Wednesday, September 30, 2015

હવે તો જાગો... આ એકવીસમી સદી જ છે...

ડેણકી... આ શબ્દ જીવનમાં મેં હમણાં પહેલી જ વખતે સાંભળ્યો; અને એ પણ મધ્ય પ્રદેશનાં ઇટારસી જેવાં નાનકડા કસ્બામાં! સત્ય શોધક સભાનાં ઉપક્રમે સુરતની કડીવાલા સ્કૂલનાં આચાર્ય શ્રીમાન સિદ્ધાર્થ દેગામી અને શ્રીમાન ખીમજી કચ્છી દ્વારા ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશનાં નાના નાના શહેર-ગામડાઓમાં અંધવિશ્વાસ પ્રત્યે જનજાગૃતિ માટે યોજવામાં આવેલી એક યાત્રામાં મારે તેમાં આમંત્રિત સદસ્ય તરીકે સહયાત્રી બનવાનું બન્યું. સુરતની સત્ય શોધક સભા અંધવિશ્વાસ અને અંધશ્રદ્ધા પ્રત્યે લોકો જાગૃત થઈને વૈજ્ઞાનિક અભિગમ કેળવે તેનાં માટે એક નાનકડો પણ ખૂબ જ સુંદર 'ક્રિયેટીવ' કાર્યક્રમ દેશનાં નાના-મોટા ગામડાઓ, કસબાઓ અને શહેરોમાં ઘૂમી ઘૂમીને કરે છે. અમારી આ યાત્રામાં ઉત્તર પ્રદેશનાં ઝાંસીનાં બુંદેલખંડીય પછાત ગામડાઓથી લઈને છેલ્લે મધ્ય પ્રદેશનાં ઇટારસીમાં વર્ષો પહેલાંથી કચ્છમાંથી ધંધાર્થે સ્થળાંતરીત થઈને પેલાં બુંદેલખંડનાં ગરીબો કરતાં ઘણા બધાં વિકસિત એવા આશરે અઢીસો પરિવારોનાં કચ્છી સમાજ સમક્ષ આ કાર્યક્રમ રજૂ કરવાનું બન્યું. પ્રત્યેક જગ્યાએ આ કાર્યક્રમનાં એક નિશ્ચિત ક્રમ પ્રમાણે અંધશ્રદ્ધા પરનું એક નાટક, પછી તેનો પર્દાફાશ અને છેલ્લે પ્રશ્નોત્તરી હોય.

ઇટારસીમાં આવી જ એક પ્રશ્નોત્તરીમાં ત્યાંના કચ્છી સમાજનાં મહિલા પાંખનાં પ્રમુખ એક બહેન સાથે થયેલી રસપ્રદ પ્રશ્નોત્તરી દરમિયાન દેશભરમાં જુદાં-જુદાં રાજ્યોમાં વ્યવસાય અર્થે ફેલાયેલા માત્રને માત્ર આ કચ્છી પરિવારોને જ અંદરોઅંદર પરેશાન કરતી 'ડેણકી' નામની એક ચીકણી સમસ્યા માટે વપરાતો શબ્દ મે સાંભળ્યો! કાર્યક્રમનાં બીજા જ દિવસે ડેણકી-હાઉથી પીડિત સમાજનાં મહિલા પાંખનાં વડાએ અમને તેમનાં ઘરે આ ડેણકી-સમસ્યા પર ચર્ચા માટે બોલાવ્યા અને એ ચર્ચા દરમિયાન ઉજાગર થયેલાં અમુક ચોંકાવનારા તથ્યોએ અંધવિશ્વાસ એ અશિક્ષા-ગરીબી સાથે જોડાયેલી સમસ્યા છે તેવી એક સ્વાભાવિક માન્યતાનો મૂળથી છેદ ઉડાવી દીધો! અમે આ શહેરમાં આવ્યા તે પહેલાં અમુક પછાત-ગરીબ લોકો જ્યાં બહુમતીમાં વસે છે તે બુંદેલખંડનાં ગામડાઓ ઘૂમેલાં અને તે ગરીબો પણ તેમનાંમાં વ્યાપ્ત બેફામ અંધવિશ્વાસ માટે પોતાની અશિક્ષા-ગરીબીને જ જવાબદાર માનતા હતાં. પરંતુ તેમનાં કરતાં સામાજિક, આર્થિક અને શૈક્ષણિક ક્ષેત્રે ચડીયાતા સમાજને જ્યારે અમે આવી બિનજરૂરી સામૂહિક મનોરુગ્ણ અંધવિશ્વાસની બીમારીઓથી પીડાતો જોઈને મને એવું લાગ્યું કે આ પ્રશ્નને આપણે વિશાળ સામાજિક ફલક પર ચર્ચવો જોઈએ.

