Thursday, February 27, 2014

ભિક્ષાવૃત્તિનું મૂળ ગરીબી કે પછી ભ્રમિત માનસિકતા

ઉજ્જૈનનાં કાલભૈરવ મંદિરનાં દરવાજા ઉપર જ હાથમાં મોરપીંછ લઈને બેઠેલા એક વ્યંઢળને જોતાં જ મને તેનું ચિત્ર ખેંચવાનું મન થઇ આવ્યું. જેવો હું તેના ચિત્રને ઝડપવાની તૈયારી કરું  કે તરત જ તે વ્યંઢળ બનાવટી ગુસ્સા સાથે મને કહેવા લાગ્યો કે “जो तुमने मेरा फोटो खिंचा तो मैं पचास रुपयें का दंड करुँगी”  આવું સંભાળીને મેં આ વ્યંઢળની લાક્ષણિક અદાનું અદભૂત ચિત્ર નહીં મેળવી શકવાનાં વસવસા સાથે ચાલતી પકડી તો ખબર નહીં પણ મારા આવા અણધાર્યા બેફીકરા પ્રતિભાવને પામી જઈ એક સફળ ભીખારીનાં લચીલાપણાનાં ગુણ બતાવીને મને પ્રેમથી બોલાવ્યો અને હસતાં હસતાં કહેવા લાગ્યો કે “मैं तो मज़ाक कर रहीं थी; अब तुझें मेरा फोटो खींचना ही होगा नहीँ तो मैं फिर से दंड करुँगी” અને અહીંયાં જે તસ્વીરમાં દેખાય છે તે લાક્ષણિક ‘આશીર્વાદ મુદ્રા’ની આવી તસ્વીર મારી પાસે ખેંચાવીને મારા માથા ઉપર પ્રેમથી હાથ ફેરવીને આશીર્વાદ આપ્યા એટલે હું પણ ખુબ રાજી થયો! વ્યંઢળનાં આશીર્વાદથી નહિ પણ તેની ‘આશીર્વાદ-મુદ્રા’ની આ તસ્વીર મળવાથી. આ પ્રસંગથી મને ભિક્ષાવૃતિ અને તેનાં મૂળ કારણો વિશે લખવાની ઈચ્છા થઇ.
       
બીજા લોકોનું ભલું કે કલ્યાણ કરવાનાં કાલ્પનિક આશીર્વાદ અને દુઆનાં બદલામાં તમારી પાસેથી જેટલું પડાવી શકાય તેટલું ધન માગીને કે માગ્યા વગર પડાવવાનાં કસબને ભિક્ષાનો  ગોરખ-ધંધો કહેવાય. ઘણા સમાજશાસ્ત્રીઓ અને અભ્યાસુઓ ભિખારી કે ભિક્ષા-વૃત્તિની સમસ્યાને ગરીબી સાથે જોડે છે; પરંતુ આ ગરીબી અને ભિક્ષા વૃતિને જોડવાની ચેષ્ટામાં કોઈ આધારભૂત તર્ક દેખાતો નથી. જો ખરેખર આવું જ હોય તો ભિખારી બધાં જ ગરીબ હોવા જોઈએ તેને બદલે આપણા દેશ ભારતમાં રસ્તે ચીંથરેહાલ અવસ્થાએ ખુલ્લા આકાશ તળે આખો દિવસ ટાઢ-તડકામાં ભિક્ષાવૃતિ કરતાં એક અદના ગરીબ ભિખારીથી લઈને દેશ-વિદેશમાં આપેલી પોતાની ભિક્ષા-ફ્રેન્ચાયજીઓમાં પોતાના આંતરરાષ્ટ્રીય ભિક્ષા-વ્યાપારનાં ઉત્તેજન સારું ભીખથી(પ્રસાદી તરીકે) મળેલી આલીશાન દેશી-વિદેશી ગાડીઓ તેમજ વિમાનોમાં ઉડાઉડ કરતા 'હાઇપ્રોફાઇલ કોર્પોરેટ ભિખારીઓ' ની એક વિશાળ શ્રેણી જોવા મળે છે. દરિયા જેવા વિશાળ આ ભિક્ષા-વ્યાપાર ક્ષેત્રે કોઈ ભિખારી પોતાની વ્યક્તિગત કમજોરીના કારણે ગરીબ કે નિષ્ફળ રહે અને એટલે આ 'ભિખારી-સમસ્યા' ને ગરીબી સાથે જોડવી એ ખરેખર ભારતના ભદ્ર ભિખારીઓનું અપમાન કહેવાય.
       
કાઉન્સિલ ફોર હ્યુમન વેલ્ફેરના ડાયરેક્ટર હૈદ્રાબાદના ડૉ.મોહમ્મદ રફીઉદ્દીન નામના સમાજશાસ્ત્રીએ સતત બે વર્ષ સુધી દેશભરમાં ઘૂમીને ભિખારીઓની જીવનશૈલી, તેમની કમાણી તેમજ તેને વાપરવાની ‘પેટર્ન’નો એક વિશદ્દ અભ્યાસપૂર્ણ સર્વે કરેલો છે. ડૉ.રફીઉદ્દીનનાં તારણોને વિગતવાર આપણે જો સમજીએ તો એવું માનવું જ પડે કે આ ભિક્ષા અને ભિખારી સમસ્યાના મૂળ ગરીબી નહીં પણ આપણી ભ્રમિત માનસિકતા જ છે. ભારતમાં ગરીબીરેખા નીચે જીવતાં લોકો અને ભિખ માંગતા ભીખારીઓની સંખ્યાનાં તુલના કરવાથી પણ આ માન્યતાનો સ્પષ્ટ છેદ ઉડી જાય છે. ડૉ.રફીઉદ્દીનના સર્વે પ્રમાણે ભારતમાં આશરે ૭.૩ લાખ લોકો પોતાનું જીવન ભિક્ષાવૃતિ ઉપર ગુજારતા ભિખારીઓનું વાર્ષિક ટર્નઓવર છે રૂપિયા ૧૮૦ કરોડ! આ ભીખારીઓની ખર્ચ કરવાની ‘પેટર્ન’ પણ ભિક્ષાવૃતિ અને ગરીબીને જોડતાં સિદ્ધાંતનું ખંડન કરે છે. ભારતનો ભિખારી સરેરાશ પોતાની આવકના માત્ર વીસ ટકા જ ખોરાક અને કપડા પાછળ ખર્ચ કરે છે, ત્રીસ ટકા પાન મસાલા-બીડી, સિગારેટ, દારુ અને અન્ય નશાઓ કરવાની ખરાબ આદતો પાછળ વેડફે છે. બાકી રહેલી પચાસ ટકા રકમ તેઓ ક્યા વાપરે છે એ જાણીને તમને આશ્ચર્ય થશે.. આ રકમની તેઓ બચત કરે છે. ઇસ્લામ, ક્રિશ્ચિયાનીટી, બૌદ્ધ અને હિંદુ ધર્મમાં દાન આપવાનો અલગ અલગ રીતે ઘણો મહિમા કહેવાયો છે અને તેના ઉપરની લોકોની શ્રદ્ધા અને ધાર્મિક ભાવનાની રોકડી કરવાનો ધંધો એટલે અત્યારનો બેશુમાર ફૂલેલો-ફાલેલો આ ભિખ-વ્યવસાય.
       
બુદ્ધે પોતાના સંઘમાં સામેલ થનાર કોઈ પણ વ્યક્તિને પોતાનું દિવસનું એક જ વખતનું ભોજન માંગીને ખાવાની આજ્ઞા કરેલી. આમાં સંગ્રહ કરવાનો બિલકુલ નિષેધ જ હતો. આપણા શાસ્ત્રોમાં પોતાની પેઢી દર પેઢી આજીવિકા જળવાઈ રહે તે હેતુથી એક ખાસ ભિખારી વર્ગે ઘણાબધાં વૈવિધ્યપૂર્ણ દાનનો મહિમા બતાવતાં ઉપદેશો લુચ્ચાઈ પૂર્વક ગોઠવેલા છે. તમે સવારે જાગો ત્યારથી જ તમારા ઘરની બહાર કોઈ સડક છાપ ભિખારી હોય કે દેશ વિદેશમાં આશ્રમોની વિશાળ શ્રેણી ધરાવતો કોઈ કહેવાતો મહાત્મા હોય તમને આગ્રહ કરી કરીને તમારા મોક્ષ કે કલ્યાણની લાલચ અને ભગવાન તમારું ખૂબ ખૂબ ભલું કરશે એવી ફોગટની આશાઓ બંધાવતો હોય ત્યારે તેની મીઠી નજર તો તમારા પરસેવાની કમાણી ઉપર જ હોય છે. હવે તો ભિખ પણ સમય સાથે હાઈટેક થતી જાય છે. ઉદયપુરનાં એક સંસારી મહારાજ તો ઘણી લોકપ્રિય ચેનલોનો ટાઈમ સ્લોટ પોતાની ભિખ મંગાઈ કાર્યક્રમ માટે ખરીદી લે છે અને પોતાની બનાવટી કરુણાભરી શૈલીમાં પોતાના ભક્તોને એટલા તો ભોળવે કે કાર્યક્રમને અંતે બતાવવામાં આવતા બેંક એકાઉન્ટસ દાનની રકમોથી છલકાવા લાગે. આ મહારજનનાં પોતાના આશ્રમમાં પગારદાર અશક્તો અને વિકલાંગો રાખવાની વાસ્તવિક કથાઓ તમે જો સાંભળો તો આંચકો લાગે કે આવા મહાઠગ ભિખારીઓ પણ હોઈ શકે? પોતાના સાધુઓનાં અહંકારને નાથવા અને ફક્ત એક સમયના પેટનાં ખાડાને પૂરવા બતાવેલી ભિક્ષાને અત્યારે આ જ સાધુઓ પોતાનાં આશ્રમોમાં બેસી સંસારી ભક્તોને ખભે જોળી નંખાવી એક ખાસ દિવસે મંગાવતા જોઈને એવું થાય કે આ ભીખ માગનાર લોકોમાં તો સંવેદના મરી પરવારે પણ કોઈક બીજાની પાસે ભિક્ષા મગાવનારની મહા ભિખારીઓની સંવેદના વિષે શું કહેવું? આજે ગરીબી આપણો પ્રાણપ્રશ્ન છે પણ વિકાસ અને અન્ય સુધારાઓ થતાં આ ગરીબીને તો આપણે એક સમયે જરૂર નાથી શકીશું પરંતુ જ્યાં સુધી દાન અને દાનનો મહિમા ગાવાની બેફામ સામુહિક પ્રવૃત્તિ ઉપર કોઈ અંકુશ નહિ આવે ત્યાં સુધી ભિક્ષા અને વધી રહેલાં  ભિખારીઓની સમસ્યા ભારતમાં તો બંધ નહિ જ થાય કારણ કે આ ભિક્ષાવૃત્તિનાં અસલ મૂળ દાનને દેવા-લેવાની ભ્રમિત માનસિકતામાં જ છે.

એક સમય એવો હતો કે લોકો ભીખને ભૂખથી પણ ભૂંડી ગણતાં, આજનાં ભિખારીઓનું ‘સ્ટેટસ’ જોઈ લો તેઓ જ બધે ‘ટોપ’ ઉપર છે! આમાં કોઈ મત માંગનાર(રાજકારણી) છે તો કોઈ ટોળાબંધ મત અપાવનાર(ધર્મગુરુ). આજે તેઓ જરૂર હશે ‘ટોપ’ ઉપર પણ છે તો આખરે ભિખારીઓ જ.

Wednesday, February 26, 2014

જળ, જમીન ને જાજરૂ...સમજીને વાપરો તો પાધરું

વતનમાં રહેતાં એક અમારા પડોશી મગનદાદા બે દિવસ પહેલાં ગામડેથી સુરત આવેલા અને યાદ કરતાં જ તેમનો ફોન આવ્યો કે ભાઈ તું ક્યાં છો? મારે તારું ખાસ કામ પડ્યું છે. હું ઘરે જ હતો એટલે મેં એમને તરત મારાં ઘરે જ બોલાવી લીધા. આવીને પહેલા તો મને કહે કે હાલ ભાઈ તાપી કાંઠે; મારે મારું બે દિવસનું અટકેલું કામ પતાવવાનું છે પછી બીજી બધી વાત. મને તો ઘણું નવીન લાગ્યું કે આ દાદાને વળી શું કામ હશે? તાપીનો ઊંચો પાળો દેખાતા દાદા કહે તું ઉભો રહે અને હું આવું છું, એટલે તરત હું સમજી ગયો કે આ મગનદાદા તાપીને મલીન કરવા માટે અત્યારે અહિયાં આવ્યા છે! "ભાઈ હવે કંઇક નિરાંત થઇ; હું તો મુંજાઈ ગયેલો એમાં તું યાદ આવ્યો ને મને એમ થયું કે તારું ઘર નદીની બાજુમાં જ છે એટલે જ તો તને ફોન કર્યો." દાદાએ પોતાની બે દિવસની ભેગી થયેલી તમામ 'મુંજવણ' ને તાપી મૈયામાં પધરાવીને હળવાફૂલ થઈ જતાં પોતાની બધી જ હળવાશનો શ્રેય મને આપતા આવું કહ્યું.

હવે વાત કંઇક આવી હતી. દાદા આવેલા તો બે દિવસથી અને ત્યારથી પોતે શૌચક્રિયાને ખુલાસાવાર અંજામ આપી શકેલા નહીં. દાદાના દીકરાઓને ઘરમાં પણ ઇન્ડિયન તેમજ વેસ્ટર્ન ટોઇલેટની સરસ સુવિધા તો છે જ; પણ દાદાને આદત હતી વર્ષોથી ‘ખુલ્લા-ગગન’ની! હવે દાદા જયારે પણ બહારગામ જાય ત્યારે તેમનાં કહેવા પ્રમાણે જાજરૂની અંદર પોતે મુક્ત રીતે પોતાની ‘મુંજવણ’ને ઠાલવી શકતા નથી! તેમના દીકરાઓએ તેમને ગામડે પણ જાજરૂની સુવિધા બનાવી આપેલી જ છે પણ આ ‘ગગનગામી’ ને ‘જાજરુવાસી’ થવા મજબૂર કરવા એટલે સમજોને ગીરના સાવજને પાંજરે પૂરવો!

