Sunday, March 30, 2014

નર્મદા યોજના: નાડી વાંકે પડતર પડેલો ચોરણો

આજે રવિવારની સવાર સવારમાં જ ગુણવંત શાહે ગૂંથેલા વિચારોનાં વૃંદાવનમાં અનાયાસે અટવાઈ જવાનું બન્યું. કારણ કે તેમની આજની આ કટારનો વિષય હતો ગુજરાતની જીવાદોરી કહેવાતી નર્મદા યોજના અને તેમણે પોતાની આગવી ચ્યુઇંગમી ચીકણી શૈલીમાં તેનું શિર્ષક આપેલું 'ગંગા, યમુના, નર્મદા અને નાઇલનો ધર્મ છે: માતૃત્વ'. આપણે ગુજરાતમાં કે ગુજરાત બહાર રહેતાં ગુજરાતી હોઈએ અને વાત નર્મદા યોજનાની આવે એટલે મેધા પાટકરની વાત આવે જ અને આ નામ સાંભળીને આપણાંગુજરાતીનાં) મનમાં તેમનાં વિશેનું ચિત્ર રણમાં ભટકી ગયેલાં કોઈ તરસ્યા વટેમાર્ગુનાં મોઢેથી પાણીની મશક છીનવી લેતી કોઈ 'ડાકણ' જેવું જ ઉપસે.

પર્યાવરણ તેમજ પુનર્વસનને મુદ્દો બનાવીને સાંઠીકડા જેવી દેખાતી આ એક બાઈએ ગુજરાત સરકારને સારી એવી કસરત કરાવેલી અને એવું પણ કહી શકાય કે જે યોજનાનો ખર્ચ શરૂઆતમાં માત્ર છસ્સો કરોડ અંદાજવામાં આવેલો તે આવી મજબૂત ચળવળકારોએ ઉપાડેલી ઝુંબેશનો તોડ ગોતવામાં જ એટલી બધી લાંબી ખેંચાણી કે આજનાં દિવસે તેનાં ઉપર સાંઇઠ હજાર કરોડ જેટલાં રૂપિયા વપરાય ચૂક્યા છે છતાં આપણાં સૌરાષ્ટ્રનાં ખેતરો પેલા સગર રાજાનાં સાંઇઠ હજાર અતૃપ્ત પૂત્રોની જેમ તરસ્યા ટળવળે છે.   

મારે અહીંયાં વાત કરવી છે નર્મદા યોજનાનાં સંભવિત લાભો અને મેધા પાટકરનાં વિરોધ અંગે પોતાની કટાર 'વિચારોનાં વૃંદાવનમાં' આજે લેખક ગુણવંત શાહે ઉઠાવેલાં વર્તમાન સમયે બિલકુલ અપ્રસ્તુત કહેવાય તેવાં મુદ્દાઓ વિશે. પ્રસ્તુત લેખમાં લેખકે તરસ અને તેને છિપાવનાર પાણીનો મહિમા લખ્યો, તેની કિંમત અને વેડફાટ વૃતિ ઉપર પણ અત્યંત માર્મિક ટકોર કરી. દુનિયામાં બનતી મોટી મોટી જળ-પરિયોજનાઓની મુદ્દાસર વકીલાત કરી અને આ મુદ્દે હું વૈચારિક રીતે બિલકુલ સહમત પણ છું. જે તે સમયે રાજકીય પક્ષાપક્ષીનાં ભેદથી ઉપર ઊઠીને ગુજરાતનાં દરેક વિચારશીલ-કર્મશીલ નાગરિકોએ મેધા પાટકર જેવાં નર્મદા બંધ વિરોધી ચળવળકારોનો એક જ મંચ ઉપર એકઠા થઈને જોરદાર જવાબ આપ્યો છે. આવા કર્મશીલ બૌદ્ધિકોમાં ગુણવંત શાહનું નામ પણ હંમેશા યાદ કરવું જ પડે.

