Friday, February 21, 2014

ઘૂંઘટમાં ઘૂંટાતી જીંદગી

રાજસ્થાનનાં ભીલવાડા જિલ્લાનું મંગરોપ નામનું નાનકડું એવું મઝાનું એક ગામ અને હું ત્યાં ૧૯૯૦ નાં વર્ષ દરમિયાન અમારા એક સ્નેહી મિત્રના ઘરે સજોડે ગયેલો. આ મંગરોપ ગામથી ચિત્તોડગઢ ઘણું નજીક એટલે ત્યાંનાં સુંદર ઐતિહાસિક સ્મારકો જોવા માટે જેવા અમે ઘરેથી યજમાન મિત્ર જોડે જવા તૈયાર થયા ત્યાં અમારું યજમાન યુગલ આપસમાં કંઇક છાની ગડમથલ કરી રહ્યું હતું અને મને પણ કંઇક એમને અમારી જ કોઈ મુંજવણ સતાવતી હશે એવું લાગતાં મેં તેમની મુંજવણ નિખાલસતાથી જણાવવાનું કહ્યું ત્યારે ખબર પડી કે તેઓને તો સવારથી જ એક મુંજવણ સતાવી રહી હતી કે તે ગામમાં કોઈ પણ વિવાહિત સ્ત્રી ઘૂંઘટ વગર શેરીમાં ઘૂમી શકે નહિ એવો ત્યાંનો એક વણલખ્યો શિરસ્તો છે અને મહેમાન તરીકે મારી સાથે આવેલી મારી પત્ની ઘૂંઘટ તો કાઢતી નથી તો તેને ગામની શેરીમાં વગર ઘૂંઘટે નીકળવાનો ‘તોડ’ કેમ લાવવો! એમનું કહેવું એવું હતું કે જો તમે ઘૂંઘટ વગર આ ગામમાં ઘૂમો તો સમાજ અને ગામમાંમાં આમારી શાખને બટ્ટો લાગે તેમજ ગામલોકો અમને કાયમ મહેણાં પણ સંભળાવે; જો તમને ઘૂંઘટ કાઢવાની ફરજ પાડીએ તો તમને દુ:ખ લાગે અને અમારા મહેમાનનું અમે જ અપમાન કર્યાનો અપરાધભાવ અમને સતાવે!..તો કરવું શું? પછી અમે જ મિત્રની મુંજવણ એ આપણી મુંજવણ એમ સમજીને કાઠીયાવાડી-મારવાડી લાજનાં ‘હાઈબ્રીડ-વર્જન’ જેવો કામચલાઉ ઘૂંઘટનો તોડ કાઢીને ગામની બહાર નીકળ્યા પછી જ બાઈક ઉપર સજોડે બેસીને ચિત્તોડગઢ જવા માટે નીકળી ગયા.

રાજસ્થાન હોય કે ગુજરાત, મધ્યપ્રદેશ હોય કે ઉત્તરપ્રદેશ દેશના મોટા ભાગના ઉત્તરીય રાજ્યોના ગ્રામ્યવિસ્તારોમાં રહેતી સ્ત્રીઓની દંભી પરંપરાના નામે આવી જ શોષિત હાલત મેં નજરે જોઈ છે. સૌરાષ્ટ્રનાં ગામડાઓમાં અંદાજે ચાલીસ વર્ષ પહેલા વીજળીકરણ થતું આવતું અને તે વખતના અંધારિયા માહોલમાં દેશી ચુલા ઉપર ઘૂમટો ખેંચીને અતિ અસુવિધાયુક્ત માહોલમાં સ્ત્રીઓને રસોઈ બનાવતા જોયેલી છે. ઘરકામ હોય કે ખેતી, દિવસ હોય કે રાત અને ટાઢ હોય કે વરસાદ આવા કોઈ પણ માહોલમાં પરિવારનાં વડીલોની હાજરીમાં સ્ત્રીઓ ઘૂમટા વગર કોઈ પણ કામ નહોતી કરી શકતી. દુ:ખ સાથે કહેવું પડે કે આ વિકાસના ઝડપી દોરમાં પણ દેશના ગ્રામ્ય વિસ્તારોમાં આ રિવાજનું અસ્તિત્વ છે ત્યાં હજી પણ તેને છોડવાના સુધારાની ઝડપ તો અતિ મંથર જ છે.