હમણાં હમણાં થયેલા એક સર્વે પ્રમાણે ભારતમાં આશરે પાસંઠ ટકા લોકોની પાસે તો હજી પર્યાપ્ત શૌચાલયની સુવિધા જ નથી! એટલે એમ સમજોને એકસોને વીસ કરોડ લોકોમાંથી આશરે અઠયોતેર કરોડ લોકો રોજે પોતાના જ રહેઠાણોની આસપાસ મળ નિષ્કાસન પ્રવૃત્તિ કરે છે. ગામડાઓમાં ખુલ્લા વાડાઓ તેમજ પહોળા રસ્તાઓ ઉકરડાઓ થી ભરેલા રોગોના ઉત્પતિસ્થાનો જ છે તેમજ નજીકના ખેતરો અને વોંકળાઓ એટલે કે આ અઠયોતેર કરોડ લોકોના ‘ખુલ્લે ગગન જાજરૂ’. આવી હાલતમાં અંદાજ આવી શકે કે ગામડાની આસપાસ ઠલવાયેલા સેંકડો ટન માનવ મળ ઉપર પસાર થયેલી સુગંધિત હવા જેને સંસ્કૃતમાં “સુરભી” કહેવાય તેનાથી સદાયે આ ગોકુળીયા ગામો મદહોશ રહેતા હોય છે. આપણા લોકકવિઓ અને લેખકો ગામડાઓની આવાસ્તવિકતાનું તો વર્ણન ક્યારેય કરતાં જ નથી અને કરે છે તો કેવું કે જો કોઈ ‘ભગવાન’ ખરેખર હોય અને વારંવાર અહિયાં જન્મ લેતો હોય તો તેને પોતાનો આગલો જન્મ આવા જ ‘સુગંધિત’ ગામડાઓમાં લેવાની ભૂલ કરાવે એવું! ભારતમાં પાસંઠ ટકા લોકો પાસે પર્યાપ્ત શૌચાલયની સુવિધા ન હોવી તેના કારણમાં ગરીબી એક કારણ તો હશે જ; પણ અમારા આ મગનદાદા જેવાઓની 'ગગનગામી’ ટેવો પણ જવાબદાર તો છે જ.
      
જેવું ચોમાસું પૂરું થાય કે તાલુકા મથકોમાં આવેલાં ક્લિનીકો ચિકનગુનિયા, ડેન્ગ્યું, મલેરિયા, કમળો, ઝાડા-ઉલટી અને બીજા અનેક પ્રકારના રોગોના ભોગ બનેલા ગ્રામીણ દર્દીઓથી ઉભરાતાં હોય છે અને તેનાં કારણમાં છે માત્ર આપણી અમુક સ્વચ્છતા અંગેની બેદરકારી અને આ મગનદાદા જેવી લોકોની 'ગગનગામી' કૂટેવો. ભારતમાં પોલિયો જેવી બીમારીઓનું નિયંત્રણ લાવતા આટલો લાંબો સમય થયો તેનાં માટે પણ ગમે ત્યાં ખુલ્લામાં મળ-મૂત્ર ત્યાગવાની સામુહિક કૂટેવો જ જવાબદાર છે. પોલિયોની બીમારીનાં ફેલાવા માટે જવાબદાર વિષાણું પોલીયોગ્રસ્ત બાળકના મળ દ્વારા જ ખૂબ ફેલાતો હોય છે. આપણા ગામડાઓમાં પશુઓને માનવ વસ્તીની સાથે માનવ રહેઠાણોની અંદર જ રાખવામાં આવે છે. તેના છાણનો સંગ્રહ રહેઠાણોની બહાર ખુલ્લી શેરીઓમાં તેમજ વાડાઓમાં ઉકરડાઓનાં રૂપે કરવામાં આવે છે અને આ પધ્ધતિ પણ માનવ-આરોગ્ય માટે ખુલ્લામાં શૌચક્રિયા જેટલી જ ઘાતક છે. દેશમાં હજી પણ ગામડાઓના પીવાનાં પાણીનો મુખ્ય સ્ત્રોતની  બોરવેલ છે ત્યારે ચોમાસામાં વરસેલું પાણી ગ્રામજનોના 'ખુલ્લે ગગન જાજરૂ' જેવાં ખેતરોમાં ઠલવાયેલા માનવ-મળનાં સડેલા અવશેષો ઉપરથી ગળાઈ ને જમીનના પેટાળમાં ઉતરે છે અને આ નિતરેલું તમામ દુષિત પાણી બોરવેલ દ્વારા ખેંચીને ગામલોકોને જ પીવાનું હોય છે. ખુલ્લા ઉકરડા તેમજ માનવ વિષ્ઠાના ઢગ ઉપરથી લોકોનાં રસોડે કોઈ પણ રોકટોક વગર જતી આવતી માખીઓના જુંડોને નથી તો રોકવાની કોઈ પર્યાપ્ત વ્યવથા કે નથી તો કોઈને તેનાં તરફ સહેજે ધ્રુણા કે સાવધાની!
  
ભારત અને ખાસ કરીને તેનાં ગામડાઓ વિષે એવું કહી શકાય કે જો અમુક રૂઢીઓ અને માન્યતાઓને આપણે છોડીએ કે બદલીએ તો ખરેખર ‘સ્વર્ગ’ ને ભુલાવે એવા ગામો બનાવતાં આપણને કોઈ ન રોકી શકે અને જો લોકોનો સામુહિક અભિગમ થોડોક ‘સફાઈલક્ષી’ થાય તો જે લોકોનું ભંડોળ બિનજરૂરી ધાર્મિક સ્થાપત્યો ખડકવામાં કે બીજા આડંબરો માટે વપરાય છે તેનાં માત્ર દસમાં ભાગનાં ભંડોળથી જીવતી જાગતી અમુલ્ય જીંદગીઓને રોગ મુક્ત વાતાવરણ અને નીરોગી જીવન અવશ્ય આપી શકાય. ખરેખર પ્રાથમિકતા શું હોવી જોઈએ અને અત્યારે શું છે તે વિચારવાની જરૂર છે.
  
દુનિયામાં અન્ય દેશોની સરખામણીએ આપણા શહેરો ઉકરડાથી સહેજ પણ કમ નથી. ગત વર્ષે ટ્રેનમાં મુસાફરી દરમિયાન જયપુરના જ એક સ્થાનિક વડીલ સહપ્રવાસી મળ્યા જે સંયોગે પહેલી જ વખત સુરત આવતાં હતાં. મારી ઉપરની બર્થ ઉપર સુતી વખતે સાંજે મને એક વિનંતી કરી કે સવારે કદાચ મારાથી ઊંઘમાંથી ન ઊઠી શકાય તો આપ મને જગાડી દેશો? મેં તે વડીલને આશ્વાસન આપ્યું કે ચિંતા ન કરો હું જગાડી જ દઈશ; પણ મારા અનુભવે તો તમે એમને એમ જ જાગી જશો. અને સવારે ખરેખર જ્યાં તાપી નદી ઉપરનાં બ્રીજને ક્રોસ કરતાં જ હંમેશા જ્યાં દુનિયાભરનાં યાત્રીઓને સુરતના ‘ગગનગામીઓ’ની ‘સુરભી’નો ફરજીયાત લાભ અપાવવાં ત્યાંથી પસાર થતી દરેક  ટ્રેન ધીમી પડે છે ત્યાં અમારી ટ્રેન ધીમી પડી કે તરત જ મારા સહયાત્રી અકળાઈને જાગી ગયા! .સુરતીઓની ‘સુરભી’નાં ઓવરડોઝથી અકળાઈને બોલ્યા કે ભાઈ તમે કહેતા એ સાચું હો; હું ખરેખર એમને એમ જ જાગી ગયો! હું માનું છું ત્યાં સુધીમાં નિયમિત રેલયાત્રાનો લાભ લેતા લગભગ દરેક મિત્રોએ સુરતમાં થતો  આ તીવ્ર ‘ગંધાનુભવ’ અવશ્ય કરેલો જ હશે.

જાણીતા સામાજિક કાર્યકર વિમલાતાઈ ઠકારને એક યુરોપ-યાત્રાનો પોતાનો અનુભવ કહેતાં સાંભળેલા: “તમે જ્યારે યુરોપના ગામડાઓના પ્રવાસે હો તો તમને આપોઆપ ખબર પડી જ જાય કે હવે ગામ થોડુંક નજીકમાં જ હશે, કારણ કે ત્યાં જ્યારે કોઈ ગામ આવવાનું નજીકમાં જ હોય ત્યારે રસ્તાની બંને બાજુએ સુશોભિત ફૂલોની ક્યારીઓ દેખાવા લાગે! આ જોઈને હવે વિચારો કે ભારતનાં ગામડાઓનાં રસ્તે જયારે કોઈ ગામ આવવાનું નજીકમાં હોય તો તમને શું દેખાય કે શેની સુગંધ આવે?”

Monday, February 24, 2014

પટેલનું ઘોડું ને બાપુનું ખેતર

પ્રસ્તુત લેખ ગુજરાતમાં યોજાયેલી ગત વિધાનસભા ચૂંટણી પહેલાં વડોદરાથી પ્રગટ થતાં એક મેગેજીન 'પાંચમી દિશા' માટે મેં લખેલો. ગુજરાતનાં રાજકારણમાં પટેલો અને તેમનાં અમુક નેતાઓએ તે વખતે અને અત્યારે લીધેલાં અમુક ઐતિહાસિક  મૂર્ખામીભર્યા  નિર્ણયો સંદર્ભે મને આ લેખ આજે  અહિયાં મારા બ્લોગમાં રજુ કરવાનું મન થયું .

નવ-દસ વર્ષ પહેલાં સંઘમાં ઉપર સુધી પહોંચ ધરાવતાં મૂળ સૌરાષ્ટ્રનાં એક હીરા-ઉદ્યોગપતિ પોતાનાં કોઈ કામસર ગાંધીનગર આવેલાં, તો એમને થયું કે અહિયાં સુધી આવ્યો છું તો સાથે સાથે આપણાં મુખ્યમંત્રીજીને પણ મળતો જાઉં; એટલે આવ્યા મુખ્યમંત્રી કાર્યાલયે અને ત્યાં સાહેબની તરત જ મુલાકાત પણ મળી ગઈ. થોડીક ઔપચારિક વાતો પછી આ કાઠીયાવાડી ઉદ્યોગપતિએ પોતાની 'પટેલ-સહજ' નબળાઈનાં કારણે સાહેબને પોતાનાં આગામી મંત્રીમંડળ વિસ્તરણ વખતે થોડું 'પટેલો' અંગે ખાસ વિચારવા વિનંતી કરી દીધી અને જવાબમાં લાંબા અકળાવનારા મૌન પછી મુખ્યમંત્રીશ્રી એટલું જ બોલ્યાં કે કાશ મારો જન્મ તમારાં પટેલોનાં ઘરે જ થયો હોત તો તમારે આવી અન્યાયની લાગણીઓથી પીડાવું જ ન પડેત.

પાંચમી સદીમાં સપ્તસિંધુનાં પ્રદેશમાંથી એક કુર્મીક્ષત્રીય જાતિનાં લોકો રખડતાં-ભમતાં કૃષિ-પશુપાલનને લાયક ભૂમિ અને વેપાર-વણજની તકો ગોતવા જ્યારથી ગુજરાતમાં આવ્યા ત્યારથી શાસકો સાથેનો તેમનો 'રેપો' અદ્ભુત કહી શકાય તેવો જ રહ્યો છે. હાલનાંપંજાબ અને ત્યારનાં સપ્તસિંધુનાં પ્રદેશથી લઈને ગુજરાત સુધીની તેમની આ ભ્રમણ-યાત્રામાં 'કુર્મી' શબ્દ અપભ્રંશ થઈને 'કણબી' બન્યો અને આ જ શબ્દથી આ કુર્મીક્ષત્રીય જાતિ અહિયાં ઓળખાવા લાગી. આશરે ત્રણસો વર્ષ પહેલાં ચરોતરમાં આવેલાં પીપળાવ ગામનાં વીર વસનદાસ નામનાં એક દુરંદેશી કણબી આગેવાને તત્કાલીન શાસક ઔરંગઝેબનાં એક પુત્ર બહાદુરશાહને મોટા સામાજિક મેળાવડામાં આમંત્રિત કરીને તમામ કણબીઓ માટે 'પાટીદાર' શબ્દ સરકારી ચોપડે દાખલ કરાવ્યો અને આ રીતે છેક પંજાબથી સ્થળાંતરિત થયેલી આ કુર્મીક્ષત્રીય જાતિને એક મોભાદાર ઓળખ પ્રાપ્ત થઈ. આ ચરોતરનાં વીર વસનદાસે ઘણાંબધાં કણબીઓને પોતાની સલાહ અને વગથી રજવાડાઓની જમીનો એટલે કે પટનાં કર ઉઘરાવવાનાં ઠેકાઓ અપાવેલા એટલે પટનાં કર ઉઘરાવનાર માટેનાં તત્કાલીન પ્રચલિત સંસ્કૃત શબ્દ 'પટલીક' ઉપરથી અમુક પાટીદારો 'પટેલ' તરીકે ઓળખાવા લાગ્યાં. આ પછી  સહુપ્રથમ પાટીદારોએ પટેલ, દેસાઈ અને અમીન જેવી ત્રણ મુખ્ય અટકો અપનાવી. આમ જુઓ તો આ પટેલ અટક વાણીયા, બ્રાહ્મણ અને મુસ્લિમોમાં પણ જોવા તો મળે છે પરંતુ પાટીદારોમાં આ અટક સર્વાધિક વપરાશમાં હોવાથી તેઓ અત્યારે તો આ અટકનાં પર્યાય જ બની ગયા છે, એટલે જ તો આપણા દેશ અને દુનિયામાં 'પટેલ એટલે પાટીદાર અને પાટીદાર એટલે પટેલ' એવી એક સર્વસામાન્ય માન્યતા પ્રચલિત છે. ત્રણસો વર્ષ પૂર્વનાં એ કાળમાં તત્કાલીન શાસકો સાથેનાં બહેતરીન તાલમેલ અને તે વખતનાં રાજકીય દબદબાને કારણે ત્યારે ચરોતરમાં તો એક કહેવત પણ પ્રચલિત થયેલી કે 'પટેલ,પાડો ને પારધી...આ ત્રણની અડફેટે ક્યારેય ન ચડવું'.

કાળક્રમે આ પાટીદારો ફૂલીફાલીને કાઠીયાવાડ તરફ ફેલાતાં ગયા અને દેશી રજવાડાઓની જમીનો ખેડવાં લાગ્યાં ત્યારે ચરોતરનાં તેઓનાં મૂળ ગામોનાં નામ પરથી બીજી સેંકડો અટકો તેમને મળતી ગઈ જે દુનિયા આખીમાં કોઈ એક જ જ્ઞાતિનાં અટક-વૈવિધ્યમાં અનોખો કીર્તિમાન છે. ગમે તેવાં કપરા સંજોગોને વિકાસની અણમોલ તકમાં ફેરવવાનાં આનુવંશિક સ્વભાવનાં કારણે દુનિયા આખીમાં ફેલાવાની સાથે સાથે સમૃદ્ધ પણ બનતાં ગયા. આજે પટેલો વિષે એવું કહેવાય છે કે તેઓ સંખ્યાની દ્રષ્ટીએ દુનિયામાં અગિયારમાં, બ્રિટનમાં વીસમાં, ભારતમાં બીજા અને ગુજરાતમાં પ્રથમ ક્રમે આવે છે. કુલ વ્યવસાયનો દેશમાં પંદર ટકા અને ગુજરાતમાં સિત્તેર ટકા હિસ્સો એકલાં આ પટેલો પાસે છે. સમૃદ્ધિની દ્રષ્ટિએ જોવા જાઓ તો પટેલોનો દુનિયમાં છઠ્ઠો ક્રમ આવે. અમેરિકામાં હોટેલ-મોટેલ વ્યવસાયમાં પટેલોનો હિસ્સો ચાલીસ ટકા જેટલો હોવાં છતાં ત્યાંનાં રાજકીય ક્ષેત્રમાં પટેલોની હિસ્સેદારી અન્ય ભારતીય સમુદાયોની સરખામણીએ નગણ્ય કહી શકાય તેવી જ છે. દુનિયા આખીનું ધ્યાન ખેંચે તેવી વેપાર-વણજનાં ક્ષેત્રે અદ્ભુત સફળતા મેળવી હોવાં છતાં રાજકારણનાં ક્ષેત્રે નબળો દેખાવ એ પણ એક કોયડો જ લાગે કે પછી તેમને વારસમાં મળેલી કૃષિ-વેપારની 'કોર કોમ્પીટન્સ' આ માટે જવાબદાર હોય કદાચ! ઉત્ક્રાંતિની આ કઠોર અસ્તિત્વ યાત્રામાં આટલાં ઊંડા-મજબૂત મૂળ ધરાવતી આ જાતિ હમણાં હમણાં ગુજરાતની વર્તમાન રાજકીય પરિસ્થિતિને અનુલક્ષીને ચર્ચાય છે તે પ્રમાણે કોઈ શાસક કે વિપરીત રાજકીય માહોલથી શું ક્યારેય ભયભીત, ભ્રમિત કે પછી વિચલિત થાય ખરી? ક્યારેય નહીં; પણ આયોજનપૂર્વકની લાંબી ઉપેક્ષાથી તે ભડકીને વિમુખ જરૂર બનતી જાય.