આજનો આ લેખ વાંચીને મને એવું થયું કે આજે શું હું નેવુંના દાયકાનું અખબાર આજે વાંચી રહ્યો છું? કારણ કે શ્રીમાન શાહે ગુજરાતની આ જીવાદોરી સમાન નર્મદા યોજનાનાં મેધા પાટકરે કરેલાં ભૂતકાળનાં વિરોધ મુદ્દાઓ વિશે અત્યારનાં સમય પ્રમાણે બિલકુલ બિનજરૂરી સવાલો કર્યા છે. ગુણવંત શાહ એક વાત આજની તેમની આ કટારમાં ખૂબ જ ઇરાદાપૂર્વક ભૂલી ગયા કે આજે

-નર્મદા યોજના પૂર્ણ થઈ ગઈ અને છેલ્લા દસ વર્ષ દરમિયાન આ યોજનાનાં લાભો તેનાં ખરા લાભાર્થીઓ સુધી પહોંચાડવા જરૂરી નહેરોનું માળખું બનવું જોઈએ તેનાં ત્રીજા ભાગનું પણ નથી બન્યું! તો આ ગોકળગતિએ ચાલતાં કામોને ઝડપી બનાવવાની દાનત આડે શું આ મેધા પાટકર આવે છે?

-નર્મદા ઉપર તૈયાર થઈ ગયેલાં આ ડેમમાંથી ચોમાસામાં વહી જતાં પાણીથી સૌરાષ્ટ્રની નદીઓને
સજીવન કરવાની 'સૌની' યોજનાને છેલ્લાં દસ વર્ષમાં વારાફરતી ચાર ચાર વખત છેતરામણું ઉદ્ઘાટન કરવાનું શું આ મેધા પાટકરે કહ્યું હશે?

-ડેમ તો તૈયાર છે તો દરવાજા શુંકામ નથી લગાડાતાં? આનાં માટે સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશમાં જે લોકોની જમીન-ઘર ડૂબમાં જાય છે તેનું યોગ્ય રીતે પુનર્વસન ન થાય ત્યાં સુધી રોક લગાવી છે છતાં રાજ્યનાં મુખ્યમંત્રી જાહેરમાં કેન્દ્ર સરકારને દોષી ઠરાવે! તો આવું બધું કરવાનું આ મેધા પાટકર શીખવતાં હશે?

મને બરાબર યાદ છે કે જામનગરમાં આ નર્મદા યોજનાનાં લાભાલાભ વિશેની એક ખુલ્લી ચર્ચામાં મુઠ્ઠી હાડકાં વાળી આ ભડવીર બાઈએ સૌરાષ્ટ્રનાં પાણીની સમસ્યાનો ઉકેલ નર્મદા યોજના જેવી મોટી મોટી પરિયોજનાઓને બદલે નાનાં નાનાં આડબંધોથી જ હલ કરી શકાશે એવો મત આજથી લગભગ પચ્ચીસ વર્ષ પહેલાં આપેલો, અને મેધા પાટકરની વિચારધારાનાં કટ્ટર વિરોધી હોવા છતાં પણ આજે એ વાત કોઈપણને સ્વીકારવી પડશે કે ગુજરાત તેમજ ખાસ કરીને સૌરાષ્ટ્રની ખેતીની આબાદી મેધા પાટકરે બતાવેલાં નાનાં નાનાં આડબંધોથી રોકેલા વરસાદી પાણીનાં પ્રયોગને જ આભારી છે. ભૂતકાળમાં મેધા પાટકરે કરેલાં નર્મદા વિરોધને ચવાઈ ગયેલી ચ્યુઇંગમી શૈલીમાં અકારણ ચગાવવાને બદલે આજે આપણે આ યોજનાંની નહેરો સમયસર કેમ નથી બનાવી શક્યા તેનાં યોગ્ય જગ્યાએ સવાલો ઉઠાવવાની હિંમત કરીએ એમાં જ આપણી પ્રબુદ્ધતા, હિંમત અને દાનતની યથાર્થતા છે.  

નર્મદા યોજનાની વર્તમાન સ્થિતિ: ચોરણો તૈયાર છે અને નાડી-નેફાનાં કોઈ ઠેકાણા નથી...