હવે આ ઘૂંઘટ કઈ બલાનું નામ અને આ આવી કેવી રીતે-ક્યાંથી ઘુસી? સ્ત્રીઓને માટેના ઘૂંઘટ કે લાજનો રીવાજ આ દુનિયામાં ફક્ત કઈ ભારતમાં જ ચલણમાં નથી પણ સ્થળ-સંસ્કૃતિના પ્રભાવ અનુસાર વિવિધ રૂપે દુનિયાના ઘણા પ્રાંતોમાં આ રાક્ષસી રીવાજ પોતાનો ત્રાસ પુરુષોના માલિકીભાવની પૂર્તિ સારું હજી પણ એટલો જ તરખાટ મચાવી રહ્યો છે. એવું પણ કહી શકાય કે દુનિયામાં ધાર્મિક કટ્ટરતા વધવાની સાથે સાથે અમુક મુસ્લિમ દેશોમાં આ રીવાજ પોતાના મૂળ વધુ મજબૂત બનાવી રહ્યો છે. ઘૂંઘટ ખરેખર છે તો સ્ત્રીઓએ પાળવી પડતી લાજના રીવાજનું એક અંગ માત્ર છે અને આ ‘લાજ’ સાંસ્કૃતિક વિવિધતાનુસાર અલગ અલગ માપદંડો ધરાવે છે. અમુક દેશો અને ધર્મોને અનુસરતા લોકો પોતાની સ્ત્રીઓનાં પગની પાની સુદ્ધા બીજા પુરુષો ન જોઈ શકે તેવી વ્યવસ્થાને જ આદર્શ ‘લાજ’ની વ્યવસ્થા કહે છે જ્યારે અમુક લોકો પતિના સગપણમાં થતાં પિતા, કાકા, દાદા, પરદાદા અને મોટાભાઈ તેમજ તેનાથી ઉંમરમાં મોટા કોઈપણ પુરુષને પોતાની પત્નીનું મુખ જોતાં બચાવવા માટે સાડીથી ઢાંકવાની ઘૂમટા જેવી મર્યાદિત વ્યવસ્થાને ‘લાજ’ કહેવામાં આવે છે. ઘણા પ્રાંતોમાં આ ઘૂમટા કાઢેલી સ્ત્રીઓ વડીલ પુરુષો સાથે સામાન્ય બોલચાલ કરે છે તો અમુક પ્રાંતોમાં આનો પણ પ્રતિબંધ છે. ઘણા સમાજમાં વડીલ સ્ત્રીઓની પણ ‘લાજ’ રાખવાનો રીવાજ છે એમ અમુક જગ્યાએ પોતાની દીકરાની ઉમરના જમાઈની વૃદ્ધ સાસુ ‘ઘૂમટો’ કાઢીને લાજ રાખતા મેં પોતે જોયેલી છે. જયારે રાજસ્થાનમાં વિવાહિત સ્ત્રી કોઈ પણ ઉંમરની હોય ઘરનો ઉંબરો ઓળંગે ત્યાં જ તેમને ઘૂમટો કાઢવો ફરજીયાત છે. યુરોપમાં અમુક સમયે સ્ત્રીઓને બીજા પુરુષોના સંસર્ગથી બચાવવા ‘ચેસ્ટીટી બેલ્ટ’ પહેરાવવાની પાશવી પ્રથા અમલમાં હતી અને આવું વાંચ્યા પછી એમ થાય કે આપણે તો એમના કરતાં ઘણા સુસંસ્કૃત કહેવાઈએ. પરંતુ તમને પણ જાણીને આંચકો લાગશે કે ૧૯૮૮ નાં વર્ષ દરમિયાન ‘સાથીનો’ નામની જયપુરની એક એનજીઓએ રાજસ્થાનનાં જ એક ગામડાની પોતાના જ પતિથી પીડિત મહિલાને છોડાવેલી કે તે અભાગી સ્ત્રીને તેનો પતિ જ લોખંડનું જાતે બનાવેલું એક એવું ‘લોક-સિસ્ટમ’ વાળા એવાં અંત:વસ્ત્રને પહેરવાની ફરજ પાડતો અને જયારે તે  સ્ત્રીએ કુદરતી હાજતે જવું હોય ત્યારે તેનો પતિ જ ખોલી શકે! લોખંડના આ અંત:વસ્ત્રના ઘસારાના લીધે તે મહિલાને મુક્ત કરાવ્યા પછી લાંબી સારવાર પણ કરાવવી પડેલી. લાજના બહાને જીવંત ઉર્જાને નાથવાના ક્ષુલ્લક ઉપાયો કેવી વિકૃતિ જન્માવે છે તેનું આ સચોટ ઉદાહરણ છે.
            