આઝાદી પછીનાં ગુજરાતનાં કોંગ્રેસ શાસનમાં 'ખામ'થિયરીનાં કહેવાતાં સફળ પણ સામાજિક રીતે અસંતુલન ઊભું કરતાં એક સંકુચિત રાજકીય પ્રયોગનાં કારણે પટેલો ધીરે ધીરે કોંગ્રેસથી વિમુખ થયાં અને તેની પ્રતિક્રિયામાં જ ભારતીય જનતા પક્ષનાં ઉદય સાથે સાથે તેનાં મુખ્ય સમર્થકો બન્યાં. ગુજરાતમાં ભારતીય જનતા પક્ષનાં ઉદય અને પોષણમાં મૂળ સૌરાષ્ટ્રનાં સુરતમાં હીરાઉદ્યોગમાં સમૃદ્ધ બનેલા ઉદ્યોગપતિઓનું  નોંધપાત્ર યોગદાન રહ્યું છે. આ હકીકતનાં કારણે જ પોતે કેશુભાઈ પટેલ કરતાં પક્ષમાં સિનીયર હોવાં છતાં ગુજરાતની પ્રથમ ભાજપ સરકારમાં કેશુભાઈ જ મુખ્યમંત્રી બને તેવો શંકરસિંહ વાઘેલાએ જ આગ્રહ રાખેલો. ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર હટાવવાનાં ક્રાંતિકારી સૂત્ર સાથે ગુજરાતમાં અસ્તિત્વમાં આવેલી પહેલી ભાજપ સરકારની રચનાની શરૂઆતથી જ પશ્ચિમી કૂટનીતિજ્ઞ મેકિયાવેલીએ બતાવેલા તેનાં પ્રસિદ્ધ શસ્ત્ર 'ભ્રમ'નો ઉપયોગ એક લાંબાગાળાની રણનીતિનાં ભાગરૂપે ભાજપની અંદર જ શરુ થઈ ગયેલો. ગુજરાત ભાજપનાં પાયાનાં પથ્થરો આ ભ્રમજાળનો તરત જ આબાદ શિકાર બની ગયા! ભાજપની આંતરિક રાજનીતિની શતરંજનો 'સ્ટ્રોક' ખેલવામાં કેશુભાઈ પટેલ અને તેનાં તત્કાલીન જોડીદાર શંકરસિંહ વાઘેલાએ સૌરાષ્ટ્રની એક બહુ પ્રચલિત કહેવત "પટેલનું ઘોડું( જે પાદર સુધી જ દોડે અને પછી ગભરાઈને પાછું વળી જાય!) ને બાપુનું ખેતર (જેમાં વાવેલાં પાક કરતાં નિંદામણનું ઘાસ વધું મોટું દેખાતું હોય!)" ને હૂબહૂ સાચી કરી દેખાડી. શંકરસિંહ વાઘેલાએ બળવો કરવાની કરેલી ઐતિહાસિક ભૂલ અને કેશુભાઈ પટેલે પોતાનાં શરૂઆતનાં શાસનમાં જળસંચય, સૌરાષ્ટ્રને પીવાનાં પાણીની સમસ્યા તેમજ રાજ્યની કાયદો અને વ્યવસ્થાનાં ક્ષેત્રે કરેલી ઉત્તમ કામગીરી છતાં પણ 'ખામ'ની પ્રતિક્રિયા રૂપે પોતાની જાતિનાં લોકો(જે પોતપોતાનાં વ્યવસાયિક ક્ષેત્રે તો બાહોશ હતાં, ભાજપ સરકાર લાવવામાં તેમનું મહત્તમ યોગદાન પણ હતું પણ રાજકીય ક્ષેત્રે તો તેઓ બિલકુલ અપરિપક્વ જ હતાં)નાં વધું પડતાં મોહ અને કવચમાં રહેવાની કરેલી અક્ષમ્ય ભૂલનાં કારણે રાજ્યનાં બીજા જાતિસમૂહો અને વર્ગમાં પોતાની લોકપ્રિયતા ધીરે ધીરે ગુમાવતા ગયા. પોતાની સત્તાનાં સુવર્ણકાળમાં પણ પોતાનાં એક 'જુનિયર'ની સત્તા માટેની 'બર્નિંગ ડીઝાયર'ને નહીં પારખી શકેલા આ જ કેશુભાઈ પટેલ સત્તાવિહોણી લાંબી સુષુપ્તાવાસ્થામાંથી એકાએક જાગીને 'ભય છે... ભય છે' નાં હાંકલાઓ પાડવા લાગે તો શું તેમનાં આવા ભયકારોથી હવે પટેલો ભ્રમિત થાય ખરા?

શરૂઆતમાં લખેલાં પ્રસંગ પ્રમાણે મોદી શાસનથી પટેલો ખરેખર જો અન્યાયની લાગણીથી પીડાતા હોય તો તેમને કાંટાની ટક્કર આપી શકે તેવાં આક્રમક નેતાની ખોજ કરવાની પહેલી જરૂર છે કે જે સત્તા મળતાં જ હાલારી(અમરેલી જીલ્લાનાં) અને ગોલવાડીયા(ભાવનગર જીલ્લાનાં) જેવી ક્ષુલ્લક ઓળખોમાં પોતાનાં લોકોને અટવાડીને સ્વાર્થી વિભાજનકર્તા વહેંતિયા આગેવાનોનાં ઘેરામાં રહેવાનું પસંદ કરવાને બદલે ત્રણસો વર્ષ પહેલાં ચરોતરનાં પીપળાવ ગામનાં વીર વસનદાસ જેવો દૂરંદેશી હોય જે પોતાનાં સમાજને સંખ્યા,શક્તિ અને એકતાને ઊર્જા અપાવતી 'પાટીદાર'ની જોમદાર ઓળખ આપાવે.

સત્તા રૂપી સુંદરીને શાણાઓની નહીં; સાહસિકોની પ્રેયસી થવું વધું પસંદ હોય છે... -મેકિયાવેલી


Saturday, February 22, 2014

સ્વર્ગનાં મોહે આપણે સર્જ્યું નરક

એક વખત હું અમૃતસરમાં આવેલાં શીખોનાં તીર્થસ્થળ સુવર્ણમંદિરમાં ડીસેમ્બર મહિનાની કડકડતી ઠંડીમાં ગયેલો. મેં ઘણા બધા તીર્થસ્થળો કે મંદિરો જોયેલા એમાંથી આ સુવર્ણ મંદિરનું વ્યવસ્થાપન કંઇક વિશિષ્ટ પ્રકારનું લાગ્યું. આ સંકુલમાં હરમંદિર સાહેબની ફરતે આવેલું સ્વચ્છ જળરાશી ધરાવતું વિશાળ સરોવર જોઈને રોજનાં હજારો દેશી-વિદેશી યાત્રાળુઓના ઘસારા છતાં પણ આ સુવર્ણમંદિરનાં આવા અનોખા વ્યવસ્થાપનનાં કારણે તમે તે સંકુલની સ્વચ્છતાને ‘પવિત્રતા’નાં રૂપમાં અનુભવી શકો. ડીસેમ્બરનાં માઈનસ બે થી ત્રણ ડીગ્રી તાપમાનમાં પણ મુખ્ય પ્રવેશદ્વારેથી પ્રવેશતાં જ બે મીટર પહોળી અને પાંચથી છ સેન્ટીમીટર જેટલી ઊંડી નાલીમાંથી પસાર થઈ રહેલું ગરમ પાણી દરેક યાત્રાળુના પગને હુંફાળી ‘સરપ્રાઈઝ’ સાથે સંપૂર્ણપણે સ્વચ્છ કરી આપે. દર કલાકે અત્યાધુનિક સ્વીપરો વડે સંકુલની તમામ ફર્શ સાફ થતી રહે અને લાખો માણસો માટે ચાલતા ચોવીસ કલાકના લંગરની સ્વચ્છતાને જોઈને નાસ્તિકોને પણ આવી અદ્ભુત વ્યવસ્થા જાળવનારને એક વખત તો અવશ્ય નમન કરવાનું મન થાય. દુનિયામાં કોઈ પણ ધર્મ કે વાદના શ્રદ્ધા-સ્થળોએ ઉત્તરોતર માનવ ઘસારો તો વધવાનો જ છે અને તે જોતાં આવા સ્થળોએ આવતા શ્રદ્ધાળુઓનાં આરોગ્ય-સલામતીને પ્રાથમિકતા આપવી એ જે તે ધાર્મિક સ્થળોના વ્યવસ્થાપકોની પહેલી ફરજ બનવી જોઈએ.
     
ધર્મનો હેતુ માનવજીવનને ઉત્તરોતર ઉન્નત બનાવવાનો હોવો જોઈએ અને જો સમય જતાં અમુક ધાર્મિક માન્યતાઓને લીધે લોકોના જીવન અને પર્યાવરણને ગંભીર હાની પહોંચતી હોય તો તેવી માન્યતાઓને ધરમૂળથી બદલવાની આ ક્ષેત્રોમાં પડેલા લોકોએ જ પહેલ કરવી જોઈએ. ભારતનાં અધિકાંશ તીર્થસ્થળોએ વ્યવસ્થાપનની ખામીઓ અને મૂર્ખામી ભરેલી અંધવિશ્વાસ-માન્યતાઓને કારણે પર્યાવરણને જે નુકશાન પહોંચ્યું છે તે ખરેખર અસહનીય છે. ગંગા અને બનારસ અંગેની હિંદુ ધાર્મિક માન્યતા અનુસાર ત્યાં ‘મૃત્યુ’ને મેળવીને પોતાના મૃતદેહને ગંગામાં વહાવાનો આંધળો મોહ હજારો વર્ષથી ચાલ્યો આવે છે. ક્યારેક  કબીર જેવા કોઈ એકલ દોકલ ભડવીરોએ આવી મુર્ખામીઓને તોડવાના પ્રયત્નો કરેલા જોઈ શકાય છે પણ વિરાટ જનસમુદાયનાં મનમાં જડ ઘાલી ગયેલી જડ માન્યતાઓને તોડવા માટે આવો એકલ દોકલ પ્રયત્ન પર્યાપ્ત નથી હોતો. આવી માન્યતાઓ અને તેનાથી પહોંચતા નુકશાનને પહોંચી વળવા સરકાર પાસે મજબૂત ઇચ્છાશક્તિ અને લોકોનાં પ્રમાણિક રીતે સામુહિક પ્રયત્નોની જરૂર હોય છે અને કમનસીબે ભારતમાં આ બંને મોરચે ગંભીર ઉદાસીનતા જોવા મળે છે. પ્રશાસન જો લોકોની ધાર્મિક ભાવનાને સહેજ પણ છેડી ન શકતું હોય તો વૈકલ્પિક રીતે તેનાથી થતાં નુકશાનને ભરપાઈ કરવા માટે વિરાટ ‘એક્શન પ્લાન’ અમલમાં મુકવો પડે. પરંતુ ભારત જેવી ગરીબ અર્થવ્યવસ્થામાં પ્રશાસન જ્યાં હજી સુધી દરેક નાગરિકને પીવાનું શુદ્ધ પાણી  ન આપી શક્યું  હોય તેવામાં ગંગા જેવી નદીઓને માણસોની મુર્ખામીથી પહોંચતા નુકશાનને પહોંચી વળવાના કોઈ મોટા 'એક્શન પ્લાન'ની આશા રાખવી તે ખરેખર મુંગેરીલાલ બનવા જેવી વાત કહેવાય.
       
વર્ષો પહેલા માનવ વસ્તીનું ભારણ દુનિયા ઉપર નહીવત હતું અને તેવા સમયે માનવો દ્વારા ઉત્પન્ન થતાં કચરાનાં નિકાલનો એક માત્ર ઉપાય નદીઓનું વહેતું પાણી હતું. સમય જતાં આપણે ફૂલ્યા ફાલ્યા અને તેના પ્રમાણમાં કચરો પણ એટલો જ ઉત્પન્ન કરીને આપણી ‘માતા’ જેવી નદીઓને પ્રદુષિત કરતાં ગયા. જીવન અને તેને જીવવાની કલા એટલે સમય તેમજ પરિસ્થિતિને અનુરૂપ જીવનનાં નિયમો બનાવતા-બદલાવતાં રહેવું. કહેવાતા ધાર્મિક લોકોએ પહેલા ધર્મોના નિયમો જે તે પરિસ્થિતિ અનુસાર કદાચ બનાવ્યા હશે પણ આપણે સમય સાથે આપણે સ્વર્ગીય કામનાઓનાં આંધળા મોહમાં તેને ‘અપડેટ' કરવાનું ભૂલતાં જ ગયાં.
        
ભારત જેવા દેશમાં ધર્મની અમુક માન્યતાઓ પ્રમાણે નદી, નદીનાં કાંઠે બનેલું મંદિર તેમજ અમુક સ્થળ વિશેષ ને ‘સ્વર્ગ’ કે ‘મુક્તિ’નું દ્વાર સમજવામાં આવે છે. પુરાણો અને શાસ્ત્રોમાં આવતા અદભૂત સ્વર્ગીય વર્ણનો ધરાવતા આ સ્થળોને જ્યારે આપણે સગી આંખે લોકોની બેદરકારીથી થયેલી બેહાલ સ્થિતિમાં જોઈએ ત્યારે માનવ મૂર્ખામી ઉપર હસવું કે રડવું એવું ‘કન્ફ્યુઝન’ સર્જાય. એક સર્વેક્ષણ અનુસાર ભારતમાં અંદાજે પાંસઠ ટકા લોકો પાસે પર્યાપ્ત શૌચાલયની સગવડ જ નથી તેવામાં તીર્થયાત્રાનો મહિમા ધરવતાં આ દેશમાં કોઈને કોઈ નદી કે સાગરકાંઠે વર્ષોવર્ષ લાખો લોકો ભેગા થતાં હોય તેવા માનવ મેળાવડા થાય અને ત્યાં પર્યાવરણને કોઈ જ હાની ન પહોંચે એવી જડબેસલાક વ્યવસ્થા આપણું પ્રશાસન કરે એવી આપણે આશા રાખવી એ પણ નરી મૂર્ખામી જ કહેવાય.
     
