Sunday, March 30, 2014

નર્મદા યોજના: નાડી વાંકે પડતર પડેલો ચોરણો

આજે રવિવારની સવાર સવારમાં જ ગુણવંત શાહે ગૂંથેલા વિચારોનાં વૃંદાવનમાં અનાયાસે અટવાઈ જવાનું બન્યું. કારણ કે તેમની આજની આ કટારનો વિષય હતો ગુજરાતની જીવાદોરી કહેવાતી નર્મદા યોજના અને તેમણે પોતાની આગવી ચ્યુઇંગમી ચીકણી શૈલીમાં તેનું શિર્ષક આપેલું 'ગંગા, યમુના, નર્મદા અને નાઇલનો ધર્મ છે: માતૃત્વ'. આપણે ગુજરાતમાં કે ગુજરાત બહાર રહેતાં ગુજરાતી હોઈએ અને વાત નર્મદા યોજનાની આવે એટલે મેધા પાટકરની વાત આવે જ અને આ નામ સાંભળીને આપણાંગુજરાતીનાં) મનમાં તેમનાં વિશેનું ચિત્ર રણમાં ભટકી ગયેલાં કોઈ તરસ્યા વટેમાર્ગુનાં મોઢેથી પાણીની મશક છીનવી લેતી કોઈ 'ડાકણ' જેવું જ ઉપસે.

પર્યાવરણ તેમજ પુનર્વસનને મુદ્દો બનાવીને સાંઠીકડા જેવી દેખાતી આ એક બાઈએ ગુજરાત સરકારને સારી એવી કસરત કરાવેલી અને એવું પણ કહી શકાય કે જે યોજનાનો ખર્ચ શરૂઆતમાં માત્ર છસ્સો કરોડ અંદાજવામાં આવેલો તે આવી મજબૂત ચળવળકારોએ ઉપાડેલી ઝુંબેશનો તોડ ગોતવામાં જ એટલી બધી લાંબી ખેંચાણી કે આજનાં દિવસે તેનાં ઉપર સાંઇઠ હજાર કરોડ જેટલાં રૂપિયા વપરાય ચૂક્યા છે છતાં આપણાં સૌરાષ્ટ્રનાં ખેતરો પેલા સગર રાજાનાં સાંઇઠ હજાર અતૃપ્ત પૂત્રોની જેમ તરસ્યા ટળવળે છે.   

મારે અહીંયાં વાત કરવી છે નર્મદા યોજનાનાં સંભવિત લાભો અને મેધા પાટકરનાં વિરોધ અંગે પોતાની કટાર 'વિચારોનાં વૃંદાવનમાં' આજે લેખક ગુણવંત શાહે ઉઠાવેલાં વર્તમાન સમયે બિલકુલ અપ્રસ્તુત કહેવાય તેવાં મુદ્દાઓ વિશે. પ્રસ્તુત લેખમાં લેખકે તરસ અને તેને છિપાવનાર પાણીનો મહિમા લખ્યો, તેની કિંમત અને વેડફાટ વૃતિ ઉપર પણ અત્યંત માર્મિક ટકોર કરી. દુનિયામાં બનતી મોટી મોટી જળ-પરિયોજનાઓની મુદ્દાસર વકીલાત કરી અને આ મુદ્દે હું વૈચારિક રીતે બિલકુલ સહમત પણ છું. જે તે સમયે રાજકીય પક્ષાપક્ષીનાં ભેદથી ઉપર ઊઠીને ગુજરાતનાં દરેક વિચારશીલ-કર્મશીલ નાગરિકોએ મેધા પાટકર જેવાં નર્મદા બંધ વિરોધી ચળવળકારોનો એક જ મંચ ઉપર એકઠા થઈને જોરદાર જવાબ આપ્યો છે. આવા કર્મશીલ બૌદ્ધિકોમાં ગુણવંત શાહનું નામ પણ હંમેશા યાદ કરવું જ પડે.

આજનો આ લેખ વાંચીને મને એવું થયું કે આજે શું હું નેવુંના દાયકાનું અખબાર આજે વાંચી રહ્યો છું? કારણ કે શ્રીમાન શાહે ગુજરાતની આ જીવાદોરી સમાન નર્મદા યોજનાનાં મેધા પાટકરે કરેલાં ભૂતકાળનાં વિરોધ મુદ્દાઓ વિશે અત્યારનાં સમય પ્રમાણે બિલકુલ બિનજરૂરી સવાલો કર્યા છે. ગુણવંત શાહ એક વાત આજની તેમની આ કટારમાં ખૂબ જ ઇરાદાપૂર્વક ભૂલી ગયા કે આજે

-નર્મદા યોજના પૂર્ણ થઈ ગઈ અને છેલ્લા દસ વર્ષ દરમિયાન આ યોજનાનાં લાભો તેનાં ખરા લાભાર્થીઓ સુધી પહોંચાડવા જરૂરી નહેરોનું માળખું બનવું જોઈએ તેનાં ત્રીજા ભાગનું પણ નથી બન્યું! તો આ ગોકળગતિએ ચાલતાં કામોને ઝડપી બનાવવાની દાનત આડે શું આ મેધા પાટકર આવે છે?

-નર્મદા ઉપર તૈયાર થઈ ગયેલાં આ ડેમમાંથી ચોમાસામાં વહી જતાં પાણીથી સૌરાષ્ટ્રની નદીઓને
સજીવન કરવાની 'સૌની' યોજનાને છેલ્લાં દસ વર્ષમાં વારાફરતી ચાર ચાર વખત છેતરામણું ઉદ્ઘાટન કરવાનું શું આ મેધા પાટકરે કહ્યું હશે?

-ડેમ તો તૈયાર છે તો દરવાજા શુંકામ નથી લગાડાતાં? આનાં માટે સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશમાં જે લોકોની જમીન-ઘર ડૂબમાં જાય છે તેનું યોગ્ય રીતે પુનર્વસન ન થાય ત્યાં સુધી રોક લગાવી છે છતાં રાજ્યનાં મુખ્યમંત્રી જાહેરમાં કેન્દ્ર સરકારને દોષી ઠરાવે! તો આવું બધું કરવાનું આ મેધા પાટકર શીખવતાં હશે?

મને બરાબર યાદ છે કે જામનગરમાં આ નર્મદા યોજનાનાં લાભાલાભ વિશેની એક ખુલ્લી ચર્ચામાં મુઠ્ઠી હાડકાં વાળી આ ભડવીર બાઈએ સૌરાષ્ટ્રનાં પાણીની સમસ્યાનો ઉકેલ નર્મદા યોજના જેવી મોટી મોટી પરિયોજનાઓને બદલે નાનાં નાનાં આડબંધોથી જ હલ કરી શકાશે એવો મત આજથી લગભગ પચ્ચીસ વર્ષ પહેલાં આપેલો, અને મેધા પાટકરની વિચારધારાનાં કટ્ટર વિરોધી હોવા છતાં પણ આજે એ વાત કોઈપણને સ્વીકારવી પડશે કે ગુજરાત તેમજ ખાસ કરીને સૌરાષ્ટ્રની ખેતીની આબાદી મેધા પાટકરે બતાવેલાં નાનાં નાનાં આડબંધોથી રોકેલા વરસાદી પાણીનાં પ્રયોગને જ આભારી છે. ભૂતકાળમાં મેધા પાટકરે કરેલાં નર્મદા વિરોધને ચવાઈ ગયેલી ચ્યુઇંગમી શૈલીમાં અકારણ ચગાવવાને બદલે આજે આપણે આ યોજનાંની નહેરો સમયસર કેમ નથી બનાવી શક્યા તેનાં યોગ્ય જગ્યાએ સવાલો ઉઠાવવાની હિંમત કરીએ એમાં જ આપણી પ્રબુદ્ધતા, હિંમત અને દાનતની યથાર્થતા છે.  

નર્મદા યોજનાની વર્તમાન સ્થિતિ: ચોરણો તૈયાર છે અને નાડી-નેફાનાં કોઈ ઠેકાણા નથી...

