Sunday, February 16, 2014

વાંઝિયા વિરોધનો અસહ્ય કકળાટ

હું બે એક વર્ષ પહેલાં સૌરાષ્ટ્રનાં નાનકડાં એવા શહેર બોટાદનાં રેલવે સ્ટેશને ભાદરવા મહિનાની મોસમી ઉકળાટ ભરી મોડી સવારે ઊતર્યો છું. નજીકમાં જ આવેલાં એક ગામથી મારાં જૂનાં ખેડૂતમિત્ર અને એક રાષ્ટ્રીય ખેડૂત સંગઠનનાં કાર્યકર જેઓ મને અત્યારે લેવા માટે આવ્યા છે. આ વખતે મને એ દસ વર્ષ પહેલાંની વાત યાદ આવી રહી છે કે ત્યારે બસ કંઈક આવી રીતે જ મને તેઓ આ જ સ્ટેશન ઉપર લેવા માટે આવેલા અને તે મુલાકાત ટાણે તેઓ જે રાષ્ટ્રીય ખેડૂત સંગઠનનાં કાર્યકર છે તે સંગઠનનાં પ્રદેશ પ્રમુખ આ વિસ્તારમાં બીટી બિયારણોનાં વિરોધ કાર્યક્રમની આગેવાની કરવા માટે આવેલા એટલે સંયોગવશ આ મિત્રનાં ધરે જ એમને મળવાનું થયેલું.

આ એવા સમયની વાત છે જ્યારે રાજ્યનાં કપાસ ઉત્પાદક ખેડૂતોનાં પાક અને નસીબ ઉપર લીલી ઇયળ 'હેલિયોથીસ'નાં સામૂહિક આક્રમણે કાળો કહેર વરસાવી દીધેલો. આંધ્ર અને વિદર્ભનાં ખેડૂતોની બરબાદીનું કારણ પણ  આ જ 'હેલિયોથીસ' હતી. જંતુનાશકોનાં બેરોકટોક ઉપયોગે આ 'હેલિયોથીસ'ને ગમે તેવાં કાતિલ ઝેરને પચાવવાની ક્ષમતા ધરાવતાં ભસ્માસૂર જેવી બનાવી દીધી હતી. આવા નિરાશાજનક માહોલમાં આપણો ખેડૂત એટલો બધો લાચાર બની ગયેલો કે પોતાના પાક અને નસીબને ફોલી ખાનાર 'હેલિયોથીસ'નાં કારણે પોતાની આત્મહત્યાઓ દ્વારા રાષ્ટ્રીય અખબારોની 'હેડલાઈન' બનવા લાગેલો!

આવા દર્દનાક માહોલ વચ્ચે કૃષિક્ષેત્રની એક જગવિખ્યાત મલ્ટીનેશનલ કંપની મોન્સાંટો અને દેશની એક સ્વદેશી અગ્રણી બીજ ઉત્પાદક કંપની મહિકો સંયુક્ત રીતે જીનેટીકલી મોડીફાઈડ (જીએમ) બીજનાં સંશોધન હેતુસર ઓગણીસો નવ્વાણુંમાં ભારતીય ખેતરોમાં અખતરાઓ કરવાનું ચાલું કર્યું. આપણા વિજ્ઞાન અને તક્નીક મંત્રાલયે પણ લગભગ પાંચેક કરોડ રૂપિયા ફાળવીને નેશનલ બોટનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનાં વડા ડૉ. તૂલીની આગેવાનીમાં આ જ અરસામાં આ જ ક્ષેત્રે સંશોધન ચાલું કરાવેલું. પરંતુ કમનસીબે આપણને આ સંશોધન કાર્યમાં નિષ્ફળતા મળી અને મોન્સાંટોને સફળતા મળી એટલે મહિકો-મોન્સાંટોએ સંયુક્ત રીતે ભારતનાં કૃષિબજારમાં પ્રવેશવા માટે 2000 નાં વર્ષ દરમિયાન દસ્તક દીધાં. આવા માહોલમાં પણ આ બીટી બિયારણોનો આ જ દુઃખી ખેડૂત આલમમાંથી અનેક પ્રાંતમાં વિવિધ સ્તરે જોરદાર વિરોધ ઊઠ્યો. મને અત્યારે સ્ટેશન ઉપર લેવા માટે આવેલા આ ખેડૂતમિત્રનાં ઘરે જ દસ વર્ષ પહેલાં મળેલા પેલા ખેડૂત નેતાએ તો મને ત્યાં સુધી કહેલું કે જો આ સરકાર બીટી બીજનાં વાવેતરની છૂટ આપશે તો ભારતનો ખેડૂત મલ્ટીનેશનલ્સનો કાયમનો ગુલામ બની જશે!

