Thursday, January 30, 2014

ભારતમાં હરિતક્રાંતિ: લાઇસન્સ વગરનું બેફામ ડ્રાઇવિંગ

એક વખત જુલાઈનાં અંતભાગમાં સૌરાષ્ટ્રના પ્રવાસ દરમિયાન રસ્તાની લગોલગ આવેલાં ખેતરમાં વયસ્ક લાગતાં એક ખેડૂત બાપાને ખરા બપોરના સમયે ધોમધખતા તાપમાં કપાસના લીલાછમ પાકમાં યુરિયા ખાતરનો છંટકાવ કરતાં મેં જોયા. હરિતક્રાંતિના સર્જક અમેરિકન ડૉ. નોરમન બોર્લોગ અને ભારતના મહાન વનસ્પતિશાસ્ત્રી પ્રોફેસર એમ. એસ. સ્વામીનાથનને માથા પટકવાનું મન થઈ જાય તેવું આ દૃશ્ય જોઈને તે વયસ્ક ખેડૂત સાથે થોડી કૃષિ વિષયક ચર્ચા કરવાની ઇચ્છા સાથે ત્યાં હું થોડી વાર રોકાઈ ગયો.
         
વયસ્ક ખેડૂતે પોતાના ખેતરે કોઈ અજાણ્યો અતિથિ આવેલો જોઇને સૌરાષ્ટ્રનાં અનોખા આતિથ્યભાવ સાથે પોતાનું ચાલુ કામ પડતું મૂકીને ઠંડું મજાનું પાણી પીવડાવી એથીયે મીઠો સત્કાર કર્યો. થોડાં પરિચયના આદાન-પ્રદાન પછી મેં મૂળ હેતુસરની ચર્ચાના ભાગરૂપે તે ખેડૂતને અમુક સવાલો કર્યા. યુરિયા જેવા ઉડ્ડયનશીલ રાસાયણિક ખાતરનો ભરબપોરે ખુલ્લા તાપમાં છંટકાવ કરવા બાબતે મેં પૂછ્યું કે આ વર્ષે ખાતરનાં ભાવો કેટલા રહ્યા છે? જવાબમાં આ ખેડૂત તો ઉકળી ઊઠ્યા કે આ સરકારે ખાતરને બહુ મોંઘું બનાવી દીધું છે! હવે તો આ ખેતી કેમ કરીને પોસાશે એ જ નથી સમજાતું! ત્યારે મેં કહ્યું કે તમે જો આવા યુરિયા જેવા ખાતરનો છંટકાવ વહેલી સવારે કે પછી સાંજના સમયે કરો તો જેટલો અત્યારે છંટકાવ કરો તેના ચોથાભાગના વપરાશથી પણ એટલો જ લાભ પહોંચાડે અને તેનાથી તમારા કુલ ખેતી ખર્ચમાં ઘણો બધો કાપ આવી શકે. મેં તેમને યુરિયા જેવા રાસાયણિક ખાતરનાં તમામ ગુણધર્મો અને તેને વાપરવાની યોગ્ય રીત સમજાવી ત્યારે તેમણે કહ્યું કે ભાઈ આવું બધું અમને અહીંયાં કોણ સમજાવે? મેં વળી પૂછ્યું કે તમે જે જંતુનાશકોનો છંટકાવ કરો છો તો તેના વપરાશનું યોગ્ય માર્ગદર્શન કોણ આપે? તો કહે કે એ તો અમે આજુબાજુના ખેડૂતોનું જોઈને અને જે તે જંતુનાશકોના વેપારીને પૂછીને જાણી લઈએ.
         
દેશમાં હરિયાળી ક્રાંતિ આવી એનાં ચાલીસ ચાલીસ વર્ષ પછી પણ આપણાં ખેડૂતોની આવી પાંગળી જ્ઞાન સજ્જતા જોઈને હું તો દંગ રહી ગયો! જે કંઈ થોડો સમય હતો તેમાં શક્ય એટલું રાસાયણિક ખાતરો, જંતુનાશકો, અને ઉન્નત બીજોના કાર્યક્ષમ વપરાશ અંગે માર્ગદર્શન આપીને હું ચાલતો થયો.
         
ચાલો દુનિયા અને ભારતનાં લોકોની ભૂખને ભાંગવામાં નિમિત્ત બનેલી પણ તેના મહત્વનાં અંગ એવા આપણા ખેડૂતોની હાલત સુધારવામાં નિષ્ફળ રહેલી હરિતક્રાંતિના મૂળિયાં ક્યાં-કેવી રીતે નંખાયા તેમજ તેમાં આપણો દેશ બીજા અન્ય દેશોની સરખામણીએ શા માટે સર્વાંગી સફળતા ન મેળવી શક્યો તેનાં કારણોનું વિશ્લેષણ કરીએ તે પહેલાં તેનાં 'ફ્લેશબેક' પર એક નજર કરી લઈએ.
         