Monday, March 24, 2014

મૂળ ઉખડવાની પીડા

જયારે પહેલાં વહેલાં દક્ષિણમાં તમિળનાડુનાં ચેન્નાઇ જવાનું થયું ત્યારે મને બહુ મૂંઝવણ થયેલી કે ભાષા-સંસ્કૃતિ તેમજ ભૌગોલિક રીતે આપણાંથી જોજનો દૂર એવા આ તમિળ રાજ્યમાં આવેલા તેનાં પાટનગર ચેન્નાઇમાં નથી તો મારું કોઈ સ્નેહી-સ્વજન કે નથી કોઈ બીજા સ્થાનિક વ્યક્તિનો પરિચય. તો હું કેવી રીતે ત્યાં જઈશ અને કેમ કરીને ત્યાં મારું ધારેલું કામ પાર પાડીશ? આવી મૂંઝવણમાં જ મને મારા મિત્ર ખીમજીભાઈ કચ્છી મળી ગયા. મારી મૂંઝવણ જાણીને તરત જ તેમણે ચેન્નાઇમાં વસવાટ કરતાં તેમનાં વેવાઈ કરશનભાઇ પટેલ અને તેમનાં નાના ભાઇ ગોવિંદ પટેલને મારાં નામ અને મોબાઈલ નંબર સાથેનો મારી ચેન્નાઇ યાત્રાનાં પૂરાં વિવરણનો એક માત્ર મેસેજ કરી દીધો.

મુંબઈનાં દાદરથી ચેન્નાઇ સુધી ચોવીસ કલાકનાં ચેન્નાઇ એક્સપ્રેસ અને ચેન્નાઇનાં પાર્ક સ્ટેશનથી ક્રોમપેટ સ્ટેશન સુધી ચેન્નાઇ લોકલમાં કરેલાં એક કલાકનાં પ્રવાસે જીવનમાં આપણાં મૂળથી વિખૂટાં પડવાની પીડા કેવી અને કેટલી તીવ્ર હોય તેનો મને અહેસાસ કરાવી દીધો. ગુજરાતનાં કચ્છ અને રાજસ્થાનનાં મારવાડની મરુભૂમિની પાણીદાર પ્રજા ધંધા રોજગાર માટે દેશ અને દુનિયામાં વર્ષોથી ફેલાઈ ગઈ છે. ઉત્તરમાં પંજાબનાં પઠાણકોટથી ચાલું કરીને છેક દક્ષિણમાં ચેન્નાઇનાં ક્રોમપેટ કે તાંબરમમાં જેવાં સબઅર્બમાં લટાર મારતાં હો ત્યારે કોઈપણ બાબતે તમે અટવાઈ જાઓ તો ગભરાઈ જવાને બદલે તમારે સૌ પ્રથમ આસપાસમાં આવેલી લાકડાં વહેરવાની સો-મિલ કે પછી કોઈ મોટો ટિમ્બર વેપારી ગોતી લેવાનો. નક્કી પચાસ-સાંઈઠ વર્ષ પહેલાં એ કચ્છનાં કોઈ અંતરિયાળ ગામડામાંથી આવેલો ખેડૂત કે વેપારીનો દીકરો જ હશે. ઉત્તર-દક્ષિણ અને પૂર્વ-પશ્ચિમ દિશામાં દેશનાં ચારેય ખૂણે રખડતાં રખડતાં મને આવો અનુભવ તો થયો જ છે. પાણીથી અછતગ્રસ્ત વિસ્તારની પાણીદાર મનોબળ ધરાવતી આ પ્રજાએ પોતાનાં વતનથી હજારો કિલોમીટર દૂર વ્યાવસાયિક સામ્રાજ્યનાં મૂળ તો ખૂબ જ મજબૂતીથી નાંખ્યાં છે છતાં આમાંથી કોઈને તમે મળો ત્યારે તેમનાં ચહેરા ઉપર પોતાનાં મૂળથી વિખૂટાં પડવાની પીડા રજૂ કરવાનું આપણાં જેવા વતનથી ગયેલાં અજાણ્યા અતિથિ સામે પણ રોકી નથી શકતા.

પાણી અને રોજગારની ભયંકર અછત વાળા કચ્છ પ્રદેશનાં એક અંતરિયાળ ગામેથી સિત્તેરનાં દાયકામાં ચાર ભાઈઓનો ખેતમજૂરી કરતો એક ગરીબ કચ્છી પરિવાર તેનાં સૌથી નાનાં સભ્ય ગોવિંદ પટેલને થયેલી Muscular Dystrophy Myopathy ની સારવાર માટે ચેન્નાઇ આવે છે અને પછી કોઈ ધંધા રોજગારની આશાએ આ શહેરમાં જ રોકાઈ જાય છે. મહેનત અને લગનથી કરેલા અથાગ પરિશ્રમનાં લીધે આ પરિવારે ચેન્નાઇનાં સબઅર્બ કહેવાતાં તાંબરમ અને ક્રોમપેટમાં ટિમ્બર, હાર્ડવેર અને ઑટોમોબાઇલ્સ કમ્પોનંટ્સનાં વેપારમાં સારી એવી પેઠ જમાવી. પરિવારનાં સૌથી નાનાં ભાઈ ગોવિંદ પટેલને Muscular Distrophy Myopathy નામની સ્નાયુની અસાધારણ અસાધ્ય બિમારીથી પીડાતા હોય તેમની છપ્પન વર્ષની ઊમરે પાંસઠ ટકા જેટલું શરીર નિશ્ચેત થઈ ગયું હોવાં છતાં પણ તેઓ ઇલેક્ટ્રિક વ્હિલચેરનો ઉપયોગ કરીને આજે પણ પોતાના વ્યવસાય તેમજ વિવિધ સામાજિક પ્રવૃત્તિઓમાં સક્રિય રહે છે.

મારા ચેન્નાઇ આવવાનો મેસેજ તેમનાં વેવાઈ અને મારા મિત્ર ખીમજીભાઈ કચ્છી તરફથી મળ્યો એટલે તેઓ ખૂબ જ આનંદમાં છે. મોટાભાઈ કરશન પટેલનાં નેપાળી ડ્રાઇવરને આગલી સાંજે જ મને વહેલી સવારે સ્ટેશન ઉપર લેવા આવવાની અને ઉતારાની વ્યવસ્થા કરાવી આપવાની સુચના આપી દીધી હોવાથી મને દક્ષિણમાં આવેલાં બધી જ રીતે અજાણ્યા દૂરસુદૂરનાં આ ચેન્નાઇ શહેરમાં વહેલી સવારે પણ કોઈ જાતની મુશ્કેલી પડતી નથી. હું મારા વ્યાવસાયિક હેતુથી આવ્યો છું અને ભવિષ્યમાં મારે આ શહેરમાં વારંવાર આવવાનું  બનશે એ જાણતાં હોવાથી આ કચ્છી ભાઈઓએ મને ઉતાર્યો તો મારા વ્યાવસાયિક હેતુનાં સ્થળ પાર્ક સ્ટેશન પાસે પણ ત્યાંથી મારે તેમને મળવા તાંબરમ અને ક્રોમપેટ જવાનું થયું ત્યારે મારે ત્યાંની લોકલ ટ્રેનમાં એકલાં જ મુસાફરી કરવી પડે તેવી 'ટ્યુટોરિયલ ટેક્નિક' વાપરી જેનાથી મને ભવિષ્યમાં આ શહેરની મુલાકાત વખતે ક્યારેય કોઈ તકલીફ ન પડે.

