Saturday, March 1, 2014

મહામુહૂરત કઠણાઈનું

વર્ષ હતું ઓગણીસો નેવુંનું અને યોગાનુયોગે અક્ષય તૃતીયાનાં જ દિવસે રાજસ્થાનનાં ભીલવાડા જીલ્લામાં આવેલાં ભગવાનપુરા નામનાં ગામે જવા હું રાજસ્થાન રોડવેઝની બસમાં ભીલવાડાથી બેઠો. કોઈપણ પ્રદેશનાં લોકોનાં જીવનસ્તર, જીવનશૈલી અને લોક-સંસ્કૃતિને જાણવી હોય તો જે તે પ્રદેશમાં સ્થાનિક સામુહિક પરિવહન માધ્યમો દ્વારા ત્યાનાં લોકો સાથે જ પ્રવાસ કરવો જોઈએ. જ્ઞાન મેળવવાનું એક અનોખું માધ્યમ મને અનાયાસે આ પ્રવાસમાં મળી ગયું. પોતાની બિમાર બકરીનું જીલ્લા મથકે આવેલી વેટરનરી હોસ્પિટલમાં ચેકઅપ કરાવીને તે બિમાર બકરીને પોતાની સાથે રોડવેઝની બસમાં જ મુસાફરી કરતાં કોઈ ગરીબ ગ્રામીણને જોવાનાં રોમાંચ સાથે બુનિયાદી વિકાસનાં અભાવની એક ગ્રામીણની મજબુરીનો તાદ્દશ અનુભવ મેળવવો હોય કે પછી આશરે સિત્તેર જેટલા પ્રવાસીની જ ક્ષમતા વાળી નાનકડી એવી ખખડધજ બસની ઉપર, નીચે અને અંદર અદ્દલ મધપૂડાની માખીઓ જેમ આશરે બસ્સો જેટલા લટકતાં પ્રવાસીઓ સાથે થતો ધુળીયા મારગનો અકળાવનારો પ્રવાસ તમને વિકાસ વંચિતોના જીવનની કઠણાઈનો ‘પ્રેક્ટીકલ’ અનુભવ કરાવી આપે એ હું આ મારા આ પ્રવાસના અનુભવ ઉપરથી ખાતરીપૂર્વક કહી શકું.
         