બીજા વિશ્વયુદ્ધ પછી વિજયી અમેરિકન સેનામાં સામેલ એક વૈજ્ઞાનિકને જાપાનની ધરતી ઉપરથી 'નૌરીન' નામની ઘઉંના મોટા દાણા વાળી જાત મળી અને તેણે આ બીજને અમેરિકા સ્થિત કૃષિક્ષેત્રે સંશોધનમાં કાર્યરત ડૉ. નોરમન બોર્લોગને મોકલી આપ્યા. સતત તેર વર્ષના એકધારા સંશોધન પછી મેક્સિકોના સ્થાનિક ઘઉંના બીજ સાથે તેનું સંકરણ કરાવીને 'ગેન્સ' નામની એક ઉત્કૃષ્ટ ગુણવત્તા વાળી અત્યાધિક ઉત્પાદન આપતી ઘઉંની ક્રાંતિકારી જાત વિકસાવવામાં સફળતા મેળવી. ઘઉંની આ ઉત્કૃષ્ટ જાતે મેક્સિકોને અન્ન સ્વાવલંબી બનાવી દીધું.
         
ઓગણીસો ત્રેસઠનાં વર્ષમાં ભારત તેની બેશુમાર ઝડપે વધતી વસ્તી અને દુષ્કાળથી બેહાલ બનેલાં કૃષિક્ષેત્રનાં કારણે ભૂખમરાની કગાર પર આવીને ઊભું રહી ગયેલું. તત્કાલીન કૃષિમંત્રી સી. સુબ્રહ્મણ્યમને તેની નીચે કામ કરતાં એક બાહોશ વનસ્પતિશાસ્ત્રી પ્રોફેસર એમ. એસ. સ્વામીનાથને ડૉ બોર્લોગે મેક્સિકોમાં અન્ન ઉત્પાદન ક્ષેત્રે કરેલા ચમત્કારની વાત કરી એટલે ડૉ. બોર્લોગને ભારત આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું.
         
દેશમાં શરૂ કરવામાં આવતાં દરેક સુધારાઓનો શરૂઆતમાં સમજ્યા વગર જ વિરોધ કરવાની પરંપરા આ ઘટનાથી જ ચાલુ થઈ હશે એવું મારું માનવું છે. મેક્સિકો અને અમેરિકામાં કૃષિક્ષેત્રે આ વૈજ્ઞાનિકે કરેલા ચમત્કારના પરિણામો આપણી સમક્ષ હતાં અને દેશની પ્રજા ભૂખથી બેહાલ થઈ રહી હતી છતાં પણ ડૉ. બોર્લોગે આપણા કૃષિક્ષેત્રે જે જે સુધારાઓ સૂચવ્યા તેનો બહુ જોરદાર વિરોધ થયો!
         
દેશની આવી કંગાળ હાલતમાં તત્કાલીન કૃષિમંત્રી અને પ્રોફેસર સ્વામીનાથનની મક્કમતાએ આ પશ્ચિમી કૃષિ વૈજ્ઞાનિકે બતાવેલા સુધારાઓને પૂરી પ્રતિબદ્ધતાથી અમલમાં મૂક્યા.તમામ પ્રાથમિકતાઓને ભૂલીને પહેલાં તો મેક્સિકોથી અઢાર હજાર ટન જેટલું ઘઉંનું બીજ મંગાવીને પછી અહીંયાં તેનું આપણા સ્થાનિક બીજ સાથે સંકરણ કરાવવામાં આવ્યું. ખેડૂતોને સિંચાઈ, રાસાયણિક ખાતરો અને જંતુનાશકો વાપરવાની રીતો બતાવીને આધુનિક ખેતીના રાહ પર ડગ માંડવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા. સંકરિત બીજને અપનાવતા અવઢવ અનુભવતા ખેડૂતો પાસેથી નિશ્ચિત ભાવથી તેણે ઉત્પન્ન કરેલા માલને ખરીદવાની ખાતરી આપવામાં આવી.
         
નિષ્ઠાપૂર્વકનો વૈજ્ઞાનિક પ્રયાસ એવો તો રંગ લાવ્યો કે ઓગણીસો પાંસઠના વર્ષમાં જે દેશ ભૂખમરો ભોગવતો તેણે માત્ર પાંચ જ વર્ષમાં પોતાનું અન્ન ઉત્પાદન બમણું કરી નાખ્યું. આ મબલખ ઉત્પાદનને સંઘરવા દેશમાં અમુક સ્થળોએ ગોડાઉનના અભાવે શાળાઓના મકાનનો ઉપયોગ કરવાની ફરજ પડી. ખેતરોમાં કામ કરવા માટે મજૂરો અને કૃષિ ઉત્પાદનોના પરિવહન માટે બળદગાડાઓ પણ ખૂટી પડ્યાં! અનાજને સંઘરવા માટે જગ્યા અને ભરવા માટેની બોરીઓની અછત ઊભી થઈ ગઈ!
         