ભાષા-સંસ્કૃતિ અને ભૌગોલિક રીતે દૂરસુદૂર આ શહેરમાં પિસ્તાલીસ વર્ષ પહેલાં કચ્છનાં લખપત તાલુકાનાં અંતરિયાળ ગામ માતાનાં મઢથી ખેતમજૂરી કરતાં કરતાં આ પરિવારે પોતાની મહેનતે એક નાનકડું વ્યાવસાયિક સામ્રાજ્ય જમાવ્યું, પૈસા સાથે પ્રસિદ્ધિ પણ સારી એવી કમાયા. જ્યારે હું તેમને મળ્યો ત્યારે ત્યાંની તમિળ સંસ્કૃતિ, રાજકીય પરિસ્થિતિ અને વ્યાવસાયિક પ્રગતિની સંભાવનાઓ વિષે મને ખૂબ જ અનુભવી ચિતાર આપ્યો. સંપત્તિ-સમૃદ્ધિ પુષ્કળ મળી પણ એ અમારી સંસ્કૃતિનાં મૂળ ઉખડવાનાં સાહસનાં બદલામાં મળી; આ મૂળથી વિખૂટાં પડવાની પીડાનો અહેસાસ અમારા બાળકોને નથી કારણ કે તેમનો જન્મ અહીંયાં થયો છે, તમારાં જેવાં વતનથી આવેલા લોકો જ મારાં જેવાંની આ પીડા સમજી શકે એટલેજ હું કાયમ તમારાં જેવા વતનથી આવતાં મહેમાનોની રાહ જોતો હોઉં છું એવું કહેતાં આ ગોવિંદ પટેલ જ્યારે પોતાની ઇલેક્ટ્રિક વ્હિલચેરમાં બેસીને આંખોમાં પરાણે રોકી રાખેલા આંસુઓ સાથે છેક દરવાજા સુધી વળાવવા આવ્યા ત્યારે આ કચ્છ-મારવાડ જેવાં પ્રદેશોમાંથી 'માઇગ્રંટ' થયેલાં સેંકડો લોકોને તેમનાં મૂળથી ઉખડવાની પીડા કેટલી અસહ્ય રીતે સતાવતી હશે તેનો પહેલ વહેલો મને અહીંયાં અહેસાસ થયો.

Friday, March 21, 2014

મંદિરે કમાણી

ખીમજીભાઈ કચ્છી મારાં એક વાસ્તવદર્શી કવિ મિત્ર છે. સ્વામી સચ્ચિદાનંદ, મોરારીબાપુ જેવાં આસ્તિકો અને રમણ પાઠક જેવાં નાસ્તિક વિદ્વાનો જોડે તેમને એક સરખો જ નેહ છે. તેમની કવિતાઓમાં છંદ, લય કે પ્રાસને મહત્વ આપવા કરતાં લોકોને જે સંદેશ તે આપવા માગે છે તેનાં ઉપર જ તેમનું જોર હોય છે અને આવા અભિગમનાં લીધે જ તેમની કવિતાઓમાં આભાસી આડંબરી લાવણ્યતાની જગ્યાએ લોકો ચચરાવતી તીક્ષ્ણ બરડતા અનુભવે છે. કદાચ એટલે જ તેમનાં મિત્રો તેમને 'ઉઝરડા' જેવાં ઉપનામથી ઓળખતા હશે. મારા અનુભવે શરૂઆતમાં તીવ્ર બળતરા કરાવતો આ 'ઉઝરડો' આપણને જીવનનાં ઘણાંબધાં કટુસત્યોનું ભાન કરાવી દે છે. 'ઉઝરડા'નાં આ ચટપટા અનુભવને વહેંચવા માટે તેમની કવિતાઓ નિયમિત રીતે મુકવાનો અહીંયાં મેં નિર્ણય કર્યો છે...

મંદિરે કમાણી

ભગવાન તારા મંદિરીયે પ્રજા લૂંટાણી,
પૂજારીઓએ એની કેવી કરી છે કમાણી?
           'સત્ય એ જ પરમેશ્વર' વદે એવી વાણી,
         અસત્ય આચરી એ કરે મબલખ કમાણી!
રજવાડી ઠાઠથી આચાર્યો જીવતાં,
ભિખારીની વેદના ક્યાંય ના દેખાણી?
          લાલચે ને લોભે પત્થરની મૂર્તિ પધરાવતાં,
          જીવતાંની તે દરકાર કેમ ન જાણી?
સોના-ચાંદીનાં તને દાગીના ચડાવી,
પૈસા પ્રજાનાં ને પૂજારીને લહાણી.
          છપ્પનભોગ ધરી કરી કેવી કમાણી,
          દીન-દુખીયારા પર દયા જરા ન દેખાણી?
મદદ માટે લોકોએ મંદિરે મીટ માંડી,
પૂજારીનાં હાથે લાજ એની લૂંટાણી.
           હાર કોની ને જીત કોની? વાત ન સમજાણી,
           દેવતાની મૂર્તિ આજે મંદિરમાં શરમાણી...
                      
                                        -ખીમજીભાઈ કચ્છી 'ઉઝરડો'

Monday, March 17, 2014

હરીફોનો 'ખો' કાઢવાની ખો-ખો...

નરેન્દ્ર મોદીને પક્ષનાં વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોષીને હટાવીને ઉત્તર પ્રદેશનાં બનારસથી ચૂંટણી લડાવવાનાં મુદ્દે રાજકીય વિવેચકો તેમજ પ્રતિસ્પર્ધીઓએ તારવેલાં અલગ અલગ મતમતાંતરો આપણને સાંભળવા મળે છે. અખબારો, ટેલિવિઝન ન્યૂઝ ચેનલ્સ અને સોશ્યલ મિડિયામાં થોડાક મનોરંજન ભાવે લિપ્ત થઈ ગયા તો સમજો આપણને એવો જ અનુભવ થવા લાગે કે લોકો અત્યારે જેની 'લહેર' ચાલી રહી હોવાની એકમાત્ર ચર્ચા કરી રહ્યા છીએ તે તો ખરેખર એક વાવાઝોડું છે! વાસ્તવમાં ખરેખર આવું જો વાવાઝોડું જ હોય તો કોઈને પણ એક સવાલ જરૂર થાય કે તો આ ભારતીય જનતા પક્ષનાં લોકો તેમનાં પ્રાઇમ મિનિસ્ટર મટીરિયલને લડાવવા માટે શા માટે બેવડી સલામતી બેઠક વ્યવસ્થા ગોઠવવાની આટલી બધી લમણાઝીક કરે?

ઘણાં રાજકીય વિવેચકો આ વ્યૂહરચના પાછળ બિહાર-ઉત્તર પ્રદેશમાંથી મહત્તમ બેઠકો મેળવવાનો હેતુ માને છે. તો પણ એક પ્રશ્ન તો થાય જ કે પક્ષનાં વરિષ્ઠ નેતાઓને જ હટાવીને શું કામ?  ઉત્તર પ્રદેશમાં બીજી ઘણીબધી લોકસભા બેઠકો એવી છે જ ત્યાંથી જો નરેન્દ્ર મોદી લડે તો પણ આ વ્યૂહરચના પાછળ દેખાડવામાં આવતાં તર્ક પ્રમાણે તેઓ સફળ રહે જ. બીજો પ્રશ્ન એ થાય કે બનારસથી મોદીજીને લડાવવાથી ભારતીય જનતા પક્ષને બિહાર-ઉત્તર પ્રદેશમાં ઘણી-ખરી બેઠકો ઉપર ફાયદો થાય તે માની લઈએ તો પક્ષ પ્રમુખ રાજનાથસિંહ પોતાની પરંપરાગત ગાઝીયાબાદ બેઠક છોડીને પ્રદેશનાં વરિષ્ઠ નેતા લાલજી ટંડન પાસેથી લખનૌ બેઠક ઝૂંટવી લે તો વળી શું કોઈ વધું બેઠકો મળવાનો ફાયદો થઈ જવાનો? દેશમાં ખરેખર મોદી લહેર ચાલી રહી છે તો તેમનાં જ રાષ્ટ્રીય અધ્યક્ષને દિલ્હીનાં પાદરમાં આવેલાં ગાઝીયાબાદને છોડીને શા માટે લખનૌ લાંબું થવું પડે?

