Wednesday, February 12, 2014

સંવેદનાની સમસ્યા

એશીનાં દાયકામાં અમેરિકા વસતો ગુજરાતી મૂળનો એક યુવાન ટેક્નોક્રેટ દિલ્હી આવેલો. દેશમાં રહેતા કોઈ સ્વજનને ટ્રંકકોલ કરવા માટે તેણે એક સવારે બુકિંગ કરાવ્યા પછી પૂરા આઠ કલાકે તે સ્વજન સાથે ટ્રંકકોલથી સંપર્ક જોડવામાં નિષ્ફળતા મેળવે છે. તે વખતે અમેરિકામાં ઉપલબ્ધ સંચાર વ્યવસ્થાની સરખામણીએ ભારતમાં થયેલાં આવા ઘોર નિરાશાજનક અનુભવે આ યુવાનને અંદરથી અકળાવી મૂક્યો! અને તે જ ઘડીએ તેણે એક ઝનૂની નિશ્ચય કર્યો કે આવી પરિસ્થિતિ બદલાવી જ જોઈએ; અને આને હું જ બદલીશ. આપણા અર્થતંત્ર અને સુખાકારીની વિભાવનાને મૂળથી બદલી નાખનાર માહિતી અને સંચાર ક્રાંતિનાં બીજ રોપણની ક્રિયા પાછળ આ જ ઘટના જવાબદાર છે. આ ક્રાંતિબીજને રોપનાર ઝનૂની ગુજરાતી યુવાન એટલે આપણા સામ પિત્રોડા. ભારતમાં આવી અનેક અગવડો આપણે ત્યારે પણ ભોગવતા અને અત્યારે પણ ભોગવી જ રહ્યાં હોઈશું, તો ઉપર જેવી ઘટનાઓ જ કેમ અમુક 'માઇલ સ્ટોન' ગણાતી ક્રાંતિનું કારણ બનતી હશે તેવો પ્રશ્ન જરૂર થાય. જરૂરિયાત એ નવાં નવાં આવિષ્કારોની જનની છે એવું તો આપણે સાંભળીએ છીએ પરંતુ હકીકતે જરૂરિયાત કરતાં પણ તે જરૂરિયાતોનાં અહેસાસની સંવેદના આપણામાં જાગવી વધું જરૂરી છે જે પ્રમાણે અમુક તત્કાલીન માનવ જરૂરિયાતનો એક અદ્વિતીય અહેસાસ દિલ્હીમાં સામ પિત્રોડાને થયો અને પરિણામ સ્વરૂપ દેશને એક સંચાર ક્રાંતિની ભેટ મળી.

આજે લગભગ દરેક ભારતીય પાસે પોતાનો એક સ્વતંત્ર મોબાઈલ ફોન છે પણ દેશમાં પાંસઠ ટકા નાગરિકો પાસે પર્યાપ્ત શૌચાલય જેવી પ્રાથમિક જરૂરી સુવિધા જ નથી! આવું શું કામ? આપણને પડતી અગવડો અને નડતી સામૂહિક સમસ્યાઓને અનુભવ કરવાની આપણી સંવેદનહીનતા જ આનાં માટે જવાબદાર છે. દેશમાં એવી અનેક ગંભીર સમસ્યાઓ મોજૂદ છે જેને આપણે એક સમસ્યા તરીકે અનુભવતા જ નથી તો પછી તેનાં ઉકેલ માટે તો કઈ રીતે વિચારીશું? આપણે એવી બે સળગતી સમસ્યાઓની આજે ચર્ચા કરવી છે કે આ બન્ને સમસ્યાઓ વચ્ચે કોઈ સીધો સંબંધ ન હોવા છતાં તેનો ઉકેલ એકબીજાનો બિલકુલ પૂરક હોય.
1-આપણી ઊર્જા જરૂરિયાતો અને તેની આયાત ઉપર અધિકાંશ નિર્ભરતા...
2-આપણી સામૂહિક સ્વચ્છતા અને તેના પ્રત્યે આપણી ઘોર ઉદાસીનતા..