તો ચાલો આપણે સમજીએ કે આ ડેણકી કઈ બલાનું નામ છે. કચ્છની દુકાળિયો વિસ્તારમાં મુખ્યત્વે ખેતીનો વ્યવસાય કરતાં હતાં તે છોડીને પછી દેશનાં લગભગ દરેક રાજ્યોનાં નાના-મોટા શહેરોમાં લાકડા અને હાર્ડવેરનાં વ્યવસાયમાં સમૃદ્ધ બનેલા આ કચ્છી પરિવારમાં ક્યારેક કોઈ શારીરિક, આર્થિક કે પછી કોઈ સામાજિક સમસ્યાઓ આવી પડે ત્યારે તેઓ આ સમસ્યા માટે ડેણકીને જવાબદાર હોવાના વહેમથી ઘેરાવા લાગે! તો સવાલ એ થાય કે આ ડેણકી હોય કોણ? કચ્છથી સાથે લાવેલાં અમુક (અ)સામાજિક સંસ્કારનાં કારણે જે જે શહેરોમાં તેઓ વસે છે તે તે દરેક શહેરોમાં માત્ર આ પરિવારોની બે-ત્રણ મહિલાઓને તો તેઓ ડેણકી માની જ બેઠાં હોય! ડેણકી શબ્દનો ભગવદ્ગોમંડળ પ્રમાણે અર્થ જોઈએ તો એક એવી સ્ત્રી કે જેની નજર ભારે હોય, બીજાને વળગાડ રૂપે વળગતી હોય તેવી એક ડાકણ! 

પેલાં ઇટારસીમાં મળેલી જાણકારી પ્રમાણે બેંગ્લોરમાં રહેતી કોઈ ડેણકી હૈદરાબાદમાં પણ નડે અને ચેન્નાઇમાં રહેતી ડેણકી ગોવા શહેરમાં પણ તરખાટ મચાવતી હોય! પણ આ ડેણકીની એક વિશેષતા એ કે હજારો કિલોમીટર દૂરથી કૂદાકૂદ કરીને એ નુકસાન તો પોતાના પારિવારિક વર્તુળો પુરતુ જ કરી શકે પણ બાજુમાં રહેતા બીજા કોઈ અન્ય પડોશીને તો અડકે પણ નહીં! બીજી વળી એક ઓર વિશેષતા કે આ ડેણકીને થતાં સંતાનોમાં દીકરીને પણ ડેણકીપણું વારસામાં મળે અને દીકરો આવા અહોભાગ્યથી વંચિત રહે! ઇટારસીમાં કચ્છી સમાજ સાથે થયેલી ચર્ચામાં જાણવા મળ્યું કે આ શહેરમાં કુલ ત્રણ ડેણકી(જાહેર કરી) છે! પોતાના પર આવી ડેણકીએ કંઈક નજર બગાડી છે એવી ભ્રમણાથી મુક્ત થવા રોજને રોજ કોઈને કોઈ એક ડેણકીનાં ઘરે તેને ગમતી વસ્તુઓનો ઉતાર રાતનાં અંધકારમાં ફેંકી આવે અને બન્ને બાજુએ જીવનને વધુંને વધું અંધવિશ્વાસમાં અંધકારમય બનાવે! પોતાના આંગણું આવા 'ઉતાર'નો ઉકરડો બનતું જોઈને સામાજિક બહિષ્કારનાં ભયના કારણે એક પરિવારે ઇટારસીથી બેંગ્લોર સ્થળાંતર કરવું પડ્યું તો બીજા એક પરિવારે પોતાની વયોવૃદ્ધ માં જેને આ લોકોએ ડેણકી જાહેર કરી છે તેમને ઘરમાં જ નજરબંદ કરી દીધી જેથી આ પરિવાર સામાજિક રીતે બહિષ્કૃત થવાના ભયથી મુક્ત રહી શકે! મારા સહયાત્રી ખીમજી કચ્છીએ મને કહ્યું કે સારું છે આજે અમારા સમાજમાં દીકરીઓની અત્યારે અછત છે નહીં તો પચાસ વર્ષ પહેલાં કચ્છમાં એવી હાલત હતી કે ડેણકી જાહેર થયેલી મહિલાની ગમે તેવી સુશીલ, સંસ્કારી અને સ્વરૂપવાન દીકરીને કોઈ પરણવા રાજી નહોતું!

આ સમાજનાં પ્રમુખને મળીને અમે કહ્યું કે આવી કોઈ ડેણકી-ફેણકી હોતી નથી, જેને પણ આવા વળગાડ હોય છે તે માત્રને માત્ર માનસિક બીમારીઓ જ હોય છે અને તેનો આધુનિક મનોવૈજ્ઞાનિક ઇલાજ કરવો એ જ એક માત્ર યોગ્ય ઉપાય છે નહીં કે પોતાની પાગલ મનોવૃત્તિ માટે કોઈ નિર્દોષ મહિલાને ડાકણ જાહેર કરવી. શામળાજી વિસ્તારમાં વસવાટ કરતા અમુક આદિવાસીઓ તેમણે જાહેર કરેલી આવી ડાકણ મહિલાઓને શુદ્ધ કરવા માટે શિયાળાની કડકડતી ઠંડીમાં, જાહેર મેળામાં એક ખુલ્લા વિશાળ કુંડમાં નિર્વસ્ત્ર કરીને અમુક સમય સુધી ફરજિયાત પણે નવડાવવાની વાત મેં સાંભળી છે! 

આ ગરીબ આદિવાસીઓનાં મુકાબલે બધી જ રીતે ચડીયાતાં કચ્છી સમાજને એક જ વિનંતી કે હવે તો જાગો... ખરેખર એકવીસમી સદીનો સૂર્યોદય થઈ ચૂક્યો છે, સમાજનાં બહુમતી પાગલોને પોતાની સ્વાભાવિક પીડા-સમસ્યા માટે કોઈ નિર્દોષને ડેણકી જાહેર કરીને જવાબદાર ઠેરવવાની માનસિકતા શું આપણને પેલાં આદિવાસીઓ કે કરતાં પછાત જાહેર નથી કરતી?