Monday, March 3, 2014

પોપટ પગલું ભૂલ્યો

લગભગ વીસેક વર્ષ પહેલાંની એક ધોમધખતી ઉનાળું બપોરે હું મારા ગામનાં જ પાદરે બસની રાહે બેઠેલો છું ને મેં થોડાંક લોકોનું ટોળું કંઈક ગડમથલ કરતુ જોયું. ત્યાં જઈને જોયું ત્યાં તો વચ્ચે લગભગ દસેક દિવસનો ગંધાતો-મેલો પોશાક પહેરેલો એક નિસ્તેજ માણસ, તેનાં પહેરણને લાગેલાં દસ-બાર જેટલાં વિવિધરંગી થીગડા, પંદર દિવસની ચડી ગયેલી કાબરચીતરી દાઢી, કૃશકાય ભાવવિહીન ચહેરો, હાથમાં મેલીઘેલી એક નાનકડી થેલી અને ખૂબ ચાલવાથી પગનાં તળિયામાં ઊંડા પડી ગયેલાં ચીરાઓથી અતિદયનીય દેખાતાં બેહાલ પગમાં વિવિધ બ્રાન્ડનાં તળિયા તેમજ પટ્ટીઓથી બનેલી ચપ્પલો પહેરેલી! મને ઓળખતાં બહુ વખત ન લાગ્યો કે આ તો અમારો જૂનો પડોશી પોપટ! પણ મને એક અચરજ તો જરૂર થયું કે ક્યાં દસ-બાર વર્ષ પહેલાંનો શાલીન પોશાકમાં ભદ્ર દેખાતો આ પોપટ અને અત્યારે અહીંયાં ઊભેલો  લઘરવઘર ચીથરેહાલ પોપટ! મેં જોયેલાં આ ટોળામાં ગામનાં સંસ્કારી કહેવાતાં ઘરનાં યુવાનો તેમજ વડીલો પણ આ પોપટ સાથે ત્યારે વિકૃત 'ટાઈમપાસ' કરી રહ્યા હતાં. આ ટોળું તે વખતે જ્યાં બિચારો પોપટ બે ત્રણ કદમ ચાલે ત્યાં તેમાંથી કોઈક એવું બોલે કે “જો પોપટ ભૂલ્યો ......” એટલે બિચારો પોપટ ત્યાંથી પાછો વળે ને કંઇક ગણતરીમાં ભૂલ પડી હોય તેવું માનીને કંઈક વિચિત્ર ગણતરી કરતો ફરીને પાછો એજ દિશામાં આગળ વધવા માંડે. ઉનાળાનાં ધોમધખતાં તાપમાં પણ લોકો ગરમીનાં અસહ્ય ત્રાસને ભૂલીને પણ આ પોપટ સાથેની પાશવી ગડમથલમાં મશગૂલ છે. એક પરિચિતને પૂછ્યું કે આ બધું શું છે? તો કહે શું તને પણ નથી ખબર? આ તો પોપટ પગલાં ગણે છે! મેં પૂછ્યું કે તમે શું કરો છો? ત્યાં તો તરત જ ઉત્સાહથી એમણે કહ્યું કે અમે તો તેને પગલાં ગણાવીએ છીએ!
                  
હા આ એ જ પોપટ છે જે અમારો જુનો પડોશી અને નાનપણથી મેં તેને બગલાંની પાંખ જેવા સફેદ પહેરણ, ધોતી અને માથે ગાંધી ટોપીનાં ભદ્ર પોશાકમાં આવા અફલાતૂન વ્યક્તિત્વનાં રૂપમાં જોયેલો. ખૂબ જ વિવેકી અને મિતભાષી, ક્યારેક ઓટલાં પર બેઠેલો હોય અને કોઈને કંઈક અંગ્રેજી ભાષામાં લખેલું કોઈ કાગળિયું વંચાવવું હોય તો તે વખતમાં તેને વાંચીને અનુવાદ પણ કરી આપતો એટલો તો તે  શિક્ષિત હતો. તે વખતે ખાધે-પીધે સુખી અને પોતાનું ગાડું ખૂબ સારી રીતે ચલાવતો હશે એવું મને અત્યારે યાદ છે. હું જે આ પોપટની વાત કરું છું તે તેની વિધવા માતાનો એકનો એક દીકરો અને માં-દીકરો એકલા રહેતાં, પત્ની કોઈ કારણવશ તેને છોડીને ચાલી ગયેલી.
               
મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી એની બિચારાની કરમ કઠણાઈની શરૂઆત કંઈક આવી રીતે થયેલી. મારા પૈતૃક ગામમાં તેનું ને મારું ઘર બાજુમાં જ, મારા ઘર સામેથી તેનાં ઘરે જવાનાં રસ્તે એક થી દોઢ મીટર લાંબો નાનો એવો એક ઢાળ. એક દિવસ અચાનક મને ધ્યાનમાં આવ્યું કે હટ્ટોકટ્ટો અફ્લાત્તૂન વ્યક્તિત્વ ધરાવતો આ પોપટ આવડો અમથો નાનો ઢાળ ઉતરતા એક વિશેષ સાવચેતીથી પગલા માંડીને જ કેમ ઉતરતો હશે? મારી તે ઊંમરમાં પણ મને આ વર્તન થોડું વિચિત્ર તો લાગેલું જ. સમય જતાં મને પોપટનાં આવા વર્તનમાં દિનપ્રતિદિન ઘણાંબધાં વિચિત્ર પરિવર્તનો દેખાવા લાગ્યાં. મિતભાષી અને મિલનસાર પોપટ લોકો સાથે હવે થોડો અતડો અતડો રહેવા લાગેલો. હવે તો પેલા નાનકડા એવાં ઢાળને તો સમજ્યા પણ સીધાં સપાટ રસ્તે પણ જાણે પોપટ એક વિચિત્ર પ્રકારની સાવધાનીથી પગલા માંડતો હોય એવું મને લાગતું. બે કે ત્રણ વર્ષ પછી ગામનાં ઘણાંબધાં લોકોને પોપટમાં થતાં પરિવર્તનોની ગંધ આવવા માંડેલી અને બસ આવી રીતે પોપટ માટે શરુ થઈ કઠણાઈ ભરી એક લાંબી સફર ત્યારે કદાચ આ પોપટને તો નહિ સમજાણું હોય, પણ શું સ્વસ્થ, સમજદાર અને સુસંસ્કૃત કહેવાતાં લોકોને પણ નહીં સમજાયું હોય કે આપણે  અત્યારે આ પોપટ સાથે જે કરી રહ્યા છીએ તે કોઈ માણસ સાથે તો સમજ્યા પણ પશુઓ સાથે પણ યોગ્ય ન હોઈ શકે.
              
મૂળ વાત કંઈક આવી હતી કે તે વખતે આ પોપટ એક પ્રકારની માનસિક બિમારીનો ભોગ બનેલો અને આમને આમ ગામજનોનાં કૌતુક તેમજ વિકૃતિઓનો દિન પ્રતિદિન વધુ ભોગ બનતો ગયેલો. જયારે સવારે પોપટ ઘરેથી નીકળે અને ત્યાંથી સાંજે ઘરે પહોંચે ત્યાં સુધીમાં પોપટના પગ સૂજી થાંભલા થઇ ગયેલાં હોય! આવું એટલે થયું હોય કે લોકોએ પોપટને તેની પગલાંની ગણતરી ભૂલવાડી ભુલવાડીને ઘરથી પાદર સુધીનાં માંડ અર્ધા કિલોમીટ જેટલાં માર્ગને આશરે દસેક કિલોમીટરનો લાંબો બનાવી દીધો દીધો હોય. પોપટનાં જીવનનો આ રોજનો ક્રમ બની ગયેલો. માં બિચારી મરવા પડેલી, કોઈને કદાચ કહી પણ નહીં શકી હોય કે પછી એને પણ બિચારીને લાંબી ગતાગમ નહીં પડી હોય અને બસ આવી જ રીતે ગામલોકો માટે પોપટ એક “ટાઈમપાસ” નું સાધન બનતો ગયેલો! સમય વિતતાં આ પોપટની બિમાંરીં અને તેની ખ્યાતી આસપાસનાં ગામોમાં પણ ફેલાવા લાગી અને પોપટનું આ 'પગલા-અભિયાન' હવે અમારા આખાં તાલુકામાં ફેલાવા લાગ્યું. પરિણામે પોપટ ગામને છોડીને હવે આખાં તાલુકાનાં લોકોનાં 'ટાઈમપાસ'નું સાધન બની ગયો. હવે પોપટ માત્ર મોટા રોડરસ્તે જ ચાલે છે ને જે કોઈ મળે તે પોતાની યથાશક્તિ અનુસાર પોપટને કહે કે 'જો પોપટ પગલું ભૂલ્યો....'  અને બિચારા પોપટને પાછું વળવું પડે! થોડો આગળ વધે ને કોઈ બીજો મળે ને વળી પાછી એની એજ રામાયણ. આ કઠણાઈ આમને આમ ઉત્તરોત્તર વધતી ગઈ. પછી તો મેં એવું પણ સાંભળેલું કે પોપટ ચાલતો આવતો હોય અને તેની આગળ જઈ કોઈ વ્યક્તિ પગ વડે રસ્તામાં લીટો દોરી દે તો ગમે તેટલું ફરીને કેમ ન ચાલવું પડે તો પણ તે દિવસે તે રસ્તે તો પોપટ ચાલતો જ નહીં! આમને આમ આ પોપટને તેનાં આવા જ એક 'પગલાં-અભિયાન' દરમિયાન એક સુખદ દિવસે થયેલા ગમખ્વાર અકસ્માતે પોતાની દારુણ માનસિક બિમારી તેમજ આપણા આ સમાજની દયાહીન વિકૃત માનસિકતાનાં ત્રાસમાંથી મુક્તિ મળી.
                