પહેલાં તો આપણે પ્રશ્ન એક ઉપર આવીએ. ઝડપથી વધી રહેલી જનસંખ્યાનાં આ દોરમાં વધી રહેલી મોંઘવારી એ આપણો પ્રાણપ્રશ્ન બનતો જાય છે. આના માટે જવાબદાર છે આપણી ઊર્જા જરૂરિયાતોની આયાત ઉપરની અધિકાંશ નિર્ભરતા. પરિવહન માટે વપરાશમાં લેવાતાં પેટ્રોલ-ડીઝલ, રાંધણ ગેસ, રાસાયણિક ખાતરો અને કૃષિ પિયત માટે પાણી ખેંચવાનાં પંપને ચલાવવા વપરાતાં ક્રુડ ઓઇલનો પુરવઠો મુખ્યત્વે આયાત ઉપર જ નિર્ભર છે. એટલે જ છેલ્લાં એક દાયકામાં આપણે ઘણાં વખત યુરોપ-અમેરિકાના અર્થતંત્રને ચડેલા તાવની ઠંડી આપણા રસોઈઘરને ચડતી અનુભવી છે! ત્યારે એવું થાય કે શું આવી આયાતી કઠણાઈનો કોઈ જ તોડ નહીં હોય!

દેશમાં બીજો સળગતો સવાલ છે જાહેર સ્વચ્છતા અંગેની સામૂહિક 'કોમનસેન્સ'નો સદંતર અભાવ. દુનિયામાં જનસંખ્યામાં બીજા ક્રમે અને પાલતું પશુઓની સંખ્યામાં પહેલાં આવતાં આ દેશની મહત્તમ જનસંખ્યા ગામડાઓમાં વસે છે અને આ ગામડાઓ મનુષ્ય-પશુઓનાં સહિયારા મળમૂત્રનાં ખુલ્લા ઉકરડાઓનાં ઢેર વચ્ચે જીવી રહ્યા છે. વૈશ્વિક જળ-વાયુને ભયંકર હાની પહોંચાડતા 'મિથેન' જેવા ઝેરી વાયુનાં ઉત્સર્જન અને આપણા નબળાં સામૂહિક આરોગ્ય માટે આ ખુલ્લા ઉકરડાઓનો ઢેર જ જવાબદાર છે. શું આનો કોઈ ઉકેલ ખરો?

આધુનિક વિજ્ઞાને તેનો ઉકેલ બાયોગેસનાં સંશોધનથી આપેલો જ છે. હવે સવાલ આ ગંદકીની સમસ્યાનો આપણને જે અહેસાસ થવો જોઈએ તે નથી થઈ રહ્યો તેનો છે! ગામડું હોય કે શહેર દરેક ઘર માટે બાયોગેસ પ્લાન્ટ બેસાડવાનું ફરજિયાત કરીને તેમાંથી ઉત્પન્ન થયેલી ઊર્જાને જ વાપરવાનો આગ્રહ રાખીએ તો શું આપણે દેશના અર્થતંત્રને આયાતોથી પડતાં બોજથી ન બચાવી શકીએ?  આવો બોજ ઘટે તો જ મોંઘવારી કાબુમાં કરી શકાય. બાયોગેસની આ શોધ સામૂહિક સ્વચ્છતા માટે તો આશીર્વાદરૂપ બને જ પણ એનાંથી પણ વધું આપણા અને દેશનાં અર્થતંત્રનાં આરોગ્ય માટે સંજીવની જ સાબિત થાય એમ છે પણ જો આપણને હાલ પડી રહેલી અગવડો અંગેની સંવેદના આપણી અંદર જાગે તો... 

3 comments:

  1. સરસ લેખ. તમે સાચુ જ કહ્યુ કે જરૂરિયાતોનાં અહેસાસની સંવેદના આપણામાં જાગવી વધું જરૂરી છે. આ સવેદના આપણામાં જાગે પણ છે, પણ તે જરુરીયાત જો સરળતાથી પુરી થતી હોયતો લાંબા ગાળાના નુકશાન ને જોવા પણ નથી માંગતા. જેમકે, બળતણની જરુરીયાત, આપણે આસપાસના સ્તોત્રમાંથી જ તે મેળવવા પ્રયત્ન કરીશુ અને વૄક્ષોનો ખો બોલાવી દઈશુ પણ બાયો ગેસ જેવા વૈજ્ઞાનિક ઉપાયો ને નહી જોઇએ, કુદરતી હાજતે જવા જો તળાવ-નદી કિનારો કે એકાંત સીમાડો મળી જતો હશે તો ઘર આંગણે શૌચાલય બનાવામાં ગંદકી દેખાશે. અથવા જાહેર શૌચાલયમાં અપાર ગંદકી વચ્ચે-વધારાની ગંદકી કરી આવીશુ , બીજાનો વિચાર કર્યા સીવાય.

    પહેલી જરુરીયાત તો એ છે કે જે આપણે બીજા પાસે જે અપેક્ષા રાખીયે છે તે પહેલા આપણામાં કેળવો. ઘરથી લઈને સમાજ વિશે વિચારો.

    ReplyDelete
    Replies
    1. બિલકુલ સહમત મુકેશભાઈ

      Delete