Friday, February 14, 2014

પ્રવાસન ક્ષેત્રનું એક પુલકિત પુષ્પ પુષ્કર

સુમેરસિંહ રાજાવત માંડ સોળેક વર્ષનો અભણ છોકરડો, હજાર રૂપિયા જેવા મામૂલી વેતનથી પ્રવાસીઓને 'કેમલ સફારી' કરાવતી સ્થાનિક ટુરિસ્ટ એજન્સીમાં કામ કરે. આ સુમેરસિંહ મને રાજસ્થાનનાં પુષ્કરની પશ્ચિમે આવેલાં થારનાં રણની રોમાંચક સફારી કરાવીને છેલ્લે રસ્તામાં આવતી ચા ની એક કીટલી ઉપર આગ્રહપૂર્વક પોતાના પૈસાથી ચા પીવડાવે છે. ચા ના પૈસા મને કેમ ન આપવા દીધાં તે સવાલના જવાબમાં આ કિશોરે મને કહ્યું કે અમારી આ ટુરિસ્ટ એજન્સીમાં જે પ્રવાસીઓને સફર કરાવીએ તે બધાંને છેલ્લે ચા પીવડાવવાનો નિયમ રાખેલો છે. હજાર રૂપિયા જેટલા અલ્પ વેતનથી કામ કરતાં આ કિશોરની વ્યાવસાયિક પ્રતિબદ્ધતાનાં આવા ઉમદા  ગુણ જોઈને મને દેશનાં બીજા અન્ય પ્રવાસન-તીર્થસ્થાનો ઉપર થયેલા કડવા-મીઠા અનુભવો સાથે રાજસ્થાનનાં આ નાનકડાં ગામે થયેલા સુખદ અનુભવ તેમજ તેણે પ્રવાસન ક્ષેત્રે મેળવેલી અદ્ભુત સિદ્ધિઓનું અહીંયાં તુલનાત્મક અવલોકન કરવાનું મન થયું.

રાજસ્થાનનાં પાટનગર જયપુરથી લગભગ દોઢસો કિલોમીટર અને અજમેરથી માત્ર તેર કિલોમીટર દૂર આવેલા પહાડ, સરોવર તેમજ રણનાં અનોખા સંગમક્ષેત્ર જેવા આ મનમોહક સ્થળે મારે બે વર્ષ પહેલાં જવાનું થયેલું. નાની નાની પહાડીઓનાં ટ્રેકિંગથી લઈને ગુલાબ-ગલગોટાનાં ફૂલોની ચાદર ઓઢેલાં સુગંધિત બગીચાઓની સેર, પવિત્ર સરોવરની પાવનકારી ડૂબકીથી લઈને રણનાં રળિયામણા 'સેન્ડડ્યૂન્સ'ને જોવા માટેની કેમલ સફારીને આ એક જ સ્થળે માણી શકો એવો અભૂતપૂર્વ સંયોગ પુષ્કરને મળેલો છે. હિંદુ, મુસ્લિમ, જૈન, બૌદ્ધ અને શીખ ધર્મને અનુસરતા આશરે ત્રણસો જેટલાં પૌરાણિક સ્થાપત્યોનો ભવ્ય વારસો તેમજ માનસરોવર જેટલી જ આસ્થાનું કેન્દ્ર બનેલું બાવન જેટલાં સુંદર ઘાટ ધરાવતું પુષ્કર સરોવર આ સ્થળને તીર્થરાજનું ગૌરવ અપાવે છે. આ જગ્યાએ વર્ષે લગભગ સત્યાવીસ જેટલાં ધાર્મિક-સાંસ્કૃતિક વિવિધતા ધરાવતા માનવ-પશુ મેળાવડાઓનું આયોજન થાય છે.

જો તમે રોજીંદી ભાગદોડ અને કોલાહલથી કંટાળી ગયા હો તેવા સમયે મોરનાં જૂંડમાંથી આવતાં ગહેકાટ, પક્ષીઓનાં ચહેકાટ અને ફૂલોનાં ખેતરોમાંથી વહેતી સુરભિનાં સ્વર્ગીય અનુભવની સાથે અરવલ્લીની પહાડીઓમાંથી ઊગતા સૂરજની શાહી સવારીનો આનંદ લેવો હોય તો તમારે એક વખત તો અહીંયાં આવવું જ રહ્યું. થારનાં સોહામણા 'સેન્ડડ્યૂન્સ'નાં રેતીલા સંગીતનાં સથવારે સોનેરી સૂર્યાસ્તને નિહાળતાં જ પળવારમાં તમારા શરીરમાં ઉત્પન્ન થયેલાં ઝેરીલા 'સ્ટ્રેસ'ને પલાયન થઈ જવું પડે તેવી આહ્લાદક સાંજનો અનુભવ તમે અહીં મેળવી શકો છો. અહીં કોઈ વિદેશી પ્રવાસીની ગિટાર સાથે ગરીબ કલાકારનાં એકતારા કે રાવણહથ્થાની અનોખી જુગલબંધી સાંભળવા મળવી બહુ સહજ છે.

