Thursday, January 30, 2014

'સમ્યક' સમૃદ્ધિ

ભગવાન બુદ્ધે એક વખત તેમનાં સંઘના પુરવઠા વ્યવસ્થાપક ભિક્ષુકનો 'ક્લાસ' લેવાનું નક્કી કર્યું! તેમનો પહેલો પ્રશ્ન હતો કે સંઘમાં સામેલ તમામ ભિક્ષુકોને વસ્ત્રોનું કઈ રીતે વિતરણ કરો છો?  ભિક્ષુકનો જવાબ હતો કે નાના મોટાનાં કોઈપણ જાતનો ભેદ રાખ્યા વગર દરેકની શારીરિક જરૂરિયાતને અનુલક્ષીને એક સમાન ગુણવત્તા વાળા વસ્ત્રો આપીએ છીએ. બુદ્ધનો બીજો પ્રશ્ન હતો કે ભિક્ષુકો દ્વારા ઊતરેલા-ફાટેલા વસ્ત્રોનું તમે શું કરો?  તો જવાબ મળ્યો કે તે ઊતરેલા વસ્ત્રોને જરૂરિયાત મુજબ કાપકૂપ કરી પછી સાંઘીને તેને સભાખંડમાં વપરાતાં પાથરણા તરીકે ઉપયોગમાં લઈએ છીએ. તથાગતનો ત્રીજો પ્રશ્ન હતો કે આ પાથરણા ઘસાઈ ગયા પછી તમે તેનું શું કરો? ત્રીજા પ્રશ્નનો જવાબ હતો કે આ ઘસાઈ ગયેલા પાથરણામાંથી તેના નાના નાના ટૂકડા કરીને સફાઈ માટેના પોછા બનાવીએ છીએ. સફાઈ કરીને જ્યારે આ પોછાઓ ઘસાઈ જાય પછી તેનું શું કરો એવા તથાગતના આખરી પ્રશ્નના જવાબમાં ભિક્ષુકે કહ્યું કે અમે તેના ફાટેલા અવશેષોને પાણીથી સારી રીતે સાફ કરીને રાત્રે પ્રકાશ માટે પ્રગટાવામાં આવતા દીવડાઓની વાટ બનાવીએ છીએ.
       
દેશના નાગરિકોના જીવનને પ્રગતિશીલ અને સુખી બનાવવા માટે ભારતીય અર્થતંત્રના નીતિનિર્ધારકોએ અત્યાર સુધી આપણા અર્થતંત્ર ઉપર મુખ્યત્વે બે દર્શનોના પ્રભાવનો અનુભવ કર્યો. પહેલો મહાત્મા ગાંધીનો સાદગીવાદ જે લોકોને પોતાની જરૂરિયાતોને સમજણપૂર્વક અંકુશિત કરાવીને સંતોષરૂપી મંત્ર વડે જીવનને સુખી બનાવવા પ્રેરે છે. જ્યારે તેના ઉભયપક્ષે ઉપભોક્તાવાદનું દર્શન છે
જેમાં લોકોની જરૂરિયાત યોજનાપૂર્વક પ્રોત્સાહિત કરવામાં આવે છે અને તેના પરિણામ સ્વરૂપ લોકોને વધુમાં વધુ કમાવા અને વિકસવાની હોડમાં જોતરાવું પડે છે, આવી હોડથી જ અર્થતંત્રને ગતિ મળે છે. ઉપભોક્તાવાદથી ઉત્તેજિત થયેલા વિકાસની સાથે સાથે લોકોમાં આર્થિક અસમાનતાનો દર પણ ખૂબ ઝડપથી વધે છે તે આ આર્થિક દર્શનનું વરવું પાસું છે. આ વરવી હકીકતના લીધે જ સમાજનો એક મોટો અસક્ષમ વર્ગ વિકાસની આંધળી હોડમાં બેરહેમપણે કચડાઈ જતો હોય છે. પહેલી નજરે દેખાતી ગરીબી હટાવવા માટેની જાદુઈ છડી જેવી લાગતી આવી વ્યવસ્થા ખરેખર જે લોકો દુર્બળ અને અસક્ષમ છે તેઓને તો પાશવી જ લાગવાની. આવી વ્યવસ્થા ગરીબી તો હટાવે છે પણ જરૂરી નથી કે તે ગરીબો ઉપર રહેમ રાખીને હટાવે. જો ગરીબ તે હોડમાં સામેલ નથી થઈ શકતો તો તે ગરીબને ગળી જઈને જ ગરીબી હટાવશે! જ્યારે સાદગીવાદ જેવા દર્શનોથી પ્રેરિત અર્થવ્યવસ્થામાં લાંબા ગાળે સ્પર્ધાનું તત્વ જ ગાયબ થઈ જતાં વિકાસની ઝડપ ધીમી ગતિએ ડૂલ થતી જાય છે અને આવો અનુભવ આપણા દેશે નેવુંના દાયકા સુધી કર્યો જ છે. આવી વ્યવસ્થા થકી આપણે આર્થિક અસમાનતાના ઊંચા દરને તો કાબુમાં રાખી શકીએ પણ વિકાસની ઝડપને ગૂંગળાવીને જ તો.
       