અનુભવી અને થોડા જાણકાર રાજકીય મિત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ ભારતીય જનતા પક્ષનાં નવા કબજેદારની આ એક ખૂબ જ ગુપ્ત અને ખંધી વ્યૂહરચનાનો એક ભાગ છે જેનાથી તેઓ ચૂંટણી પહેલાં જ પોતાનાં ધારેલાં લક્ષ આડે અવરોધ બનનારા મોટાભાગનાં સંભવિત અવરોધકોને નશ્યત કરશે. લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોષી, લાલજી ટંડન અને હરિન પાઠક જેવાં ઘણાંબધાં નડેલાં કે પછી ભવિષ્યમાં નડવાની તૈયારી વાળા રાજકીય હરીફોનો કૂટનીતિક ઇલાજ આ ખંધા ખો-ખો દાવથી કરી દેવામાં આવશે એ નિશ્ચિત છે.

હિંદુ દર્શન પ્રમાણે વર્તમાન કાળ અગિયારમાં રુદ્ર 'હર'નો છે, રુદ્ર એ વિનાશનો દેવ છે અને કદાચ એટલે જ નરેન્દ્ર મોદીનાં ચાહકોએ આ 'હર' નામનાં રુદ્રનાં નગર બનારસથી તેમને લડાવવાની સાથે સાથે "હર હર મોદી" નું સૂત્ર અપનાવ્યું હશે?

Friday, March 7, 2014

દક્ષિણનો દાનવ લેપ્ટો

કોઈ ફોટોગ્રાફરે ખેંચેલી તસવીરમાં કે પછી આપણાં ભારતીય ચલણમાં દેખાતાં પિંડી સુધી પાણીથી ભરેલી ક્યારીઓમાં ડાંગરની રોપણી કરતાં ખેડૂતોનું નયનરમ્ય દૃશ્ય મને હંમેશા આકર્ષિત કરે. હજી થોડાંક દિવસો પહેલાં જ સુરતથી નવસારી જતાં માર્ગમાં મને આ નયનરમ્ય દૃશ્ય નજરે પડ્યું એટલે મેં તરત જ કૅમેરામાં તેને કેદ કરી લીધું. સાંજે દિવસભરની ખેંચેલી તસવીરો જ્યારે હું જોવા બેઠો ત્યારે જેવી આ ડાંગર રોપણી કરતાં ખેડૂતોની તસવીર મારી નજર સામે આવી કે તરત જ આ સુંદર લાગતી તસવીરનાં ઊંડાણમાં છૂપાયેલી નહીં દેખાતી કેટલીય 'ડાર્ક ફેક્ટ્સ' મારા મનમાં ઉજાગર થઈ ગઈ.

આ તસવીરને જોઈને મને સુરતમાં આવેલાં ૨૦૦૬નાં વિનાશક પૂર પછીની અમુક ઘટનાઓ યાદ આવી ગઈ. પૂરનાં પાણી ઓસર્યા પછી આખાયે શહેરમાં માટી અને કાદવનાં થર જામી ગયેલાં અને તેમાં અસંખ્ય જળચર-સ્થળચર જીવોનાં મૃત અવશેષો સડવાનાં કારણે આખું વાતાવરણ દુર્ગંધમય બની ગયેલું. આવા માહોલથી છૂટકારો પામવાં અમુક લોકો કોઈપણ જાતની આરોગ્ય વિષયક કાળજી રાખ્યા વગર જ પોતાનાં ઘરની આસપાસ સફાઈનાં કામમાં જોતરાઈ ગયાં. આવા સમયે લોકોનાં મનમાં સુરતમાં પાછલાં પૂર વખતે દેખાયેલાં પ્લેગનાં ફરી વખતનાં પ્રકોપની આશંકાઓ બળવત્તર બનેલી અને કમનસીબે પ્લેગનાં જેવાં જ બાહ્ય લક્ષણો ધરાવતાં લેપ્ટોસ્પાયરોસિસનાં ચેપથી સુરત શહેરમાં અમુક વ્યક્તિઓનાં મૃત્યુ થયાં. આ લેપ્ટોસ્પાયરોસિસ નામની બિમારીથી દક્ષિણ ગુજરાત અને સુરત જિલ્લો ઘણાં વર્ષોથી બહુ ખરાબ રીતે પ્રભાવિત છે પણ સુરત શહેરનાં લોકોને તો બહુ પરિચય નહોતો એટલે સ્થાનિક અખબારોએ સુરત શહેરમાં દિનપ્રતિદિન મૃત્યુઆંક વધારતી આ બિમારીને સંભવિત રીતે પ્લેગ છે તેવાં અહેવાલો આપીને સરકાર તેમજ લોકોની ઊંઘને ઉડાડી મૂકેલી. આ અખબારી અફવાઓથી શરૂઆતમાં ભલે વધારે પડતો ગભરાટ ફેલાયો પણ તેનો એક જબરો ફાયદો તો થયો જ. રાજ્યનાં તત્કાલીન આરોગ્ય સચિવે સુરતમાં લાગલગાટ પંદર દિવસ સુધી મુકામ કરીને સમાચાર માધ્યમો અને શહેરની આરોગ્ય સેવાઓ સાથે સંકળાયેલા તમામ લોકોને સુરતમાં જે બિમારીનાં કારણે મરી રહ્યાં તે પ્લેગ નહીં પણ હકીકતે પૂરનાં ગંદા કીચડવાળા પાણીમાં ખુલ્લાં પગે રખડતાં 'લેપ્ટોસ્પાયરા' નામનાં બેક્ટેરિયાનો ચેપ લાગવાથી થયેલી જીવલેણ બિમારી 'લેપ્ટોસ્પાયરોસિસ' વિશે વિગતવાર સમજણ અને જાણકારી આપવાની સાથે જરૂરી ત્વરિત પગલાંઓ લીધાં એટલે જ આ બિમારીને કારણે થનારો સંભવિત મૃત્યુઆંક ઘટાડી શકાયો.

લેપ્ટોસ્પાયરા બેક્ટેરિયાનો ચેપ ધરાવતાં ઉંદરો અને બીજા પાલતું પશુઓનાં મળમૂત્ર વાળી પાણી ભરેલી કીચડ વાળી માટીનાં સંપર્કમાં જ્યારે માણસોનાં પગમાં પડેલાં વણરૂઝાયેલાં ચીરાઓ તેમજ આંખ કે મોં ની 'મ્યુકસ મેમ્બ્રેન' આવે છે ત્યારે તેઓને આ બિમારી લાગવાની સંભાવના ખૂબ વધી જાય છે. આ બિમારીને વૈજ્ઞાનિકો સૌ-પ્રથમ ૧૯૯૪ માં લેપ્ટોસ્પાયરોસિસનાં નામથી ઓળખવા લાગ્યા તેનાં પહેલાં આ બિમારીથી સૌથી વધું પ્રભાવિત ક્ષેત્ર અંદામાન ટાપુઓનાં કારણે તેને AHF (Andaman Hemorrhagic Fever) તરીકે ઓળખતાં. આજે પણ અંદામાન વિસ્તારમાં લોકોને બિમારી લાગવાનું પ્રમાણ બાકીનાં બધાં રાજ્યો કરતાં ખૂબ જ ઊંચું છે. ચીકણી માટી, વધુંપડતો વરસાદ, ડાંગર અને શેરડી જેવાં વધું પાણીની જરૂરિયાત વાળા પાકોનું વાવેતર જ્યાં અધિક થતું હોય ત્યાં આ રોગનું કારણ જેવાં લેપ્ટોસ્પાયરા બેક્ટેરિયાનું સંવર્ધન તેમજ તેને ફેલાવો વધારનાર ઊંદર જેવા વાહકોને માટે પણ આ માહોલ ખૂબ જ અનુકૂળ હોવાથી આવાં વિસ્તારો આ બિમારી ખૂબ જ વકરતી હોય છે. 