પોપટની વાત જયારે મેં મારા એક મનોચિકિત્સક મિત્રને કહી ત્યારે તેમણે એવું કહ્યું કે દુનિયામાં કોઈ પણ સામાન્ય માણસને ગમે ત્યારે થઈ શકે તેવી આ બિમારીને Obsessive Compulsive Disorder (OCD) કહેવાય અને આને Cognitive Behavior Therapy  અને Antianxiety તેમજ Antdepressant જેવી આધુનિક દવાઓ વડે ઘણી હદ સુધી પોપટ જેવાં મનોરોગીઓને સામાન્ય જીવન જીવતાં કરી શકાય છે. દુનિયામાં ઘણાંબધાં ‘સેલેબ્રિટી’ કહી શકાય તેવાં વ્યક્તિઓ પણ આ પોપટને થયેલી OCD જેવી મનો-બિમારીઓથી પીડાતાં હોય અને તેઓ પણ યોગ્ય સારવારથી સામાન્ય જીવન જીવી ગયા હોય તેવાં તો અનેક ઉદાહરણો જોવા મળે છે. આ મનોરોગ વિષે વધું અભ્યાસ કરતાં જાણવા મળ્યું કે આ બિમારી લગભગ લોકોને થોડાં ઘણા અંશે તો સ્પર્શતી જ હોય છે પણ મનોવૈજ્ઞાનિક ભાષામાં તે અમુક હદની બહાર જાય ત્યારે જ તેને બિમારી સ્વરૂપે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે જયારે આપણે જો તેના લક્ષણોનાં 'પ્રિ-માઈલ્ડ' સ્ટેજમાં હોઈએ ત્યારે પ્રતિપક્ષે પોપટ જેવાં લોકો 'સીવિયર સ્ટેજ'માં હોય તેવું કહેવાય. આવા 'સીવિયર સ્ટેજ' વાળા પોપટ જેવાં જૂજ કિસ્સાઓની વચ્ચે આપણા સમાજ માટે જે વધુ ખતરારૂપ છે તેવા 'પ્રિ-માઈલ્ડ' સ્ટેજમાં રહેલાં લાખો-લાખો ‘પોપટો’ને સમાજનાં ‘ઘંટાલો’ દ્વારા ‘પગલાં’ ભૂલવાડવાનાં  ઠગી-અભિયાનો ઉપર આપણું ધ્યાન ક્યારેય જેવું દોરાવું જોઈએ તેવું તો ક્યારેય દોરાતું જ નથી. મને પોપટની બિમારીનું ‘મિકેનીઝમ’ તો સમજાઈ ગયું પણ જ્યારે પોપટને આખી જીંદગી પગલાં ગણાવનાર તંદુરસ્ત સમાજનાં સ્વસ્થ લોકોની પોપટ જેવાં બિમાર મનોરોગીઓને પગલાંઓ ગણાવવાની આ સામુહિક બિમારી વિશે તો હું હજી પણ કંઈ સમજી નથી શક્યો! આને આપણે કેવી બિમારી કહીશું અને તેની સારવાર શું? આ આપણા માટે ખરેખર એક મોટો યક્ષપ્રશ્ન છે. બિમારી કે બિમાર પડવું તે કુદરતી છે; એનો યોગ્ય ઉપચાર એ જ આપણો મનુષ્યનો ધર્મ હોઈ શકે, પરંતુ કોઈની બિમારીને પોતાના વિકૃત આનંદ કે શોષણનું સાધન બનાવનારાઓનાં કૃત્યો વિશે આપણે શું કહેશું?
          .  
સવારે જાગીએ ત્યાંતો કોઈને કોઈ દાઢીધારી બાપુ ટેલીવિઝનની ચેનલ ઉપર મંદ મંદ હાસ્ય સાથે કંઈક ને કંઈક કહેતાં જ હોય, ઘરથી જ્યાં બહાર નીકળીએ ત્યાંતો કોઈને કોઈ બાબા કે સ્વામી રસ્તા ઉપર લાગેલાં વિશાળકાય હોર્ડીંગમાં હસતાં હસતાં કંઇક આપણને કહેતાં દેખાય, ઓફિસે જઈને છાપું ખોલીએ તો તેમાં પણ કોઈને કોઈ ચિત્રવિચિત્ર નામ અને દેખાવ વાળા કોઈ યોગી કે તથાકથિત મહાત્માઓ પોતાની પાસેનાં અમૂલ્ય જ્ઞાન વડે તમારાં જીવનને આમૂલ પરિવર્તિત કરી દેવાનાં પ્રલોભન સાથે આપણને કંઇક સંદેશ આપતા લાગે! મંદિરો, આશ્રમો, ચિત્ર-વિચિત્ર નામ ધરાવતા કેન્દ્રો, કંઇક ઉટપટાંગ વિધિઓથી જીવન રૂપાંતરણ કરાવવાની શિબિરો ચલાવતાં આ બધા જ લોકો શબ્દો ફેરવી-ફેરવીને આપણને માત્ર એક જ વાત કહેતાં હોય એવું નથી લાગતું કે 'જો પોપટ પગલું ભૂલ્યો...' અને આપણે પણ 'પોપટ' બનીને નહીં ભૂલેલાં પગલાંઓ ગણ્યાં જ કરીએ...ગણ્યાં જ કરીએ...
                              