બાળવિવાહ વિષે અખબારો-મેગેજીનોમાં ઘણું વાંચેલું, આપણા સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પણ આ પ્રથા હતી એવું સાંભળેલું, પરંતુ એકીસાથે રાજ્યભરમાં એક જ દિવસે લાખો બાળકોનાં જીવનને ખીલતાં પહેલાં જ કરમાવી દેતી દંભી પરંતુ રાજસ્થાનમાં પારિવારિક મૂલ્યોની શાન બની ગયેલી બાલ વિવાહની આ કૂપ્રથાને અખાત્રીજ(અક્ષય તૃતિયા)નાં તથાકથિત શુભ દિવસે રાજસ્થાન રોડવેઝની બસનાં ભીલવાડાથી ભગવાનપુરાનાં પ્રવાસ દરમિયાન મેં રૂબરૂ અનુભવી. ભીલવાડાથી અમારી બસ ઉપડી કે તેમાં મારી નજર અમુક એવાં કિશોરો પર પડી કે જેઓ અલગ પ્રકારની વેશભૂષાથી સામાન્ય પ્રવાસીઓથી અલગ તરી આવતાં તેમજ આવા કિશોરો ચડે કે તરત જ તેઓને સીતોમ્પર બેઠેલાં વડીલો પણ ઊભાબ થઈને આદરપૂર્વક ભયંકર ગરમી અને ભીષણ ભીડમાં તેઓને બેસવાની જગ્યા કરી આપતાં. માથા ઉપર વિવધરંગી રાજસ્થાની સાફા, સાફાની ઉપર ફરજીયાત લગાવેલી કલગી, આંખોનાં નેણ ઉપર કપાળમાં લાલ રંગના કામચલાઉ છુંદણા જેવું ટેટૂવર્ક અને લગભગ બધાંએ સરખો એક જ પ્રકારનો ‘ટીકકો’ કપાળમાં ચીપકાવેલો, ગાળામાં આપણી ચલણી નોટોનાં હાર અને હાથમાં તલવાર. આ તમામ વર્ણન છે વૈશાખ મહિનાની ‘અખાત્રીજ’ ઉપર રાજસ્થાનમાં લાખોની સંખ્યામાં થતાં સામુહિક બાળલગ્નમાં બાલિકાવધુઓને પરણવા જતાં બાળ-વરોનું, જેઓ આજનાં આ તથાકથિત શુભ(કઠણાઈનાં)દિવસે પોતાની સાથે દસ-બાર વ્યક્તિઓની નાનકડી જાન લઈને પોતાના સાસરે જઈ રહ્યા છે. માર્ગમાં આવતાં દરેક નાનકડા ગામડાઓમાંથી બીજા ઘણાં આવા બાળવરરાજાઓને બસમાં ચડતાં-ઉતરતાં મેં જોયા અને ભીડ વધતાં મારે પણ એક બાળવરરાજાને આદરપૂર્વક બેસવાની જગ્યા કરી આપવા માટે મારી યાત્રાનાં 'ડેસ્ટીનેશન’ ભગવાનપુરા સુધી એક જ પગ ઉપર ‘ફેવિકોલ કાં જોડ’ વાળી યાત્રા કરવી પડી! જેવો હું મારા મુકામે આ ગૂંગળાવતી યાત્રાથી છૂટકારો પામ્યો ત્યાં નીચે ઉતરીને જોયું તો બીજા અનેક બાળવરરાજાઓ પોતાનાં સ્વાગતની રાહમાં ગામનાં  પાદરમાં જ મેં ઉભેલા મેં જોયાં. આગળ આગળ બે ઢોલીનાં ઢોલના તાલે ત્રણ જેટલી પરિવારની જ ઘૂંઘટધારી મહિલાંઓ ‘ઘુમર’ નામનું રાજસ્થાની લોકનૃત્ય કરતી જાય અને પાછળ દસ-પંદર જેટલાં જાનૈયાઓથી સજ્જ બાળવરોની જાન તેને આપેલાં ઉતારા સુધી ચાલે. આ ગામમાં હું પહોંચેલો તો સવારે દસેક વાગ્યા આસપાસ પણ આવા મેં જોયેલાં સામૈયાઓનો નજારો તો છેક રાતનાં આઠ વાગ્યા સુધી જોવા મળ્યો અને જયારે રાત્રીના લગ્નવિધિ શરુ થઈ ત્યારે પૂરા ત્રણસો જેટલા બાળ-જોડાઓ અખાત્રીજનાં આ મહામુહૂરતે કઠણાઈમાં પગલા પાડતાં મેં જોયાં.
          