દેશમાં  કેરળ, તમિલનાડુ, અંદામાન, કર્ણાટક, મહારાષ્ટ્ર, ઓડીશા, આંધ્ર અને ગુજરાતનાં ઘણાંબધાં ક્ષેત્રો આ બિમારીથી વ્યાપક રીતે પ્રભાવિત થતાં રહે છે. ગુજરાતમાં દક્ષિણ ગુજરાતનાં આશરે ૫૭૦ જેટલાં ગામો આ ભયાનક લેપ્ટોની લપેટમાં છે. દક્ષિણ ગુજરાતનાં આ ગામોમાં 'લેપ્ટોસ્પાયરા'ની ખતરનાક ચેપી માટી ધરાવતાં ડાંગર અને શેરડીનાં ખેતરોમાં કામ કરતાં ગરીબ ખેતમજૂરોનાં લાચારીભર્યા અજ્ઞાન અને ખેતરમાલિકોની ગુનાહિત બેદરકારીનાં પરિણામે પાછલાં પંદર વર્ષ દરમિયાન ૬૨૫૩ જેટલાં લોકો આ જીવલેણ લેપ્ટોસ્પાયરોસીસનો ભોગ બન્યાં અને તેમાંથી ૧૦૧૯ કમનસીબોનાં મૃત્યું થયાં. દક્ષિણ ગુજરાતનાં આ ૫૭૦ ગામોની વસ્તી પ્રમાણે વાર્ષિક સરેરાશ ૪૧૬ વ્યક્તિઓ ભોગ બને અને તેમાંથી ૬૮ લોકોનાં મોત થાય તે આંકડો ખરેખર ઘણો જ ઊંચો અને કમનસીબ કહેવાય. મેડીકલ સાયન્સનાં ક્ષેત્રે થયેલા સંશોધનો અને વધેલી આરોગ્ય સુવિધાઓને કારણે છેલ્લા પંદર વર્ષનાં આંકડાઓ જોઈએ તો જોઈ શકાય છે કે આ બિમારીનો ભોગ બન્યાં પછીનો મૃત્યુદરને તો આપણે જરૂર ઘટાડી શક્યાં પણ આ ભયાનક બિમારીનો ભોગ બનનાર(ખેતમજૂરો જ)ની સંખ્યા ખૂબ ઝડપથી વધી જ છે.

ગુજરાતની ખેતી અને ખેતીનાં વિકાસદરની દેશ આખો ચર્ચા કરી રહ્યો છે ત્યારે એવું થાય કે ખેતી અને ખેડૂત જો ખરેખર અહીંયાં સમૃદ્ધ બન્યો હોય તો પોતાનાં કીચડ વાળા ખેતરોમાં ડાંગરની રોપણી કરતાં મજૂરોને તેનાં ફાટેલાં પગને લેપ્ટોનાં જીવલેણ ચેપથી બચાવવાં માટે ખાસ બુટ કેમ નહીં પહેરાવી શકતો હોય? કૃષિક્ષેત્રનો આ કહેવાતો વધેલો વિકાસદર તે ક્ષેત્રનાં મજૂરોની ગરીબી અને અજ્ઞાનને પ્રભાવિત ન કરી શકે તો તેવાં આ વિકાસદરને આપણે શું ધોઈ પીવાનો? શું આ ભયાનક બિમારીને નાથવા જે તે વિસ્તારમાં માત્ર આરોગ્ય વિષયક સુવિધાઓ કરી આપવી તે જ એક માત્ર ઉપાય હોઈ શકે? શું ટેકનોલોજીનાં આધુનિક યુગમાં મજૂરોની જીંદગીને બચાવવા માટે સરકાર ખેડૂતોને કોઈ ફરજ ન પાડી શકે? હવે તો ડાંગર રોપણી માટે સ્વયંસંચાલિત મશીનો પણ ઉપલબ્ધ છે તો શું સરકાર તેનાં માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરીને ડાંગર રોપણીને તે મશીનો દ્વારા જ કરાવવાનું ફરજીયાત ન કરી શકે?

સુરતમાં આવેલાં પૂર પછી નોંધાયેલા દસ-પંદર જેટલાં લેપ્ટોનાં શહેરી દર્દીઓ માટે ગાંધીનગરથી સુરતમાં જો આપણા આરોગ્ય સચિવને પંદર દિવસ સુધી મુકામ કરવો પડતો હોય તો દક્ષિણ ગુજરાતનાં આ લેપ્ટો-પ્રભાવિત ગામડાઓમાં આ ભયાનક લેપ્ટોથી વાર્ષિક ૪૧૬ જેટલાં લોકોનાં ભોગ બનવાની અને ૬૮ જેટલાં લોકોનાં મોતની અધધ સંખ્યા માટે પણ આપણું આરોગ્યતંત્ર કે ખેતીવાડી ખાતું હંમેશા સુસ્ત નિદ્રામાં કેમ પોઢતું રહેતું હશે? સરકાર અને ખેડૂતોની સુસ્તીનું એક કારણ આ લેપ્ટો નામનાં દાનવનું કાર્યક્ષેત્ર અત્યારે એવું અંતરિયાળ ગ્રામીણ ક્ષેત્ર છે જ્યાં તેનો ભોગ બનનાર ગરીબોનો અવાજ નથી તો જોરથી ઊઠતો અને જે થોડોઘણો ઊઠે છે તે જ્યાં પહોંચવો પડે ત્યાં ક્યારેય પહોંચી જ શકતો નથી તે પણ હોય.

દાનત હોય તો દાનવ પણ હારે; અત્યારે મુખ્ય પડકાર દાનવ કરતાં આ દાનતને કઈ રીતે જગાડવી તેનો છે.





Monday, March 3, 2014

પોપટ પગલું ભૂલ્યો

લગભગ વીસેક વર્ષ પહેલાંની એક ધોમધખતી ઉનાળું બપોરે હું મારા ગામનાં જ પાદરે બસની રાહે બેઠેલો છું ને મેં થોડાંક લોકોનું ટોળું કંઈક ગડમથલ કરતુ જોયું. ત્યાં જઈને જોયું ત્યાં તો વચ્ચે લગભગ દસેક દિવસનો ગંધાતો-મેલો પોશાક પહેરેલો એક નિસ્તેજ માણસ, તેનાં પહેરણને લાગેલાં દસ-બાર જેટલાં વિવિધરંગી થીગડા, પંદર દિવસની ચડી ગયેલી કાબરચીતરી દાઢી, કૃશકાય ભાવવિહીન ચહેરો, હાથમાં મેલીઘેલી એક નાનકડી થેલી અને ખૂબ ચાલવાથી પગનાં તળિયામાં ઊંડા પડી ગયેલાં ચીરાઓથી અતિદયનીય દેખાતાં બેહાલ પગમાં વિવિધ બ્રાન્ડનાં તળિયા તેમજ પટ્ટીઓથી બનેલી ચપ્પલો પહેરેલી! મને ઓળખતાં બહુ વખત ન લાગ્યો કે આ તો અમારો જૂનો પડોશી પોપટ! પણ મને એક અચરજ તો જરૂર થયું કે ક્યાં દસ-બાર વર્ષ પહેલાંનો શાલીન પોશાકમાં ભદ્ર દેખાતો આ પોપટ અને અત્યારે અહીંયાં ઊભેલો  લઘરવઘર ચીથરેહાલ પોપટ! મેં જોયેલાં આ ટોળામાં ગામનાં સંસ્કારી કહેવાતાં ઘરનાં યુવાનો તેમજ વડીલો પણ આ પોપટ સાથે ત્યારે વિકૃત 'ટાઈમપાસ' કરી રહ્યા હતાં. આ ટોળું તે વખતે જ્યાં બિચારો પોપટ બે ત્રણ કદમ ચાલે ત્યાં તેમાંથી કોઈક એવું બોલે કે “જો પોપટ ભૂલ્યો ......” એટલે બિચારો પોપટ ત્યાંથી પાછો વળે ને કંઇક ગણતરીમાં ભૂલ પડી હોય તેવું માનીને કંઈક વિચિત્ર ગણતરી કરતો ફરીને પાછો એજ દિશામાં આગળ વધવા માંડે. ઉનાળાનાં ધોમધખતાં તાપમાં પણ લોકો ગરમીનાં અસહ્ય ત્રાસને ભૂલીને પણ આ પોપટ સાથેની પાશવી ગડમથલમાં મશગૂલ છે. એક પરિચિતને પૂછ્યું કે આ બધું શું છે? તો કહે શું તને પણ નથી ખબર? આ તો પોપટ પગલાં ગણે છે! મેં પૂછ્યું કે તમે શું કરો છો? ત્યાં તો તરત જ ઉત્સાહથી એમણે કહ્યું કે અમે તો તેને પગલાં ગણાવીએ છીએ!
                  