મને જાણ છે ત્યાં સુધી દેશનાં કૃષિક્ષેત્રમાં હરિતક્રાંતિ અને શ્વેતક્રાંતિ લાવવા માટે સૂચવાયેલાં સુધારાઓનો કંઈક આવી રીતે જ વિરોધ થયેલો. એંશીનાં દાયકામાં સંચાર ક્રાંતિ માટે જવાબદાર 'કંપ્યુટરાઝેશન'નો પણ દેશનાં અનેક મજૂર-કર્મચારી સંગઠનોને આવો ક્ષુલ્લક વિરોધ કરતાં આપણે જોયા છે. જો કે અત્યારે બહુ આનંદની વાત એ કહેવાય કે આ જ સંગઠનો જે સંચારક્રાંતિ માટે જવાબદાર 'કંપ્યુટરાઇઝેશન'નો વિરોધ કરતાં તે બધાં જ અત્યારે  તેનાંથી મળેલી ઉપલબ્ધિઓનો જ ઉપયોગ પોતાની અમુક લડતોને વેગ આપવા માટે કરી રહ્યાં છે. દેશનાં અર્થતંત્રને મુક્તિનાં ઉજાસનો અનુભવ કરાવવાનું પહેલવહેલું સ્વપ્ન સ્વપન એંશીનાં દાયકા દરમિયાન તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીએ જોયેલું ત્યારે આ સમયગાળામાં પડોશી દેશ ચીને પોતાની અદમ્ય સાહસિકતાાથી આર્થિક સુધારાઓનો અમલ ચાલુ કરી દીધેલો. પડોશમાં પાંગરી રહેલા આ પરિવર્તનની લહેરનો અછડતો અંદાજ જ્યારે આપણને નેવુંના દાયકામાં આવ્યો ત્યારે તો દેશનું અર્થતંત્ર ઢબૂકવાની તૈયારી કરતું હતું. અને આવા સમયે પણ આપણે અર્થતંત્રને પાટા ઉપર ચડાવવા માટેનાં સૂચવાયેલાં આંશિક સુધારાઓનો પૂરી મૂર્ખતા સાથે વિરોધ કરવાની પરંપરા જાળવી રાખેલી. આ જ પરંપરાનાં ભાગરૂપે આપણે આર્થિક સુધારાઓની શૃંખલાનો એક અગત્યનો મણકો એટલે એફડીઆઈનાં મુદ્દે વાંઝિયો વિરોધ કરવાની આદત જાળવી રાખી છે.