હજારો વર્ષથી બનારસમાં મૃત્યુને મેળવવાનો એક અજીબો ગરીબ મહિમા રહ્યો છે, આજે પણ દેશમાંથી અનેક વૃદ્ધો પોતાની છેલ્લી અવસ્થા ગાળવા બનારસમાં આવીને રહેતાં જોઈ શકાય છે કે જેથી તેઓ ત્યાં મૃત્યુ મેળવીને સ્વર્ગ મેળવી શકે. આવા જ ‘મિથ’ને તોડવા કબીર જેવા એક મહાન પુરુષે આખું જીવન પોતે બનારસમા ગાળ્યું હોવા છતાં શેષ જીવન એવા ગામે જઈને વિતાવ્યું કે તે ગામમાં મળેલાં મૃત્યુને લોકો નર્કનું દ્વાર માનતાં. આટલા ‘પ્રેક્ટીકલ’ પ્રયત્નને નહિ સમજનાર પ્રજાને સમજાવવાનો કોઈ વૈજ્ઞાનિક પ્રયોગ ખરો?

સુવર્ણમંદિરના પવિત્ર સરોવરનાં કિનારે એકાદ કલાક માટે  એક અદ્ભુત નજારો મેં જોયો. શ્રધાળુઓ આવે એક ડૂબકી લગાવે અને ભૂલથી પણ જો બીજી ડૂબકી લગાવે કે પોતાનો હાથ શરીર પર મસળે તો તરત જ ત્યાં કાંઠે ઉભેલા પહાડી કદનાં કરડા દેખાતાં લાંબા ભાલાધારી સેવાદારો પોતાનાં ભાલાની ધાર પેલા શ્રદ્ધાળુને અડકાડે અને તરત જ તેને બહાર ખેંચી લે! મને એવું લાગે છે કે કબીરે પોતાની જાત ઉપર કરી દેખાડેલા પ્રયોગો કરતાં આવા સુવર્ણમંદિરમાં સેવાદારો દેખાડે છે તેવાં ભાલાનાં પ્રયોગો જ ભારતની નદીઓને ગંદવાડનો ઢેર બનતાં રોકી શકે...

Friday, February 21, 2014

ઘૂંઘટમાં ઘૂંટાતી જીંદગી

રાજસ્થાનનાં ભીલવાડા જિલ્લાનું મંગરોપ નામનું નાનકડું એવું મઝાનું એક ગામ અને હું ત્યાં ૧૯૯૦ નાં વર્ષ દરમિયાન અમારા એક સ્નેહી મિત્રના ઘરે સજોડે ગયેલો. આ મંગરોપ ગામથી ચિત્તોડગઢ ઘણું નજીક એટલે ત્યાંનાં સુંદર ઐતિહાસિક સ્મારકો જોવા માટે જેવા અમે ઘરેથી યજમાન મિત્ર જોડે જવા તૈયાર થયા ત્યાં અમારું યજમાન યુગલ આપસમાં કંઇક છાની ગડમથલ કરી રહ્યું હતું અને મને પણ કંઇક એમને અમારી જ કોઈ મુંજવણ સતાવતી હશે એવું લાગતાં મેં તેમની મુંજવણ નિખાલસતાથી જણાવવાનું કહ્યું ત્યારે ખબર પડી કે તેઓને તો સવારથી જ એક મુંજવણ સતાવી રહી હતી કે તે ગામમાં કોઈ પણ વિવાહિત સ્ત્રી ઘૂંઘટ વગર શેરીમાં ઘૂમી શકે નહિ એવો ત્યાંનો એક વણલખ્યો શિરસ્તો છે અને મહેમાન તરીકે મારી સાથે આવેલી મારી પત્ની ઘૂંઘટ તો કાઢતી નથી તો તેને ગામની શેરીમાં વગર ઘૂંઘટે નીકળવાનો ‘તોડ’ કેમ લાવવો! એમનું કહેવું એવું હતું કે જો તમે ઘૂંઘટ વગર આ ગામમાં ઘૂમો તો સમાજ અને ગામમાંમાં આમારી શાખને બટ્ટો લાગે તેમજ ગામલોકો અમને કાયમ મહેણાં પણ સંભળાવે; જો તમને ઘૂંઘટ કાઢવાની ફરજ પાડીએ તો તમને દુ:ખ લાગે અને અમારા મહેમાનનું અમે જ અપમાન કર્યાનો અપરાધભાવ અમને સતાવે!..તો કરવું શું? પછી અમે જ મિત્રની મુંજવણ એ આપણી મુંજવણ એમ સમજીને કાઠીયાવાડી-મારવાડી લાજનાં ‘હાઈબ્રીડ-વર્જન’ જેવો કામચલાઉ ઘૂંઘટનો તોડ કાઢીને ગામની બહાર નીકળ્યા પછી જ બાઈક ઉપર સજોડે બેસીને ચિત્તોડગઢ જવા માટે નીકળી ગયા.

રાજસ્થાન હોય કે ગુજરાત, મધ્યપ્રદેશ હોય કે ઉત્તરપ્રદેશ દેશના મોટા ભાગના ઉત્તરીય રાજ્યોના ગ્રામ્યવિસ્તારોમાં રહેતી સ્ત્રીઓની દંભી પરંપરાના નામે આવી જ શોષિત હાલત મેં નજરે જોઈ છે. સૌરાષ્ટ્રનાં ગામડાઓમાં અંદાજે ચાલીસ વર્ષ પહેલા વીજળીકરણ થતું આવતું અને તે વખતના અંધારિયા માહોલમાં દેશી ચુલા ઉપર ઘૂમટો ખેંચીને અતિ અસુવિધાયુક્ત માહોલમાં સ્ત્રીઓને રસોઈ બનાવતા જોયેલી છે. ઘરકામ હોય કે ખેતી, દિવસ હોય કે રાત અને ટાઢ હોય કે વરસાદ આવા કોઈ પણ માહોલમાં પરિવારનાં વડીલોની હાજરીમાં સ્ત્રીઓ ઘૂમટા વગર કોઈ પણ કામ નહોતી કરી શકતી. દુ:ખ સાથે કહેવું પડે કે આ વિકાસના ઝડપી દોરમાં પણ દેશના ગ્રામ્ય વિસ્તારોમાં આ રિવાજનું અસ્તિત્વ છે ત્યાં હજી પણ તેને છોડવાના સુધારાની ઝડપ તો અતિ મંથર જ છે.

હવે આ ઘૂંઘટ કઈ બલાનું નામ અને આ આવી કેવી રીતે-ક્યાંથી ઘુસી? સ્ત્રીઓને માટેના ઘૂંઘટ કે લાજનો રીવાજ આ દુનિયામાં ફક્ત કઈ ભારતમાં જ ચલણમાં નથી પણ સ્થળ-સંસ્કૃતિના પ્રભાવ અનુસાર વિવિધ રૂપે દુનિયાના ઘણા પ્રાંતોમાં આ રાક્ષસી રીવાજ પોતાનો ત્રાસ પુરુષોના માલિકીભાવની પૂર્તિ સારું હજી પણ એટલો જ તરખાટ મચાવી રહ્યો છે. એવું પણ કહી શકાય કે દુનિયામાં ધાર્મિક કટ્ટરતા વધવાની સાથે સાથે અમુક મુસ્લિમ દેશોમાં આ રીવાજ પોતાના મૂળ વધુ મજબૂત બનાવી રહ્યો છે. ઘૂંઘટ ખરેખર છે તો સ્ત્રીઓએ પાળવી પડતી લાજના રીવાજનું એક અંગ માત્ર છે અને આ ‘લાજ’ સાંસ્કૃતિક વિવિધતાનુસાર અલગ અલગ માપદંડો ધરાવે છે. અમુક દેશો અને ધર્મોને અનુસરતા લોકો પોતાની સ્ત્રીઓનાં પગની પાની સુદ્ધા બીજા પુરુષો ન જોઈ શકે તેવી વ્યવસ્થાને જ આદર્શ ‘લાજ’ની વ્યવસ્થા કહે છે જ્યારે અમુક લોકો પતિના સગપણમાં થતાં પિતા, કાકા, દાદા, પરદાદા અને મોટાભાઈ તેમજ તેનાથી ઉંમરમાં મોટા કોઈપણ પુરુષને પોતાની પત્નીનું મુખ જોતાં બચાવવા માટે સાડીથી ઢાંકવાની ઘૂમટા જેવી મર્યાદિત વ્યવસ્થાને ‘લાજ’ કહેવામાં આવે છે. ઘણા પ્રાંતોમાં આ ઘૂમટા કાઢેલી સ્ત્રીઓ વડીલ પુરુષો સાથે સામાન્ય બોલચાલ કરે છે તો અમુક પ્રાંતોમાં આનો પણ પ્રતિબંધ છે. ઘણા સમાજમાં વડીલ સ્ત્રીઓની પણ ‘લાજ’ રાખવાનો રીવાજ છે એમ અમુક જગ્યાએ પોતાની દીકરાની ઉમરના જમાઈની વૃદ્ધ સાસુ ‘ઘૂમટો’ કાઢીને લાજ રાખતા મેં પોતે જોયેલી છે. જયારે રાજસ્થાનમાં વિવાહિત સ્ત્રી કોઈ પણ ઉંમરની હોય ઘરનો ઉંબરો ઓળંગે ત્યાં જ તેમને ઘૂમટો કાઢવો ફરજીયાત છે. યુરોપમાં અમુક સમયે સ્ત્રીઓને બીજા પુરુષોના સંસર્ગથી બચાવવા ‘ચેસ્ટીટી બેલ્ટ’ પહેરાવવાની પાશવી પ્રથા અમલમાં હતી અને આવું વાંચ્યા પછી એમ થાય કે આપણે તો એમના કરતાં ઘણા સુસંસ્કૃત કહેવાઈએ. પરંતુ તમને પણ જાણીને આંચકો લાગશે કે ૧૯૮૮ નાં વર્ષ દરમિયાન ‘સાથીનો’ નામની જયપુરની એક એનજીઓએ રાજસ્થાનનાં જ એક ગામડાની પોતાના જ પતિથી પીડિત મહિલાને છોડાવેલી કે તે અભાગી સ્ત્રીને તેનો પતિ જ લોખંડનું જાતે બનાવેલું એક એવું ‘લોક-સિસ્ટમ’ વાળા એવાં અંત:વસ્ત્રને પહેરવાની ફરજ પાડતો અને જયારે તે  સ્ત્રીએ કુદરતી હાજતે જવું હોય ત્યારે તેનો પતિ જ ખોલી શકે! લોખંડના આ અંત:વસ્ત્રના ઘસારાના લીધે તે મહિલાને મુક્ત કરાવ્યા પછી લાંબી સારવાર પણ કરાવવી પડેલી. લાજના બહાને જીવંત ઉર્જાને નાથવાના ક્ષુલ્લક ઉપાયો કેવી વિકૃતિ જન્માવે છે તેનું આ સચોટ ઉદાહરણ છે.
            
આ ‘લાજ’ પ્રથાની શરૂઆત પરપુરુષોની કહેવાતી મેલી નજરથી બચવાના ઉપાય તરીકે થઇ હોય તેવા કારણો આજના સમયે પણ આ પ્રથાના સમર્થકો આપતા હોય છે. અમુક લોકો તેને ભૌગોલિક વાતાવરણ સાથે જોડીને આ પ્રથાને ‘જસ્ટીફાય’ કરે છે. હકીકતે આ પ્રથા સ્ત્રીને ને જીવંત વ્યક્તિ ન સમજતા પોતાની સંપતિ સમજવાની રુગ્ણ માનસિકતાથી કોઈ બીજાને પોતાની ‘સ્ત્રી-સંપતિ’ વિષે ‘અજુગતું’ વિચારવાની ક્રિયા ઉપર અંકુશ મુકવાની ચેષ્ઠાનાં ભાગરૂપે જ આ વિકૃત ‘ટેકનીક’ એવી આ લાજનો જન્મ થયો હોય અને પછી તેને સામાજિક-સાંસ્કૃતિક, કુળ અને સંસ્કારોના ગૌરવ સાથે પેઢી દર પેઢી જોડવામાં આવ્યું હોય તેવું લાગે છે. લાજની પ્રથાથી સંસ્કારના મુલ્યોની જાળવણી થશે એ દલીલો નો છેદ રાજસ્થાનના સ્ત્ર્રી શોષણ અંગેના આંકડાઓ જ  ઉડાડી દે છે. લાજ પ્રથાનું વ્યાપક અને સઘન રીતે જે રાજસ્થાનમાં પ્રચલન છે તે રાજ્ય જ બળાત્કારનાં કેસોમાં પણ રાષ્ટ્રીય સ્તરે અવ્વલ આવે છે. જે લાજ પ્રથાથી સ્ત્રીઓને બીજા પુરુષોથી બચાવવાની વાત હતી પણ વિકૃતિ તો એટલી આવી કે તેની આડમાં જ પારિવારિક વ્યભિચાર બેફામ વધ્યો. સ્ત્રી એક જીવંત વ્યક્તિત્વ છે અને તેને નાથવા કરતાં જીતવી એજ એક શ્રેષ્ટ ઉપાય હોઈ શકે પણ કમનસીબે માણસ જાત દરેક સુખના સ્ત્રોતને પોતાની સંપતિ સમજવાની ભૂલ કરતો ગયો ને આ સ્ત્રીઓ વિષેની આવી જ અક્ષમ્ય ભૂલનું પરિણામ એટલે અસહાય અને નિર્બળ સ્ત્રીનું  હાલનું રૂપ.
       
કોઈને સ્ત્રીનું મુખ જોવાથી પોતાનું પતન થવાનો ભય લાગે છે અને કોઈ પોતાની સ્ત્રીનું મુખ અન્ય બીજો કોઈ પુરુષ જોઈ જશે એમાં પોતાના ગૌરવનું પતન સમજે છે! દુનિયાની ઘણી જટીલ સમસ્યાનું મૂળ સ્ત્રી હોવાનું માનવાની માણસે કરેલી ભૂલ અને આજ ખોટા નિદાન તેમજ તેનાં ખોટા ઉપાયોથી સ્ત્રીઓ તેમજ સમાજની તંદુરસ્તી નિર્બળ થતી ગઈ. આથી સ્ત્રી અને સમાજ ત્યારે જ સશક્ત થશે કે જયારે આપણે સ્ત્રીઓને આપણી અંગત નિર્જીવ સંપતિને બદલે જીવંત સ્ત્રીનાં વ્યક્તિત્વ તરીકે સ્વીકારીને ભૂતકાળની ભૂલને સુધારીશું.

મહાત્મા ગાંધીને એ કાળમાં કાઠીયાવાડનો ‘લાજ’નો રીવાજ જંગલી લાગેલો; કમનસીબે આપણને આ સાયબર યુગમાં જંગલી નથી લાગતું અને આવી જંગલિયતને કોઈને કોઈ ગૌરવના બહાને આપણામાંથી જ કોઈને કોઈ  જીવંત રાખવા મથ્યા કરીએ  છીએ અને એટલે જ તો હજી મનુષ્ય જીવનનાં એક અહમ હિસ્સો એવા સ્ત્રીત્ત્વને ઘૂંઘટમાં જિંદગી ઘૂંટવી પડે છે.