હા આ એ જ પોપટ છે જે અમારો જુનો પડોશી અને નાનપણથી મેં તેને બગલાંની પાંખ જેવા સફેદ પહેરણ, ધોતી અને માથે ગાંધી ટોપીનાં ભદ્ર પોશાકમાં આવા અફલાતૂન વ્યક્તિત્વનાં રૂપમાં જોયેલો. ખૂબ જ વિવેકી અને મિતભાષી, ક્યારેક ઓટલાં પર બેઠેલો હોય અને કોઈને કંઈક અંગ્રેજી ભાષામાં લખેલું કોઈ કાગળિયું વંચાવવું હોય તો તે વખતમાં તેને વાંચીને અનુવાદ પણ કરી આપતો એટલો તો તે  શિક્ષિત હતો. તે વખતે ખાધે-પીધે સુખી અને પોતાનું ગાડું ખૂબ સારી રીતે ચલાવતો હશે એવું મને અત્યારે યાદ છે. હું જે આ પોપટની વાત કરું છું તે તેની વિધવા માતાનો એકનો એક દીકરો અને માં-દીકરો એકલા રહેતાં, પત્ની કોઈ કારણવશ તેને છોડીને ચાલી ગયેલી.
               
મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી એની બિચારાની કરમ કઠણાઈની શરૂઆત કંઈક આવી રીતે થયેલી. મારા પૈતૃક ગામમાં તેનું ને મારું ઘર બાજુમાં જ, મારા ઘર સામેથી તેનાં ઘરે જવાનાં રસ્તે એક થી દોઢ મીટર લાંબો નાનો એવો એક ઢાળ. એક દિવસ અચાનક મને ધ્યાનમાં આવ્યું કે હટ્ટોકટ્ટો અફ્લાત્તૂન વ્યક્તિત્વ ધરાવતો આ પોપટ આવડો અમથો નાનો ઢાળ ઉતરતા એક વિશેષ સાવચેતીથી પગલા માંડીને જ કેમ ઉતરતો હશે? મારી તે ઊંમરમાં પણ મને આ વર્તન થોડું વિચિત્ર તો લાગેલું જ. સમય જતાં મને પોપટનાં આવા વર્તનમાં દિનપ્રતિદિન ઘણાંબધાં વિચિત્ર પરિવર્તનો દેખાવા લાગ્યાં. મિતભાષી અને મિલનસાર પોપટ લોકો સાથે હવે થોડો અતડો અતડો રહેવા લાગેલો. હવે તો પેલા નાનકડા એવાં ઢાળને તો સમજ્યા પણ સીધાં સપાટ રસ્તે પણ જાણે પોપટ એક વિચિત્ર પ્રકારની સાવધાનીથી પગલા માંડતો હોય એવું મને લાગતું. બે કે ત્રણ વર્ષ પછી ગામનાં ઘણાંબધાં લોકોને પોપટમાં થતાં પરિવર્તનોની ગંધ આવવા માંડેલી અને બસ આવી રીતે પોપટ માટે શરુ થઈ કઠણાઈ ભરી એક લાંબી સફર ત્યારે કદાચ આ પોપટને તો નહિ સમજાણું હોય, પણ શું સ્વસ્થ, સમજદાર અને સુસંસ્કૃત કહેવાતાં લોકોને પણ નહીં સમજાયું હોય કે આપણે  અત્યારે આ પોપટ સાથે જે કરી રહ્યા છીએ તે કોઈ માણસ સાથે તો સમજ્યા પણ પશુઓ સાથે પણ યોગ્ય ન હોઈ શકે.
              
મૂળ વાત કંઈક આવી હતી કે તે વખતે આ પોપટ એક પ્રકારની માનસિક બિમારીનો ભોગ બનેલો અને આમને આમ ગામજનોનાં કૌતુક તેમજ વિકૃતિઓનો દિન પ્રતિદિન વધુ ભોગ બનતો ગયેલો. જયારે સવારે પોપટ ઘરેથી નીકળે અને ત્યાંથી સાંજે ઘરે પહોંચે ત્યાં સુધીમાં પોપટના પગ સૂજી થાંભલા થઇ ગયેલાં હોય! આવું એટલે થયું હોય કે લોકોએ પોપટને તેની પગલાંની ગણતરી ભૂલવાડી ભુલવાડીને ઘરથી પાદર સુધીનાં માંડ અર્ધા કિલોમીટ જેટલાં માર્ગને આશરે દસેક કિલોમીટરનો લાંબો બનાવી દીધો દીધો હોય. પોપટનાં જીવનનો આ રોજનો ક્રમ બની ગયેલો. માં બિચારી મરવા પડેલી, કોઈને કદાચ કહી પણ નહીં શકી હોય કે પછી એને પણ બિચારીને લાંબી ગતાગમ નહીં પડી હોય અને બસ આવી જ રીતે ગામલોકો માટે પોપટ એક “ટાઈમપાસ” નું સાધન બનતો ગયેલો! સમય વિતતાં આ પોપટની બિમાંરીં અને તેની ખ્યાતી આસપાસનાં ગામોમાં પણ ફેલાવા લાગી અને પોપટનું આ 'પગલા-અભિયાન' હવે અમારા આખાં તાલુકામાં ફેલાવા લાગ્યું. પરિણામે પોપટ ગામને છોડીને હવે આખાં તાલુકાનાં લોકોનાં 'ટાઈમપાસ'નું સાધન બની ગયો. હવે પોપટ માત્ર મોટા રોડરસ્તે જ ચાલે છે ને જે કોઈ મળે તે પોતાની યથાશક્તિ અનુસાર પોપટને કહે કે 'જો પોપટ પગલું ભૂલ્યો....'  અને બિચારા પોપટને પાછું વળવું પડે! થોડો આગળ વધે ને કોઈ બીજો મળે ને વળી પાછી એની એજ રામાયણ. આ કઠણાઈ આમને આમ ઉત્તરોત્તર વધતી ગઈ. પછી તો મેં એવું પણ સાંભળેલું કે પોપટ ચાલતો આવતો હોય અને તેની આગળ જઈ કોઈ વ્યક્તિ પગ વડે રસ્તામાં લીટો દોરી દે તો ગમે તેટલું ફરીને કેમ ન ચાલવું પડે તો પણ તે દિવસે તે રસ્તે તો પોપટ ચાલતો જ નહીં! આમને આમ આ પોપટને તેનાં આવા જ એક 'પગલાં-અભિયાન' દરમિયાન એક સુખદ દિવસે થયેલા ગમખ્વાર અકસ્માતે પોતાની દારુણ માનસિક બિમારી તેમજ આપણા આ સમાજની દયાહીન વિકૃત માનસિકતાનાં ત્રાસમાંથી મુક્તિ મળી.
                
