Thursday, February 27, 2014

ભિક્ષાવૃત્તિનું મૂળ ગરીબી કે પછી ભ્રમિત માનસિકતા

ઉજ્જૈનનાં કાલભૈરવ મંદિરનાં દરવાજા ઉપર જ હાથમાં મોરપીંછ લઈને બેઠેલા એક વ્યંઢળને જોતાં જ મને તેનું ચિત્ર ખેંચવાનું મન થઇ આવ્યું. જેવો હું તેના ચિત્રને ઝડપવાની તૈયારી કરું  કે તરત જ તે વ્યંઢળ બનાવટી ગુસ્સા સાથે મને કહેવા લાગ્યો કે “जो तुमने मेरा फोटो खिंचा तो मैं पचास रुपयें का दंड करुँगी”  આવું સંભાળીને મેં આ વ્યંઢળની લાક્ષણિક અદાનું અદભૂત ચિત્ર નહીં મેળવી શકવાનાં વસવસા સાથે ચાલતી પકડી તો ખબર નહીં પણ મારા આવા અણધાર્યા બેફીકરા પ્રતિભાવને પામી જઈ એક સફળ ભીખારીનાં લચીલાપણાનાં ગુણ બતાવીને મને પ્રેમથી બોલાવ્યો અને હસતાં હસતાં કહેવા લાગ્યો કે “मैं तो मज़ाक कर रहीं थी; अब तुझें मेरा फोटो खींचना ही होगा नहीँ तो मैं फिर से दंड करुँगी” અને અહીંયાં જે તસ્વીરમાં દેખાય છે તે લાક્ષણિક ‘આશીર્વાદ મુદ્રા’ની આવી તસ્વીર મારી પાસે ખેંચાવીને મારા માથા ઉપર પ્રેમથી હાથ ફેરવીને આશીર્વાદ આપ્યા એટલે હું પણ ખુબ રાજી થયો! વ્યંઢળનાં આશીર્વાદથી નહિ પણ તેની ‘આશીર્વાદ-મુદ્રા’ની આ તસ્વીર મળવાથી. આ પ્રસંગથી મને ભિક્ષાવૃતિ અને તેનાં મૂળ કારણો વિશે લખવાની ઈચ્છા થઇ.
       
બીજા લોકોનું ભલું કે કલ્યાણ કરવાનાં કાલ્પનિક આશીર્વાદ અને દુઆનાં બદલામાં તમારી પાસેથી જેટલું પડાવી શકાય તેટલું ધન માગીને કે માગ્યા વગર પડાવવાનાં કસબને ભિક્ષાનો  ગોરખ-ધંધો કહેવાય. ઘણા સમાજશાસ્ત્રીઓ અને અભ્યાસુઓ ભિખારી કે ભિક્ષા-વૃત્તિની સમસ્યાને ગરીબી સાથે જોડે છે; પરંતુ આ ગરીબી અને ભિક્ષા વૃતિને જોડવાની ચેષ્ટામાં કોઈ આધારભૂત તર્ક દેખાતો નથી. જો ખરેખર આવું જ હોય તો ભિખારી બધાં જ ગરીબ હોવા જોઈએ તેને બદલે આપણા દેશ ભારતમાં રસ્તે ચીંથરેહાલ અવસ્થાએ ખુલ્લા આકાશ તળે આખો દિવસ ટાઢ-તડકામાં ભિક્ષાવૃતિ કરતાં એક અદના ગરીબ ભિખારીથી લઈને દેશ-વિદેશમાં આપેલી પોતાની ભિક્ષા-ફ્રેન્ચાયજીઓમાં પોતાના આંતરરાષ્ટ્રીય ભિક્ષા-વ્યાપારનાં ઉત્તેજન સારું ભીખથી(પ્રસાદી તરીકે) મળેલી આલીશાન દેશી-વિદેશી ગાડીઓ તેમજ વિમાનોમાં ઉડાઉડ કરતા 'હાઇપ્રોફાઇલ કોર્પોરેટ ભિખારીઓ' ની એક વિશાળ શ્રેણી જોવા મળે છે. દરિયા જેવા વિશાળ આ ભિક્ષા-વ્યાપાર ક્ષેત્રે કોઈ ભિખારી પોતાની વ્યક્તિગત કમજોરીના કારણે ગરીબ કે નિષ્ફળ રહે અને એટલે આ 'ભિખારી-સમસ્યા' ને ગરીબી સાથે જોડવી એ ખરેખર ભારતના ભદ્ર ભિખારીઓનું અપમાન કહેવાય.
       