5 comments:

  1. રાજકારણીઓ કેટલાક મુદ્દા ઉપર જ ટકી રહે છે અથવા કહીએ તો તે્મને જીવવા માટે અમુક મુદ્દાઓ સળગતા રાખવા જરુરી છે. નર્મદા, ખંભાતના અખાતનું સરોવર તેમાંના કેટલાક છે. કદાચ બીજી રીતે વિચારીએ તો ખુબ મોટા પ્રોજેક્ટમાં ગણત્રીઓ જટીલ હોય છે, આથી આપણા બહારથી થયેલ ઓબર્ઝર્વેશન ક્યાંક ભુલ પણ કરતા હોય.. બીજું સૌરાષ્ટ્રની ધરતી પથરાળ છે આથી પાણી વહી જાય છે અને તમે કદાચ બંધીયાર બનાવો તો લાંબો સમય સ્ટોર થઈ શકે નહી.( બાષ્પીભવન થઈ જાય) આથી નર્મદાની નહેર ઉપયોગી બને. બીજો પ્રશ્ન ધરતીના ઉંચાણનો છે, સૌરાષ્ટ્રમાં પાણી પહોંચાડવા સુરેન્દ્રનગર/ચોટીલા પાસે પાણીને પમ્પ કરવું પડે, એનું કોસ્ટીંગ પણ વિચારવું પડે. નીચલા લેવલના ભ્રષ્ટ્રાચારમાં નહેરોનું કામ યોગ્ય રીતે થયું નથી તે વાસ્તવિકતા છે. નર્મદા કરતાંય વધારે અગત્યનો પ્રોજેક્ટ ખંભાતના અખાતને બાંધવાનો છે એ થઈ જાય તો સૌરાષ્ટ્રનો વિકાસ ઝડપી બને અને દક્ષીણ ગુજરાતનું ટ્રાન્સપોર્ટેશન પણ સરળ બને. કેટલાક પ્રોજેક્ટસને સમજવા રાજકારણીઓના (નેતાઓ કે પાટકર...) શબ્દો નહી પણ વૈજ્ઞાનીક તથ્યોને સહારો લેવો પડે એમ હું માનું છું.

    ReplyDelete
  2. આપનો આ આ લેખ 'કૃત સંકલ્પ'ના આવતા અંકમાં પ્રકાશીત કરવાની મંજુરી આપવા વિનંતી ... પ્રતિ , નિમિષ શાહ , સહ-સંપાદક , કૃતસંકલ્પ
    krutsankalpgpcc@gmail.com

    ReplyDelete
  3. ગુણવંત શાહ એક વાત આજની તેમની આ કટારમાં ખૂબ જ ઇરાદાપૂર્વક ભૂલી ગયા કે આજે

    -નર્મદા યોજના પૂર્ણ થઈ ગઈ અને છેલ્લા દસ વર્ષ દરમિયાન આ યોજનાનાં લાભો તેનાં ખરા લાભાર્થીઓ સુધી પહોંચાડવા જરૂરી નહેરોનું માળખું બનવું જોઈએ તેનાં ત્રીજા ભાગનું પણ નથી બન્યું! તો આ ગોકળગતિએ ચાલતાં કામોને ઝડપી બનાવવાની દાનત આડે શું આ મેધા પાટકર આવે છે?

    -નર્મદા ઉપર તૈયાર થઈ ગયેલાં આ ડેમમાંથી ચોમાસામાં વહી જતાં પાણીથી સૌરાષ્ટ્રની નદીઓને
    સજીવન કરવાની 'સૌની' યોજનાને છેલ્લાં દસ વર્ષમાં વારાફરતી ચાર ચાર વખત છેતરામણું ઉદ્ઘાટન કરવાનું શું આ મેધા પાટકરે કહ્યું હશે?

    -ડેમ તો તૈયાર છે તો દરવાજા શુંકામ નથી લગાડાતાં? આનાં માટે સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશમાં જે લોકોની જમીન-ઘર ડૂબમાં જાય છે તેનું યોગ્ય રીતે પુનર્વસન ન થાય ત્યાં સુધી રોક લગાવી છે છતાં રાજ્યનાં મુખ્યમંત્રી જાહેરમાં કેન્દ્ર સરકારને દોષી ઠરાવે! તો આવું બધું કરવાનું આ મેધા પાટકર શીખવતાં હશે?
    100% True!


    ReplyDelete