Sunday, February 16, 2014

વાંઝિયા વિરોધનો અસહ્ય કકળાટ

હું બે એક વર્ષ પહેલાં સૌરાષ્ટ્રનાં નાનકડાં એવા શહેર બોટાદનાં રેલવે સ્ટેશને ભાદરવા મહિનાની મોસમી ઉકળાટ ભરી મોડી સવારે ઊતર્યો છું. નજીકમાં જ આવેલાં એક ગામથી મારાં જૂનાં ખેડૂતમિત્ર અને એક રાષ્ટ્રીય ખેડૂત સંગઠનનાં કાર્યકર જેઓ મને અત્યારે લેવા માટે આવ્યા છે. આ વખતે મને એ દસ વર્ષ પહેલાંની વાત યાદ આવી રહી છે કે ત્યારે બસ કંઈક આવી રીતે જ મને તેઓ આ જ સ્ટેશન ઉપર લેવા માટે આવેલા અને તે મુલાકાત ટાણે તેઓ જે રાષ્ટ્રીય ખેડૂત સંગઠનનાં કાર્યકર છે તે સંગઠનનાં પ્રદેશ પ્રમુખ આ વિસ્તારમાં બીટી બિયારણોનાં વિરોધ કાર્યક્રમની આગેવાની કરવા માટે આવેલા એટલે સંયોગવશ આ મિત્રનાં ધરે જ એમને મળવાનું થયેલું.

આ એવા સમયની વાત છે જ્યારે રાજ્યનાં કપાસ ઉત્પાદક ખેડૂતોનાં પાક અને નસીબ ઉપર લીલી ઇયળ 'હેલિયોથીસ'નાં સામૂહિક આક્રમણે કાળો કહેર વરસાવી દીધેલો. આંધ્ર અને વિદર્ભનાં ખેડૂતોની બરબાદીનું કારણ પણ  આ જ 'હેલિયોથીસ' હતી. જંતુનાશકોનાં બેરોકટોક ઉપયોગે આ 'હેલિયોથીસ'ને ગમે તેવાં કાતિલ ઝેરને પચાવવાની ક્ષમતા ધરાવતાં ભસ્માસૂર જેવી બનાવી દીધી હતી. આવા નિરાશાજનક માહોલમાં આપણો ખેડૂત એટલો બધો લાચાર બની ગયેલો કે પોતાના પાક અને નસીબને ફોલી ખાનાર 'હેલિયોથીસ'નાં કારણે પોતાની આત્મહત્યાઓ દ્વારા રાષ્ટ્રીય અખબારોની 'હેડલાઈન' બનવા લાગેલો!

આવા દર્દનાક માહોલ વચ્ચે કૃષિક્ષેત્રની એક જગવિખ્યાત મલ્ટીનેશનલ કંપની મોન્સાંટો અને દેશની એક સ્વદેશી અગ્રણી બીજ ઉત્પાદક કંપની મહિકો સંયુક્ત રીતે જીનેટીકલી મોડીફાઈડ (જીએમ) બીજનાં સંશોધન હેતુસર ઓગણીસો નવ્વાણુંમાં ભારતીય ખેતરોમાં અખતરાઓ કરવાનું ચાલું કર્યું. આપણા વિજ્ઞાન અને તક્નીક મંત્રાલયે પણ લગભગ પાંચેક કરોડ રૂપિયા ફાળવીને નેશનલ બોટનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનાં વડા ડૉ. તૂલીની આગેવાનીમાં આ જ અરસામાં આ જ ક્ષેત્રે સંશોધન ચાલું કરાવેલું. પરંતુ કમનસીબે આપણને આ સંશોધન કાર્યમાં નિષ્ફળતા મળી અને મોન્સાંટોને સફળતા મળી એટલે મહિકો-મોન્સાંટોએ સંયુક્ત રીતે ભારતનાં કૃષિબજારમાં પ્રવેશવા માટે 2000 નાં વર્ષ દરમિયાન દસ્તક દીધાં. આવા માહોલમાં પણ આ બીટી બિયારણોનો આ જ દુઃખી ખેડૂત આલમમાંથી અનેક પ્રાંતમાં વિવિધ સ્તરે જોરદાર વિરોધ ઊઠ્યો. મને અત્યારે સ્ટેશન ઉપર લેવા માટે આવેલા આ ખેડૂતમિત્રનાં ઘરે જ દસ વર્ષ પહેલાં મળેલા પેલા ખેડૂત નેતાએ તો મને ત્યાં સુધી કહેલું કે જો આ સરકાર બીટી બીજનાં વાવેતરની છૂટ આપશે તો ભારતનો ખેડૂત મલ્ટીનેશનલ્સનો કાયમનો ગુલામ બની જશે!

મને જાણ છે ત્યાં સુધી દેશનાં કૃષિક્ષેત્રમાં હરિતક્રાંતિ અને શ્વેતક્રાંતિ લાવવા માટે સૂચવાયેલાં સુધારાઓનો કંઈક આવી રીતે જ વિરોધ થયેલો. એંશીનાં દાયકામાં સંચાર ક્રાંતિ માટે જવાબદાર 'કંપ્યુટરાઝેશન'નો પણ દેશનાં અનેક મજૂર-કર્મચારી સંગઠનોને આવો ક્ષુલ્લક વિરોધ કરતાં આપણે જોયા છે. જો કે અત્યારે બહુ આનંદની વાત એ કહેવાય કે આ જ સંગઠનો જે સંચારક્રાંતિ માટે જવાબદાર 'કંપ્યુટરાઇઝેશન'નો વિરોધ કરતાં તે બધાં જ અત્યારે  તેનાંથી મળેલી ઉપલબ્ધિઓનો જ ઉપયોગ પોતાની અમુક લડતોને વેગ આપવા માટે કરી રહ્યાં છે. દેશનાં અર્થતંત્રને મુક્તિનાં ઉજાસનો અનુભવ કરાવવાનું પહેલવહેલું સ્વપ્ન સ્વપન એંશીનાં દાયકા દરમિયાન તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીએ જોયેલું ત્યારે આ સમયગાળામાં પડોશી દેશ ચીને પોતાની અદમ્ય સાહસિકતાાથી આર્થિક સુધારાઓનો અમલ ચાલુ કરી દીધેલો. પડોશમાં પાંગરી રહેલા આ પરિવર્તનની લહેરનો અછડતો અંદાજ જ્યારે આપણને નેવુંના દાયકામાં આવ્યો ત્યારે તો દેશનું અર્થતંત્ર ઢબૂકવાની તૈયારી કરતું હતું. અને આવા સમયે પણ આપણે અર્થતંત્રને પાટા ઉપર ચડાવવા માટેનાં સૂચવાયેલાં આંશિક સુધારાઓનો પૂરી મૂર્ખતા સાથે વિરોધ કરવાની પરંપરા જાળવી રાખેલી. આ જ પરંપરાનાં ભાગરૂપે આપણે આર્થિક સુધારાઓની શૃંખલાનો એક અગત્યનો મણકો એટલે એફડીઆઈનાં મુદ્દે વાંઝિયો વિરોધ કરવાની આદત જાળવી રાખી છે.

દસ વર્ષ પહેલાં ખેતીનો સામાન અને પોતાના હરવાં-ફરવાં માટેનો બહુહેતુક ઉપયોગ કરતાં તે ખખડધજ બાઇક લઈને મને આ જ સ્ટેશન પર લેવા માટે આવેલાં તે જ ખેડૂતમિત્ર આજે મને પોતાની નવી નક્કોર સ્વિફ્ટ ગાડી લઈને આવ્યા છે. મને ખબર છે ત્યાં સુધી આ મોટી ગાડી ગાડી દસ વર્ષ પહેલાં આ ખેડૂતમિત્રે જેનો બહુ જોરદાર વિરોધ કરેલો તે બીટી કપાસથી થયેલી મબલખ કમાણીનું જ પરિણામ છે. આ મિત્રનો મોટો દીકરો ખેતીવાડીમાં વપરાતાં જંતુનાશકો-બિયારણોનો મોટો વેપાર કરે છે અને તેનાં આ કારોબારથી થતી આવકમાં બીટી બિયારણોનું મોટું યોગદાન છે. પહેલાં તેઓ પોતાની ખેતી જાતે કરતાં તે અત્યારે દેશનાં અન્ય પ્રાંતમાંથી આવેલાં ગરીબ મજૂરો પાસે કરાવે છે અને બીટી કપાસ બિયારણોનાં વાવેતરથી પોતે તેમજ તેમનાં મજૂરો સારી એવી કમાણી કરીને ખુશખુશાલ જીવન ગુજારે છે. આજે તો હું પણ ખુશખુશાલ છું; દસ વર્ષ પહેલાં ખખડધજ ખુલ્લી બાઇક ઉપર ભાદરવાનાં મોસમી ઉકળાટ સાથે સાથે યજમાન ખેડૂતમિત્રનાં બીટી બિયારણો વિરુદ્ધનો કકળાટ સહેવો પડેલો તે આજે એ જ બીટી બિયારણોનાં પ્રતાપે આવેલી ગાડીનાં એસીનાં કારણે ભાદરવાનો મોસમી ઉકળાટ તો બહાર આંટા મારે છે! હા હજી પેલો એફડીઆઈ વિરોધી એક કકળાટ તો હું સાંભળી જ રહ્યો છું અને વિચાર કરી રહ્યો છું કે ભવિષ્યમાં ફરીને આ જ સ્ટેશને હું ઉતરીશ ત્યારે આ જ ખેડૂતમિત્ર મને આનાંથી પણ સરસ મજાની મોટી ગાડી લઈને લેવા આવે અને ત્યારે મારે ન તો કોઈ મોસમી ઉકળાટ કે પછી અત્યારે સાંભળી રહેલો એફડીઆઈનાં વિરોધ જેવો વાંઝિયો કકળાટ સહેવો પડે.

Friday, February 14, 2014

પ્રવાસન ક્ષેત્રનું એક પુલકિત પુષ્પ પુષ્કર

સુમેરસિંહ રાજાવત માંડ સોળેક વર્ષનો અભણ છોકરડો, હજાર રૂપિયા જેવા મામૂલી વેતનથી પ્રવાસીઓને 'કેમલ સફારી' કરાવતી સ્થાનિક ટુરિસ્ટ એજન્સીમાં કામ કરે. આ સુમેરસિંહ મને રાજસ્થાનનાં પુષ્કરની પશ્ચિમે આવેલાં થારનાં રણની રોમાંચક સફારી કરાવીને છેલ્લે રસ્તામાં આવતી ચા ની એક કીટલી ઉપર આગ્રહપૂર્વક પોતાના પૈસાથી ચા પીવડાવે છે. ચા ના પૈસા મને કેમ ન આપવા દીધાં તે સવાલના જવાબમાં આ કિશોરે મને કહ્યું કે અમારી આ ટુરિસ્ટ એજન્સીમાં જે પ્રવાસીઓને સફર કરાવીએ તે બધાંને છેલ્લે ચા પીવડાવવાનો નિયમ રાખેલો છે. હજાર રૂપિયા જેટલા અલ્પ વેતનથી કામ કરતાં આ કિશોરની વ્યાવસાયિક પ્રતિબદ્ધતાનાં આવા ઉમદા  ગુણ જોઈને મને દેશનાં બીજા અન્ય પ્રવાસન-તીર્થસ્થાનો ઉપર થયેલા કડવા-મીઠા અનુભવો સાથે રાજસ્થાનનાં આ નાનકડાં ગામે થયેલા સુખદ અનુભવ તેમજ તેણે પ્રવાસન ક્ષેત્રે મેળવેલી અદ્ભુત સિદ્ધિઓનું અહીંયાં તુલનાત્મક અવલોકન કરવાનું મન થયું.

રાજસ્થાનનાં પાટનગર જયપુરથી લગભગ દોઢસો કિલોમીટર અને અજમેરથી માત્ર તેર કિલોમીટર દૂર આવેલા પહાડ, સરોવર તેમજ રણનાં અનોખા સંગમક્ષેત્ર જેવા આ મનમોહક સ્થળે મારે બે વર્ષ પહેલાં જવાનું થયેલું. નાની નાની પહાડીઓનાં ટ્રેકિંગથી લઈને ગુલાબ-ગલગોટાનાં ફૂલોની ચાદર ઓઢેલાં સુગંધિત બગીચાઓની સેર, પવિત્ર સરોવરની પાવનકારી ડૂબકીથી લઈને રણનાં રળિયામણા 'સેન્ડડ્યૂન્સ'ને જોવા માટેની કેમલ સફારીને આ એક જ સ્થળે માણી શકો એવો અભૂતપૂર્વ સંયોગ પુષ્કરને મળેલો છે. હિંદુ, મુસ્લિમ, જૈન, બૌદ્ધ અને શીખ ધર્મને અનુસરતા આશરે ત્રણસો જેટલાં પૌરાણિક સ્થાપત્યોનો ભવ્ય વારસો તેમજ માનસરોવર જેટલી જ આસ્થાનું કેન્દ્ર બનેલું બાવન જેટલાં સુંદર ઘાટ ધરાવતું પુષ્કર સરોવર આ સ્થળને તીર્થરાજનું ગૌરવ અપાવે છે. આ જગ્યાએ વર્ષે લગભગ સત્યાવીસ જેટલાં ધાર્મિક-સાંસ્કૃતિક વિવિધતા ધરાવતા માનવ-પશુ મેળાવડાઓનું આયોજન થાય છે.

જો તમે રોજીંદી ભાગદોડ અને કોલાહલથી કંટાળી ગયા હો તેવા સમયે મોરનાં જૂંડમાંથી આવતાં ગહેકાટ, પક્ષીઓનાં ચહેકાટ અને ફૂલોનાં ખેતરોમાંથી વહેતી સુરભિનાં સ્વર્ગીય અનુભવની સાથે અરવલ્લીની પહાડીઓમાંથી ઊગતા સૂરજની શાહી સવારીનો આનંદ લેવો હોય તો તમારે એક વખત તો અહીંયાં આવવું જ રહ્યું. થારનાં સોહામણા 'સેન્ડડ્યૂન્સ'નાં રેતીલા સંગીતનાં સથવારે સોનેરી સૂર્યાસ્તને નિહાળતાં જ પળવારમાં તમારા શરીરમાં ઉત્પન્ન થયેલાં ઝેરીલા 'સ્ટ્રેસ'ને પલાયન થઈ જવું પડે તેવી આહ્લાદક સાંજનો અનુભવ તમે અહીં મેળવી શકો છો. અહીં કોઈ વિદેશી પ્રવાસીની ગિટાર સાથે ગરીબ કલાકારનાં એકતારા કે રાવણહથ્થાની અનોખી જુગલબંધી સાંભળવા મળવી બહુ સહજ છે.