પોપટની વાત જયારે મેં મારા એક મનોચિકિત્સક મિત્રને કહી ત્યારે તેમણે એવું કહ્યું કે દુનિયામાં કોઈ પણ સામાન્ય માણસને ગમે ત્યારે થઈ શકે તેવી આ બિમારીને Obsessive Compulsive Disorder (OCD) કહેવાય અને આને Cognitive Behavior Therapy  અને Antianxiety તેમજ Antdepressant જેવી આધુનિક દવાઓ વડે ઘણી હદ સુધી પોપટ જેવાં મનોરોગીઓને સામાન્ય જીવન જીવતાં કરી શકાય છે. દુનિયામાં ઘણાંબધાં ‘સેલેબ્રિટી’ કહી શકાય તેવાં વ્યક્તિઓ પણ આ પોપટને થયેલી OCD જેવી મનો-બિમારીઓથી પીડાતાં હોય અને તેઓ પણ યોગ્ય સારવારથી સામાન્ય જીવન જીવી ગયા હોય તેવાં તો અનેક ઉદાહરણો જોવા મળે છે. આ મનોરોગ વિષે વધું અભ્યાસ કરતાં જાણવા મળ્યું કે આ બિમારી લગભગ લોકોને થોડાં ઘણા અંશે તો સ્પર્શતી જ હોય છે પણ મનોવૈજ્ઞાનિક ભાષામાં તે અમુક હદની બહાર જાય ત્યારે જ તેને બિમારી સ્વરૂપે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે જયારે આપણે જો તેના લક્ષણોનાં 'પ્રિ-માઈલ્ડ' સ્ટેજમાં હોઈએ ત્યારે પ્રતિપક્ષે પોપટ જેવાં લોકો 'સીવિયર સ્ટેજ'માં હોય તેવું કહેવાય. આવા 'સીવિયર સ્ટેજ' વાળા પોપટ જેવાં જૂજ કિસ્સાઓની વચ્ચે આપણા સમાજ માટે જે વધુ ખતરારૂપ છે તેવા 'પ્રિ-માઈલ્ડ' સ્ટેજમાં રહેલાં લાખો-લાખો ‘પોપટો’ને સમાજનાં ‘ઘંટાલો’ દ્વારા ‘પગલાં’ ભૂલવાડવાનાં  ઠગી-અભિયાનો ઉપર આપણું ધ્યાન ક્યારેય જેવું દોરાવું જોઈએ તેવું તો ક્યારેય દોરાતું જ નથી. મને પોપટની બિમારીનું ‘મિકેનીઝમ’ તો સમજાઈ ગયું પણ જ્યારે પોપટને આખી જીંદગી પગલાં ગણાવનાર તંદુરસ્ત સમાજનાં સ્વસ્થ લોકોની પોપટ જેવાં બિમાર મનોરોગીઓને પગલાંઓ ગણાવવાની આ સામુહિક બિમારી વિશે તો હું હજી પણ કંઈ સમજી નથી શક્યો! આને આપણે કેવી બિમારી કહીશું અને તેની સારવાર શું? આ આપણા માટે ખરેખર એક મોટો યક્ષપ્રશ્ન છે. બિમારી કે બિમાર પડવું તે કુદરતી છે; એનો યોગ્ય ઉપચાર એ જ આપણો મનુષ્યનો ધર્મ હોઈ શકે, પરંતુ કોઈની બિમારીને પોતાના વિકૃત આનંદ કે શોષણનું સાધન બનાવનારાઓનાં કૃત્યો વિશે આપણે શું કહેશું?
          .  
સવારે જાગીએ ત્યાંતો કોઈને કોઈ દાઢીધારી બાપુ ટેલીવિઝનની ચેનલ ઉપર મંદ મંદ હાસ્ય સાથે કંઈક ને કંઈક કહેતાં જ હોય, ઘરથી જ્યાં બહાર નીકળીએ ત્યાંતો કોઈને કોઈ બાબા કે સ્વામી રસ્તા ઉપર લાગેલાં વિશાળકાય હોર્ડીંગમાં હસતાં હસતાં કંઇક આપણને કહેતાં દેખાય, ઓફિસે જઈને છાપું ખોલીએ તો તેમાં પણ કોઈને કોઈ ચિત્રવિચિત્ર નામ અને દેખાવ વાળા કોઈ યોગી કે તથાકથિત મહાત્માઓ પોતાની પાસેનાં અમૂલ્ય જ્ઞાન વડે તમારાં જીવનને આમૂલ પરિવર્તિત કરી દેવાનાં પ્રલોભન સાથે આપણને કંઇક સંદેશ આપતા લાગે! મંદિરો, આશ્રમો, ચિત્ર-વિચિત્ર નામ ધરાવતા કેન્દ્રો, કંઇક ઉટપટાંગ વિધિઓથી જીવન રૂપાંતરણ કરાવવાની શિબિરો ચલાવતાં આ બધા જ લોકો શબ્દો ફેરવી-ફેરવીને આપણને માત્ર એક જ વાત કહેતાં હોય એવું નથી લાગતું કે 'જો પોપટ પગલું ભૂલ્યો...' અને આપણે પણ 'પોપટ' બનીને નહીં ભૂલેલાં પગલાંઓ ગણ્યાં જ કરીએ...ગણ્યાં જ કરીએ...
                              

Saturday, March 1, 2014

મહામુહૂરત કઠણાઈનું

વર્ષ હતું ઓગણીસો નેવુંનું અને યોગાનુયોગે અક્ષય તૃતીયાનાં જ દિવસે રાજસ્થાનનાં ભીલવાડા જીલ્લામાં આવેલાં ભગવાનપુરા નામનાં ગામે જવા હું રાજસ્થાન રોડવેઝની બસમાં ભીલવાડાથી બેઠો. કોઈપણ પ્રદેશનાં લોકોનાં જીવનસ્તર, જીવનશૈલી અને લોક-સંસ્કૃતિને જાણવી હોય તો જે તે પ્રદેશમાં સ્થાનિક સામુહિક પરિવહન માધ્યમો દ્વારા ત્યાનાં લોકો સાથે જ પ્રવાસ કરવો જોઈએ. જ્ઞાન મેળવવાનું એક અનોખું માધ્યમ મને અનાયાસે આ પ્રવાસમાં મળી ગયું. પોતાની બિમાર બકરીનું જીલ્લા મથકે આવેલી વેટરનરી હોસ્પિટલમાં ચેકઅપ કરાવીને તે બિમાર બકરીને પોતાની સાથે રોડવેઝની બસમાં જ મુસાફરી કરતાં કોઈ ગરીબ ગ્રામીણને જોવાનાં રોમાંચ સાથે બુનિયાદી વિકાસનાં અભાવની એક ગ્રામીણની મજબુરીનો તાદ્દશ અનુભવ મેળવવો હોય કે પછી આશરે સિત્તેર જેટલા પ્રવાસીની જ ક્ષમતા વાળી નાનકડી એવી ખખડધજ બસની ઉપર, નીચે અને અંદર અદ્દલ મધપૂડાની માખીઓ જેમ આશરે બસ્સો જેટલા લટકતાં પ્રવાસીઓ સાથે થતો ધુળીયા મારગનો અકળાવનારો પ્રવાસ તમને વિકાસ વંચિતોના જીવનની કઠણાઈનો ‘પ્રેક્ટીકલ’ અનુભવ કરાવી આપે એ હું આ મારા આ પ્રવાસના અનુભવ ઉપરથી ખાતરીપૂર્વક કહી શકું.
         