કાઉન્સિલ ફોર હ્યુમન વેલ્ફેરના ડાયરેક્ટર હૈદ્રાબાદના ડૉ.મોહમ્મદ રફીઉદ્દીન નામના સમાજશાસ્ત્રીએ સતત બે વર્ષ સુધી દેશભરમાં ઘૂમીને ભિખારીઓની જીવનશૈલી, તેમની કમાણી તેમજ તેને વાપરવાની ‘પેટર્ન’નો એક વિશદ્દ અભ્યાસપૂર્ણ સર્વે કરેલો છે. ડૉ.રફીઉદ્દીનનાં તારણોને વિગતવાર આપણે જો સમજીએ તો એવું માનવું જ પડે કે આ ભિક્ષા અને ભિખારી સમસ્યાના મૂળ ગરીબી નહીં પણ આપણી ભ્રમિત માનસિકતા જ છે. ભારતમાં ગરીબીરેખા નીચે જીવતાં લોકો અને ભિખ માંગતા ભીખારીઓની સંખ્યાનાં તુલના કરવાથી પણ આ માન્યતાનો સ્પષ્ટ છેદ ઉડી જાય છે. ડૉ.રફીઉદ્દીનના સર્વે પ્રમાણે ભારતમાં આશરે ૭.૩ લાખ લોકો પોતાનું જીવન ભિક્ષાવૃતિ ઉપર ગુજારતા ભિખારીઓનું વાર્ષિક ટર્નઓવર છે રૂપિયા ૧૮૦ કરોડ! આ ભીખારીઓની ખર્ચ કરવાની ‘પેટર્ન’ પણ ભિક્ષાવૃતિ અને ગરીબીને જોડતાં સિદ્ધાંતનું ખંડન કરે છે. ભારતનો ભિખારી સરેરાશ પોતાની આવકના માત્ર વીસ ટકા જ ખોરાક અને કપડા પાછળ ખર્ચ કરે છે, ત્રીસ ટકા પાન મસાલા-બીડી, સિગારેટ, દારુ અને અન્ય નશાઓ કરવાની ખરાબ આદતો પાછળ વેડફે છે. બાકી રહેલી પચાસ ટકા રકમ તેઓ ક્યા વાપરે છે એ જાણીને તમને આશ્ચર્ય થશે.. આ રકમની તેઓ બચત કરે છે. ઇસ્લામ, ક્રિશ્ચિયાનીટી, બૌદ્ધ અને હિંદુ ધર્મમાં દાન આપવાનો અલગ અલગ રીતે ઘણો મહિમા કહેવાયો છે અને તેના ઉપરની લોકોની શ્રદ્ધા અને ધાર્મિક ભાવનાની રોકડી કરવાનો ધંધો એટલે અત્યારનો બેશુમાર ફૂલેલો-ફાલેલો આ ભિખ-વ્યવસાય.
       