એક તરફ અરવલ્લીની પહાડીઓ અને બીજી બાજુ થારનાં રણનાં ત્રીભેટે આવેલાં નાનકડા એવા ગામનાં ખેતરોમાંથી વાર્ષિક ગુલાબ-ગલગોટાનાં એક લાખ ક્વિન્ટલ જેટલા ફૂલોનું ઉત્પાદન કરવામાં આવે છે અને તેમાંથી બારસો ક્વિન્ટલ જેટલું ગુલાબજળ, સાત હજાર ક્વિન્ટલ જેટલું ગુલાબની તાજી પાંદડીઓમાંથી શીતળ-સુમધુર ગુલકંદ અને એક હજાર ક્વિન્ટલ જેટલું અસલ ગુલાબનાં પરફ્યુમનું ઉત્પાદન કરવામાં આવે છે. અંદાજે છ હજાર જેટલાં સ્થાનિક દરજીઓ દ્વારા ચાલતો આ ગામનો ગારમેન્ટ ઉદ્યોગ વાર્ષિક દોઢસો કરોડ રૂપિયાના માલની ફક્ત નિકાસ જ કરે છે. માત્ર સોળ હજારની જનસંખ્યા ધરાવતું આ નાનકડું પણ વિશ્વવિખ્યાત પ્રવાસન મથક વર્ષે લગભગ સિત્તેર હજાર જેટલા વિદેશી અને સાથે દોઢ લાખ જેટલાં સ્વદેશી પર્યટકોને આકર્ષિત કરી રહ્યું છે!

આ પ્રવાસન સ્થળને કુદરત પાસેથી તેને મળેલી ભૌગોલિક વિશિષ્ટતા કે પછી તેનું વિશિષ્ટ ધાર્મિક-પૌરાણિક માહાત્મ્ય તેનાં આવા અપ્રતિમ વિકાસ માટે શું જવાબદાર છે? મારા મતે તો બિલકુલ નહીં. જો આવું જ હોય તો આવી ઘણી બધી ખૂબીઓ અને વિશેષતાઓ દેશનાં બીજા ઘણાં તીર્થ-પ્રવાસન સ્થળો પાસે હોવા છતાં તેની ભયંકર દુર્દશા આપણે જોઈએ જ છીએ. આવા ઘણા સ્થળ ઉપર એક વખત ગયા પછી બીજી વાર ત્યાં જવાનું લગીરે મન નથી થતું. પુષ્કરની મારી આ પહેલી જ મુલાકાતે મેં ઘણુંબધું જોયું-જાણ્યું ત્યારે મને તેનાં અપ્રતિમ વિકાસનું અસલ કારણ તો અહીંની સ્થાનિક શ્રેષ્ઠ મીઠાઈ 'માલપુઆ'નાં સ્વાદ જેવાં લોકોનાં 'ટુરિસ્ટ ફ્રેંન્ડલી' રસાળ સ્વભાવમાં દેખાયું. ઘણી વખત લોકોનો સ્વભાવ પોતાના પરંપરાગત વ્યવસાયને અનુકૂળ થતો જતો હોય છે અને જો આવું ન થાય તો કાળક્રમે જે તે વ્યવસાયમાં ઓટ આવતી હોય છે. કોઈપણ વ્યવસાયને સફળ બનાવવા માટે તે વ્યવસાયને અનુરૂપ આપણે જો સભાનપણે આપણા સ્વભાવને ઢાળતા જઈએ તો તેમાં અવશ્ય સફળતા મેળવી શકીએ. બસ આ પુષ્કરનાં લોકો આનું જીવંત ઉદાહરણ છે; એટલે જ તો આ પુષ્કર દેશભરનાં પ્રવાસન સ્થળોમાં સૌથી વધું પુલકિત છે. 

Wednesday, February 12, 2014

સંવેદનાની સમસ્યા

એશીનાં દાયકામાં અમેરિકા વસતો ગુજરાતી મૂળનો એક યુવાન ટેક્નોક્રેટ દિલ્હી આવેલો. દેશમાં રહેતા કોઈ સ્વજનને ટ્રંકકોલ કરવા માટે તેણે એક સવારે બુકિંગ કરાવ્યા પછી પૂરા આઠ કલાકે તે સ્વજન સાથે ટ્રંકકોલથી સંપર્ક જોડવામાં નિષ્ફળતા મેળવે છે. તે વખતે અમેરિકામાં ઉપલબ્ધ સંચાર વ્યવસ્થાની સરખામણીએ ભારતમાં થયેલાં આવા ઘોર નિરાશાજનક અનુભવે આ યુવાનને અંદરથી અકળાવી મૂક્યો! અને તે જ ઘડીએ તેણે એક ઝનૂની નિશ્ચય કર્યો કે આવી પરિસ્થિતિ બદલાવી જ જોઈએ; અને આને હું જ બદલીશ. આપણા અર્થતંત્ર અને સુખાકારીની વિભાવનાને મૂળથી બદલી નાખનાર માહિતી અને સંચાર ક્રાંતિનાં બીજ રોપણની ક્રિયા પાછળ આ જ ઘટના જવાબદાર છે. આ ક્રાંતિબીજને રોપનાર ઝનૂની ગુજરાતી યુવાન એટલે આપણા સામ પિત્રોડા. ભારતમાં આવી અનેક અગવડો આપણે ત્યારે પણ ભોગવતા અને અત્યારે પણ ભોગવી જ રહ્યાં હોઈશું, તો ઉપર જેવી ઘટનાઓ જ કેમ અમુક 'માઇલ સ્ટોન' ગણાતી ક્રાંતિનું કારણ બનતી હશે તેવો પ્રશ્ન જરૂર થાય. જરૂરિયાત એ નવાં નવાં આવિષ્કારોની જનની છે એવું તો આપણે સાંભળીએ છીએ પરંતુ હકીકતે જરૂરિયાત કરતાં પણ તે જરૂરિયાતોનાં અહેસાસની સંવેદના આપણામાં જાગવી વધું જરૂરી છે જે પ્રમાણે અમુક તત્કાલીન માનવ જરૂરિયાતનો એક અદ્વિતીય અહેસાસ દિલ્હીમાં સામ પિત્રોડાને થયો અને પરિણામ સ્વરૂપ દેશને એક સંચાર ક્રાંતિની ભેટ મળી.

આજે લગભગ દરેક ભારતીય પાસે પોતાનો એક સ્વતંત્ર મોબાઈલ ફોન છે પણ દેશમાં પાંસઠ ટકા નાગરિકો પાસે પર્યાપ્ત શૌચાલય જેવી પ્રાથમિક જરૂરી સુવિધા જ નથી! આવું શું કામ? આપણને પડતી અગવડો અને નડતી સામૂહિક સમસ્યાઓને અનુભવ કરવાની આપણી સંવેદનહીનતા જ આનાં માટે જવાબદાર છે. દેશમાં એવી અનેક ગંભીર સમસ્યાઓ મોજૂદ છે જેને આપણે એક સમસ્યા તરીકે અનુભવતા જ નથી તો પછી તેનાં ઉકેલ માટે તો કઈ રીતે વિચારીશું? આપણે એવી બે સળગતી સમસ્યાઓની આજે ચર્ચા કરવી છે કે આ બન્ને સમસ્યાઓ વચ્ચે કોઈ સીધો સંબંધ ન હોવા છતાં તેનો ઉકેલ એકબીજાનો બિલકુલ પૂરક હોય.
1-આપણી ઊર્જા જરૂરિયાતો અને તેની આયાત ઉપર અધિકાંશ નિર્ભરતા...
2-આપણી સામૂહિક સ્વચ્છતા અને તેના પ્રત્યે આપણી ઘોર ઉદાસીનતા..

પહેલાં તો આપણે પ્રશ્ન એક ઉપર આવીએ. ઝડપથી વધી રહેલી જનસંખ્યાનાં આ દોરમાં વધી રહેલી મોંઘવારી એ આપણો પ્રાણપ્રશ્ન બનતો જાય છે. આના માટે જવાબદાર છે આપણી ઊર્જા જરૂરિયાતોની આયાત ઉપરની અધિકાંશ નિર્ભરતા. પરિવહન માટે વપરાશમાં લેવાતાં પેટ્રોલ-ડીઝલ, રાંધણ ગેસ, રાસાયણિક ખાતરો અને કૃષિ પિયત માટે પાણી ખેંચવાનાં પંપને ચલાવવા વપરાતાં ક્રુડ ઓઇલનો પુરવઠો મુખ્યત્વે આયાત ઉપર જ નિર્ભર છે. એટલે જ છેલ્લાં એક દાયકામાં આપણે ઘણાં વખત યુરોપ-અમેરિકાના અર્થતંત્રને ચડેલા તાવની ઠંડી આપણા રસોઈઘરને ચડતી અનુભવી છે! ત્યારે એવું થાય કે શું આવી આયાતી કઠણાઈનો કોઈ જ તોડ નહીં હોય!

દેશમાં બીજો સળગતો સવાલ છે જાહેર સ્વચ્છતા અંગેની સામૂહિક 'કોમનસેન્સ'નો સદંતર અભાવ. દુનિયામાં જનસંખ્યામાં બીજા ક્રમે અને પાલતું પશુઓની સંખ્યામાં પહેલાં આવતાં આ દેશની મહત્તમ જનસંખ્યા ગામડાઓમાં વસે છે અને આ ગામડાઓ મનુષ્ય-પશુઓનાં સહિયારા મળમૂત્રનાં ખુલ્લા ઉકરડાઓનાં ઢેર વચ્ચે જીવી રહ્યા છે. વૈશ્વિક જળ-વાયુને ભયંકર હાની પહોંચાડતા 'મિથેન' જેવા ઝેરી વાયુનાં ઉત્સર્જન અને આપણા નબળાં સામૂહિક આરોગ્ય માટે આ ખુલ્લા ઉકરડાઓનો ઢેર જ જવાબદાર છે. શું આનો કોઈ ઉકેલ ખરો?

આધુનિક વિજ્ઞાને તેનો ઉકેલ બાયોગેસનાં સંશોધનથી આપેલો જ છે. હવે સવાલ આ ગંદકીની સમસ્યાનો આપણને જે અહેસાસ થવો જોઈએ તે નથી થઈ રહ્યો તેનો છે! ગામડું હોય કે શહેર દરેક ઘર માટે બાયોગેસ પ્લાન્ટ બેસાડવાનું ફરજિયાત કરીને તેમાંથી ઉત્પન્ન થયેલી ઊર્જાને જ વાપરવાનો આગ્રહ રાખીએ તો શું આપણે દેશના અર્થતંત્રને આયાતોથી પડતાં બોજથી ન બચાવી શકીએ?  આવો બોજ ઘટે તો જ મોંઘવારી કાબુમાં કરી શકાય. બાયોગેસની આ શોધ સામૂહિક સ્વચ્છતા માટે તો આશીર્વાદરૂપ બને જ પણ એનાંથી પણ વધું આપણા અને દેશનાં અર્થતંત્રનાં આરોગ્ય માટે સંજીવની જ સાબિત થાય એમ છે પણ જો આપણને હાલ પડી રહેલી અગવડો અંગેની સંવેદના આપણી અંદર જાગે તો... 

Saturday, February 8, 2014

શ્વેતક્રાંતિએ ખીલાવેલું એક ફૂલ 'માલતી'

લગભગ ઓગણીસો અઠ્યાસીનાં વર્ષની વાત છે; તે વખતે સંદેશ અખબારમાં 'લોકસાગરનાં તીરે તીરે' નામથી દંતાલી વાળા સ્વામી સચ્ચિદાનંદજીની સરસ મજાની એક પ્રેરણાત્મક કટાર આવતી. આ સમયે ગુજરાતમાં ઉપરાઉપરી ત્રણ ભીષણ દુષ્કાળ પડેલાં અને ત્યારે જ સ્વામી સચ્ચિદાનંદજીની આ કટારમાં ઉત્તર ગુજરાતનાં વિજાપુર તાલુકાનાં પ્રતાપપુરા ગામે રહેતાં માલતીબહેન ચૌધરી જેવાં નાનાં ખેડૂતે પશુપાલન-દૂધ ઉત્પાદન ક્ષેત્રે કરેલાં ચમત્કારની વાત વાંચી. માલતીબહેને કરેલા આ અદ્ભુત ચમત્કારની વાત વાંચીને મને પણ તેમને રૂબરૂ મળવાની ઇચ્છા થઈ એટલે આપણા પાટનગર ગાંધીનગરથી અરધા કલાકનાં જ અંતરે આવેલાં જર્સી ગાયોનાં ભાંભરડાઓથી ગૂંજતા લીલીછમ હરિયાળી વાળા ગામે હું ગયો.

પ્રતાપપુરા એટલે વિજાપુર તાલુકાનું ગાંધીનગરથી લગભગ સોળ કિલોમીટર દૂર આવેલું આશરે પંદરસોની વસ્તી વાળું ચૌધરીઓનું ગામ. ગામનાં બહુમતી લોકોનો જીવન નિર્વાહ ખેતી અને પશુપાલન ઉપર જ નિર્ભર પરંતુ પૂરાં પ્રતાપપુરા ગામમાં કોઈ એક પણ ખેડૂત મોટો ખેડૂત નહીં. ગામ આખું નાનાં અને સીમાંત ખેડૂતોનું જ એટલે સ્વાભાવિક રીતે ખૂબ જ મર્યાદિત આવક ધરાવતાં લોકોનું આ ગામ. ઉત્તર ગુજરાતમાં વસતા ચૌધરી લોકો પરંપરાગત રીતે પશુપાલન વ્યવસાયમાં પારંગત. આ ગામનાં આવા જ એક પરિવારમાં જોઇતારામ સેંધાભાઈ ચૌધરી નામનાં અપંગ યુવાનને પરણીને એક શિક્ષિત યુવતી આવે છે. પતિ અપંગ, આવક માટે પરિવાર પાસે માત્ર અઢી એકરનું એક માત્ર ખેતર!

આ સમયે દેશમાં દૂધની નદીઓ વહેવડાવવા માટે ડૉ. વર્ગિસ કુરિયન શ્વેતક્રાંતિના મંડાણ નાખી રહ્યા હતાં. ત્યારે દેશમાં દૂધ ઉત્પાદકોનું કે તેનાં દૂધ ઉત્પાદનોનાં વિતરણ માટે કોઈ પણ સંગઠિત માળખું અસ્તિત્વમાં નહોતું. પરિણામે તે સમયે આપણો દેશ દૂધ ઉત્પાદન ક્ષેત્રે અતિશય પછાત હોવા છતાં પણ દૂધ ઉત્પાદક ખેડૂતો તેને મળતાં અપૂરતાં ભાવોથી પરેશાન હતાં તો સામે વચેટીયાઓની બેફામ નફાખોરીનાં કારણે શહેરોમાં રહેતાં લોકોને દૂધ ખરીદવા માટે લૂંટાવું જ પડતું. પશુસુધારણાં બાબતે ખેડૂતોની ઘોર ઉદાસીનતાનાં કારણે આપણી ગાયો વાર્ષિક બારસો લિટર જેટલું ઉત્પાદન આપતી જે દુનિયાનાં અમુક દેશોની ગાયોની સરખામણીએ તો લગભગ ત્રીજા ભાગનું કહેવાય!