બાળવિવાહ વિષે અખબારો-મેગેજીનોમાં ઘણું વાંચેલું, આપણા સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પણ આ પ્રથા હતી એવું સાંભળેલું, પરંતુ એકીસાથે રાજ્યભરમાં એક જ દિવસે લાખો બાળકોનાં જીવનને ખીલતાં પહેલાં જ કરમાવી દેતી દંભી પરંતુ રાજસ્થાનમાં પારિવારિક મૂલ્યોની શાન બની ગયેલી બાલ વિવાહની આ કૂપ્રથાને અખાત્રીજ(અક્ષય તૃતિયા)નાં તથાકથિત શુભ દિવસે રાજસ્થાન રોડવેઝની બસનાં ભીલવાડાથી ભગવાનપુરાનાં પ્રવાસ દરમિયાન મેં રૂબરૂ અનુભવી. ભીલવાડાથી અમારી બસ ઉપડી કે તેમાં મારી નજર અમુક એવાં કિશોરો પર પડી કે જેઓ અલગ પ્રકારની વેશભૂષાથી સામાન્ય પ્રવાસીઓથી અલગ તરી આવતાં તેમજ આવા કિશોરો ચડે કે તરત જ તેઓને સીતોમ્પર બેઠેલાં વડીલો પણ ઊભાબ થઈને આદરપૂર્વક ભયંકર ગરમી અને ભીષણ ભીડમાં તેઓને બેસવાની જગ્યા કરી આપતાં. માથા ઉપર વિવધરંગી રાજસ્થાની સાફા, સાફાની ઉપર ફરજીયાત લગાવેલી કલગી, આંખોનાં નેણ ઉપર કપાળમાં લાલ રંગના કામચલાઉ છુંદણા જેવું ટેટૂવર્ક અને લગભગ બધાંએ સરખો એક જ પ્રકારનો ‘ટીકકો’ કપાળમાં ચીપકાવેલો, ગાળામાં આપણી ચલણી નોટોનાં હાર અને હાથમાં તલવાર. આ તમામ વર્ણન છે વૈશાખ મહિનાની ‘અખાત્રીજ’ ઉપર રાજસ્થાનમાં લાખોની સંખ્યામાં થતાં સામુહિક બાળલગ્નમાં બાલિકાવધુઓને પરણવા જતાં બાળ-વરોનું, જેઓ આજનાં આ તથાકથિત શુભ(કઠણાઈનાં)દિવસે પોતાની સાથે દસ-બાર વ્યક્તિઓની નાનકડી જાન લઈને પોતાના સાસરે જઈ રહ્યા છે. માર્ગમાં આવતાં દરેક નાનકડા ગામડાઓમાંથી બીજા ઘણાં આવા બાળવરરાજાઓને બસમાં ચડતાં-ઉતરતાં મેં જોયા અને ભીડ વધતાં મારે પણ એક બાળવરરાજાને આદરપૂર્વક બેસવાની જગ્યા કરી આપવા માટે મારી યાત્રાનાં 'ડેસ્ટીનેશન’ ભગવાનપુરા સુધી એક જ પગ ઉપર ‘ફેવિકોલ કાં જોડ’ વાળી યાત્રા કરવી પડી! જેવો હું મારા મુકામે આ ગૂંગળાવતી યાત્રાથી છૂટકારો પામ્યો ત્યાં નીચે ઉતરીને જોયું તો બીજા અનેક બાળવરરાજાઓ પોતાનાં સ્વાગતની રાહમાં ગામનાં  પાદરમાં જ મેં ઉભેલા મેં જોયાં. આગળ આગળ બે ઢોલીનાં ઢોલના તાલે ત્રણ જેટલી પરિવારની જ ઘૂંઘટધારી મહિલાંઓ ‘ઘુમર’ નામનું રાજસ્થાની લોકનૃત્ય કરતી જાય અને પાછળ દસ-પંદર જેટલાં જાનૈયાઓથી સજ્જ બાળવરોની જાન તેને આપેલાં ઉતારા સુધી ચાલે. આ ગામમાં હું પહોંચેલો તો સવારે દસેક વાગ્યા આસપાસ પણ આવા મેં જોયેલાં સામૈયાઓનો નજારો તો છેક રાતનાં આઠ વાગ્યા સુધી જોવા મળ્યો અને જયારે રાત્રીના લગ્નવિધિ શરુ થઈ ત્યારે પૂરા ત્રણસો જેટલા બાળ-જોડાઓ અખાત્રીજનાં આ મહામુહૂરતે કઠણાઈમાં પગલા પાડતાં મેં જોયાં.
          
રાજસ્થાનમાં જોયેલી અને મેં જાતે અનુભવેલી આ વાત ઓગણીસો નેવુંનાં વર્ષની છે અને હવે તો હું નિયમિત આ રાજ્યનનાં પ્રવાસે જતો હોઉં છું પણ આજની બાળલગ્નો વિષેની હકીકતમાં ત્યાં બહુ ધીમો સુધારો દેખાય છે. યુનીસેફના એક તાજા અહેવાલ મુજબ દુનિયામાં જેટલાં  બાળલગ્નો વર્ષે દહાડે થાય છે એમાંથી ચાલીસ ટકા તો માત્ર ભારતમાં જ થાય છે અને વળી પાછો તેનો અધિકાંશ હિસ્સો આ રાજસ્થાન ભોગવે છે! દુનિયાનાં દેશોની સરખામણીએ જોઈએ તો ગરીબ આફ્રિકન દેશોમાં બાળલગ્નોનું પ્રમાણ આપણા દેશ કરતાં પણ ઊંચું છે. જયારે ઊંચા વિકાસદરની ઝડપનાં સંદર્ભે હાલમાં આપણા દેશમાં બાળલગ્નો ઘટવાનાં ધીમા દરનું જે પ્રમાણ છે એ આપણા માટે ખૂબજ શરમજનક કહી શકાય. મહિલા શિક્ષણ અને સશક્તિકરણ આડેનાં મુખ્ય અવરોધક પરિબળ તરીકે તેમજ બાળમૃત્યુ દરનાં ઊંચા પ્રમાણ પાછળ બાળ વિવાહનું દુષણ જ મુખ્યત્વે જવાબદાર છે. આપણા દેશમાં જે રાજ્યોમાં બાળલગ્નો હજી વધુ પ્રચલિત છે ત્યાંના લોકો તેનાં બચાવમાં ઘણી બધી સામાજિક સુરક્ષા અને પારિવારિક મૂલ્યોની જાળવણી જેવી વાહિયાત દલીલો કરતાં હોય છે. મહિલાઓનાં પ્રિ-મેરીટલ લગ્ન બાહ્ય જાતીય સંબંધો અને યોગ્ય સમયે (એટલે કે તેમનાં સમાજ કે પરિવારમાં સામાન્ય રીતે જે ઉમરે બાળકો વિવાહિત થઇ જતાં હોય છે તે સમયે) જો પોતાનું બાળક વિવાહ ન કરી શકે તો ભવિષ્યમાં તેને યોગ્ય પાત્ર મળવું મુશ્કેલ હશે એવો એક સમાજિક ભય પણ આ કુપ્રથાને જીવિત રાખવા માટે કારણભૂત છે. મિથ્યા પારિવારિક શાન સાથે જોડનારા અમુક લોકો આ પ્રથાની તરફેણમાં એવી પણ દલીલો કરતાં હોય છે કે જે તે બાલિકાવધુને તેની નિશ્ચિત ‘પ્યુબર્ટીક મેચ્યોર્ડ’ ઉંમર પછી જ હકીકતે તેનાં પતિ સાથે રહેવા સાસરે મોકલાતી હોય છે અને રાજસ્થાનમાં તો જે તે પતિ પોતાની પત્નીનું મુખ તે સમય સુધી જોઈ પણ નથી શકતો! આવી દલીલો આપવા વાળા લોકોને એ વાતનો કોઈ અહેસાસ પણ નહિ હોય કે એક સ્ત્રીની પણ પોતાનાં જીવનસાથીને પસંદ કરવાની કોઈ સ્વતંત્ર પસંદગી હોઈ શકે છે. પતિ-પત્નીને જેઓને પોતાનું આખું આયખું જે વ્યક્તિ સાથે ગાળવાનું છે તેનું ન તો વિવાહ પહેલાં મુખ જોવાનું કે ન તો ક્યારેય એકબીજાને સમજવાનાં  ભાગરૂપે મળવાનું! બાળલગ્નો કરવાં પાછળની આવી માન્યતાઓ લોકોની દંભી વિકૃત માનસિકતાનો વરવો ચહેરો ઉજાગર કરે છે. જેવી રીતે આપણે દુનિયામાં ઝડપથી વિકસતાં રાષ્ટ્રનું ગૌરવ લઈને ફૂલાઈએ છીએ એવી રીતે કજોડા અને બાળવિધવાઓની દોજખભર્યા જીવનનું કારણ બનતી બીજી અનેક રીતે સામજિક તંદુરસ્તીને રુગ્ણ કરતી કુપ્રથાઓને ડામવાની ઝડપ વિશે પણ આપણે થોડું ગંભીરતાથી  ન વિચારી શકીએ?

ખોટા નિદાન પછી આપેલું ઔષધ બીજી અનેક બિમારીઓને નોતરતું હોય છે.