એક તરફ અરવલ્લીની પહાડીઓ અને બીજી બાજુ થારનાં રણનાં ત્રીભેટે આવેલાં નાનકડા એવા ગામનાં ખેતરોમાંથી વાર્ષિક ગુલાબ-ગલગોટાનાં એક લાખ ક્વિન્ટલ જેટલા ફૂલોનું ઉત્પાદન કરવામાં આવે છે અને તેમાંથી બારસો ક્વિન્ટલ જેટલું ગુલાબજળ, સાત હજાર ક્વિન્ટલ જેટલું ગુલાબની તાજી પાંદડીઓમાંથી શીતળ-સુમધુર ગુલકંદ અને એક હજાર ક્વિન્ટલ જેટલું અસલ ગુલાબનાં પરફ્યુમનું ઉત્પાદન કરવામાં આવે છે. અંદાજે છ હજાર જેટલાં સ્થાનિક દરજીઓ દ્વારા ચાલતો આ ગામનો ગારમેન્ટ ઉદ્યોગ વાર્ષિક દોઢસો કરોડ રૂપિયાના માલની ફક્ત નિકાસ જ કરે છે. માત્ર સોળ હજારની જનસંખ્યા ધરાવતું આ નાનકડું પણ વિશ્વવિખ્યાત પ્રવાસન મથક વર્ષે લગભગ સિત્તેર હજાર જેટલા વિદેશી અને સાથે દોઢ લાખ જેટલાં સ્વદેશી પર્યટકોને આકર્ષિત કરી રહ્યું છે!

આ પ્રવાસન સ્થળને કુદરત પાસેથી તેને મળેલી ભૌગોલિક વિશિષ્ટતા કે પછી તેનું વિશિષ્ટ ધાર્મિક-પૌરાણિક માહાત્મ્ય તેનાં આવા અપ્રતિમ વિકાસ માટે શું જવાબદાર છે? મારા મતે તો બિલકુલ નહીં. જો આવું જ હોય તો આવી ઘણી બધી ખૂબીઓ અને વિશેષતાઓ દેશનાં બીજા ઘણાં તીર્થ-પ્રવાસન સ્થળો પાસે હોવા છતાં તેની ભયંકર દુર્દશા આપણે જોઈએ જ છીએ. આવા ઘણા સ્થળ ઉપર એક વખત ગયા પછી બીજી વાર ત્યાં જવાનું લગીરે મન નથી થતું. પુષ્કરની મારી આ પહેલી જ મુલાકાતે મેં ઘણુંબધું જોયું-જાણ્યું ત્યારે મને તેનાં અપ્રતિમ વિકાસનું અસલ કારણ તો અહીંની સ્થાનિક શ્રેષ્ઠ મીઠાઈ 'માલપુઆ'નાં સ્વાદ જેવાં લોકોનાં 'ટુરિસ્ટ ફ્રેંન્ડલી' રસાળ સ્વભાવમાં દેખાયું. ઘણી વખત લોકોનો સ્વભાવ પોતાના પરંપરાગત વ્યવસાયને અનુકૂળ થતો જતો હોય છે અને જો આવું ન થાય તો કાળક્રમે જે તે વ્યવસાયમાં ઓટ આવતી હોય છે. કોઈપણ વ્યવસાયને સફળ બનાવવા માટે તે વ્યવસાયને અનુરૂપ આપણે જો સભાનપણે આપણા સ્વભાવને ઢાળતા જઈએ તો તેમાં અવશ્ય સફળતા મેળવી શકીએ. બસ આ પુષ્કરનાં લોકો આનું જીવંત ઉદાહરણ છે; એટલે જ તો આ પુષ્કર દેશભરનાં પ્રવાસન સ્થળોમાં સૌથી વધું પુલકિત છે. 

No comments:

Post a Comment