ઘનિષ્ઠ પશુસુધારણા, દૂધ ઉત્પાદકોને સહકારી ક્ષેત્રે સંગઠિત કરીને તેનાં ઉત્પાદનોને યથાયોગ્ય જાળવણી પ્રક્રિયાઓથી સંરક્ષિત કરીને સમયસર દેશમાં આવેલા દૂર સુદૂરનાં શહેરોમાં પહોંચાડવાનો એક બહુ આયામી કાર્યક્રમ 'ઓપરેશન ફ્લડ' ડૉ. કુરિયન દ્વારા ચાલું થયેલો. આ કાર્યક્રમમાં પ્રતાપપુરાનાં માલતીબહેન ચૌધરીને પોતાનાં પરિવારને સમૃદ્ધ બનાવતું સ્વપ્ન દેખાયું. મહેસાણામાં આવેલી દૂધ સાગર ડેરીની જ્ઞાન-આર્થિક સહાય વડે માત્ર પાંચ જ સંકર (ક્રોસ બ્રીડ) ગાયોથી સંપૂર્ણ આધુનિક ઢબે પોતાના નાનકડાં ખેતરમાં પશુપાલન ચાલુ કર્યું.પોતાની ધગશ તેમજ ડૉ. કુરિયન દ્વારા ચલાવવામાં આવેલા 'ઓપરેશન ફ્લડ' કાર્યક્રમની મળેલી સાંયોગિક સહાયનાં કારણે આજે આ માલતીબહેન ચૌધરીની પોતાની અંદાજે એકાદ કરોડ રૂપિયાની આવક સાથે દેશનાં શ્રેષ્ઠ દૂધ ઉત્પાદકોમાં ગણનાં થાય છે, મારા જેવા દેશનાં અનેક નાનાં ખેડૂતોથી લઈને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેંટ જેવી દેશની શ્રેષ્ઠ મેનેજમેંટ સ્કૂલને પણ શ્વેતક્રાંતિએ ખીલાવેલાં એક ફૂલે ફેલાવેલી સફળતાની ફોરમ આકર્ષી રહી છે. 

Wednesday, February 5, 2014

હેલિયોથીસ અને શાહુકારો... ખેડૂતોને ચૂસતી રાક્ષસી જીવાંત

તેર-ચૌદ વર્ષ પહેલાંની આ વાત છે; મારા એક મિત્ર અને ખેતીવાડીમાં વપરાતાં જંતુનાશકોના એક વેપારીની સાથે સૌરાષ્ટ્રનાં નાના એવા એક ગામે જવાનું થયેલું. અમારું કામ પતાવીને જેવા અમે ગામની બહાર નીકળ્યા તો એક ખેડૂતે અમારી ગાડી રોકાવીને મારાં વેપારી મિત્ર પાસે નવી જ બજારમાં આવેલી 'અવાંટ' નામની જંતુનાશકનાં એક માત્ર પેકિંગ માટે કરગરવાં લાગ્યો! પોતાની પાસે આ ખેડૂતે માગેલી જંતુનાશકનો જથ્થો ખૂટી જ ગયેલો એટલે મારા મિત્રને પેલા એક પેકિંગ માટે કરગરતાં ખેડૂતને સ્પષ્ટ ના કહેવી પડી એટલે આવો જવાબ સાંભળીને તે ખેડૂત અમારી ગાડીની આગળ રીતસર મરણિયાં બનીને લંબાવી દીધું! જેને આપણે જગતનો તાત કહીએ તેની આવી લાચાર પરિસ્થિતિ જોઈને એવો વિચાર કરવા મજબૂર કર્યો કે આપણાં ખેડૂતોની આવી પાંગળી સ્થિતિ માટે જવાબદાર કોણ?

તે સમયે હજી દેશમાં બીટી બિયારણોનું આગમન નહોતું થયેલું, લોકો કપાસનાં પરંપરાગત હાઇબ્રીડ બીજનું વાવેતર કરતાં અને પાકનાં એકધારા વાવેતર અને જંતુનાશકોનાં સમજણ વગરનાં બેફામ ઉપયોગનાં લીધે કપાસનાં પાકમાં વધારે ઉપદ્રવ કરતી લીલી ઇયળે પરંપરાગત જંતુનાશકો સામે પોતાની પ્રતિકારક શક્તિ મેળવી લીધેલી. પરિણામે લીલી ઇયળ 'હેલિયોથીસે' આખા ને આખા કપાસનાં ખેતરો જીંડવા રહિત કરી નાખ્યાં. પહેલી નજરે કુદરતી લાગતી પરંતુ હકીકતે માનવ સર્જિત વિપત્તિના લીધે આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રમાં તો અનેક ખેડૂતોએ આ ઉપદ્રવી ઇયળોનાં ખાતમાં માટે લાવેલાં જંતુનાશકો ગટગટાવી જઈને પોતાના જીવન ટૂંકાવી દીધાં! મોંઘા ખાતર-બિયારણ-જંતુનાશકો પાછળ શાહુકારો પાસેથી ઊંચા વ્યાજે લાવેલાં નાણાં રોક્યા પછી પોતાના પાકને જીવાત નજર સામે જ ફોલી ખાધા હોય ત્યારે તે ખેડૂતો પાસે બીજો કોઈ રસ્તો પણ ક્યાં બચવાનો હતો? કૃષિક્ષેત્રે આવાં નિરાશાજનક માહોલમાં ડૂપોંટ કંપની ભારતની પેસ્ટિસાઈડ માર્કેટમાં બિલકુલ નવાં જ પ્રકારનું જંતુનાશક લઈને આવી અને લીલી ઇયળોનાં ભયંકર ઉપદ્રવનાં પ્રમાણમાં નવાં આવેલા આ જંતુનાશકનો પુરવઠો ખૂબ જ ઓછો હોવાથી કઠણાઈનો ભોગ બનેલાં ખેડૂતોએ તેને ખરીદવા માટે કતારો લગાવી દીધી!  એટલે જ તો પોતાના પાકને બચાવવાની લાહ્યમાં પેલા ખેડૂતે અમારી ગાડી સામે ત્રાગું કરેલું!

દેશ આઝાદ થયો ત્યારે તેની પાંત્રીસ કરોડ જેટલી જનસંખ્યા હતી તો પણ અમુક પ્રાંતોમાં ભૂખમરાની પરિસ્થિતિ હતી! આવી પરિસ્થિતિ માટે ફક્ત દેશનાં કૃષિક્ષેત્રની કંગાળ હાલત જ જવાબદાર હતી. હરિતક્રાંતિના પરિણામે દેશનાં કૃષિઉત્પાદનમાં જબરજસ્ત વધારો થયો અને એટલે જ આઝાદી પછી આપણી જનસંખ્યાનમાં બેફામ વધારો થવા છતાં પણ કોઈ ભૂખે ન મર્યા. આ હરિતક્રાંતિના કારણે જ કૃષિક્ષેત્રે રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો વપરાશ પણ અનેકગણો વધી ગયો. ખેતીનાં વ્યવસાયમાં પાકને નુકસાન કરતાં કીટકોથી બચાવવા માટે વિવિધ પ્રકારના પેસ્ટિસાઈડ્સ ઉપયોગમાં લેવાય છે અને તેનાં દરેક પ્રકારને ઉપયોગમાં લેવાતી અલગ અલગ એક નિશ્ચિત વૈજ્ઞાનિક પદ્ધતિ હોય છે. જે તે પાક અને પેસ્ટિસાઈડ્સનાં પ્રકાર પ્રમાણે તેનું પ્રમાણમાપ, પ્રયોગમાં લેવાનો સમય અને મહત્તમ પ્રયોગની મર્યાદા જેવાં ઘણાંબધાં 'ક્રિટિકલ' મુદ્દાઓ ઉપર ખેડૂતની જાણકારી તેમજ પકડ હોવી ખૂબ જરૂરી હોય છે. ઘણાંબધાં વિકસિત દેશોમાં ત્યાંના શિક્ષિત ખેડૂતોએ ખેતીની આધુનિક તક્નીકને યોગ્ય રીતે વાપરીને પોતાની અને પોતાના દેશની સમૃદ્ધિ કાયમ રાખી છે. આપણાં દેશમાં અશિક્ષિત ખેડૂતો યોગ્ય જાણકારીનાં અભાવે આવા પેસ્ટિસાઈડ્સ વાપરવાનું વિવેકભાન ભૂલ્યા એટલે પાકને ફોલી ખાતાં કીટકો તેની સામે ઉત્તરોત્તર પ્રતિકારકતા કેળવતાં ગયા અને પરિણામે ઉત્પાદન વધવાની સાથે સાથે તેનાં પાકસંરક્ષણનાં ખર્ચમાં બેફામ વધારો થતો ગયો. જ્યાં સુધી ભારતમાં બીટી બિયારણો ન આવ્યા ત્યાં સુધીમાં તો દેશમાં અસંખ્ય કમનસીબ ખેડૂતોએ આત્મહત્યાઓ કરવી પડી. વધી રહેલી જનસંખ્યા અને સામે ઘટી રહેલા રિસોર્સનાં હિસાબે આપણા ખેડૂતોએ દુનિયામાં થઈ રહેલા નવા કૃષિ આવિષ્કારોનો વિવેકપૂર્ણ ઉપયોગમાં મહારત કેળવવી જ પડશે. દેશમાં ખેડૂતોએ કરેલી આત્મહત્યા પાછળ બળવત્તર બનેલા કીટકો અને બે-લગામ બનેલા શાહુકારો જ જવાબદાર છે. તેનાં નિયંત્રણ માટે જરૂર છે કે દેશનો નાનાંમાં નોનો ખેડૂત તેના ઉપાયોનાં યોગ્ય જ્ઞાનથી સજ્જ બને.
       
અત્યારે જો કે ખેડૂતોનાં પાકને ચૂસતી લીલી ઇયળ 'હેલિયોથીસ'નાં નિયંત્રણનો ઉપાય વિજ્ઞાને 'ટર્મિનેશન ટેક્નોલૉજી' દ્વારા મેળવી લીધો છે;  હવે બે-લગામ બનેલા આ દેશનાં શાહુકારોને 'ટર્મિનેટ' કેમ કરવા તેનો ઉપાય જો મળી જાય તો મને લાગે છે કે મારા દેશનાં ખેડૂતોની આત્મહત્યાઓ બંધ થાય...  

Sunday, February 2, 2014

દિલેર પીડા પંજાબની

જ્યારે પણ આપણે કોઈ અજાણ્યા પ્રાંત-લોકો વચ્ચે પહેલી વખત જવાનું હોય અને આવો પ્રવાસ જ્યારે વ્યાવસાયિક સંશોધન માટેનો હોય ત્યારે આ પ્રવાસ કર્યા પહેલાં અનેકવિધ આશંકાઓથી ઘેરાઈ જતાં હોઈએ છીએ. જો કે અત્યાર સુધી કરેલાં આવા કોઈપણ પ્રવાસ વખતે મને જીવનભર યાદ રહે તેવાં નિ:સ્વાર્થ માર્ગદર્શક મિત્રો મળી જ ગયા છે. ચાર વર્ષ પહેલાનાં મારા પહેલાં પંજાબ પ્રવાસ વખતે મારી પાસે ત્યાંની સ્થાનિક ઓળખાણમાં ઓટો કંપોનંટ્સ બનાવતાં જસબીરસિંહ ચઢ્ઢાનો એક સેલ નંબર માત્ર હતો. પંજાબ સરકારમાં તત્કાલીન વાણિજ્ય પ્રધાન મહેશઇંદરસિંઘ ગરેવાલનાં પડોશમાં જ લુધિયાણાનાં મોડેલ ટાઉનમાં રહેતા ચઢ્ઢાજીની બે દિવસની મહેમાનગતિએ મારા પંજાબ, પંજાબની લોહિયાળ અલગતાવાદી ચળવળ અને પંજાબીઓ વિશેના સમાચાર માધ્યમો દ્વારા ઘડાયેલા ખયાલોનો ભૂક્કો કરી નાખ્યો.
     
પ્રવાસનાં છેલ્લા દિવસની સાંજે યજમાન ચઢ્ઢાજીની સાથે પંજાબનાં વર્તમાન રાજકારણ, ખાલીસ્તાની ચળવળ, ભારત-પાકિસ્તાનના ભાગલા વખતે વિખૂટાં પડી ગયેલા અનેક કમનસીબ પરિવારોની પીડા બાબતે ચર્ચા થઈ. મેં યજમાન મિત્ર ચઢ્ઢાજીને પૂછ્યું કે તમે જ્યારે કોઈ અજાણ્યા હિંદુ મિત્રને આટલી બધી લાગણી સાથે ઉતારો આપ્યો છે તે જ જો ઇંદિરા ગાંધીની તેમનાં જ શીખ અંગરક્ષકોએ કરેલી હત્યાના પ્રત્યાઘાતમાં દેશભરમાં થયેલાં અસંખ્ય શીખબંધુઓનાં નરસંહાર અંગે તમને પૂછે તો તમારો પ્રતિભાવ શું હોય?  અજાણતાં પારાવાર દુ:ખ પહોંચડાનારા મારા પ્રશ્નનાં જવાબમાં તેમણે તેમનાં જીવનમાં ઘટેલી બે સત્ય ઘટનાઓ કહી.
     
આઝાદી પહેલાં હાલનાં પાકિસ્તાનનાં ટોબાટેંક જિલ્લામાં આવેલા કમાલિયા ગામે ચાર ભાઈઓનો એક મધ્યમવર્ગીય જાટ પરિવાર રહેતો હતો. સાયકલનાં છૂટક પાર્ટ્સ બનાવવાનાં કામની ખૂબ જ નાનાં પાયે શરૂઆત કરનાર આ પરિવારે પોતાની સખત મહેનત અને સૂજથી બહુ થોડાં સમયમાં આ ક્ષેત્રે સારું એવું કાઠું કાઢ્યું. ભારત પાકિસ્તાનનાં દુઃખદ વિભાજન કાળમાં આ પરિવારે પોતાની  સખત મહેનતે ઊભા કરેલાં નાનકડાં વ્યાવસાયિક સામ્રાજ્યને રેઢું મૂકીને માત્ર પહેરેલા કપડા સાથે જ ભારત ભાગી આવવું પડ્યું. શૂન્યથી શરૂઆત કરીને ખડા કરેલા સામ્રાજ્યને કાળની ગોજારી એક જ થપાટે રઝળતું મૂકીને રસ્તા ઉપર રખડતું થઈ જવું પડે તેવાં કોઈપણ પરિવારની પીડાને કલમથી વર્ણવવાનું બિલકુલ અશક્ય હોય છે. ભારત આવીને આ પરિવારના સભ્યો પંજાબના લુધિયાણા શહેરમાં છૂટક મજૂરી કરીને બચાવેલી થોડીક મૂડીથી ફૂટપાથ ઉપર સાયકલ રીપેરીંગનું કામ ચાલું કરે છે. તે વખતની ઇમ્પીરીયલ બેંકની લુધિયાણા શાખાનાં મુખ્ય મેનેજર કે જેઓ વિભાજન પહેલાં પાકિસ્તાનનાં લાહોર શહેરમાં રહેતા અને આ પરિવારની ધગશ તેમજ પ્રમાણિકતાથી પરિચિત હતા. જીવનનાં આ કઠોર કસોટીકાળમાં પરિચિત બેંક મેૅનેજર આ પરિવારે ફૂટપાથ ઉપર ચાલું કરેલી સાયકલ રીપેરીંગની દુકાન જોઈ ગયા. તે સમયમાં બેંકની જે તે શાખા સંભાળતો મેનેજર પોતાની જવાબદારી ઉપર લોકોને ધિરાણ આપી શકતો. મહેનતથી સફળ થયેલા આ પરિવારની અસહાય અવસ્થા આ મેનેજરથી નહીં સહેવાતા આ પરિવારનાં સૌથી મોટાભાઈને બીજા જ દિવસે પોતાની ઓફિસ ઉપર બોલાવીને પોતાની અંગત જવાબદારી સાથે વ્યવસાય ચાલુ કરવા માટે મોટા ધિરાણનાં પ્રસ્તાવ સાથે હિંમત આપી. ઇમ્પીરીયલ બેંકના દિલેર મેનેજરે દાખવેલી ઉદારતાનો બદલો વાળવા આ પરિવાર ફરી એકવાર નવી જ બુલંદ વ્યાવસાયિક ઇમારત ચણવાં લાગી પડ્યું. ગમે તેટલા પડકાર અને અન્યાય સામે પણ જો તમે હકારાત્મકતાનું વલણ અકબંધ રાખી શકો તો કોઈપણ વિષમ અને વિપરીત પરિસ્થિતિઓને પાર કરીને તમારા જીવનમાં ખુશીઓનો સૂરજ જરૂર ઉગાડી શકો તેનું ઉત્તમ ઉદાહરણ આ પરિવાર છે.
     