દસ વર્ષ પહેલાં ખેતીનો સામાન અને પોતાના હરવાં-ફરવાં માટેનો બહુહેતુક ઉપયોગ કરતાં તે ખખડધજ બાઇક લઈને મને આ જ સ્ટેશન પર લેવા માટે આવેલાં તે જ ખેડૂતમિત્ર આજે મને પોતાની નવી નક્કોર સ્વિફ્ટ ગાડી લઈને આવ્યા છે. મને ખબર છે ત્યાં સુધી આ મોટી ગાડી ગાડી દસ વર્ષ પહેલાં આ ખેડૂતમિત્રે જેનો બહુ જોરદાર વિરોધ કરેલો તે બીટી કપાસથી થયેલી મબલખ કમાણીનું જ પરિણામ છે. આ મિત્રનો મોટો દીકરો ખેતીવાડીમાં વપરાતાં જંતુનાશકો-બિયારણોનો મોટો વેપાર કરે છે અને તેનાં આ કારોબારથી થતી આવકમાં બીટી બિયારણોનું મોટું યોગદાન છે. પહેલાં તેઓ પોતાની ખેતી જાતે કરતાં તે અત્યારે દેશનાં અન્ય પ્રાંતમાંથી આવેલાં ગરીબ મજૂરો પાસે કરાવે છે અને બીટી કપાસ બિયારણોનાં વાવેતરથી પોતે તેમજ તેમનાં મજૂરો સારી એવી કમાણી કરીને ખુશખુશાલ જીવન ગુજારે છે. આજે તો હું પણ ખુશખુશાલ છું; દસ વર્ષ પહેલાં ખખડધજ ખુલ્લી બાઇક ઉપર ભાદરવાનાં મોસમી ઉકળાટ સાથે સાથે યજમાન ખેડૂતમિત્રનાં બીટી બિયારણો વિરુદ્ધનો કકળાટ સહેવો પડેલો તે આજે એ જ બીટી બિયારણોનાં પ્રતાપે આવેલી ગાડીનાં એસીનાં કારણે ભાદરવાનો મોસમી ઉકળાટ તો બહાર આંટા મારે છે! હા હજી પેલો એફડીઆઈ વિરોધી એક કકળાટ તો હું સાંભળી જ રહ્યો છું અને વિચાર કરી રહ્યો છું કે ભવિષ્યમાં ફરીને આ જ સ્ટેશને હું ઉતરીશ ત્યારે આ જ ખેડૂતમિત્ર મને આનાંથી પણ સરસ મજાની મોટી ગાડી લઈને લેવા આવે અને ત્યારે મારે ન તો કોઈ મોસમી ઉકળાટ કે પછી અત્યારે સાંભળી રહેલો એફડીઆઈનાં વિરોધ જેવો વાંઝિયો કકળાટ સહેવો પડે.

6 comments:

  1. આહા.... વાંઝિયા વિરોધ. માનવ જાતનો સ્વભાવજ એવો છે કે કંઇક નવુ આવે તેનો પહેલા જોરશોરથી વિરોધ કરવો-સમજ્યા વગરજ, કેમકે તે આપણા ચીલાચાલુ માનસ માં બંધબેસતુ નથી, અથવા આપણે તેવો પ્રયત્ન કરવો નથી, જે ચાલ્યુ આવે છે તે સરળતાથી ચાલવા દો... બુધ્ધિનો ઉપયોગ કરવાનો નથી. આ માટે થોડુ શિક્ષણ પણ જવાબદાર છે. આજની પેઢી શિક્ષિત છે તો નવી ટેકનોલોજીને સહેલાઇથી અપનાવી લે છે, નવા રિવાજો, નવા વિચારો અપનાવી લે છે. કેમકે તે પહેલા તેના લાભાલાભ જુવે છે, ચકાસે છે, ચર્ચા કરે છે, અભિપ્રાયો મેળવે છે અને પછીજ યોગ્ય વસ્તુ લેવા જેવી હોય તે લે છે.


    વિરોધ હોવોજ જોઇએ, પણ વિરોધ કરવાની પણ હદ- મર્યાદા હોય છે, રીત હોય છે. સીધો વિરોધ કરવાને બદલે તમે પહેલા જાણો, વિચારો,ચકાસો, અને પછી નિર્ણય લો, બહુજન હિતાવહ ના હોય તો વિરોધ કરો.


    તમારો લેખ-વાર્તા સરસ અને ઉદાહરણ આપવાની રીત પણ સરસ.

    ReplyDelete
  2. ખૂબ ખૂબ આભાર મુકેશભાઈ

    ReplyDelete
  3. દેશ માં દૂધ બધી જાત ના શાકભાજી બાસમતી ચોખા કેરોસીન અપૂરતું સીગતેલ જેવી ચીજો નો કાયમી કકળાટ હું ૧૯૭૦ થી જોતો આવ્યો છુ .વાહનો ના કાળા બાઝાર મેં જોયા છે .કોંગ્રેસ પાર્ટી એ આ તાકાતો સામે લડીને જનતા ને પૈસા આપતા ખાવા પીવાનો સામાન અને વાહનો ની પસંદગી નો હક મળે છે ..........પણ આ તૈયાર થાળી ઉપર ભાજપ રાજ્ય લેવલ નું રાજ કરી હવે કેન્દ્ર માં સત્તા માટે અરબો ખરબો રૂપિયા પાણી ની જેમ વાપરી સત્તા માટે પ્રયાસ કરે છે ....જનતા આપણી વાત સમજે તેટલો ટાઇમ આપતી નથી ..

