ કરવી જોઈએ. ભારતનાં અધિકાંશ તીર્થસ્થળોએ વ્યવસ્થાપનની ખામીઓ અને મૂર્ખામી ભરેલી અંધવિશ્વાસ-માન્યતાઓને કારણે પર્યાવરણને જે નુકશાન પહોંચ્યું છે તે ખરેખર અસહનીય છે. ગંગા અને બનારસ અંગેની હિંદુ ધાર્મિક માન્યતા અનુસાર ત્યાં ‘મૃત્યુ’ને મેળવીને પોતાના મૃતદેહને ગંગામાં વહાવાનો આંધળો મોહ હજારો વર્ષથી ચાલ્યો આવે છે. ક્યારેક  કબીર જેવા કોઈ એકલ દોકલ ભડવીરોએ આવી મુર્ખામીઓને તોડવાના પ્રયત્નો કરેલા જોઈ શકાય છે પણ વિરાટ જનસમુદાયનાં મનમાં જડ ઘાલી ગયેલી જડ માન્યતાઓને તોડવા માટે આવો એકલ દોકલ પ્રયત્ન પર્યાપ્ત નથી હોતો. આવી માન્યતાઓ અને તેનાથી પહોંચતા નુકશાનને પહોંચી વળવા સરકાર પાસે મજબૂત ઇચ્છાશક્તિ અને લોકોનાં પ્રમાણિક રીતે સામુહિક પ્રયત્નોની જરૂર હોય છે અને કમનસીબે ભારતમાં આ બંને મોરચે ગંભીર ઉદાસીનતા જોવા મળે છે. પ્રશાસન જો લોકોની ધાર્મિક ભાવનાને સહેજ પણ છેડી ન શકતું હોય તો વૈકલ્પિક રીતે તેનાથી થતાં નુકશાનને ભરપાઈ કરવા માટે વિરાટ ‘એક્શન પ્લાન’ અમલમાં મુકવો પડે. પરંતુ ભારત જેવી ગરીબ અર્થવ્યવસ્થામાં પ્રશાસન જ્યાં હજી સુધી દરેક નાગરિકને પીવાનું શુદ્ધ પાણી  ન આપી શક્યું  હોય તેવામાં ગંગા જેવી નદીઓને માણસોની મુર્ખામીથી પહોંચતા નુકશાનને પહોંચી વળવાના કોઈ મોટા 'એક્શન પ્લાન'ની આશા રાખવી તે ખરેખર મુંગેરીલાલ બનવા જેવી વાત કહેવાય.
       
વર્ષો પહેલા માનવ વસ્તીનું ભારણ દુનિયા ઉપર નહીવત હતું અને તેવા સમયે માનવો દ્વારા ઉત્પન્ન થતાં કચરાનાં નિકાલનો એક માત્ર ઉપાય નદીઓનું વહેતું પાણી હતું. સમય જતાં આપણે ફૂલ્યા ફાલ્યા અને તેના પ્રમાણમાં કચરો પણ એટલો જ ઉત્પન્ન કરીને આપણી ‘માતા’ જેવી નદીઓને પ્રદુષિત કરતાં ગયા. જીવન અને તેને જીવવાની કલા એટલે સમય તેમજ પરિસ્થિતિને અનુરૂપ જીવનનાં નિયમો બનાવતા-બદલાવતાં રહેવું. કહેવાતા ધાર્મિક લોકોએ પહેલા ધર્મોના નિયમો જે તે પરિસ્થિતિ અનુસાર કદાચ બનાવ્યા હશે પણ આપણે સમય સાથે આપણે સ્વર્ગીય કામનાઓનાં આંધળા મોહમાં તેને ‘અપડેટ' કરવાનું ભૂલતાં જ ગયાં.
        
