Monday, March 24, 2014

મૂળ ઉખડવાની પીડા

જયારે પહેલાં વહેલાં દક્ષિણમાં તમિળનાડુનાં ચેન્નાઇ જવાનું થયું ત્યારે મને બહુ મૂંઝવણ થયેલી કે ભાષા-સંસ્કૃતિ તેમજ ભૌગોલિક રીતે આપણાંથી જોજનો દૂર એવા આ તમિળ રાજ્યમાં આવેલા તેનાં પાટનગર ચેન્નાઇમાં નથી તો મારું કોઈ સ્નેહી-સ્વજન કે નથી કોઈ બીજા સ્થાનિક વ્યક્તિનો પરિચય. તો હું કેવી રીતે ત્યાં જઈશ અને કેમ કરીને ત્યાં મારું ધારેલું કામ પાર પાડીશ? આવી મૂંઝવણમાં જ મને મારા મિત્ર ખીમજીભાઈ કચ્છી મળી ગયા. મારી મૂંઝવણ જાણીને તરત જ તેમણે ચેન્નાઇમાં વસવાટ કરતાં તેમનાં વેવાઈ કરશનભાઇ પટેલ અને તેમનાં નાના ભાઇ ગોવિંદ પટેલને મારાં નામ અને મોબાઈલ નંબર સાથેનો મારી ચેન્નાઇ યાત્રાનાં પૂરાં વિવરણનો એક માત્ર મેસેજ કરી દીધો.

મુંબઈનાં દાદરથી ચેન્નાઇ સુધી ચોવીસ કલાકનાં ચેન્નાઇ એક્સપ્રેસ અને ચેન્નાઇનાં પાર્ક સ્ટેશનથી ક્રોમપેટ સ્ટેશન સુધી ચેન્નાઇ લોકલમાં કરેલાં એક કલાકનાં પ્રવાસે જીવનમાં આપણાં મૂળથી વિખૂટાં પડવાની પીડા કેવી અને કેટલી તીવ્ર હોય તેનો મને અહેસાસ કરાવી દીધો. ગુજરાતનાં કચ્છ અને રાજસ્થાનનાં મારવાડની મરુભૂમિની પાણીદાર પ્રજા ધંધા રોજગાર માટે દેશ અને દુનિયામાં વર્ષોથી ફેલાઈ ગઈ છે. ઉત્તરમાં પંજાબનાં પઠાણકોટથી ચાલું કરીને છેક દક્ષિણમાં ચેન્નાઇનાં ક્રોમપેટ કે તાંબરમમાં જેવાં સબઅર્બમાં લટાર મારતાં હો ત્યારે કોઈપણ બાબતે તમે અટવાઈ જાઓ તો ગભરાઈ જવાને બદલે તમારે સૌ પ્રથમ આસપાસમાં આવેલી લાકડાં વહેરવાની સો-મિલ કે પછી કોઈ મોટો ટિમ્બર વેપારી ગોતી લેવાનો. નક્કી પચાસ-સાંઈઠ વર્ષ પહેલાં એ કચ્છનાં કોઈ અંતરિયાળ ગામડામાંથી આવેલો ખેડૂત કે વેપારીનો દીકરો જ હશે. ઉત્તર-દક્ષિણ અને પૂર્વ-પશ્ચિમ દિશામાં દેશનાં ચારેય ખૂણે રખડતાં રખડતાં મને આવો અનુભવ તો થયો જ છે. પાણીથી અછતગ્રસ્ત વિસ્તારની પાણીદાર મનોબળ ધરાવતી આ પ્રજાએ પોતાનાં વતનથી હજારો કિલોમીટર દૂર વ્યાવસાયિક સામ્રાજ્યનાં મૂળ તો ખૂબ જ મજબૂતીથી નાંખ્યાં છે છતાં આમાંથી કોઈને તમે મળો ત્યારે તેમનાં ચહેરા ઉપર પોતાનાં મૂળથી વિખૂટાં પડવાની પીડા રજૂ કરવાનું આપણાં જેવા વતનથી ગયેલાં અજાણ્યા અતિથિ સામે પણ રોકી નથી શકતા.