આ હરિતક્રાંતિના લીધે આપણા દેશમાં ઓગણીસો એકાવનમાં ખાદ્યાન્નનું જે પાંચ કરોડ ટન જેટલું ઉત્પાદન થતું તે અત્યારે ચોવીસ કરોડ ટન જેટલું એટલે કે લગભગ પાંચગણા ઉત્પાદને પહોંચ્યું. કપાસમાં પાંચ મિલિયન ગાંસડીથી લઈને હાલની સત્યાવીસ મિલિયન ગાંસડી એટલે કે સાડા પાંચગણું અને તેલીબિયાં ક્ષેત્રે સાત મિલિયન ટનથી લઈને હાલના અઠ્યાવીસ મિલિયન ટન એટલે કે ચારગણું ઉત્પાદન થયું.
         
પહેલી નજરે ચક્કાચૌંધ કરી એવી દેખાતી સફળતા વાસ્તવમાં ખેડૂતોની હાલત સુધારવામાં નિષ્ફળ રહી તેના કારણને સ્પષ્ટ રીતે સમજવું હોય તો એવું કહી શકાય કે કોઈ પિતા પોતાના કિશોરવયના પુત્રને વગર લાઈસન્સે આધુનિક હાઈસ્પીડ બાઇક લઈ આપીને ડ્રાઇવિંગ કરવાની પૂરી છૂટ આપ્યા પછી જે પરિણામ ભોગવે બસ કંઈક આવો જ ઘાટ આપણા ખેડૂતનો થયો છે.
         
જમીન અને પાકનાં પ્રકારને અનુસાર રાસાયણિક ખાતરો તેમજ જંતુનાશકોના સમતોલ વપરાશનું અજ્ઞાન ઉત્પાદન વધવા છતાં પણ ઉપજ સામે ખર્ચ વધારવામાં નિમિત્ત બન્યું અને દેશનાં હજારો ખેડૂતોની આત્મહત્યા માટે જવાબદાર બન્યું.
         
કોઈપણ ઉચ્ચતમ તક્નીકને અપનાવતા અને તેનાં શ્રેષ્ઠ પરિણામો હાંસલ કરવા માટે પહેલાં તો તેને અપનાવનારે તેનાંથી બરાબર વાકેફ થવું જરૂરી હોય છે. કમનસીબે જે દેશમાં પોણાભાગની જનસંખ્યા કૃષિક્ષેત્ર ઉપર નિર્ભર હોય તેના પ્રમાણમાં આયોજિત થતાં કૃષિમેળાઓ, કૃષિ તાલીમ શિબિરો અને તેમાં ભાગ લેતાં લોકોની હાજરીની તુલના ધાર્મિક મેળાવડાઓ અને ઉત્સવોમાં ભાગ લેતા લોકોની સંખ્યા સાથે કરશો કે તરત જ આપણાં દેશમાં હરિયાળી ક્રાંતિને સર્વાંગીણ સફળતા નહીં મળવાનું કારણ તમને સમજાઇ જશે. 

8 comments:

  1. હા વાત સાચી છે હમણાં જ યોજાયેલા કાગવાડ કૃષિ મેલા માં જેટલા ખેડૂતોએ ભાગ લેવો જોઈતો હતોતે ન થયું પણ તેજ જગ્યા પર જયારે મંદિર ના ભૂમિપૂજન માટે તો જેટલી મેદની થઇ હતી તે જોઇને તો એમ લાગે કે એટલે જ દર વરસે ખેડૂતો એમ કહે કે હવે ખેતી માં કઈ રહ્યું નથી પણ તેમને કોણ સમજાવે સારા માં સારો વ્યસાય ખેતી જ છે.....

    ReplyDelete
  2. આ માહિતી પ્રથમ વાર જાણી -- આભાર હિમ્મત ભાઈ--

    ReplyDelete
  3. રસપ્રદ માહિતી આપી હિંમતભાઈ, રાસાયણિક ખાતર, તેના ઉપયોગની રીત વ.વ. ની સમજ જરૂરી છે અને એ કેમ નથી અપાતી એ જ સમજ પડતી નથી,

    ReplyDelete
  4. બહુ જ સરસ સમજ દારી થી લખો છો ...વાંચો છો ..

    ReplyDelete
  5. દરેક વાચક મિત્રોને મુલાકાત બદલ દિલથી ધન્યવાદ... વિચાર-યાત્રાના સહયાત્રી બનવા બદલ આભાર..

    ReplyDelete
  6. સરસ હિમતરાયજી
    ઘણા સમય થી આપનું લખાણ નહોતું આવ્યું.
    આવું જ રસપ્રદ. માહિતી સમાજ સમક્ષ મુકતા રહેશો એવી આશા.
    ભારતીય સંકૃતિ અને આપણી દેશી પદ્ધતિ વિશે પણ આપ થોડું લખો જેથી કિસાન ભાઈ ઓને અને માનવ જાત ને આરોગ્ય પ્રદ ખોરાક મળતો રહે અને નિરોગી જીવન જીવી શકાય

    ReplyDelete