આ ‘લાજ’ પ્રથાની શરૂઆત પરપુરુષોની કહેવાતી મેલી નજરથી બચવાના ઉપાય તરીકે થઇ હોય તેવા કારણો આજના સમયે પણ આ પ્રથાના સમર્થકો આપતા હોય છે. અમુક લોકો તેને ભૌગોલિક વાતાવરણ સાથે જોડીને આ પ્રથાને ‘જસ્ટીફાય’ કરે છે. હકીકતે આ પ્રથા સ્ત્રીને ને જીવંત વ્યક્તિ ન સમજતા પોતાની સંપતિ સમજવાની રુગ્ણ માનસિકતાથી કોઈ બીજાને પોતાની ‘સ્ત્રી-સંપતિ’ વિષે ‘અજુગતું’ વિચારવાની ક્રિયા ઉપર અંકુશ મુકવાની ચેષ્ઠાનાં ભાગરૂપે જ આ વિકૃત ‘ટેકનીક’ એવી આ લાજનો જન્મ થયો હોય અને પછી તેને સામાજિક-સાંસ્કૃતિક, કુળ અને સંસ્કારોના ગૌરવ સાથે પેઢી દર પેઢી જોડવામાં આવ્યું હોય તેવું લાગે છે. લાજની પ્રથાથી સંસ્કારના મુલ્યોની જાળવણી થશે એ દલીલો નો છેદ રાજસ્થાનના સ્ત્ર્રી શોષણ અંગેના આંકડાઓ જ  ઉડાડી દે છે. લાજ પ્રથાનું વ્યાપક અને સઘન રીતે જે રાજસ્થાનમાં પ્રચલન છે તે રાજ્ય જ બળાત્કારનાં કેસોમાં પણ રાષ્ટ્રીય સ્તરે અવ્વલ આવે છે. જે લાજ પ્રથાથી સ્ત્રીઓને બીજા પુરુષોથી બચાવવાની વાત હતી પણ વિકૃતિ તો એટલી આવી કે તેની આડમાં જ પારિવારિક વ્યભિચાર બેફામ વધ્યો. સ્ત્રી એક જીવંત વ્યક્તિત્વ છે અને તેને નાથવા કરતાં જીતવી એજ એક શ્રેષ્ટ ઉપાય હોઈ શકે પણ કમનસીબે માણસ જાત દરેક સુખના સ્ત્રોતને પોતાની સંપતિ સમજવાની ભૂલ કરતો ગયો ને આ સ્ત્રીઓ વિષેની આવી જ અક્ષમ્ય ભૂલનું પરિણામ એટલે અસહાય અને નિર્બળ સ્ત્રીનું  હાલનું રૂપ.
       
કોઈને સ્ત્રીનું મુખ જોવાથી પોતાનું પતન થવાનો ભય લાગે છે અને કોઈ પોતાની સ્ત્રીનું મુખ અન્ય બીજો કોઈ પુરુષ જોઈ જશે એમાં પોતાના ગૌરવનું પતન સમજે છે! દુનિયાની ઘણી જટીલ સમસ્યાનું મૂળ સ્ત્રી હોવાનું માનવાની માણસે કરેલી ભૂલ અને આજ ખોટા નિદાન તેમજ તેનાં ખોટા ઉપાયોથી સ્ત્રીઓ તેમજ સમાજની તંદુરસ્તી નિર્બળ થતી ગઈ. આથી સ્ત્રી અને સમાજ ત્યારે જ સશક્ત થશે કે જયારે આપણે સ્ત્રીઓને આપણી અંગત નિર્જીવ સંપતિને બદલે જીવંત સ્ત્રીનાં વ્યક્તિત્વ તરીકે સ્વીકારીને ભૂતકાળની ભૂલને સુધારીશું.

મહાત્મા ગાંધીને એ કાળમાં કાઠીયાવાડનો ‘લાજ’નો રીવાજ જંગલી લાગેલો; કમનસીબે આપણને આ સાયબર યુગમાં જંગલી નથી લાગતું અને આવી જંગલિયતને કોઈને કોઈ ગૌરવના બહાને આપણામાંથી જ કોઈને કોઈ  જીવંત રાખવા મથ્યા કરીએ  છીએ અને એટલે જ તો હજી મનુષ્ય જીવનનાં એક અહમ હિસ્સો એવા સ્ત્રીત્ત્વને ઘૂંઘટમાં જિંદગી ઘૂંટવી પડે છે.

1 comment:

  1. ^^ વિચિત્ર કિન્તુ સત્ય--

    ReplyDelete