પાણી અને રોજગારની ભયંકર અછત વાળા કચ્છ પ્રદેશનાં એક અંતરિયાળ ગામેથી સિત્તેરનાં દાયકામાં ચાર ભાઈઓનો ખેતમજૂરી કરતો એક ગરીબ કચ્છી પરિવાર તેનાં સૌથી નાનાં સભ્ય ગોવિંદ પટેલને થયેલી Muscular Dystrophy Myopathy ની સારવાર માટે ચેન્નાઇ આવે છે અને પછી કોઈ ધંધા રોજગારની આશાએ આ શહેરમાં જ રોકાઈ જાય છે. મહેનત અને લગનથી કરેલા અથાગ પરિશ્રમનાં લીધે આ પરિવારે ચેન્નાઇનાં સબઅર્બ કહેવાતાં તાંબરમ અને ક્રોમપેટમાં ટિમ્બર, હાર્ડવેર અને ઑટોમોબાઇલ્સ કમ્પોનંટ્સનાં વેપારમાં સારી એવી પેઠ જમાવી. પરિવારનાં સૌથી નાનાં ભાઈ ગોવિંદ પટેલને Muscular Distrophy Myopathy નામની સ્નાયુની અસાધારણ અસાધ્ય બિમારીથી પીડાતા હોય તેમની છપ્પન વર્ષની ઊમરે પાંસઠ ટકા જેટલું શરીર નિશ્ચેત થઈ ગયું હોવાં છતાં પણ તેઓ ઇલેક્ટ્રિક વ્હિલચેરનો ઉપયોગ કરીને આજે પણ પોતાના વ્યવસાય તેમજ વિવિધ સામાજિક પ્રવૃત્તિઓમાં સક્રિય રહે છે.

મારા ચેન્નાઇ આવવાનો મેસેજ તેમનાં વેવાઈ અને મારા મિત્ર ખીમજીભાઈ કચ્છી તરફથી મળ્યો એટલે તેઓ ખૂબ જ આનંદમાં છે. મોટાભાઈ કરશન પટેલનાં નેપાળી ડ્રાઇવરને આગલી સાંજે જ મને વહેલી સવારે સ્ટેશન ઉપર લેવા આવવાની અને ઉતારાની વ્યવસ્થા કરાવી આપવાની સુચના આપી દીધી હોવાથી મને દક્ષિણમાં આવેલાં બધી જ રીતે અજાણ્યા દૂરસુદૂરનાં આ ચેન્નાઇ શહેરમાં વહેલી સવારે પણ કોઈ જાતની મુશ્કેલી પડતી નથી. હું મારા વ્યાવસાયિક હેતુથી આવ્યો છું અને ભવિષ્યમાં મારે આ શહેરમાં વારંવાર આવવાનું  બનશે એ જાણતાં હોવાથી આ કચ્છી ભાઈઓએ મને ઉતાર્યો તો મારા વ્યાવસાયિક હેતુનાં સ્થળ પાર્ક સ્ટેશન પાસે પણ ત્યાંથી મારે તેમને મળવા તાંબરમ અને ક્રોમપેટ જવાનું થયું ત્યારે મારે ત્યાંની લોકલ ટ્રેનમાં એકલાં જ મુસાફરી કરવી પડે તેવી 'ટ્યુટોરિયલ ટેક્નિક' વાપરી જેનાથી મને ભવિષ્યમાં આ શહેરની મુલાકાત વખતે ક્યારેય કોઈ તકલીફ ન પડે.

ભાષા-સંસ્કૃતિ અને ભૌગોલિક રીતે દૂરસુદૂર આ શહેરમાં પિસ્તાલીસ વર્ષ પહેલાં કચ્છનાં લખપત તાલુકાનાં અંતરિયાળ ગામ માતાનાં મઢથી ખેતમજૂરી કરતાં કરતાં આ પરિવારે પોતાની મહેનતે એક નાનકડું વ્યાવસાયિક સામ્રાજ્ય જમાવ્યું, પૈસા સાથે પ્રસિદ્ધિ પણ સારી એવી કમાયા. જ્યારે હું તેમને મળ્યો ત્યારે ત્યાંની તમિળ સંસ્કૃતિ, રાજકીય પરિસ્થિતિ અને વ્યાવસાયિક પ્રગતિની સંભાવનાઓ વિષે મને ખૂબ જ અનુભવી ચિતાર આપ્યો. સંપત્તિ-સમૃદ્ધિ પુષ્કળ મળી પણ એ અમારી સંસ્કૃતિનાં મૂળ ઉખડવાનાં સાહસનાં બદલામાં મળી; આ મૂળથી વિખૂટાં પડવાની પીડાનો અહેસાસ અમારા બાળકોને નથી કારણ કે તેમનો જન્મ અહીંયાં થયો છે, તમારાં જેવાં વતનથી આવેલા લોકો જ મારાં જેવાંની આ પીડા સમજી શકે એટલેજ હું કાયમ તમારાં જેવા વતનથી આવતાં મહેમાનોની રાહ જોતો હોઉં છું એવું કહેતાં આ ગોવિંદ પટેલ જ્યારે પોતાની ઇલેક્ટ્રિક વ્હિલચેરમાં બેસીને આંખોમાં પરાણે રોકી રાખેલા આંસુઓ સાથે છેક દરવાજા સુધી વળાવવા આવ્યા ત્યારે આ કચ્છ-મારવાડ જેવાં પ્રદેશોમાંથી 'માઇગ્રંટ' થયેલાં સેંકડો લોકોને તેમનાં મૂળથી ઉખડવાની પીડા કેટલી અસહ્ય રીતે સતાવતી હશે તેનો પહેલ વહેલો મને અહીંયાં અહેસાસ થયો.

No comments:

Post a Comment