રાજસ્થાનમાં જોયેલી અને મેં જાતે અનુભવેલી આ વાત ઓગણીસો નેવુંનાં વર્ષની છે અને હવે તો હું નિયમિત આ રાજ્યનનાં પ્રવાસે જતો હોઉં છું પણ આજની બાળલગ્નો વિષેની હકીકતમાં ત્યાં બહુ ધીમો સુધારો દેખાય છે. યુનીસેફના એક તાજા અહેવાલ મુજબ દુનિયામાં જેટલાં  બાળલગ્નો વર્ષે દહાડે થાય છે એમાંથી ચાલીસ ટકા તો માત્ર ભારતમાં જ થાય છે અને વળી પાછો તેનો અધિકાંશ હિસ્સો આ રાજસ્થાન ભોગવે છે! દુનિયાનાં દેશોની સરખામણીએ જોઈએ તો ગરીબ આફ્રિકન દેશોમાં બાળલગ્નોનું પ્રમાણ આપણા દેશ કરતાં પણ ઊંચું છે. જયારે ઊંચા વિકાસદરની ઝડપનાં સંદર્ભે હાલમાં આપણા દેશમાં બાળલગ્નો ઘટવાનાં ધીમા દરનું જે પ્રમાણ છે એ આપણા માટે ખૂબજ શરમજનક કહી શકાય. મહિલા શિક્ષણ અને સશક્તિકરણ આડેનાં મુખ્ય અવરોધક પરિબળ તરીકે તેમજ બાળમૃત્યુ દરનાં ઊંચા પ્રમાણ પાછળ બાળ વિવાહનું દુષણ જ મુખ્યત્વે જવાબદાર છે. આપણા દેશમાં જે રાજ્યોમાં બાળલગ્નો હજી વધુ પ્રચલિત છે ત્યાંના લોકો તેનાં બચાવમાં ઘણી બધી સામાજિક સુરક્ષા અને પારિવારિક મૂલ્યોની જાળવણી જેવી વાહિયાત દલીલો કરતાં હોય છે. મહિલાઓનાં પ્રિ-મેરીટલ લગ્ન બાહ્ય જાતીય સંબંધો અને યોગ્ય સમયે (એટલે કે તેમનાં સમાજ કે પરિવારમાં સામાન્ય રીતે જે ઉમરે બાળકો વિવાહિત થઇ જતાં હોય છે તે સમયે) જો પોતાનું બાળક વિવાહ ન કરી શકે તો ભવિષ્યમાં તેને યોગ્ય પાત્ર મળવું મુશ્કેલ હશે એવો એક સમાજિક ભય પણ આ કુપ્રથાને જીવિત રાખવા માટે કારણભૂત છે. મિથ્યા પારિવારિક શાન સાથે જોડનારા અમુક લોકો આ પ્રથાની તરફેણમાં એવી પણ દલીલો કરતાં હોય છે કે જે તે બાલિકાવધુને તેની નિશ્ચિત ‘પ્યુબર્ટીક મેચ્યોર્ડ’ ઉંમર પછી જ હકીકતે તેનાં પતિ સાથે રહેવા સાસરે મોકલાતી હોય છે અને રાજસ્થાનમાં તો જે તે પતિ પોતાની પત્નીનું મુખ તે સમય સુધી જોઈ પણ નથી શકતો! આવી દલીલો આપવા વાળા લોકોને એ વાતનો કોઈ અહેસાસ પણ નહિ હોય કે એક સ્ત્રીની પણ પોતાનાં જીવનસાથીને પસંદ કરવાની કોઈ સ્વતંત્ર પસંદગી હોઈ શકે છે. પતિ-પત્નીને જેઓને પોતાનું આખું આયખું જે વ્યક્તિ સાથે ગાળવાનું છે તેનું ન તો વિવાહ પહેલાં મુખ જોવાનું કે ન તો ક્યારેય એકબીજાને સમજવાનાં  ભાગરૂપે મળવાનું! બાળલગ્નો કરવાં પાછળની આવી માન્યતાઓ લોકોની દંભી વિકૃત માનસિકતાનો વરવો ચહેરો ઉજાગર કરે છે. જેવી રીતે આપણે દુનિયામાં ઝડપથી વિકસતાં રાષ્ટ્રનું ગૌરવ લઈને ફૂલાઈએ છીએ એવી રીતે કજોડા અને બાળવિધવાઓની દોજખભર્યા જીવનનું કારણ બનતી બીજી અનેક રીતે સામજિક તંદુરસ્તીને રુગ્ણ કરતી કુપ્રથાઓને ડામવાની ઝડપ વિશે પણ આપણે થોડું ગંભીરતાથી  ન વિચારી શકીએ?

ખોટા નિદાન પછી આપેલું ઔષધ બીજી અનેક બિમારીઓને નોતરતું હોય છે.
         

1 comment:

  1. રાજસ્થાન રોડવેઝ નુ અને બાળ વરરાજા નુ આબેહુબ વર્ણન....નખ શિખ. આવી કુ-પ્રથાઓ માટે નિરક્ષરતા જ જવાબદાર છે એવુ નથી... આજે ઘણાય લોકો ભણેલા હોવા છતાં અમુક કુરિવાજો માં માનતાજ હોય છે. એટલેકે કુટુંબપ્રથા અને સમાજની સામે નહી પડવાની માનસિકતા પણ જવાબદાર છે, એટલે સંપુર્ણ સમાજ જો શિક્ષિત હોય તો જ આવી બદી સમાજમાંથી દુર કરી શકાય.......

    ReplyDelete