લોકોને તેમની જરૂરિયાતોનો યોજનાપૂર્વક નિગ્રહ કરાવવો કે પછી પછી બહેકાવવી તે બન્ને દર્શનોમાં કંઈક 'અતિ' તો છૂપાયેલી છે અને તેના પ્રતિકુળ પરિણામો સ્પષ્ટ રીતે અનુભવી શકાય છે. એક 'અતિ'માં જરૂરિયાતોને ખૂબીપૂર્વક ઘટાડીને લોકોની વિકાસભૂખને મારવાનું જ કામ થાય છે ત્યારે બીજી 'અતિ'માં લોકોની જરૂરિયાતોને ઉકસાવીને તેને પૂરી કરવા માટે સૃષ્ટિના ઊર્જા ભંડારોનું બેફામ દોહન અને વ્યય કરવામાં આવે છે. તથાગત બુદ્ધ અને ભિક્ષુકના સંવાદ વાળા ઉદાહરણમાં જીવનમાં ઉપલબ્ધ સંસાધનો અને તેના મૂળ સ્ત્રોતોનો ઉત્તમ અને કાર્યક્ષમ ઉપયોગનો સંદેશ છૂુપાયેલો છે, બુદ્ધનો આ સંદેશ જીવન વિકાસને કોઈપણ 'અતિ'નાં અતિરેકથી બચાવીને એક સંતુલિત ઝડપ આપી શકે છે.
       
નિરંકુશ રીતે વધી રહેલી જનસંખ્યાના કારણે દેશમાં જળ, જમીન અને જંગલ જેવા કુદરતી સંસાધનો ઉપર વધી રહેલા ભારણના કારણે મોંઘવારી તો વધવાની જ છે. આપણી પાસેના ઉપલબ્ધ કુદરતી સંસાધનોનું સંતુલિત, નિષ્પક્ષ અને કાર્યક્ષમ દોહન થાય છે કે નહીં તેની ભગવાન બુદ્ધે લીધેલા 'ક્લાસ' જેવી વ્યવસ્થા આપણા દેશમાં હજી ઊભી થઈ શકી જ નથી, એટલે જ દેશમાં ક્યાંક સંપતિના અભાવથી તો ક્યાંક અતિરેકથી કોઈને કોઈ સમસ્યાઓ સર્જાતી રહે છે. દુનિયામાં શ્રેષ્ઠ ઋતુ વૈવિધ્ય અને પુષ્કળ કુદરતી સંસાધનો મેળવનાર ભાગ્યશાળી એવો આપણો દેશ તેના વપરાશના કાર્યક્ષમ વ્યવસ્થાપનની બાબતે એટલો જ કમનસીબ છે.
       
કૃષિક્ષેત્રે મફત વીજળીની સસ્તી લોકપ્રિયતા મેળવવા માટેની લોભામણી યોજનાઓથી જળભંડારોનું બેફામ દોહન, ઉદ્યોગ અને ભ્રષ્ટતંત્ર દ્વારા થઈ રહેલી  ખનીજ સંસાધનોની બેરોકટોક લૂંટથી દેખાતા આભાસી વિકાસનું ચિત્ર જોઈને આપણે હરખાઇએ છીએ. શ્રેષ્ઠ ઋતુ વૈવિધ્ય, જળ-જંગલ-જમીનનો વિશાળ ભંડાર અને દુનિયામાં સૌથી વિશાળ પશુધન ધરાવતો હોવા છતાં આપણા દેશની ઊર્જા જરૂરિયાતો આ બધા આપણા પોતાના ઉપલબ્ધ સ્ત્રોતના કાર્યક્ષમ દોહન ઉપર આધાર રાખવાને બદલે આયાતી તેલ ઉપર નિર્ભર છે. પરિણામે આપણા વિકાસને અવરોધતો વિદેશી હૂંડિયામણનો ગંજાવર બોજ આપણી અર્થવ્યવસ્થા ઉપર હંમેશા રહેતો હોય છે.
       
જાહેર સ્વચ્છતા જાળવણી અને આપણી ઊર્જા જરૂરિયાતો એ આપણા દેશની વર્તમાન સળગતી સમસ્યા છે. જે દેશની પંચોતેર ટકા જનસંખ્યા ગ્રામ્ય વિસ્તારોમાં અને કૃષિ-પશુપાલન ઉપર નિર્ભર હોય તેવામાં ગ્રામ્યક્ષેત્રની જાહેર સ્વચ્છતા અને ઊર્જાની સળગતી સમસ્યાનું ચોટડૂક સમાધાન એવા બાયોગેસને હજી પણ અપનાવી શક્યા નથી. કેરળમાં રહેતા નિવૃત્ત બેંક કર્મચારીએ પોતાના શહેરમાં
પોતાના ઘરમાંથી નીકળતા કચરા વડે સફળતાપૂર્વક બાયોગેસ ચલાવીને તે શહેરના લોકોને આવો પ્લાન્ટ નાખવા પ્રેર્યા અને કોઈપણ સરકારી મદદ વગર જાહેર સ્વચ્છતા અને સસ્તી પ્રદૂષણ મુક્ત ઊર્જાની સમસ્યાનો સચોટ ઉકેલ દેશના ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોને ચીંધ્યો. ગામડાઓથી બનેલા આ દેશમાં ફક્ત ઊર્જાના ક્ષેત્રે જ કેરળના ચંગનસેરીમાં રહેતા આ મેથ્યૂઝ મહાશયે કરેલા સફળ અને સરળ પ્રયોગને લાગું પાડીએ તો આપણા વિકાસને નડતા કેટલાય અવરોધકોનું ઉદ્દીપકમાં રૂપાંતર થઈ જાય!  મને લાગે છે કે ભગવાન બુદ્ધ જેવી પ્રતિભાને જન્મ આપનાર ભૂમિના લોકો જ જો તેણે બતાવેલા અદ્ભુત 'સમ્યક' માર્ગને યથાર્થ રીતે સમજીને અપનાવે તો અશક્ય જરાય નથી....


         

No comments:

Post a Comment