બુદ્ધે પોતાના સંઘમાં સામેલ થનાર કોઈ પણ વ્યક્તિને પોતાનું દિવસનું એક જ વખતનું ભોજન માંગીને ખાવાની આજ્ઞા કરેલી. આમાં સંગ્રહ કરવાનો બિલકુલ નિષેધ જ હતો. આપણા શાસ્ત્રોમાં પોતાની પેઢી દર પેઢી આજીવિકા જળવાઈ રહે તે હેતુથી એક ખાસ ભિખારી વર્ગે ઘણાબધાં વૈવિધ્યપૂર્ણ દાનનો મહિમા બતાવતાં ઉપદેશો લુચ્ચાઈ પૂર્વક ગોઠવેલા છે. તમે સવારે જાગો ત્યારથી જ તમારા ઘરની બહાર કોઈ સડક છાપ ભિખારી હોય કે દેશ વિદેશમાં આશ્રમોની વિશાળ શ્રેણી ધરાવતો કોઈ કહેવાતો મહાત્મા હોય તમને આગ્રહ કરી કરીને તમારા મોક્ષ કે કલ્યાણની લાલચ અને ભગવાન તમારું ખૂબ ખૂબ ભલું કરશે એવી ફોગટની આશાઓ બંધાવતો હોય ત્યારે તેની મીઠી નજર તો તમારા પરસેવાની કમાણી ઉપર જ હોય છે. હવે તો ભિખ પણ સમય સાથે હાઈટેક થતી જાય છે. ઉદયપુરનાં એક સંસારી મહારાજ તો ઘણી લોકપ્રિય ચેનલોનો ટાઈમ સ્લોટ પોતાની ભિખ મંગાઈ કાર્યક્રમ માટે ખરીદી લે છે અને પોતાની બનાવટી કરુણાભરી શૈલીમાં પોતાના ભક્તોને એટલા તો ભોળવે કે કાર્યક્રમને અંતે બતાવવામાં આવતા બેંક એકાઉન્ટસ દાનની રકમોથી છલકાવા લાગે. આ મહારજનનાં પોતાના આશ્રમમાં પગારદાર અશક્તો અને વિકલાંગો રાખવાની વાસ્તવિક કથાઓ તમે જો સાંભળો તો આંચકો લાગે કે આવા મહાઠગ ભિખારીઓ પણ હોઈ શકે? પોતાના સાધુઓનાં અહંકારને નાથવા અને ફક્ત એક સમયના પેટનાં ખાડાને પૂરવા બતાવેલી ભિક્ષાને અત્યારે આ જ સાધુઓ પોતાનાં આશ્રમોમાં બેસી સંસારી ભક્તોને ખભે જોળી નંખાવી એક ખાસ દિવસે મંગાવતા જોઈને એવું થાય કે આ ભીખ માગનાર લોકોમાં તો સંવેદના મરી પરવારે પણ કોઈક બીજાની પાસે ભિક્ષા મગાવનારની મહા ભિખારીઓની સંવેદના વિષે શું કહેવું? આજે ગરીબી આપણો પ્રાણપ્રશ્ન છે પણ વિકાસ અને અન્ય સુધારાઓ થતાં આ ગરીબીને તો આપણે એક સમયે જરૂર નાથી શકીશું પરંતુ જ્યાં સુધી દાન અને દાનનો મહિમા ગાવાની બેફામ સામુહિક પ્રવૃત્તિ ઉપર કોઈ અંકુશ નહિ આવે ત્યાં સુધી ભિક્ષા અને વધી રહેલાં  ભિખારીઓની સમસ્યા ભારતમાં તો બંધ નહિ જ થાય કારણ કે આ ભિક્ષાવૃત્તિનાં અસલ મૂળ દાનને દેવા-લેવાની ભ્રમિત માનસિકતામાં જ છે.

એક સમય એવો હતો કે લોકો ભીખને ભૂખથી પણ ભૂંડી ગણતાં, આજનાં ભિખારીઓનું ‘સ્ટેટસ’ જોઈ લો તેઓ જ બધે ‘ટોપ’ ઉપર છે! આમાં કોઈ મત માંગનાર(રાજકારણી) છે તો કોઈ ટોળાબંધ મત અપાવનાર(ધર્મગુરુ). આજે તેઓ જરૂર હશે ‘ટોપ’ ઉપર પણ છે તો આખરે ભિખારીઓ જ.

1 comment:

  1. ભિક્ષા વ્રુત્તિ ને દાન વ્રુત્તિ સાથે જોડી સાચેજ એક પુણ્ય નુ કામ મર્યુ છે....(માત્ર દાન દેવા થીજ પૂણ્ય મળે છે એનો છેદ આપો આપ ઉડી ગયો !)
    સાચુ કહુ તો સુપાત્રે દાન એ કહેવત મા પણ માત્ર પૈસા ને કે વસ્તુ ને ન આવરતા વિદ્યા કે બીજી બાબતો ને આવરી લેવી જોઈએ અને એ માટે વ્યાપક સમજુતી ઉભી કરવા એક જુંબેશ જરુરી નથી ?
    આપે શરુઆત કરી છે તો એને આગળ ધપાવજો

    ReplyDelete