આ બધી વિપત્તિઓની વચ્ચે પોતાની અદમ્ય સાહસિકતાથી અભૂતપૂર્વ સફળતા મેળવનાર વ્યક્તિ એટલે પદ્મવિભૂષણથી સન્માનિત, દુનિયાના ધનાઢ્ય પરિવારોની નોંધ રાખતાં 'ફોર્બ્સ' ની પ્રતિષ્ઠિત યાદીમાં સ્થાન બનાવનાર, દુનિયામાં સૌથી વધું સાયકલનું  ઉત્પાદન કરવાનો વૈશ્વિક કિર્તિમાન જેમનાં નામે બોલે છે તે આપણા દેશના પ્રતિષ્ઠિત ઉદ્યોગૃહ હીરો ગૃપનાં વડા ડૉ. બૃજમોહનલાલ મુંજાલ.
     
મારા યજમાન ચઢ્ઢાજી પછી તરત જ એક બીજી ઘટના કહે છે. ઓગણીસો ચોર્યાસીમાં તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા પછી ભારતનાં ઘણાંબધાં શહેરોની જેમ જ ઉત્તરપ્રદેશના કાનપુરમાં એક અજાણ્યાં શીખ વેપારીને બેરહેમ નરરાક્ષસોનું ટોળું મરણતોલ માર મારે છે અને તેને મરેલો સમજીને રઝળતો મેલી જતું રહે છે. કાનપુરની શેરીમાં બેભાન પડેલાં આ શખ્સને કોઈ હોસ્પિટલમાં સારવાર માટે લાવે છે ત્યારે તે આઠ કલાક પછી ભાનમાં આવે છે. '84 દંગાઓનો મરણતોલ ભોગ બનનાર આ શખ્સ એટલે મુંજાલ પરિવારના કપરાં સમયે અમૂલ્ય મદદ કરનાર પેલાં ઇમ્પીરીયલ બેંકની લુધિયાણા શાખનાં મેનેજરનાં પુત્ર અને મારા યજમાન શ્રીમાન ચઢ્ઢા. દેશભરમાં થયેલાં શીખોનાં નરસંહાર અંગે પૂછાયેલાં મારા સવાલનાં જવાબમાં ઉપર કહેલી બે ઘટનાઓ સાથે ચઢ્ઢાજીએ મને કહ્યું કે કાનપુરમાં મને મારનાર ટોળું હિંદુઓનું હતું કે નહીં એ તો મને ખબર નથી પણ તે પછી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જનાર વ્યક્તિ તો હિંદુ જ હતો અને તે વ્યક્તિને હું ક્યારેય નહીં ભૂલું. ભૂલવાં જેવું બધું ભૂલવું જ પડે અને જો તેને નહીં ભૂલીએ તો આપણે ભૂંસાઈ જઈશું.
       
મહાભયાનક વિપત્તિઓમાં પણ આશાનું એક અણમોલ કિરણ તેમજ નફરતનું ઝેરીલું બીજ છૂપાયેલું હોય છે, કિરણને પકડશો તો જરૂર એક વટવૃક્ષ થઈને વિકસશો પરંતુ જો ઝેરને જ ઘૂંટ્યા કરશો તો ચોક્કસ ભૂંસાઈ જશો.
         

Saturday, February 1, 2014

નિયતિનો માર્ગ અને માર્ગદર્શક

એક વખત ઋષિકેશની ગલીઓમાં ઉત્તરપ્રદેશનાં મેરઠનો એક આશાસ્પદ યુવાન સાધુઓની ટોળીમાં કંઈક દિશાહીન-હતાશ અવસ્થામાં ગીતો ગાતો ભટકતો રહેતો. તેનું લોકગાયન સાંભળીને કોઈપણ સંગીતનાં જાણકારને ખબર પડી જાય કે આ યુવાનનું ગોત્ર ગીત-સંગીતની પૃષ્ઠભૂમિ ધરાવતું હશે. ઋષિકેશનાં એક સાધુ પરિપૂર્ણાનંદજીની નજરે ઘણાં દિવસથી આ હતાશ યુવાન ચડી ગયેલો. આ યુવાનની ગાયકીનું કૌવત પારખી ગયેલાં સાધુ પરિપૂર્ણાનંદજી તેને પોતાની પાસે બોલાવીને તેની હતાશા અને આવી રીતે સાધુઓની ટોળીમાં દિશાહીન અવસ્થામાં ભટકવાનું કારણ જાણવાનો પ્રયાસ કરે છે.
     
પોતાને અત્યાર સુધીમાં મળેલી દરેક સાહસમાં નિષ્ફળતાને કારણે પોતે હતાશામાં ગરકાવ થઈને ઋષિકેશમાં જીવનનો કોઈક રસ્તો મળશે એવી આશામાં તે અહીંયાં ભટકી રહ્યો છે. જો અહીંથી કોઈ માર્ગ નહીં મળે તો પોતે ગંગા નદીમાં ડૂબકી લગાવીને આત્મહત્યા કરી લેશે, આ યુવાને આવી હતાશ અવસ્થાની પરાકાષ્ઠાથી જન્મેલાં પોતાના આત્યંતિક વલણને સાધુ પરિપૂર્ણાનંદજીની સમક્ષ રજૂ કર્યું. સાધુ આ યુવાનની હતાશા અને કૌવતને યોગ્ય રીતે પારખીને કહે છે તારો અસલ માર્ગ ઋષિકેશમાં ભટકવાનો નહીં પણ જ્યાં તારી પાસેના કલા-કૌશલ્યની યોગ્ય કદર થઈ શકે છે તે મુંબઈ જઈને સંઘર્ષ કરવામાં છે; મને તારા કૌવત-કસબ ઉપર પૂરો ભરોસો છે કે તું એક દિવસ તારી ગાયકીનાં જોરે તે શહેરમાંથી જ તારું નામ આ દુનિયામાં કાઢીશ.
     
બે વર્ષ પહેલાં જ એક ટીવી ઇન્વરવ્યૂમાં એક વખતનાં આ હતાશ યુવાન અને આજનાં એક બેહદ સફળ સૂફી ગાયક કૈલાશ ખેરનાં મુખેથી પરિપૂર્ણાનંદજીએ પોતાને બતાવેલા ખૂબજ સમયોચિત માર્ગદર્શન અને તેનાથી જ પોતે આ મુકામ ઉપર પહોંચ્યા છે તે વાત સાંભળીને આ સાધુ પરિપૂર્ણાનંદજીને દિલથી નમન કરવાનું મન થયું. મને નમન કરવાનું ખાસ મન તો એટલે થયું કે તેણે આ હતાશ યુવાનને પોતાની જાત ઉપર ભરોસો જગાડીને તેનો અસલ માર્ગ જે હકીકતે ઋષિકેશ નહીં પણ મુંબઈનો જ હતો તે બતાવ્યો અને તે સમયોચિત માર્ગદર્શનનાં લીધે આપણને એક સફળ સૂફી ગાયક મળ્યો.  બાકી તો દેશમાં કેટલાય એવા ડૉક્ટર, વકીલ, એન્જિનિયર કે કોઈ કલાકાર બીજા સાધુઓનાં અવળાં માર્ગદર્શનનાં લીધે આવી જમાતોમાં તેઓની ખરેખર જ્યાં નિયતિ જ નથી ત્યાં જીવન બરબાદ કરી જ રહ્યા છે ને!! 

કંચનને કથીર કરવાનો કસબ

મારે આપણાં પડોશી રાજ્ય મધ્યપ્રદેશમાં નિયમિત જવાનું થાય, અહીંનું ઉજ્જૈન શહેર એટલે પૌરાણિક સ્થાપત્યોનો ભવ્ય વારસો ધરાવતું અને આપણાં દેશના ધાર્મિક પ્રવાસન ક્ષેત્રે મહત્વનાં 'ડેસ્ટીનેશન' જેવું અનોખું અનેક મંદિરોનું નગર. એક વખતના ઉજ્જૈન પ્રવાસ દરમિયાન મારા કાયમી કેબ ડ્રાઇવરને તેનાં શહેરમાં ધાર્મિક નહીં પણ કોઈ ઐતિહાસિક સ્થાપત્યકલાનું મહત્વ ધરાવતાં સ્થળની મુલાકાત કરાવવા કહ્યું. આવી અણધારી માગણીથી મૂંઝવણમાં પડી ગયેલો તે ડ્રાઇવર મને ઉજ્જૈનના પાદરેથી વહેતી  ક્ષિપ્રા નદીના કિનારે આવેલા પર્શિયન સ્થાપત્યના સ્મારક જેવા કાલીયાદેહ પેલેસ અને પૌરાણિક 'સ્વિમિંગ પૂલ' જેવા બાવન કુંડના બદહાલ અવશેષો ધરાવતાં એક સ્થળે લઈ ગયો.
     
ક્ષિપ્રા નદીના છૂટા પડેલા બે પ્રવાહની વચ્ચે નાનકડાં એવા કુદરતી બેટ ઉપર પર્શિયન સ્થાપત્ય કલાથી નિર્મિત જર્જરિત અવસ્થામાં ઊભેલો ખંઢેર મહેલ તેની પૌરાણિક ભવ્યતાની સાક્ષી પૂરી રહ્યો હતો! તેના ભગ્ન ગુંબજોમાં કંડારાયેલું અક્બર અને જહાંગીર જેવા મોગલ સમ્રાટોએ આ ઐતિહાસિક સ્થળની લીધેલી મુલાકાતનું તવારીખી સંસ્મરણ અને તેની ઐતિહાસિક અગત્યતા બતાવી રહ્યું હતું. મહેલની બિલકુલ સામે વાસ્તુકલાની બેનમૂન કારીગરીના અવશેષ જેવા બાવન કુંડનાં બદહાલ જોઈને પણ તેના ઘડતર પાછળ વપરાયેલી અદ્ભુત કલ્પના શક્તિ અને સ્થાપત્યકલા ઉપર આફરીન થઈ જવાયું. ક્ષિપ્રામાં વહેતી જળરાશીનો અમુક પ્રવાહ વિવિધ આકાર ધરાવતાં અલગ અલગ બાવન જેટલાં કુંડો અને નાલીઓમાંથી વહેવડાવીને વળી તેનાં મુખ્ય પ્રવાહમાં ભેળવી દેવાની વ્યવસ્થા આ સ્થાપત્યમાં હશે. આવા સુંદર સ્થાપત્ય બનાવવાનો હેતુ વહેતા પાણીનું શુદ્ધીકરણ કરીને તે મહેલમાં વસતા મહારાજાનો વૈભવી 'સ્વિમિંગ પૂલ' બનાવવાનો હશે તેવું મને લાગ્યું. અંગ્રેજ શાસનકાળમાં પીંઢારીઓએ અહીંયાં લૂંટ ચલાવીને બેફામ તોડફોડથી આ સ્થળને ઉજ્જડ બનાવી દીધેલું તે ઓગણીસો વીસના વર્ષ દરમિયાન સિંધિયા રાજ્યે આનું નવસંસ્કરણ કરીને ત્યાં સૂર્ય મંદિર સ્થાપિત કર્યું.
     
વૈશ્વિકરણ તેમજ ઉદારીકરણના આ સમયમાં હવે દુનિયા સામાન્ય લોકો માટે પણ રોજ રોજ નાની થઈ રહી છે અને દરેકને આ નાનકડી લાગવા લાગેલી દુનિયા ઘૂમી વળવાનો ચસકો લાગી રહ્યો છે!  પરિવર્તનની આ લહેરને પારખીને અમુક દેશોએ તો પોતાના અર્થતંત્રનું મુખ્ય લક્ષ પ્રવાસન ઉદ્યોગને બનાવ્યું છે. જે દેશોની પાસે કોઈ ઐતિહાસિક-પૌરાણિક સ્થાપત્યોનો વારસો નથી તેમણે પોતાના નવા બની રહેલા નગરોનું આયોજન પ્રવાસન ઉદ્યોગને લક્ષમાં રાખીને જ કર્યું; જેથી કરીને પોતાના નાગરિકોને ભવિષ્યમાં રોજગારી માટેનું એક નવું ક્ષેત્ર મળે. અમુક દેશોએ તો પર્વતો,  નદીઓ અને પૌરાણિક સ્થળોનું આક્રમક 'માર્કેટીંગ' કરીને દુનિયાભરના સંખ્યાબંધ પ્રવાસીઓને આકર્ષી પોતાના અર્થતંત્રને ધમધમતું રાખ્યું છે. આપણાં દેશને યોગાનુયોગે મળેલી આવી ઐતિહાસિક-સાંસ્કૃતિક-પૌરાણિક સ્થાપત્યોની ભવ્ય ધરોહરને ફક્ત આપણાં અને આપણી સરકારોના લબાડ અભિગમના કારણે તેમાંથી કંઈક રોકડી રળવાનું તો દૂર પણ આવી ધરખમ ધરોહરોને ધૂળમાં જ મેળવી રહ્યાં છીએ એવું મને આ સ્થળને જોઈને લાગ્યું.
     
નાનપણમાં એવી એક પરિીકથા સાંભળેલી જેમાં કોઈ પરી તેની પાસે આવેલા બે બાળકોને પોતાની પાસે રહેલી બે અલગ અલગ અનોખી સિદ્ધિઓ પસંદ કરવાનું કહે છે. તમને ખબર છે કે આ બન્ને બાળકોએ પસંદ કરેલી બે સિદ્ધિઓ શું હતી? પહેલાં બાળકે પેલી પરી પાસેથી તે કથીર જેવી કોઈપણ ચીજને સ્પર્શ કરે તો તે કંચન થઈ જાય તેવી સિદ્ધિ પસંદ કરી તો બીજાએ તે કોઈપણ કંચન જેવી ચીજને સ્પર્શ કરે તો તે કથીર થઈ જાય તેવી સિદ્ધિ પસંદ કરેલી! આપણા પૌરાણિક વારસો ધરાવતા પ્રવાસન સ્થળોની દુર્દશા જોઈને તમને એવું નથી લાગતું કે આપણે બધાં જરૂર પેલી પરી પાસેથી 'કંચનમાંથી કથીર' બનાવવાની બીજી સિદ્ધિ પસંદ કરનારા બાળકનાં જ વંશજો હોઈશું?