ભારત જેવા દેશમાં ધર્મની અમુક માન્યતાઓ પ્રમાણે નદી, નદીનાં કાંઠે બનેલું મંદિર તેમજ અમુક સ્થળ વિશેષ ને ‘સ્વર્ગ’ કે ‘મુક્તિ’નું દ્વાર સમજવામાં આવે છે. પુરાણો અને શાસ્ત્રોમાં આવતા અદભૂત સ્વર્ગીય વર્ણનો ધરાવતા આ સ્થળોને જ્યારે આપણે સગી આંખે લોકોની બેદરકારીથી થયેલી બેહાલ સ્થિતિમાં જોઈએ ત્યારે માનવ મૂર્ખામી ઉપર હસવું કે રડવું એવું ‘કન્ફ્યુઝન’ સર્જાય. એક સર્વેક્ષણ અનુસાર ભારતમાં અંદાજે પાંસઠ ટકા લોકો પાસે પર્યાપ્ત શૌચાલયની સગવડ જ નથી તેવામાં તીર્થયાત્રાનો મહિમા ધરવતાં આ દેશમાં કોઈને કોઈ નદી કે સાગરકાંઠે વર્ષોવર્ષ લાખો લોકો ભેગા થતાં હોય તેવા માનવ મેળાવડા થાય અને ત્યાં પર્યાવરણને કોઈ જ હાની ન પહોંચે એવી જડબેસલાક વ્યવસ્થા આપણું પ્રશાસન કરે એવી આપણે આશા રાખવી એ પણ નરી મૂર્ખામી જ કહેવાય.
     
હજારો વર્ષથી બનારસમાં મૃત્યુને મેળવવાનો એક અજીબો ગરીબ મહિમા રહ્યો છે, આજે પણ દેશમાંથી અનેક વૃદ્ધો પોતાની છેલ્લી અવસ્થા ગાળવા બનારસમાં આવીને રહેતાં જોઈ શકાય છે કે જેથી તેઓ ત્યાં મૃત્યુ મેળવીને સ્વર્ગ મેળવી શકે. આવા જ ‘મિથ’ને તોડવા કબીર જેવા એક મહાન પુરુષે આખું જીવન પોતે બનારસમા ગાળ્યું હોવા છતાં શેષ જીવન એવા ગામે જઈને વિતાવ્યું કે તે ગામમાં મળેલાં મૃત્યુને લોકો નર્કનું દ્વાર માનતાં. આટલા ‘પ્રેક્ટીકલ’ પ્રયત્નને નહિ સમજનાર પ્રજાને સમજાવવાનો કોઈ વૈજ્ઞાનિક પ્રયોગ ખરો?

સુવર્ણમંદિરના પવિત્ર સરોવરનાં કિનારે એકાદ કલાક માટે  એક અદ્ભુત નજારો મેં જોયો. શ્રધાળુઓ આવે એક ડૂબકી લગાવે અને ભૂલથી પણ જો બીજી ડૂબકી લગાવે કે પોતાનો હાથ શરીર પર મસળે તો તરત જ ત્યાં કાંઠે ઉભેલા પહાડી કદનાં કરડા દેખાતાં લાંબા ભાલાધારી સેવાદારો પોતાનાં ભાલાની ધાર પેલા શ્રદ્ધાળુને અડકાડે અને તરત જ તેને બહાર ખેંચી લે! મને એવું લાગે છે કે કબીરે પોતાની જાત ઉપર કરી દેખાડેલા પ્રયોગો કરતાં આવા સુવર્ણમંદિરમાં સેવાદારો દેખાડે છે તેવાં ભાલાનાં પ્રયોગો જ ભારતની નદીઓને ગંદવાડનો ઢેર બનતાં રોકી શકે...

3 comments:

  1. ખુબ જ પ્રેરણાદાયી અને અતુલ્ય સંદેશ.. ધાર્મીક ઘેલછામાં માનવે ધર્મનો મુળ હેતુ જ વીસારે પાડ્યો છે. ધાર્મીક અંધશ્રદ્ધાઓને કારણે માનવજીવન અને પર્યાવરણને ગંભીર હાની પણ પહોંચે છે. આ અંધમાન્યતાઓને ધરમુળથી બદલવાની આ ક્ષેત્રોમાં પડેલા લોકોએ જ પહેલ કરવા માટે લાગણીથી છલકાતા અને પર્યાવરણલક્ષી તમારાં સુચનો ‘સર–આંખો’ પર....

    ReplyDelete
  2. ભારત જેવી ગરીબ અર્થવ્યવસ્થામાં પ્રશાસન જ્યાં હજી સુધી દરેક નાગરિકને પીવાનું શુદ્ધ પાણી ન આપી શક્યું હોય તેવામાં ગંગા જેવી નદીઓને માણસોની મુર્ખામીથી પહોંચતા નુકશાનને પહોંચી વળવાના કોઈ મોટા 'એક્શન પ્લાન'ની આશા રાખવી તે ખરેખર મુંગેરીલાલ બનવા જેવી વાત કહેવાય.
    Khoob Saras.

    ReplyDelete