    ReplyDelete
  4. BT Crop ના વિરોધ અને સમર્થન માં તરેહ તરેહ ની થતી વાતો થી લોકો માં પણ ભ્રમણા પ્રવર્તે છે. વિરોધીઓ જે રીતે હઈસો હઈસો કરે છે તેવું જ સમર્થકો નું પણ છે. ( જે અહી થયેલી કોમેન્ટ્સ માં જ જોઈ શકાય છે ).. અહી મારીજ મુજબ નો મારો મત રજુ કરું છું. BT Cotton ની વાત કરીએ તો તેના અમુક ફાયદાઓ હોવા છતાં બિયારણ ની ઉંચી કિમતો ને લીધે ગરીબ ખેડૂતો માટે ખેતી ની ખર્ચ વધુ આવે છે. કીટક વિરોધી ટેકનીક થી બનાવવામાં આવેલ હોવા છતાં આજે પણ જંતુનાશક દવાઓ નો કપાસ માં ઉપયોગ તેમાં કરવા માં આવતા વાયદાઓ મુજબ ઓછા થયા નથી. . આપે બ્લોગ પર જે એક માત્ર ઉદાહરણ આપ્યું તેમાં આપના મિત્ર આજે પૈસા પાત્ર થયા છે તેમાં ખેતી ઉપરાંત જંતુ નાશક દવાઓ અને બિયારણ ના બીઝનેસ નો પણ હિસ્સો છે જ. મોન્સાન્ટો નું માર્કેટિંગ અને સરકારો (કેન્દ્ર અને રાજ્ય ) નું પ્લાનિંગ જ એવું કાબિલે દાદ છે કે મોટા ભાગ ના ખેડૂતો પાસે તેમના સિવાય કઈ વિકલ્પ ના રહે. આજે મોંઘા બિયારણ માટે બેંક લોન પર આધારિત રહેવું પડે છે અને સરકાર ના નીતિ નિયમ મુજબ ની બેંક લોનો ઉપરાંત પણ ખેતી નો ખર્ચ ને પહોંચી વળવા માટે જમીનદારો પાસે થી વ્યાજે પૈસા લેવા પડતા હોય અને અંત માં આ જમીનદારો ના શોષણ નો ભોગ બનેલા લોકો ની સંખ્યા પણ અનેક ગણી છે. છેલ્લા દસક માં એકાદ વર્ષ ને બાદ કરતા ગુજરાત નું હવામાન ખેતી ને અનુકુળ રહ્યું હોય ખેતી સરેરાશ સારી રહી છે. પણ જ્યાં આવું થયું નથી ત્યાં આન્ધ્ર ઓરિસ્સા અને મહારાષ્ટ્ર ના ગામડાઓ ને ઘણું ભોગવવાનું આવ્યું છે. પરીણામે ગરીબ અને પૈસાદાર ખેડૂતો વચ્ચે ની ખાઈ વધુ પહોળી બનતી ગઈ છે પરિણામે ત્યાં ખેડૂત ના આપઘાત નું પ્રમાણ માં હજુ જોઈએ તેટલો ઘટાડો થયો નથી. BT cotton ના પગલે BT Brinjal નો લાવવાનો પ્લાન સરકારે તાત્કાલિક લીધેલ જેનો વિરોધ અવિચારી લોકો જ નહિ પણ વૈજ્ઞાનિકોએ પણ કરેલ છે. જેના પગલે તેના પર પુન વિચારણા કરવા માટે તેના પર હાલ પુરતો પ્રતિબંધ મુકાયેલ છે.

    ReplyDelete
  5. વિરોધ મોન્સાંટો જેવી કંપનીઓની મોનોપોલીનો કરવાનો હતો તેની જગ્યાએ બીટી બિયારણોનો વિરોધ કર્યો.. સૌરાષ્ટ્ર માં આવેલી ખેતીની ચમક બીટી કપાસ ને આભારી છે..

    ReplyDelete