2 comments:

  1. હા... આપણે બધા પોપટજ છીએ..... લોકોની મજબુરી નો લાભ ઉઠાવવો કે તેની મજાક બનાવવી કેટલુ સરળ છે.....

    ReplyDelete
  2. અમારે જુનાગઢ માં પણ આ પોપટ જેવો જ વ્યક્તિ હતો....જુનાગઢ નાં કાળવા નાં પુલ પર જ એનું રહેઠાણ....આવતા જતા દરેક વ્યક્તિ ને રોકી ને બસ એક જ વાત કરતો...."ભાઈ....ભાઈ નાં લગન થઇ ગયા...તમે કેમ ન આવ્યા...." બસ, આટલું જ બોલવાનું.....હું એક વખત એમની સાથે ઉભો તો સડેડાટ ઈંગ્લીસ બોલવા માંડ્યો....ખુબ જ શિક્ષિત....કોણ જાણે પોતાના ભાઈ ને લઇ ને શું મગજ પર અસર થઇ કે મગજ નું બેલેન્સ ગુમાવી ગયો....પછી તો એક વખત એમની સાથે ભેટો થઇ ગયેલ વ્યક્તિ એમને સામે થી પ્રશ્ન પૂછતા કે ભાઈ...ભાઈ નાં લગન થયા...? અને પેલો એમની પાછળ ગુસ્સા માં આવી દોડતો....છેલ્લા ૨ વર્ષ થી એ વ્યક્તિ કાળવા નાં પુલ પર દેખાતો નથી....નહીતર એનો રાતવાસો પણ કાળવા નાં પુલ પર જ હોઈ....

    ReplyDelete